એક મજાની વાર્તા : મારા સત્યના પ્રયોગો

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
એક મજાની વાર્તા : મારા સત્યના પ્રયોગો 1 - image


- સંકલન: પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

ગાંધીજીએ જયારે રાજા હરિશ્ચંદ્ર નું નાટક જોયું અને એણે નક્કી કર્યું કે હું પણ રાજા હરિશ્ચંદ્ર ની જેમ હંમેશા સત્ય જ બોલીશ.

 મને પણ થયું પત્ની પિયર ગઈ છે અને હમણાં કોઈ કચ કચ નથી , ઘરમાં શાંતિ છે તો ડાહ્યા માણસોએ કહ્યું છે કે સમયનો હંમેશા સદુપયોગ કરવો. સ્કુલ માં શિક્ષકો કહેતા કે મહાન માણસોની આત્મકથા વાંચવી જોઈએ પણ સ્કુલમાંતો શિક્ષકોએ આપેલ ઘરકામ અને વડીલોએ આપેલ ઘરકામ માં થી ફુરસદજ ક્યાં મળતી કે એ બધુંં વાંચીએ.

હું બજારમાંથી ગાંધીજીની આત્મકથા લાવ્યો, રસપૂર્વક વાંચતો (વાંચી) ગયો. બાળપણમાં ગાંધીજીએ સોનાનું કડુ વેંચી નાખ્યું તો પણ એમના  પિતાજી ન ખીજાણા આમ ગાંધીજીએ હરિશ્ચંદ્ર નું નાટક જોઈ  ને સત્ય બોલવાનું નક્કી કર્યુંઅને આખી દુનિયામાં ગાંધીજી ની બોલબાલા થઇ ગઈ ! મને પણ ગાંધીજી ની આત્મકથા વાંચી ને થયું હું પણ ગાંધીજીની જેમ આજથી સત્ય જ બોલીશ . હું પણ એક પામર વાનર માંથી ગાંધીજી જેટલો મહાન બનીશ અને ....

ત્યાંજ મારા મિત્ર સમીર નો ફોન આવ્યો , એ કહે યાર તું જો બેચાર કલાક ફ્રી હો તો દુકાને આવ અને થોડા કલાક દુકાન  સંભાળ તો હું ૩ કલાકમાં મારુ કામ પતાવી આવું. કરિયાણાની દુકાન ધરાવતો મારો મિત્ર એણે જયારે એણે કઈ કામ હોય તો મને દુકાન સંભાળવા બોલાવતો .

હું એની દુકાને ગયો મેં પૂછયું તારે શું કામ છે, એ કહે જો યાર ઘરે મારી વાઇફ ને કહેતો નહિ મારે પિક્ચર જોવા જવું છે, મેં કહયું હા હા તું જઈ આવ. સમીર મીઠાબોલો અને કુનેહ વાળો હતો એટલે એણે સારા એવા  ઘરાકો બાંધી લીધા હતા. ઘણા ઘરાક આવ્યા, કોઈએ ૨ કિલ્લો ચોખ્ખું ઘી માંગ્યું ,મારો નીર્ધાર મને યાદ આવ્યો કે મારે આજથી જ સત્ય બોલવાનું છે, હું દુકાને અવારનવાર આવતો એટલે મને ખબર હતી કે સમીર ચોખ્ખા ઘી માં, તેલ માં, ચોખા માં, ટૂંક માં બધીજ વસ્તુ માં જેમાં ભેળસેળ થઇ શકે એવા દ્રવ્યોમાં થોડી ભેળસેળ કરતો, જે જે ઘરાકે ચોખ્ખી વસ્તુ માંગી તેમને મેં સાચું કહી દીધું કે ૨૦% જેટલી ભેળસેળ તો  કરીયે જ  છીએ . ચાર કલાક માં એક રૂપિયા નો પણ  વકરો ઘણા બધા  ઘરાક આવ્યા હોવા છતાં ન થયો ! એટલામાં લેન્ડ લાઈન પર સમીર ની વાઈફ નો ફોન આવ્યો , મારો અવાજ સાંભળી ને કહે'કેમ તમે છો , સમીર ક્યાં છે ?હું ક્યારની એનો મોબાઇલ ટ્રાય કરું છું પણ સ્વિચ આફ આવે છે' મને મારો સત્ય બોલવાનો  નીર્ધાર યાદ આવ્યો, મેં કહ્યું સમીર તો પિક્ચર જોવા ગયો છે, સાંભળી ને સમીર ની પત્ની નો ઘૂંઘવાટ ફોન માં થી પણ ખબર પડતી હતી.

ઘરે આવી જમી ને આરામ થી સુઈ ગયો , ઘસઘસાટ સુઈ ગયો ત્યાં ડોરબેલ વાગી , એકદમ સફાળો જાગી ગયો, થયું અર્ધી રાતે કોણ બેલ મારે છે , આંખો ચોળી ને ઘડિયાળ માં જોયું તો ઓહ આતો સાંજના ૫ વાગ્યા છે, હું તો બપોરે સૂતો હતો, દરવાજો ખોલ્યો તો થોડા થોડા કઈંક જાણીતા ભાઈ લાગ્યા , એ બોલ્યા માફ કરજો , તમારી બાજુ વાળા અરવિંદભાઈ નથી , હું એમને ત્યાં આવ્યો હતો, ૪ દિવસ  પહેલા હું આવ્યો હતો ત્યારે તમેજ એમનું ઘર બતાવ્યું હતું ' હા હા યાદ આવ્યું , અરવિંદ ભાઈ અને તેમનું ફેમિલી આજે જ  ૫ દિવસ માટે બહાર ગામ ગયા છે , પરંતુ વાંધોે નહિ, 

અરવિંદ ભાઈ નથી તો શું થયું, તમે આવો બેસો ચાપાણી પી ને જજો, એ ભાઈ અંદર આવ્યા, થોડી આડી અવળી વાત કર્યા પછી પૂછયું' મારે થોડો ખાનગી માં રિપોર્ટ જોઈએ છે, વાત જાણે એમછે કે અમે મારી પુત્રી માટે અરવિંદ ભાઈ ના સુપુત્ર નિખિલ માટે વિચારીયે છીએ , તમે એમના પાડોશી છો તો એમના વિષે જણાવો 'આમતો કોઈ નું સારું થતું હોય તો બળતા માં ઘી હોમવાનો મારો સ્વભાવ નથી પરંતુ મારે સત્યજ બોલવાનું છે એ  મને યાદ આવ્યું , મેં કહ્યું' અરવિંદ ભાઈ સટ્ટા માં પૈસા કમાણા છે, એનો પુત્ર માંડ માંડ પાસ થઇ ને પૈસા ખવરાવી સરકારી નોકરી માં લાગ્યો છે , પણ માવા સિગારેટ લે છે, તો  ક્યારેક છાંટોપાણી પણ કરી લે છે, તેમની પત્ની નો સ્વભાવ ખુબ આકરો છે 'મને થયું હું મારા સત્ય ના પ્રયોગ ઉપર ટકી રહ્યો છું!

રાત્રે રૂટિન મુજબ મારી પત્ની ચા નો ફોન આવ્યો ' હું કાલે આવું છું સાથે સ્વાતિ અને સચિન પણ આવે છે ' માર્યા ઠાર ! ચા ની સાથે સાળા સાળી પણ આવી રહ્યા છે!

સવારે પત્ની અને સાળા સાળી ની સવારી આવી પહોંચી ! જમી કરીને બધા વાતોએ વળગ્યા. પત્ની કહે  'જુવો તો ખરા એટલા દિવસમાં કેટલા સુકાઈ ગયા છો ! મારા વગર તમે કેટલા હેરાન થયા , ખાવા પીવાના ઠેકાણા નહિ રહ્યા હોય !' મને થયું મારે તો સત્ય જ  બોલવાનું છે! મેં કહ્યું , નારે ના મને તો રોજ રોજ બાજુવાળા તિલોધમા બેન , શીલા બેન , મમતા બેન , મધુર બેન અને બીજા બધા મને રોજ સવાર સાંજ જમાડતા, તું ન હતી તો મારે એકપણ દિવસ બહાર નથી જમવું પડયું અને આ બધાની રસોઈ એટલી સરસ હતી કે આપણા ઘરે તો ક્યારેય ખાધું નથી! અને ગયી કાલેજ મેં વજન કર્યું , ૫ કિલો વધી ગયું છે ! તારે પણ તેમની પાસે થી રસોઈ શીખવી જોઈએ અને મારાથી ગવાઈ ગયું ' સુખ ભારે દિન બીતે રે ભૈયા... ' અને આ મારા સત્ય ના પ્રયોગ થી અત્યારે તો પત્ની પછી પિયર ચાલી જવાની ધમકી આપે છે ! , સમીર મારી સામે પણ જોતો નથી , પાડોશી અરવિંદ ભાઈએ તો મારી સાથેના તમામ વ્યહવાર બંધ કરી  દીધા છે !

 છતાં  પણ મારામાં શુભ ભાવનાજ છે અને સત્ય જ કહું છું. સત્ય ના પ્રયોગ જેવા ગાંધી જી ને ફળ્યા એવા સૌ ને ફળજો અને મને નડયા એવા કોઈ ને ન નડજો !!!

લેખક- સુધા દવે (મુંબઈ)


Google NewsGoogle News