Get The App

એક મજાની વાર્તા : 'પી.જી. પરિવાર

Updated: Dec 11th, 2023


Google News
Google News
એક મજાની વાર્તા : 'પી.જી. પરિવાર 1 - image


- સંકલન: પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

છેલ્લા કેટલા સમયથી સ્નેહા માટે રવિવાર એટલે આખા અઠવાડિયાનું વધારાનું કામ પતાવી,બપોરે થોડું ઉંઘી ને ઉઠયા પછી સાંજે કોફીનો મગ હાથમાં લઈ બાલ્કનીમાં બેસવું અને આસપાસ રહેલી લીલોતરીને વ્હાલભરી નજરે નિહાળવું. નીચે કમ્પાઉન્ડમાં અડીખમ ઉભેલો આસોપાલવ અને તેની તરફ દોસ્તીનો હાથ લંબાવી રહેલાં ચીકુ,લીંબુ અને બદામનાં છોડ જાણે એકબીજાનાં પૂરક બની રહ્યાં હોય એવો વિચાર  લહેરખી બની સ્નેહાનાં મનનાં ખાલીપાને બહેલાવી રહ્યો હતો. ત્યાં અચાનક તેનું ધ્યાન નીચે ગયું. અગાઉ વાત થઈ હતી તે પ્રમાણે પી.જી. માટે છોકરાઓ રૂમ જોવા આવ્યા હતા. તેને જોતાં ઊઠીને તે નીચે ગઈ.

હવા ઉજાસવાળો ઓરડો,એટેચ ટોયલેટ બાથરૂમ,જરૂરી ફનચર, જોતાવેંત ગમી જાય એવો રૂમ જોઈ પી.જી. માટે આવેલા તીર્થ અને તપને એકબીજા સામે આંખોનાં ઈશારા દ્વારા ગમી ગયાનો ભાવ સ્પષ્ટ કર્યો. થોડી સ્ટાઈલથી આગળ ધસી આવેલાં વાળને સરખાં કરતાં એક સરસરી નજર સ્નેહા તરફ ફેંકતા તપને કહ્યું.

'મેદમ, અમને તમારું મકાન પસંદ આવ્યું.' 

'તો, ઠીક છે. મેં બનાવેલાં થોડા નિયમનું પાલન કરવું પડશે. વીજળી અને પાણીનો ખોટો બગાડ નહીં કરવાનો. રાત્રે મોડે સુધી રખડવું,ઘરમાં પાર્ટીઓ કરી ધમાલ મચાવવી  એ મને બિલકુલ પસંદ નથી અને હા, ઉપરનો દાદરો ન ચડવો એ તમારી લક્ષ્મણરેખા છે.'એમ કહી ચાવી આપી સ્નેહા દાદરો ચડી ગઈ.

તેને જતાં જોઈ એક ઊંડો શ્વાસ લઈ, ફિલ્મી અદાથી પોતાના દિલ પર હાથ રાખી તપને, તીર્થ સામે આંખ મીચકારી અને લુચ્ચું હસ્યો.

'ફ્લર્ટ,કરવાનું રહેવા દે ચાંપલા. એ આપણી મકાન માલકણ છે. તેની ઉંમરનો તો જો.'

'ભલેને રહી! આ ઉંમરે પણ હિરોઈન લાગે છે. સ્માઈલ તો જો જાણે માધુુરી દીક્ષિત. મને જેટલી વાર ફ્લર્ટ કરવાનો મોકો મળે એટલીવાર કરીશ. તારાથી થાય એ કરી લેજે.'

'બકા,ખોટી હોંશિયારી રહેવા દે,માંડ માંડ સારું મકાન મળ્યું છે. તારી આવી હરકતોથી એ પણ હાથમાંથી જશે.'

દિવસો જતાં છોકરાઓ સેટ થઈ રહ્યા હતા.જોબ પર જતાં આવતાં સ્નેહા ઉપર છલ્લી નજર રૂમ પર નાખતી. ત્યારે ક્યારેક તપનનું એક નજરે તાકી રહેવું થોડું અજીબ લાગતું પણ એ સિવાય કશું વાંધાજનક નહોતું લાગતું.

'તપનીયા, તારા બર્થડેની પાર્ટી ક્યાં અને ક્યારે આપવાનો છે?'

 'નેક્સ્ટ મન્થ આપી દઈશ. થોડી ધીરજ રાખ ભુખડ! આ વખતે કોલેજનાં પ્રોજેક્ટ પાછળ કેટલો ખર્ચ થયો? મહિનાની અધવચ્ચે રૂપિયા માંગી પપ્પાને હેરાન કરવાં? તું ક્યાં મારા ઘરની હાલત નથી જાણતો!આવ્યો મોટો પાર્ટી વાળો.'

ઘરથી દૂર રહેતા આ છોકરાઓને ઘર જેવું જમવાં મળે એટલે સ્નેહા ક્યારેક ક્યારેક કંઈક બનાવી આપી જતી. આજે એ પાઉંભાજી આપવા આવી હતી ત્યારે સાંભળેલો સંવાદ તેના હૃદયમાં સંવેદના જગાડી ગયો. યાદોનાં આલ્બમમાં જૂના ફોટા સાથે નવા ફોટા એડ કરવાનો મોહ જાગી ઉઠતાં, તપનની બર્થડે પાર્ટીપોતે ઘરે આપે તો?એટલે બંનેને જમવાનું કહે તો? એ વિચારે તેને પોતે બનાવેલા પી.જી. પરિવાર વ્હોટસએપ ગ્પમાં તપનની બર્થડે પાર્ટી પોતે આપશે એવો મેસેજ મૂક્યો.

મેસેજ વાંચતાની સાથે હરખાઈને તપન બોલ્યો, 'મેદમ, મારી બર્થડે પાર્ટી આપવાનાં છે. વાંચ્યું ને!'

'હા,વાંચ્યું કાલની વાત કાલે અત્યારે આ દિવાલ પર વિરાટ કોહલીનો ફોટો લગાવવામાં મદદ કર.'

બીજા દિવસે તૈયાર થઈ ઉત્સાહભેર બંને મિત્રો જમવા માટે ઉપર ગયા. થોડી આડા-અવળી વાતો પછી સ્નેહાએ ડાઈનિંગ હોલ તરફ જવાં ઈશારો કર્યોે. 

 ડાઈનિંગ ટેબલ પર કેક સહિત અવનવી વાનગીનો સજાવેલો રસથાળ જોઈ તપનની ભૂખ ઓર બમણી થઈ ગઈ. 

જમતાં પહેલાં હાથ ધોેવા જતાં, બાજુમાં પૂજાની ઓરડીની દિવાલ પર સુખડનો હાર પહેરાવેલો ફોટો જોતા તપને, પ્રશ્નાર્થ ભરી નજરે સ્નેહા સામે જોયું.

'એ, કાર અકસ્માતમાં માર્યોે ગયેલો મારો દીકરો તિલક છે. એમ.બી.બી.એસ. ના ફર્સ્ટ ઈયરમાં એ કોલેજ ફર્સ્ટ આવ્યો હતો. તિલક અને તેનાં પપ્પા રીઝલ્ટ લેવા જતાં હતાં. રસ્તામાં ભયાનક એક્સિડન્ટ થતાં બંને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યાં હતાં. એ પછી મને ખૂબ આઘાત લાગ્યો. આઘાતમાંથી બહાર નીકળવું મારાં માટે અઘરું હતું. સમય જતાં હું થોડી સ્વસ્થ થવાં લાગી. મારાં સ્ટાફનાં લોકોએ મને નીચેનો રૂમ પી.જી. માટે આપવાની સલાહ આપી પણ બધુંું છીનવાઈ જતાં ડરની મારી હું કોઈ પર વિશ્વાસ કરવા તૈયાર નહોતી. મારાં કલિગ્સે તમારી ભલામણ કરી એટલે મારી શરતો પર તમને મકાન ભાડે આપ્યું. તપનના બર્થડેની વાત સાંભળી એક માનું હૃદય ફરી ધબકી ઉઠયું કારણકે મારાં તિલકનો બર્થડે પણ આજે છે. એ હયાત હોત તો તારા જેવડો હોત!' આટલું  બોલતાં સ્નેહાનાં ગળે ડુમો બાઝી ગયો અને આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં.

તપને ઝડપથી પાણીનો ગલાસ લાવી સ્નેહાને આપ્યો. પાણી પીધા પછી સ્નેહા થોડી સ્વસ્થ થઈ આંસુ લુછવા ઓઢણીનો છેડો મોં પર ફેરવ્યો અને બાજુમાં પડેલાં પર્શમાંથી એક કવર કાઢી તપનને આપ્યું.

'ના..ના..એની જરૂર નથી મેદમ. તમે કેટલો સરસ પ્લાન કરી મારો બર્થડે ઉજવ્યો મારાં માટે એ જ મોટી વાત છે.'

'આશીર્વાદ છે. લઈ લે ના ન પાડીશ.' કહેતાં સ્નેહાએ પરાણે કવર હાથમાં પકડાવ્યું.

કવર લઈ તપન સ્નેહાને પગે લાગવા નીચો નમ્યો. સ્નેહાએ આશીર્વાદ આપતાં તિલકના ફોટા તરફ જોયું જ્યાં તપનનો ચહેરો એકરૂપ થતો દેખાયો. 

 -પૂજા(અલકા)કાનાણી (મીઠાપુર)

Tags :