એક મજાની વાર્તા : મંગલ મંદિર ખોલો

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
એક મજાની વાર્તા : મંગલ મંદિર ખોલો 1 - image


- સંકલન: પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

એય ગાંડી...ખસ અહીંથી.. આઘી જા. મંદિરે આવતાં-જતાં ભક્તોથી એ આખો દિવસ આમ જ હડધૂત થતી રહેતી. સવાર-સાંજ મંદિરનાં પગથિયાં પર બેસી રહેતી. કોઈ પ્રસાદ, ફળ કે પૈસા આપે એનાથી ખુશ થઈ જતી. 

એનાં નામની તો એને પણ નહોતી ખબર. ઉંમર પણ દસ-બારની આસપાસ હશે. લોકો જે નામથી બોલાવે એ એનું નામ. એ શામળી હતી તેથી એનું નામ કાળી પડી ગયું હતું. કાળી શબ્દ એનાં કાને અથડાતો રહેતો એટલે એને કાળી કહીએ તો તરત એ દાંત કાઢતાં હાજર! 

એનાં સૂકાંભઠ્ઠ તણખલાં જેવાં વાળ ઉડતાં રહેતાં. એનાં માપ કરતાં મોટો લાંબો ઝભ્ભો એણે પહેર્યો હતો. ખભેથી વારેઘડીએ સરકતાં કુર્તામાંથી એની ઘાટીલી શ્યામ કાયા ડોકાયાં કરતી. એ ક્યારે ન્હાઈ હશે કે ન્હાવાનું જ ભૂલી ગઈ હશે એની તો એનેય ખબર નહોતી. જે મળે એ ખાઈ લેતી. રાત્રે પ્રસાદીની દુકાનો બંધ થાય એટલે તારા મઢેલ આભનો ઓછાડ ઓઢી કો'ક ઓટલે એ સૂઈ રહેતી. 

મંદિરમાં નિત્ય મંગળા આરતી પછી ભજન થતાં. આરતી ટાણે તો એ એક પગે ઊભી રહેતી. કોણ જાણે ક્યાંથી શીખી લાવી'તી. ઈશ્વરને તો કોઈએ નથી જોયાં પરંતુ  કહ્યું છે ને, 'શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.'* આજે પણ સુંદર ભજનનાં શબ્દોથી વાતાવરણ ભક્તિમય લાગતું હતું. 'મંગલમંદિર ખોલો દયામય, મંગલમંદિર ખોલો....'  એને આ ભજન ખૂબ ગમતું. તે કાન દઈને સાંભળતી. ક્યારેક તો એની અસ્પષ્ટ ભાષામાં ભજન ગણગણતી. 

''નામ મધુર તવ રટયું નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો...''

એની પરવા કરવાવાળું દુનિયામાં કોઈ હતું નહીં પરંતુ જે સર્વેની પરવા કરે છે એ ઈશ્વર પણ જાણે સોનાની મૂરતમાં કેદ  હતો! 

એક દિવસે એક દંપતિ એમની સુંદર પરી જેવી પાંચેક વર્ષની દીકરી સાથે મંદિરે દર્શન કરવા આવ્યું. એમણે પગથિયે બેઠેલી કાળીને દસ રૂપિયા આપ્યાં. તેઓ દર્શન કરીને પાછાં જતાં હતાં ત્યાં એણે એ પૈસા એમની બાળકીને પાછાં આપ્યાં અને એનાં માથે હાથ ફેરવ્યો. એણે આવી સુંદર બાળકી કદાચ પ્રથમ વખત જોઈ હતી. તે સોનેરી વાળ વાળી ઢીંગલી ગુલાબી રંગનાં ફ્રોકમાં બાર્બી ડાલ જેવી લાગતી હતી. કાળી તો એને જોતી જ રહી. 

 પ્રેમની કોઈ પરિભાષા નથી હોતી, નથી કોઈ ભેદભાવ હોતો. માનવતાનો ધર્મ જ સૌથી મોટો ધર્મ છે. સતત હડધૂત થતી કાળીને પ્રેમ અને ધર્મની તો શું ખબર પડે પરંતુ એણે તો વ્હાલનું બીજ વાવવાની કોશિશ માત્ર કરી હતી.

દંપતિ તો  ડઘાઈ  ગયું. એને  હટ..હટ.. કહીને આઘી કરી. તેઓ ઝડપથી પગથિયાં  ઊતરીને ગાડીમાં  બેસી ગયાં. જાણે એમની દીકરી અભડાઈ ન ગઈ હોય! 

બીજાં દિવસે કુદરતનું કરવું કે, એ દીકરી ખૂબ બીમાર પડી. કાગનું  બેસવું  અને   ડાળનું પડવું એ ન્યાયે દોષનો ટોપલો કાળી પર ઢોળાયો!

દીકરી નક્કી એની  ઓઝટમાં જ આવી હશે. આવાં લોકોનો ઓછાયો પડે  એટલે પુરું. એ લોકોની નજર ખરાબ હોય છે.  ચિંતાતુર  દંપતિ વાત કરતાં હતાં ત્યાં કોઈએ કહ્યું કે, 'એ મંદિરમાં જ વિધિ કરાવો એટલે એનો  ઓછાયો  દૂર થઈ જશે અને દીકરી સાજી થઈ જશે.'

તાત્કાલિક બીજાં દિવસે સવારે  મંદિરમાં જઈને વિધિ કરાવવામાં આવી. એ દરમિયાન કાળી અચાનક એક કારની હડફેટે આવી ગઈ! શું આ હતો કુદરતનો ન્યાય? એક ગરીબ સાથે કુદરત પણ ક્ર ખેલ ખેલે છે! ગાડીવાળો તો લોકોની નજર ચૂકવીને ભાગી ગયો. એની ભૂલનો ભોગ બની એક માસુમ બાળા! 

ટોળું  જમા થઈ ગયું. એ લોહીનાં ખાબોચિયામાં તડપી રહી હતી, જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી હતી. એ બિચારી ઉપર તો જનમથી જ ઓછાયો હતો- ગરીબીનો, ભૂખનો!

એ અભાગણીએ ત્યાં જ અંતિમ શ્વાસ લીધાં. જાણે ઈશ્વર પણ આ દુ:ખી સંતાનને હવે વધુ હેરાન થતાં જોઈ નહોતો શકતો. એણે એને પાછી પોતાને દ્વારે બોલાવી લીધી.

મંદિરમાંથી ભજનનો અવાજ આવી રહ્યો હતો. '' જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો. મંગલ મંદિર ખોલો...''

એક દીકરી સાજી થઈને મોંઘી ગાડીમાં ઘરે જઈ રહી હતી અને બીજી શબવાહિનીમાં સ્મશાને!

ભજનનો અવાજ હજુ આવી રહ્યો હતો, ધ તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશો, શિશુને ઊરમાં લ્યો... લ્યો... દયામય.... મંગલ મંદિર ખોલો...'

 - ડો. રેખા શાહ કચોરીયા

(મોરબી)


Google NewsGoogle News