એક મજાની વાર્તા : *પૂર્વગ્રહ* .
- સંકલન: પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
- દીકરીના શિક્ષણમાં પૂર્વગ્રહને કોઈ સ્થાન નથી અને હોવું પણ ન જોઈએ. આવો જાપ્તો જ રાખવાનો હોય તો તમે એને ઉચ્ચ-અભ્યાસ કેમ કરાવો છો! આ તો તમે જ તમારી દીકરીની શૈક્ષણિક અને વ્યાવસાયિક સફળતામાં મોટો અવરોધ હોય એવું મને લાગે છે. તેનો અભ્યાસ પૂર્ણ થઇ જશે પછી શું કરશો!
સદીઓથી ચાલી રહેલ આ લડાઈ ,
કાંઈ એમ સહેલાઈથી જીતી શકવાની નથી !!
નર - નારી બે શબ્દોના તફાવતમાં
મોટો 'ઈ' જ છે ,
કાનો માત્રા વગરના શબ્દનું
આ શક્તિશાળી શાસન,
થાશે સહેલાઈથી સમાપ્ત તેમ
કહેવું હજી વહેલું છે.
અરે, સાહેબ તમે આટલી પ્રસિદ્ધ યુનિવસટી છોડીને અહીં સ્થાનિક યુનિવસટીમાં પ્રવેશ લીધો તમારી દીકરીનો !! તમે જે યુનિવસટીમાં પ્રવેશ ન લીધો ત્યાં પ્રવેશ મળવો એ તો દરેક વિદ્યાર્થીનું સપનું હોય છે! પછી કેમ આવું!!
જુઓ, મને ખબર છે, તે પ્રસિદ્ધ યુનિવસટીની બધી ખાનગી વાત.
અરે, આખી રાત ત્યાં ભણવાના નામે છોકરા છોકરીઓ શું કરે છે તમને ખબર છે! ભણવાની વાત તો દુર રહી પણ ત્યાં નશો કેવી રીતે કરવાનું એ તો પહેલાં જ વર્ષમાં શીખી જાય. ત્યાર પછી વ્યસનના ચક્કરમાં એવા ફસાઈ જાય કે બહાર જ ન નીકળી શકે.
તમે એ બધા કરતૂત જાણો તો તમે પણ ના મોકલો તમારી દીકરા કે દીકરીને !
ઓહ , તો તમે આટલું ભણેલ હોવા છતાં પણ એવું વિચારો છો!
એક બે જણાના લીધે કે એકાદ બે બનાવ છાપે ચઢી ગયા હોય ત્યારે બધા જ છોકરા - છોકરીઓ એવું જ કરતા હશે એ કેમ કરીને માની લેવાય? દીકરીના શિક્ષણમાં આટલો બધો પૂર્વગ્રહ!
હાસ્તો, તમને ખબર છે અહીં તો મારી દીકરી તેના કલાસમાં હાજર ન હોય તો મને તરત જ ખબર પડી જાય.
અરે, તે ક્યાં જાય છે, કોની પાસે રહે છે, શું કરે છે! મને બધી જાણકારી તો હોવી જ
જોઈએ ને!!
સુનિતા બોલી ઉઠી - સાહેબ, તમે જે કહી અને કરી રહ્યા છો તે તો જાપ્તો કહેવાય. તમે આટલા મોટા પદ પર અહીં છો, આટલું ભણેલ છો અને તમારી જ દીકરી માટે આટલી બધી પાબંધી?
આ જ્યોતિકાની દીકરી જુઓ, તેણે તો છેક દિલ્હી ભણવા મોકલી છે. તમને ખબર છે સ્ત્રીઓ પર આચરવામાં આવતા ગુના માટે દિલ્હીનો ક્રમાંક પ્રથમ છે. કોઈ પણ હોય એક વખત તો જરૂરથી વિચારે પોતાની દીકરીને ત્યાં ભણવા માટે મોકલતા પહેલા!
અરે , સુનિતા એ જ્યોતિકાએ તો મુર્ખામી જ કરી છે. થોડા મહિનાની જ વાર છે. પોતાની દીકરી માટે તેને તો ચોધાર આંસુએ રડવાનો સમય આવવાનો છે. હું તો કહું છું કે તેની દીકરી પાછી આવે તો ઠીક છે, બાકી ક્યાંક આડા રસ્તે ચડી ગઈ તો શોધતા ય દીકરી પાછી નહીં મળે.
સાહેબ, જ્યોતિકાએ તો એવું ક્યારેય વિચાર્યું નથી. દીકરીના શિક્ષણમાં પૂર્વગ્રહને કોઈ સ્થાન નથી અને હોવું પણ ન જોઈએ. આવો જાપ્તો જ રાખવાનો હોય તો તમે એને ઉચ્ચ-અભ્યાસ કેમ કરાવો છો! આ તો તમે જ તમારી દીકરીની શૈક્ષણિક અને વ્યાવસાયિક સફળતામાં મોટો અવરોધ હોય એવું મને લાગે છે. તેનો અભ્યાસ પૂર્ણ થઇ જશે પછી શું કરશો! શું તમે તેને બહાર નોકરી કરવા મોકલશો કે પછી તમારો વિચાર તરત જ તેના લગ્ન કરાવી દેવાનો નથી ને!
એકધારું બોલી લીધા પછી સુનિતા અટકી.
જુઓ, અમારા સમાજમાં તો આવું જ થાય છે, આ મારી પત્નીનો જ દાખલો લો! તે પણ ઇજનેરી શાખામાં સ્નાતક છે પણ અત્યારે ઘર જ સંભાળે છે. તે ભણેલ છે તેથી તો મારા દીકરા કે દીકરીના અભ્યાસમાં કોઈ મુશ્કેલી જ ન પડી. તમને ખબર છે પ્રાથમિક અભ્યાસ તો મારા સંતાનોએ તેની પાસે જ કરેલ. તેના સુંદર શિક્ષણને કારણે અત્યારે મારો દીકરો તબીબી વિદ્યાશાખામાં સ્નાતક છે અને હજુ અનુસ્નાતકનો અભ્યાસ કરવા માટે વિદેશ જવાનો છે.
બધી વાત બરાબર સાહેબ, જો તમારા પત્ની ભણેલ છે, તો તમે પણ તમારી દીકરીને પણ સારી જગ્યાએ ભણાવો!
અરે, બેન તમને ખબર છે - મારી પત્નીનું સપનું હતું વિદેશ જઈને અવકાશ વિજ્ઞાાનમાં કામ કરવાનું અને તેને તક પણ પ્રાપ્ત થઇ હતી. પરંતુ છેલ્લી ઘડીએ અમારો સંબંધ નક્કી થયો અને તેનું એ સપનું અધૂરું રહી ગયું.
અરે વાહ સાહેબ - તમે કેમ તમારી પત્નીના સપના પૂર્ણ કરવામાં સાથ ન આપ્યો! જયારે લગ્નના બંધનમાં અગ્નિની સાક્ષીથી બંધાવ છો ત્યારે તો વચન આપો છો તો એકબીજાના ડગલે પગલે સાથ નિભાવવાનો તો પછી?
અરે, હવે બહુ દલીલ કરી લીધી તમે! એ સપ્તપદી વચન, વાતો બધું ફિલ્મી છે. બાકી જે વર્ષોથી ચાલતું આવ્યું છે તેમ જ ચાલવું જોઈએ એમ હું માનું છું. સ્ત્રી ઘર સારી રીતે સંભાળી શકે અને અમે કાર્યાલય તેમ કહી સાહેબ ખંધુ હસ્યાં.
સુનિતા મનોમન અકળાઈ ઉઠી પણ હવે આગળ વધુ દલીલ કરવી ઉચિત ન લાગતાં વાતને ત્યાં જ અટકાવી બહાર નીકળી આવી.
તેની જગ્યાએ બેસીને વિચારવા લાગી, આ પૂર્વગ્રહ ક્યારે બદલાશે! તેને પણ હમણાં ઘણા સમયથી આ પૂર્વગ્રહ જ નડી રહ્યો હતો! નહીં તો, કાર્યાલયના વડા તરીકે તેનું સ્થાન નિશ્ચિત જ હતું પરંતુ આ સંસ્થાના નિયામકનો પૂર્વગ્રહ!
- કૃપાલી વિરાગ શાહ