એક મજાની વાર્તા : અંતિમ ચુકાદો
- સંકલન: પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
- કપરા મનોમંથન પછી ભારે હૃદયે મનોહરભાઈ યુદ્ધમાં હારેલા યોદ્ધાની જેમ નીચે બેઠક-ખંડમાં જાય છે. જાણે તેમના એક એક પગલે અંતર વધતું જતું હતું. એમની પાસે કોઈ ફરિયાદ કે આજીજી ન હતી. તેમણે સ્વીકૃતિ કરી હતી.
''માન્યું બહુ કપરાં ચઢાણ હતાં,
પણ ટોચે સત્યના મંડાણ હતાં.''
વાતાવરણ સ્તબ્ધ હતું. તોફાન પહેલાની નહીં પણ આવી ગયા પછીની તંગદિલી વર્તાઈ રહી હતી. સંબંધોના તાણાવાણા વિખરાઈ પડયા હતા. ખુલ્લી બારી બહારથી આવતા પવનમાં મોંઘા મલમલના પડદા સાથે ગમગીન હવા રૂમમાં અહીંતહીં ઊડાઊડ કરી રહી હતી. તદ્દન ફિક્કા ચહેરે મનોહરભાઈ આરામ ખુરશીમાં આગળ પાછળ ઝૂલી રહ્યા હતા. તેમના મનમાં સંગ્રામ ચાલી રહ્યો હતો. આટલા વર્ષ જજ તરીકે કેટકેટલાં કિસ્સાઓ અને ઘટનાઓ થાળે પાડી હતી , પરંતુ નિવૃત્તિ પછી આજ પહેલી વખત અંગત કેસ આવ્યો હતો અને એમને િ નર્ણય લેવાનો હતો. જેમાં ફરિયાદી અને ગુનેગાર બંને પોતાના જ પરિવારના હતા.
કપરા મનોમંથન પછી ભારે હૃદયે મનોહરભાઈ યુદ્ધમાં હારેલા યોદ્ધાની જેમ નીચે બેઠક-ખંડમાં જાય છે. જાણે તેમના એક એક પગલે અંતર વધતું જતું હતું. એમની પાસે કોઈ ફરિયાદ કે આજીજી ન હતી. તેમણે સ્વીકૃતિ કરી હતી. એ સૌના ચેહરા જોઈ એક લાંબા નિ:સાસા સાથે બોલે છે ,''બંન્નેમાંથી કોઈની પણ તરફેણમાં હું નિર્ણય લઉં દુ:ખ થવાનું જ છે. પણ આ ઘટનાથી શીખવાનું એ છે ,કે કોઈ પણ પગલું લેતા પહેલા સો વાર વિચાર કરવો. સો ગરણે ગાળીને પણ રચવામાં આવેલ સંબંધને સાંચવીએ નહીં તો એ દૂષિત તો થશે જ.''
''પપ્પા પ્લીઝ આ તમારી કોર્ટ નથી. સીધેસીધું કહો ને તમારે જે કહેવું છે તે !'' ચિડાઈ ગયેલા સ્વરે દક્ષ બોલે છે. ત્યારે મીનાક્ષીબેન તેને ચૂપ રહેવા ઈશારો કરે છે. એક પણ શબ્દ બોલ્યા વગર નીચું માથું રાખી ઊભેલી દિશાને સંબોધી મનોહરભાઈ કહે છે , '' દીકરી માફ કરજે તારે આવી ઘટનાનો ભોગ બનવું પડયું. મારા દીકરાએ વગર વિચાર્યું પગલું લીધું અને તે પ્રેમથી સંભાળી રાખેલ સંબંધમાં ભંગાણ થયું, અફસોસ છે મને એ વાતનો. તું આ સંબંધમાંથી મુક્ત થા , હું પણ એવું ઇચ્છુ છું. આ સ્થાને મારી દીકરી હોય ત્યારે પિતા તરીકે આ જ નિર્ણય લેવાનો થાય. તું પણ કોઈની દીકરી છે અને આ ઘરમાં પરણીને આવી છો. તું અમારી જવાબદારી છો. '' સહનશક્તિની સીમા વટાવી ચૂકેલ દક્ષ ગુસ્સો વરસાવતા કહે છે ,''આ શું છે? તમે મારા પપ્પા છો કે દિશાના ? મેં કહ્યું તો ખરું ભૂલ થઇ ગઈ મારી. અમારો ઝઘડો થયો અને હું ગુસ્સામાં હતો એટલે મેં પેલી રિયા સાથે....''હાથ ઊંચો કરી મનોહરભાઈ દક્ષને આગળ બોલતા રોકે છે. '' આવેગમાં આવીને કોઈ પણ પગલું લેવામાં આવે ત્યારે પરિણામ માઠાં જ આવે. વ્યક્તિ એક ભૂલ છુપાવવા માટે વધારે ને વધારે ભૂલો કરતો જાય છે અને રોગ જયારે આખા શરીરમાં ફેલાઈ જાય ત્યારે માત્ર મૃત્યુનો જ વિકલ્પ રહે છે. સંબંધનું મૃત્યુ.''
એક પિતા તરીકે પોતાના પુત્રની ભૂલની અવગણના કરવી એ મનોહરભાઈને મન સૌથી મોટો ગુનો હતો. તેમણે તટસ્થ રહીને આ નિર્ણય કર્યો હતો. ''દિશા તું છૂટ થી જઈ શકે છે. છૂટાછેડાની તમામ વિધિ હું સંભાળી લઈશ. અને તને કોઈ પણ સમસ્યા હોય તેની જવાબદારી લેવા હું તૈયાર છું.'' આટલું કહી મનોહર ભાઈ પોતાનો અંતિમ ચુકાદો આપી ઘરની બહાર પગલાં માંડે છે. પહેલી વાર આટલો અઘરો કેસ આવ્યો હતો. આટલા અંગત વ્યક્તિની વિરુદ્ધમાં સુનવણી કરવાની થશે તેવું એમણે ક્યારેય વિચારેલું નહીં. તેમના ચેહરા પર શોકની કરચલીઓ સાથે પોતે દિશા સાથે અન્યાય નથી કર્યો એ વાતની ધરપત પણ ક્યાંક છલકાતી હતી.
''માન્યું ,બહુ કપરા ચઢાણ હતા,''
''પણ ટોંચે જ સત્યના મંડાણ હતા.''
- લેખક- રીષીતા જાની