Get The App

એક મજાની વાર્તા : '' પારિજાતની મહેક''

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
એક મજાની વાર્તા : '' પારિજાતની મહેક'' 1 - image


- સંકલન: પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

   બીજાની નજરથી આમ જાતને નિહાળવાનું,

ને ખુદનાં પ્રતિબિંબને ક્યાં સુધી ટાળવાનું ?

વેરવિખેર હોય છે તૂટેલા સ્વપ્નોની કરચો,

સહેલું નથી સફરમાં, રસ્તાને પાછા વાળવાનું.

પોતાના પ્રિય પારિજાતનાં છોડમાં પાણી સીંચતા મહેકનું ધ્યાન એની સૂકાતી જતી ચોરસ નાજુક ડાળીઓ પર ગયું. હવામાં ધીમું લહેરાતાં એનાં પાંદડા પર મૃદુતાપૂર્વક  હાથ ફેરવીને દિન પ્રતિદિન ખરીને ઘટી રહેલા એનાં જથ્થા વિશે વિચારતાં એ થોડી ચિંતાતુર બની.

''મહેક...ઓ મહેક ..... અરે ક્યાં છો તું ?''

''એ આવી... ''  બગીચામાં ક્યારાને પાણી સીંચતા ભીના થયેલા હાથને ઓઢણીનાં છેડાથી લૂછતાં એ ઘરમાં પ્રવેશી કે તરત જ માનવ જાણે તાડૂકી ઉઠયો.

''તને કેટલી વાર કહ્યું છે કે ઘરમાં જે કામ માટે નોકર ચાકર રાખ્યા છે, એવા કામો તું નહીં કર્યા  કર. પણ તારે ક્યાં સાંભળવુ જ છે ?  માળીકાકા આવીને તારા બગીચાની દેખરેખ રાખે જ છે પછી  ક્યાં સવારના પહોરમાં એ ઝાડવાંઓની પાછળ નકામો સમય બગાડે છે ?''

''પણ માનવ, હું તો ખાલી પેલા પારિજાતના છોડને ...''

''ઓકે, ઓકે .. લિસન, આજે સાંજે અમારા સિનિયર ડા. ત્રિવેદીની એનિવર્સરીની પાર્ટી છે. શહેરના ખ્યાતનામ ડોક્ટર્સ  પોતાના  ફેમિલી સાથે હાજરી આપશે. આપણે પણ જવાનું છે.'' 

''ઓકે માનવ, હું સાંજે તૈયાર રહીશ.'' પરાણે હસતો ચહેરો રાખતાં મહેકે જવાબ આપ્યો.

''ધેટ્સ નોટ  ઇનફ, ડાલગ. સાફિસ્ટીકેટેડ લોકોની એકસ્ટ્રા માડર્ન પાર્ટી હશે. ત્યાં તારો આ દેશી લુક નહિ ચાલે. આજે ઘરના નકામા કામ છોડીને તું બપોરે જ વેસ્ટર્ન ડ્રેસ માટે મોલમાં અને પછી મેકઅપ માટે બ્યુટીપાર્લરમાં જઇ આવ.''

'' પણ માનવ... વેસ્ટર્ન  ડ્રેસ? ....''

''એ તને પસંદ પડે એ ખરીદી લેજે. પણ હા...કલર થોડો બ્રાઈટ લેજે, છેલ્લે ડો. દેસાઈની પાર્ટીમાં તું તદ્દન બોરિંગ એવા વ્હાઇટ એન્ડ ઓરેન્જ કલરનાં સલવાર-કમીજ પહેરીને આવી હતી.'' 

''એ મારા ફેવરિટ કલર છે, માનવ. અને બ્યુટીપાર્લરમાં મેકઅપ માટે ના જઉ તો ચાલશે ડિયર ? મને એવા લપેડા પસંદ નથી. તું જ કહેતો ને કે મારી નેચરલ બ્યુટીથી જ તું આકર્ષયો હતો મારા પર.''

''યસ ડાલગ, પણ આ મેગાસીટી છે, જેનું અલ્ટ્રામોડર્ન કલ્ચર છે. એને અનુરૂપ થઈને રહેવામાં મારુ સ્ટેટસ જળવાય.પાર્ટીમાં લોકો જોતા રહી જવા જોઈએ  ડો.  માનવ મહેતાની મોસ્ટ બ્યુટીફુલ એન્ડ મોડર્ન વાઇફને. ૭.૦૦ વાગ્યે તૈયાર રહેજે.''

''બાય બ્યુટીફુલ, લવ યુ'' બોલતા મહેકના ગાલ પર હળવું ચુંબન કરીને માનવ  હોસ્પિટલ જવા નીકળ્યો. 

      મહેક  એકાદ મિનિટ શૂન્યમનસ્ક ઉભી રહી, પછી સામેના આયનામાં પોતાના નખશિખ સુંદર  પ્રતિબિંબને જોઈને સ્વગત બબડી, ''દેશી લુક''! એનું મન ગ્લાનિથી ભરાઈ ગયું જાણે.  ડાંગ જિલ્લાના નાના ગામડાની, અનુસૂચિત જાતિની શિક્ષિત છોકરી 'મીના વસાવાદમાંથી  'શ્રીમતિ મહેક મહેતા''   બની હતી. મેડિકલની શિબિરમાં પોતાના ગામડે આવેલા ડો. માનવને એ પહેલી જ નજરે ખૂબ ગમી ગયેલી. અને પછી બંને પક્ષના વડિલો પાસે રજૂઆત અને વિધિવત્  સગાઇ-લગ્ન. પરીકથા જેવું જીવન! માનવના ફેમિલીમાંથી જેણે પણ એને પહેલીવાર જોઈ, એનો ઉદગાર કંઇક આવો જ રહેતો કે, '' ખૂબ સુંદર છોકરી છે, પછાત વર્ગની તો બિલકુલ નથી દેખાતી''.  એક ઘસરકો પડી જતો મહેકનાં સંવેદનશીલ હૈયામાં. ઘેરાયેલી ઉદાસીને ખંખેરવા માટે એ ફરી આંગણામાં આવી.  પારિજાતનો આ છોડ એ પોતાની સાથે, પિયરનાં આંગણામાંથી લાવી હતી અને અહીં રોપ્યો હતો. પ્રકૃતિ પ્રત્યે વિશેષ લગાવ હતો આ નાનકડા ગામડાની છોકરીને, એમાંય આ પારિજાત તો બધાથી પ્રિય! સાદગીના પર્યાય જેવા શ્વેત ફુલ અને એની નાજુક કેસરી દાંડી! મા ક્યારેક હસતી કે  ''મીનુને ગુલાબ અને મોગરા જેવા સુગંધી ફુલ છોડીને આ પારિજાતના નમાલા ફુલની શું માયા છે !'' એ અકળાઈને જવાબ આપતી, ''એ નમાલું ફુલ નથી, મા. એનો દેખાવ નાજુક છે, બાકી મજબૂત થડ અને ડાળીવાળું વૃક્ષ છે. ગુલાબ જેવો રૂપનો દેખાડો કે મોગરા જેવી સુગંધની તીવ્રતા ભલે નથી એનામાં પણ પારિજાત પાસે સૌમ્ય સુંદરતા અને સુગંધી દિવ્યતા છે. એની આજુબાજુ મને મારા અસ્તિત્વની એકરુપતા લાગે છે, માધ અને એટલે જ બાપુએ પોતાની મીનુને દહેજની જેમ ભેટમાં આપ્યો હતો આ છોડ! 

ગઇકાલનો માળીકાકા સાથેનો સંવાદ યાદ આવ્યો મહેકને. 

''કાકા, આ પારિજાતને શું થયું છે ? નિયમિત દેખરેખ, વિદેશી ખાતર અને અનુકૂળ જમીન.. આટલી કાળજી છતાંય એ કેમ મૂરઝાતો જાય છે ?

'' એવું નથી,બેટી કે જતન કરો એટલે ફુલછોડ ખીલી જ ઉઠે, એને આબોહવા પણ માફક આવવી જોઈએ. આ છોડને અહીંની હવા નથી ફાવતી.''

એક ટીસ ઉઠી મહેકનાં મનમાં. માણસની જેમ આબોહવાને અનુકૂળ થવાનું આ વૃક્ષોને   નહિ આવડતું હોય ? 

હૈયું કઠણ કરીને એણે બગીચાનાં ખૂણામાં પડેલી લોખંડની કોશ ઉઠાવી અને બે-ત્રણ હળવા  ઘા મારીને પારિજાતના એ સૂકાયેલા,નાજુક છોડને મૂળમાંથી ખેંચી કાઢયો. સજળ આંખે એને ડસ્ટબિનમાં ફેંકતા મહેકના હાથ  ધુ્રજી ઉઠયાં. 

ક્યારામાં ગુલાબનાં છોડ માટે જગ્યા ખાલી થઈ હતી પણ પારિજાતની મહેક જમીનમાંથી વિખૂટી પડીને મહેકનાં અસ્તિત્વમાં ફેલાઈ ગઈ હતી.  

લેખક - ક્રિષ્ના આશર 


Google NewsGoogle News