એક મજાની વાર્તા : હ્યુમન બુક
- સંકલન: પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
'આ સાંજ એટલે વ્હીસ્કીનાં પેગમાં ઓગળવા મથતી અકથ્ય સંવેદનાનું અવલંબન'
હેલ્લો! સમયનાં હ્યુમન લાઈબ્રેરીમાં પ્રવેશતાંની સાથેજ એનું સ્વાગત થયું, એ રીસેપ્શન ટેબલ પર પહોંચ્યો. રીસેપ્નીસ્ટ પાસે જઈ જરૂરી ઓળખપત્રો બતાવી સહી કરી.
આજે સમય કોઈનાં સમયને કચકડે આકારવા માટેનાં રંગો લેવા આવ્યો છે. લાઈબ્રેરીયન સાથે એમણે પોતાનો ઉદેશ શેર કર્યોે કે આગામી ફિલ્મ માટેની સ્ક્રિપ્ટમાં એક એવી પુખ્ત ઉમરની ી કે જે પોતેજ એક કલાકૃતિ જેવી હોય અને પોતાની શરત પર જીવવા માટે કોઈ ઠોસ કદમ લઇ રહી હોય.
કોન્ફરન્સ હોલમાં કોફીની સુગંધ તો ક્યાંક વાઈનના ગ્લાસનો ટકરાવાનો અવાજ , એકદમ ધીમું સંગીત વહેતું હતું. એકેક આંખોમાં અભિવ્યક્તિનો ઉત્સાહ તો ક્યાંક કૈંક મેળવવાની મથામણ કરતી ચકોર નજર. એણે પોતાના હાથમાં રહેલાં કાર્ડ તરફ જોઈ ટેબલ નંબર વેરીફાઈ કર્યો.આ હ્યુમન બૂક ક્લબ હતી.
શહેરમાં છેલ્લા એકાદ વર્ષથી હ્યુમન બૂક ક્લબ શરુ થઇ હતી. અમુક લોકો મુક્ત પણે આ વ્યવસ્થાનાં ભાગીદાર થયાં હતા. અહીં લોકો પોતાને બુક્સ તરીકે નોંધણી કરાવતા હતાં. કોઈ કોઈ પેઈડ હતા તો કોઈ મસ્ત મૌલાના જેવા હતાં અને એ આવનાર વાચક કમ લેખક સાથે નક્કી કરેલાં સમય પ્રમાણે પોતાની જીવન ડાયરીનાં પાનાં ખુલ્લા મુકતાં. મોટે ભાગે અહીં સ્ક્રીપ્ટ રાઈટર્સ , કોલમિસ્ટ અને લેખકો અવારનવાર મુલાકાત લેતાં હતાં. અને હ્યુમન બુક્સ સાથે વિચાર વિમર્શ કરતાં.
હું શકુંતલા બેનરજી, સમય આશ્ચર્યથી જોઈ રહ્યો.જાણે મોગરાની મહેક એનાં જહાનમાં ફરી વળી. શકુંતલાએ એની આંખમાં ઉગી નીકળેલાં વિસ્મયનો જાણે જવાબ આપ્યો.હા, હું કણ્વ ષિની શકુંતલા નથી પણ એવીજ માનો. સમય શકુંતલાની ઓળખ આપવાની રીતથી ખુશ થઇ ગયો. પોતાના હાથમાં રહેલ આઈ. કાર્ડ. બતાવ્યું. બુક નંબર ૨૭. સમય- ૧ કલાક ૩૦ મીનીટસ.
આજે સવારેજ કથાનક બાબતે ડીરેક્ટર સાથે વાત થઇ હતી, અને એ સંદર્ભેજ આજે એ લાઈબ્રેરીમાં આવ્યો હતો.
પોતાના મનમાં આકાર લઇ રહેલી સ્ક્રીપ્ટ સાથે શકુંતલા જાણે એકદમ બંધ બેસતી લાગી. વેઈટર આવી મેન્યુ કાર્ડ આપી ગયો.
શકુંતલા સામે જોઈ બે કોફીનો ઓર્ડર આપ્યો.
સમયે ખામોશી તોડી કહ્યું, શરૂ કરીએ? કોફી આવી ગઈ.
વરાળની આરપાર એ સુંદર અને મક્કમ લાગતા ચહેરાએ વાત શરુ કરી.
હું કૈંક નવું કરવા જઈ રહી છું. લોકો વખોડશે અથવા આ વાત કેટલા અંશે પચાવી શકશે કે કેમ એ પ્રશ્ન છે.પણ ઠીક છે . જીવનનાં અર્ધા દાયકા સુધી આવુજ વિચારી વિચારીને સફર શરુ રાખી હતી. પણ હવે લાગે છેકે, જે લોકોને મારા સંવેદનો, મારા વિચારો સાથે નિસ્બત ન હોય એમની સાથે?અલબત્ત દુનિયાદારી નિભાવવા જ આટલાં વર્ષો કાઢયાં.પણ હવે ક્યાંક અંદરથી અવાજ આવે છે કે બસ કર હવે...
એણે કોફીનો ઘૂંટ ભર્યો. એની આંખમાં વરાળ જાણે હમણાં વાદળ બની વરસસે એવું લાગતું હતું. પણ એ બીજી મીનીટેજ સ્વસ્થ થઇ ગઈ. બોલી, બસ આમજ જીવનની અણગમતી પળો સ્વસ્થતાનું મહોરું પહેરી નિભાવી.
સમય એની કહાનીને ધ્યાન દઈ સાંભળતા, સાંભળતા શકુંતલાનું નિરીક્ષણ કવિ કાલીદાસની નજરે કરી રહ્યો હતો.
એણે ડાયરીમાં નોંધ ટપકાવી મોટી આંખો, એકદમ લીસ્સા વાળ, લંબગોળ આકર્ષક ચહેરો અને ગાલોમાં પડતાં ખંજન.
હા,તો દોસ્તોની દુનિયા કેવી છે? એ લોકોનું તમારા તરફનું વલણ કેવું રહેશે ? ખુલ્લો સાથ આપનારા ખરાં?
મેં એ બાબતે ખાસ વિચાર્યું નથી. કારણ આમ પણ આ તો એની સાથેજ આવી મળેલાં દોસ્તો છે, સમય પ્રશ્નસૂચક નજરે જોઈ રહ્યો. શકુંતલાને એ જાણે ટ્રાન્સમાં લઇ ગયો હોય એમ શકુંતલા પોતાની કહાની કરતી રહી.
લગ્ન પહેલાજ મારા ફાધર નું વર્તન, મારી માનું સતત શોષણ આ બધું જોઇ જોઈ ને મને કોઈ પર પ્રેમ તો થયોજ નહિ, સમય જતાં લગ્નની પાત્ર પસંદગીમાં પણ હું થોડી ઉદાસ જ હતી. ઠીક છે, બધાનાં થાય એમ મારા પણ લગ્ન થયાં. સમય જતાં હું પ્રમાણિકપણે મારા બાળકોનાં ઉછેરમાં પડી ગઈ. મારી જોબ મને પરોક્ષ રીતે લાગણીના વહેણમાં તરતી મૂકી દઈ છોડાવી દીધી. મારા આ ઘરેડીયા જીવનમાં ક્યાંય લાગણીનું જાણે સ્થાન જ નહોતું. બસ જરૂરિયાતનો એક માત્ર સંદર્ભ. મારી દુનિયા હવે મારા ચિત્રો અને મારા સંતાનો મારા મિત્રો બસ એમ જ દિવસો પસાર થતા ગયા. ચિત્રોની દુનિયામાં નામ પ્રસ્થાપિત થતું ગયું. બંને બાળકોને પરદેશમાં શિક્ષણ અપાવ્યું ત્યાં જ સ્થિર થયાં. હવે એકલી સ્વતંત્રતાથી ફરું છું.
એ હવે પહેલા કરતા પણ મારા પ્રત્યે ઉદાસીન બનતો જાય છે. એનો વ્યવસાય , વ્યવસાય સંદર્ભની ટૂર, સાથે પર્સનલ સેક્રેટરી .... બધું જ. મને લાગે છે કે જે વ્યક્તિ મને ઓળખતી જ ન હોય એ રીતે વર્તાતી હોય એને મારા નિર્ણયથી શું ફેર પડે?
અચ્છા તમારા સંતાનો સાથે આ બાબતે ચર્ચા થઇ છે ક્યારેય?
એ આ યુગનાં છે, અને ત્યાં રહેવાથી અહીંની ખોખલી પરંપરાઓથી જોજનો દુર છે. આછો આછો ખ્યાલ છે.
આવતા વર્ષે ત્યાં મારું એક્ઝીબીશન ગોઠવાયું છે. પણ મને લાગે છે કે એ પહેલાં હું મારું કામ પતાવીને જ જાઉં.
સમય હસ્યો અને એણે એક નવી દરખાસ્ત મૂકી કે એ મી.દુષ્યંતને મળી શકે? અલબત આ વાતનો સંદર્ભ કહ્યા વગર છતાં આ વાતના સંદર્ભ માં જ.
શકુંતલા હસી પડી એના હાસ્ય પાછળ ક્યાંક વેદના છલકતી હોય એવું સમયને મહેસુસ થયું.
બહાર વીજળીની ગર્જના સાથે વરસાદ શરુ થયો હતો, શકુંતલા એકદમ ધીમા સ્વરે બોલી. ચોક્કસ પણ એ મારી જેમ ફ્રી નથી. અને એને એના બીઝનેસ અને પર્સનલ સુખ સિવાય કોઈ વાતમાં રસ નથી. બાય ધ વે, તમે હમણાં મી.દુષ્યંત કહ્યું એ નામ એનું નથી. હા કથાની શરૂઆત માં એ બરાબર નામ છે.
આપણે આગળ કઈ રીતે આકાર આપી શકાય? સમય બોલ્યો.
તમારી પાસે થોડો સમય હોય તો આગળનો પ્લોટ પણ મારી કથામાં થી જ લખી શકશો.
હા પણ એ તમારી વાત માં સહમત થશે?
શકુંતલા એક ધારદાર નજરે બોલી, થવું પડશે, કોઈ પણ વાતમાં કોઈ નાની મોટી ચર્ચા પરથી ખ્યાલ આવી ગયો છે કે એ પણ એવુજ ઈચ્છે છે.
કદાચ તમારો આ નિર્ણય સાંભળીને તમને સમજાવામાં તમારા સંતાનોનો ઉપયોગ ન કરે?
સંભવ છે, બંને પક્ષના કુટુંબના સભ્યોનો પણ કરે. જો કે હું મક્કમ છું, જે બાકીની જીંદગી છે એ હું મારી ગમતી કેડી પર જ ચાલીશ.
તમને નથી લાગતું કે આ સામાજિક શરમે કેટકેટલા લોકોને અકાળે મૂરઝાવી નાખ્યા છે?
સમય હસ્યો અને કોમ્પ્લીમેનટ્સ આપતો હોય એમ બોલ્યો નાં તમે હજુ મુરઝાયેલા તો નથીજ.
થેંક યુ ... શકુંતલા ફિક્કું હંસી.
કાલે મારા લોયર સાથે મીટીંગ છે, તમે સાથે આવી શકો છો એક દોસ્ત તરીકે.તમને સંવાદો લખવામા ઉપયોગી થશે.
ઓહ! સમય બોલ્યો મેની મેની થેન્ક્સ. મી દુષ્યંત અત્યારે ટુર માં છે?
હા એ આવતા વીકે આવશે.
બંને છૂટા પડયાં. બીજે દિવસે લોયરને મળ્યાં. ત્યાં જે રીતે શકુંતલાએ દુશ્યાંતનું શબ્દ ચિત્ર ઉપસાવ્યું એ સાંભળીને સમય એક દુખદ આશ્ચર્ય સાથે જાણે થંભી ગયો.
થોડા દિવસમાં સમયના મોબાઈલમાં મેસેજ બ્લીંક થયો કન્ફર્મ. સમય પણ અચંબિત રીતે પોતાની સ્ક્રિપ્ટમાં રંગો પુરતો ગયો
છ મહિના પછી...
છાપામાં મોટા અક્ષરે વાંચવા મળ્યું. ટાઈટલ હતું, જાણીતા ઉદ્યોગપતિની પત્નીએ પચાસની ઉમરે છૂટાછેડા મેળવ્યા. ન્યાયાધીશ પાસે ખુલાસો કર્યો ેકે, આટલા વર્ષોે એક જ ઘરમાં રહ્યા એ વાત ખરી પણ એક છત નીચે રહેવાને સહજીવન કહી શકાય?
અને સમયે સ્ક્રીપ્ટ તૈયારથઇ ગઈ છે એ કહેવા ડીરેકટરને ફોન લગાવ્યો...
- લેખક: પ્રતિભા ઠક્કર