એક મજાની વાર્તા : મારી 'મા'

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
એક મજાની વાર્તા  : મારી 'મા' 1 - image


- સંકલન: પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

આજે સવારે સફાળી જ પથારીમાં બેઠી થઈ ગઈ તો એક ન સમજાય એવી મુંઝવણ મનમાં વ્યાપી રહી હતી. બાજુમાં પડેલો મોબાઈલ ઉઠાવીને જોયું આઠ વાગી ગયા હતા . ચા -પાણી પતાવીને ફટાફટ રસોડામાં આવી ગઈ. કેલેન્ડરમાં જોયું તો આજે વિશ્વકર્મા તેરસ હતી.

ઓહ! બેચેની નું કારણ હવે સમજમાં આવ્યું. દર વિશ્વકર્મા તેરસના આગલા દિવસે જ મમ્મીનો ફોન આવી જતો કે કાલે વિશ્વકર્મા તેરસ છે યાદ છે ને?

'મા'ની યાદ આવતાં જ હું ભૂતકાળમાં સરી પડી. ચલચિત્રની જેમ મારી આંખો આગળ આખું  પિક્ચર ખડું થઈ ગયું. એકવડીયો દેહ, ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ,લાંબા કાળા વાળ,લીસી ચમકતી ત્વચા અને સુઘડ  રીતે પહેરેલો પહેરવેશ.

 પિતાજીના ખૂબ જ ઓછા પગારમાં પણ ક્યારેય એણે ફરિયાદ કરી હોય એવું યાદ નથી. એની કલાકારીગરી અમારા જીવનમાં એવી સુંદર કામગીરી કરી દેતી કે અમને પણ ક્યારેય કશો અભાવ લાગતો ન હતો.

'મા'ની રસોઈ આખા એ કુટુંબમાં વખણાતી.વાર- તહેવારે એ જુદી જુદી રસોઈ બનાવી દેતી. અથાણા- પાપડ વગેરે માટેની માસ્ટરી હતી. આમ 'મા' માસ્ટર શેફ હતી. સિલાઈ કામ ,ભરત કામ વગેરે પણ ખુબ સુંદર કરતી. 'મા' ડ્રેસ ડિઝાઈનર પણ હતી .જૂની થયેલી સાડી માંથી ઘસાયેલો ભાગ કાઢીને વચ્ચે સાંધોે કરતી અને કદમ પક્કા રંગ ની પડીકી થી સાડીને રંગીને નવી કરી દેતી .એની આ કરામત જોઈને અમે આશ્ચર્યચકિત થઈ જતા! 'મા' રંગરેજ પણ હતી. પિતાજી ના ઘસાયેલા શર્ટ ના કોલર ને ઉલટાવીને નવું જેવું શર્ટ કરી દેતી.

આમ અમારે માટે તો 'મા' ઓલરાઉન્ડર હતી.        

હું તેને જણાવતી કે આપણા જેવું કેલેન્ડર હોય તો તરત જ ખબર પડી જાય. પહેલા તો દિવાળી આવે એ પહેલાં જ સરસ મજાનાં લક્ષ્મી માના ફોટા વાળા જાડા પૂંઠા ના કેલેન્ડર આવી જતાં અને એની સાથે પત્તા ફાડવાનું રંગબેરંગી તારીખ્યું પણ આવી જતું. ક્યાંક કોઈ દુકાનદાર રોજિંદા ઘરાકને ભેટ સાથે કેલેન્ડર આપતું તો ગામડામાં દૂધની ડેરીમાં દૂધ ભરતાં હોઈએ તો ભેટમાં આવું કેલેન્ડર મળી જાય.

એવી નાનકડી ભેટમાં  છોકરાઓ ખુશ થઈ જાય. સમગ્ર ઘરમાં ઓસરીમાં આવેલ ભીંતે એક જ ઘડિયાળ હોય અને એ પણ ચાવી ભરવાની અને લોલક વાળી અને ટકોરા પડે એવી અને એક કેલેન્ડર હોય એના પાના સવારે ઉઠીને તરત જ 'મા' ફાડતી.

ઘરમાં કોઈ નિયમિત હોય કે ન હોય પણ આ ત્રણ હંમેશા નિયમિતતા નું પાલન કરતા. એક 'મા' બીજી ઘડિયાળ અને ત્રીજું તારીખીયું. મારા ભાગે તારીખિયાના પાના ફાડવાનું તો ન આવે પણ સવારે સૌથી પહેલા નવા તારીખિયાના પાનાની નીચે લખેલો સુવિચાર નિયમિત વાંચી લેતી. વાંચન ભૂખ ને સંતોષવા બહુ મર્યાદિત સાધનો હતા. લાઇબ્રેરી શબ્દ સ્કૂલ માંથી દર શનિવારે મળતાં પુસ્તકો સુધી જ સીમિત હતો. ક્યારેક જે ધોેરણમાં ભણતી હોવ એનાથી ઉપલા ધોરણના ગુજરાતી, હિન્દી, અંગ્રેજીના પુસ્તકો વાંચી લેતી તો ક્યારેક મારા પિતાની સ્કૂલમાંથી લાવેલા કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ જેવા લેખકોના પુસ્તકો વાંચવા મળી જતા.

આજે હજુ પણ એ વાત યાદ છે કે કોલેજની ફાઈનલ એક્ઝામ વખતે કોલેજની લાઇબ્રેરી માંથી લીધેલી ''વોર એન્ડ પીસ'' નોવેલ ભણવાની ચોપડી વચ્ચે રાખીને છાનાં માંના વાંચેલી. 

સાસરે આવ્યા બાદ જ્યાં સુધી ગામડે રહેતાં હતાં ત્યાં સુધી તો આ તારીખીયુ એની પ્રથા જળવાઈ રહી હતી પરંતુ શહેરમાં આવ્યાં બાદ ધીમે ધીમે આ કેલેન્ડર નાબૂદ થતું ગયું. એક જ પત્તામાં અંગ્રેજી મહિના સાથે ગુજરાતી મહિના, તારીખ, તિથી દર્શાવતા કેલેન્ડર જોવા મળ્યાં. વળી, મોબાઇલમાં એ બધુું હાથ વગું બની ગયું હતું.

આ વર્ષે દિવાળીમાં ઘરમાં એ જ જૂનું તારીખ્યું આવ્યું પણ પેલા લક્ષ્મીજી ના ફોટા વાળા કેલેન્ડર ક્યાંથી લાવું?

કેલેન્ડર એમ જ પડી રહ્યું. મમ્મીનો ફોન બીજા દિવસ આવતાં તેણે જણાવ્યું કે તેની પાસે આવું લક્ષ્મીજીના ફોટા વાળું કેલેન્ડર પડેલું છે તો તે લાવી દેશે. કેલેન્ડર આવી ગયું. તેના ઉપર ૩૬૫ દિવસના જુદા જુદા સુવિચાર સાથેનુ રંગબેરંગી કેલેન્ડર તેની લોખંડની ક્લિપ ખોલીને ભરાવ્યું.  એકી સાથે આજની તારીખ પહેલાનાં બાકીના ત્રણ મહિનાના ભેગા પત્તા ફાડયા. જીવ તો નહોતો ચાલતો પણ કરું શું?

આમ જ ન ગમતો સમય, ન ગમતી યાદોના ફરફરીયા એકી સાથે ચાલુ વર્ષ માંથી નીકાળી શકાતા હોય તો કેવું સારું!

જે વીતી ગયું છે એનાથી તો આપણે વાકેફ છીએ પણ જે બચી ગયું છે તેનાથી આપણે  પરિચિત છીએ ખરા?

આવનારો સમય સોનેરી જ હશે એવા સોણલા સજાવીને સપનામાં રાચીએ છીએ પણ ભાવિના ગર્ભમાં શું છુપાયું છે તે કોને ખબર?

આજે 'મા'ની વિદાય ને એક વર્ષ પૂરું થઈ ગયું અને હજુ પણ સવાર સવારે હું એના ફોનની રાહ જોયા કરું છું અને તેથી જ તો આજે સવારની બેચેની હવે મને સમજમાં આવે છે.ખરેખર ! જનનીની જોડ સખી નહી જડે રે .

લેખક -રેખા સુથાર. (અમદાવાદ)


Google NewsGoogle News