એક મજાની વાર્તા : ઓટલો .
- સંકલન: પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
અંધકારનાં ઓળાં ઉતર્યા બાદ એમનાં માનીતા ઓટલા પર જ બધી યોજના બની હતી.
ભરતનગર સોસાયટીમાં બધાં સીંગલીયા મકાન. સાંજ પડે એટલે બધી ગૃહિણીઓ ઓટલે બેસવા આવતી અને અલકમલકની વાતો કરતી. આ ઓટલો ન જાણે કેટલાંયનાં સુખ-દુ:ખની વાતોનો સાક્ષી હતો. જોકે ખાલી વાતો જ નહીં પરંતુ ીઓનાં ઘરનાં નાનાં-મોટાં કામ પણ ત્યાં થઈ જતાં. કોઈ સાડીને ફોલ લગાવે, કોઈ રૂની દિવેટો બનાવે, કોઈ લસણ ફોલવા લઈ આવ્યું હોય તો શિયાળામાં તો લીલી તુવેર, વટાણા કે લસણ ફોલવાની હોડ લાગતી. સાંજ પડે એટલે ઓટલો બધાંને સંભારતો હોય! ઓટલા પર ચાય અને ભજીયાંની પાર્ટીઓ પણ થતી. આમ, ઓટલો એ સૌ કોઈ માટે જાણે ખુશીઓ મેળવવાનું અક્ષયપાત્ર હતું.
પૂજા, રમાબેનની વહુ જ્યારે નવી-નવી પરણીને અહીં આવી ત્યારે એને નવાઈ લાગતી. આવી રીતે રોજ સાંજે બહાર ઓટલા પર બેસીને પંચાત કરવું એને ન ગમતું. એ ઘરમાં જ રહેતી. એ ભલીને એનું કામ ભલું. આ તો નાના માણસોની નાની મૂડીમાંથી બનાવેલ સ્વપ્નોનાં ઘર હતાં. સાવ અડોઅડ. એક ઘરમાં કૂકરની સીટી વાગે એટલે બીજાંને ઘરે પણ સંભળાય. અહીં વાર તહેવાર પણ સાથે ઉજવાતાં. પરંતુ પૂજાને એની નિજી જિંદગીમાં કોઈની દખલગીરી પસંદ નહોતી.
આમાં સૌથી જીંદાદિલ રાધામાસી સૌનાં લાડકાં. તેઓ ઉંમરમાં અને અનુભવમાં સૌથી મોટાં. બધાંને જયશ્રી કૃષ્ણ કહીને જ વાતની શરૂઆત કરે. સૌ કોઈની સાથે એ ભળી જાય. એ પોતે તો નિથસંતાન હતાં. પરંતુ સૌને એ પોતીકાં લાગતાં.
રાધામાસીની અનુભવી આંખો ઓળખી ગઈ હતી કે, નવી દુલ્હનનાં ચહેરા પર તેજ નથી. જાણે કોઈ ગમનો સાયો તેની ઉપર હતો. તે અંદરોઅંદર મુરઝાયેલી લાગતી હતી. બધાંની સામે, એમાંય ખાસ કરીને રમાબેનની સામે કેવી રીતે પૂછવું?
બધું રાબેતા મુજબ જ ચાલતું હતું. સૂર્ય ચંદ્ર નિયમિત પ્રકાશિત થતાં હતાં. ઓટલાં પર નિયમિત સાંજે બેઠક જામતી હતી. ત્યાં અચાનક સમગ્ર વાતાવરણમાં સોપો પડી ગયો. રમાબેનની વહુ પૂજા ભાગી ગઈ હતી. એનાં પિયરમાં પણ તપાસ કરી પરંતુ એ ત્યાં પણ નહોતી. જમીન આસમાન એક કર્યા પરંતુ ક્યાંય ન મળી. આવી સંસ્કારી વહુ ગઈ તો ગઈ ક્યાં?
એવું તો શું થયું હશે? આજકાલ સોસાયટીના ઓટલે એક જ વાતની ચર્ચા થતી હતી અને એ ચર્ચાનો વિષય હતો પૂજા!
જ્યારથી પૂજા ગઈ ત્યારથી રાધામાસીનો સ્વભાવ બદલાઈ ગયો હતો. ઓટલે પણ નિયમિત નહોતાં જતાં. જ્યારે જુઓ ત્યારે ખભે થેલો ભરાવીને બહાર જતાં. સૌ કોઈ પૂછતાં કે, ક્યાં જાઓ છો? તો હસીને વાત ટાળી દેતાં. કારણ કે, સાચો જવાબ તો એ અને એમનો રામ જાણતાં હતાં!
હકીકતમાં પૂજાને ભગાડવામાં રાધા માસીનો જ તો હાથ હતો! હા, રાધામાસીનો! એકવાર એકાંતમાં એમણે પૂજાને સમ દઈને એનું દુ:ખ પૂછી લીધુંં હતું, બેટા વાત શું છે?
એ દિવસે પૂજા મન મૂકીને રડી હતી. ઘનઘોર છવાયેલો મેઘ વરસે એમ પૂજા એમનાં ખોળામાં માથું મૂકીને રડી હતી. રડતાં રડતાં જ એણે કહ્યું કે, 'એનો પતિ નપુંસક છે. આ સત્ય હકીકત એમણે બધાંથી છૂપાવી હતી.'
એ બધુંં સહન કરવા પણ તૈયાર હતી, પરંતુ એનો પતિ એનાં ચારિર્ત્ય ઉપર શંકા કરતો. રોજનો શારીરિક અને માનસિક ત્રાસ સહન કરીને તે એનાથી થાકી ગઈ હતી. જો એ પિયર જઈને રહે તો ત્યાં પણ એનાં સાસરિયાવાળા રહેવા નહીં દે એવી ધમકી આપી હતી. બીજું એ પણ હતું કે, એનાં નાનાં ભાઈ બેનનું શું? એને લીધે એમનું ભવિષ્ય પણ દાવ પર લાગી જાય!
રાધામાસી તો સાંભળીને સૂન જ થઈ ગયાં. એમને લાગ્યું કે જાણે ઈતિહાસ ફરીથી લખાઈ રહ્યો હતો! જે જીવન એ જીવ્યા એવું જીવન પૂજા નહીં જ જીવે. દુ:ખ સહન કરવા એક રાધા જ બસ હતી!
અંધકારનાં ઓળાં ઉતર્યા બાદ એમનાં માનીતા ઓટલા પર જ બધી યોજના બની હતી.એમણે જ એમના સંગમસ્થળ એવાં ઓટલા પરથી દીકરી પૂજાને વિદાય આપી હતી એક નવી ઉડાન ભરવા માટે!
મોકો મળતાં જ અગાઉ નક્કી કર્યા મુજબ 'સરસ્વતી આશ્રમ'માં તેઓ પૂજાને મૂકી આવ્યાં. પોતે અવારનવાર દીકરીને મળવા જતાં.
થોડાં સમય પછી જ્યારે દુ:ખનાં વાદળો દૂર થાય અને તલાક મળી જાય એટલે બસ. એ અહીં આશ્રમમાં જ સુખરૂપ એનું નવું જીવન શરૂ કરી શકે. એ તો છેતરાઈ પરંતુ એની જેમ બીજી કોઈ પૂજાનું જીવન તો ન બગડે!
- રેખા શાહ કચોરીયા