એક મજાની વાર્તા : ડંખ .
- સંકલન: પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
ઘણા લાંબા સમય પછી લંડનમા સેટ થયેલી સ્મિતા ઇન્ડિયા આવેલી. અને એમાં પણ વર્ષો પછી વડોદરા આવી એટલે એને સૌથી પહેલી તેની ખાસ મિત્ર તમન્ના યાદ આવી. આમ તો ક્યારેક ફોન પર વાત થઈ જતી પણ રૂબરૂ મળવાનો મોકો લગભગ ૭-૮ વર્ષ પછી મળ્યો હતો.
તેણે તમન્નાને ફોન કરી બહાર મળવા કહ્યું. પણ તમન્નાએ બહાર આવવાની આનાકાની કરી. સ્મિતાને પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું. સ્મિતા પણ તમન્નાનો આગ્રહ જોઈ ના ન કહી શકી. તે તમન્નાએ આપેલ સમય મુજબ તેના ઘરે પહોંચી ગઈ. ઘરમાં સાસુ, સસરા, બાળકો અને પતિને પણ રજા હોઈ એટલે ઘરે જ હતો. બધાં બેઠાં સ્મિતા સાથે વાતો કરી. તમન્નાએ સ્મિતા માટે નાસ્તાની વ્યવસ્થા કરી. થોડીવાર થઈ એટલે સ્મિતા બોલી, *તમન્ના તું મારી સાથે બેસ. આ બધી ફોર્માલિટી છોડ. હું તને મળવા આવી છું, તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા આવી છું.*
*બસ જરા આટલું..* પતિ સામે નજર કરતા તે અટકી ગઈ.
*ના તમન્ના આપણે કેટલા વર્ષોથી ગપ્પા નથી માર્યા? ચલને બહાર કોફી શોપમાં જઈ બે-ચાર કલાક ગપશપ કરીએ.*
તમન્ના પતિ સામે નજર કરતાં અચકાતી બોલી, *ના સ્મિતા, નહીં ફાવે.*
સ્મિતાએ ખૂબ જીદ્ કરી. તમન્નાના પતિને જ તે કહેવા લાગી, *અમે નજીકમાં જ જઈએ છીએ જીજુ. હું એને મૂકી જઈશ બસ?*
તમન્નાનો પતિ સંકોચમાં કશું બોલી ન શક્યો.
બંને ઊભા થયાં. ઘરથી બહાર નીકળતા જ ઉંબરામાં સ્નેહાને ઠોકર વાગી. તેનાથી *ઓ મા* બોલાઈ ગયું. તે બહાર નીકળી તમન્ના પણ ગઈ. કોફી શૉપમાં પહોંચ્યા અને કોફી મંગાવી. બંને બેઠાં કોફી આવી ને કોફી આપતા જ વેટરનો હાથ અડવાથી સ્મિતાનો ફોન નીચે પડયો. તે લેવા તમન્ના નીચે વળી. તેણે સ્નેહાના પગમાં એક મોટું ગુમડા જેવું કંઈક જોયું એટલે પૂછયું, *અરે! સ્મિતા, તને આટલું બધું વાગ્યું ત્યાં ?*
*ના, આ તો જૂનું છે.*
*શું થયું છે આવું ?*
*અરે! તમન્ના, એક વીક પહેલા હું શોપિંગ કરવા ગયેલી. મને એક હાઈ હિલ મોજડી ખુબ ગમી ગઈ. તે ખૂબ મોંઘી હતી છતાંય મેં ખરીદી અને બે ત્રણ દિવસ પહેરી તો એ ડંખતી હતી એનો આ ડંખ છે.*
*અરેરે! પણ પછી એ મોજડી?*
*એ તો મેં ફેંકી દીધી. રોજ ડંખે એ કેમ પહેરવી?*
*પણ તો તો તારું મોટું નુકસાન થયું ને? કેટલા પૈસાનું?*
*ના તમન્ના, હું તો ફાયદામાં જ રહી.*
*કેવી રીતે ?*
*પાગલ તમન્ના, પંડની પીડા કરતા પૈસાની પીડા પોસાય. સમજી?*
તમન્ના કોણ જાણે ક્યાંક ખોવાઈ ગઈ હોય એમ ચૂપચાપ એક દિશામાં તાકી રહી. તેનો હાથ હલાવતા સ્મિતા બોલી, *અરે ! તમન્ના, તું કેમ મને ખૂબ અલગ લાગે છે? તારા નામ સિવાય મને તારામાં કોઈ તમન્ના કેમ નથી દેખાતી?*
*ના, હવે તું વધારે વિચારે છે સ્મિતુ.*
*પણ આ શું છે? હંમેશા સ્લીવલેસ ડ્રેસ પહેરનારી તું આમ લાંબી લચક સાડી અને એ પણ આખી કવર કરેલી? કેમ!?*
*બસ હવે ગમે છે.*
એટલામાં બહારથી હવાની જોરદાર લહેરકી આવી અને તમન્નાનો પાલવ ઊડયો. તેણે તરત પકડી લેવા પ્રયાસ કર્યો છતાં જરા ગળાનો ભાગ અને કમરનો ભાગ દેખાઈ ગયો. જેના પર ખૂબ લાલ ચકામા ને કંઈક નિશાન હતા. હવે તમન્ના નીચી નજર કરીને બેઠી.
*તમન્ના આ બધું શું છે?* સ્મિતા રોષ અને ચિતા સાથે બોલી.
*કંઈ નહીં. આ નવા કપડાં છે તે ચામડીને ડંખતા હશે કદાચ!* તે ઊભી થઈ.
*ચલ જઈએ.* કરી ચાલવા લાગી.
સ્મિતાએ તેનું બાવડું ઝાલી ક્હ્યું, *તો પછી બદલાવી દેને.*
તમન્નાની આંખમાં ભીનાશ વર્તાઈ ને તે બોલી, *સ્મિતા, કપડાં કે ચપલાં ડંખે તો બદલાય પણ..?*
*શું તમન્ના પણ શું? તને શું લાગે છે તું કોઈ મહાનતાનું કામ કરે છે?*
*સ્મિતા, તું છોડને બધુ. ચલ જઈએ.*
હું પણ તને એ જ કહું છું, *છોડને બધું. તમન્ના ડંખ આપે એને દૂર કરાય એમાં દેર ના કરાય. અને દવા હંમેશા ડંખની થાય ડંખ આપનારની નહીં. ડંખ આપનારથી તો દૂરી જ કેળવવી પડે. સમજી?*
એજ ક્ષણે તમન્નાની આંખમાં એક ચમક દેખાઈ કોઈ મક્કમ નિર્ધારની ચમક. તેના કાનમાં સ્મિતાના શબ્દો ગુંજવા લાગ્યા, *ડંખથી દુરી કરાય.*
*જો દેહના ડંખ ન ખમાતા હોય તો દિલના ડંખ તો કેમ ખમવા!?* આ વાત તમન્ના આખી રાત વિચારતી રહી. ને એ રાત પછીની બીજી સવારે તમન્ના એ રોજિંદા ડંખથી દૂરી કરી ચાલી નીકળી.
લેખક : નિધિ મહેતા