Get The App

એક મજાની વાર્તા : *મોગરાની માનતા*

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
એક મજાની વાર્તા : *મોગરાની માનતા* 1 - image


- સંકલન: પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

- મમ્મી, હું કેટલા સમયથી જોઉં છું આપણા આંગણાના નાનકડા બગીચામાં આપમેળે ઊગી નીકળતી જૂઈને તું વારંવાર જડમૂળથી કાઢી નાખે છે અને પેલી જૂઈને ઊગવુ છે અને તું ઊગવા નથી દેતી. એટલી બધી તો શું મોહ માયા છે તને આ મોગરાની? આમ તો જૂઈ પણ ફૂલ જ છે ને?'

ઘરનાં બગીચામાં મોગરાનો છોડ રોપવા બેઠેલી નિશાને જોઈને બબલી દોડીને ત્યાં આવી. તેણે નિશાને વિચારોમાંથી જગાડી. તેને ત્યાંથી ઊભી કરી પૂછવા લાગી, 

 ''હે મમ્મી, એક વાત પૂછું?''

''હા બેટા, બોલ ને''

'મમ્મી, હું કેટલા સમયથી જોઉં છું આપણા આંગણાના નાનકડા બગીચામાં આપમેળે ઊગી નીકળતી જૂઈને તું વારંવાર જડમૂળથી કાઢી નાખે છે અને ત્યાં જ નવો મોગરો રોપે છે. કેટલાય પ્રયત્નો કર્યા એ મોગરો ઉગતો નથી. પણ છતાંય તું કેમ આવું કરે છે? પેલી જૂઈને ઊગવુ છે અને તું ઊગવા નથી દેતી. અને જે મોગરાને ઉગવું જ નથી તેને ઉગાડવા માટે આટલા બધા પ્રયાસો કરે છે એવું કેમ મમ્મી? એટલી બધી તો શું મોહ માયા છે તને આ મોગરાની? આમ તો જૂઈ પણ ફૂલ જ છે ને?'

''હા બેટા, પણ 'મોગરો તો મોગરો' એ તો મારા કાનાને બહુ વ્હાલો.''

''હા મમ્મી, મોગરો કાનાને વિશેષ ગમતો હશે પણ જૂઈ ન ગમે એવું તો ન જ હોય ને? તેણે જ બધું બનાવેલું છે તો એનું બનાવેલું એને ન ગમે એવું બને? ના ગમતું હોય તો બનાવે જ શા માટે?''

નિશા ચૂપ હતી. બબલીના સહજ સવાલો એનું હૈયું વીંધી નાખતા હતા. 

''જો મમ્મી, તું જૂઈને પણ ઉગવા દે અને મોગરો પણ ઉછેરીએ તો?''

''ના બેટા, જો એક તો આપણા આંગણાનો બગીચો આટલો સાંકડો હવે આ સકડાસમા બંનેનું ઉછેરવું  શક્ય નથી. ત્યાં પહેલેથી જ  જૂના  જામેલા ઝાડવા તો છે જ . એમાં વધી વધીને હવે આ એક મોગરો  સાચવી શકાય એથી વધારે કંઈ નહીં. અને બેટા આ મોગરો ખાલી મને નહી બધાને ગમે છે. એટલે મોગરો ખીલે એ માટે પ્રયત્ન કરુ છું. હું તો સૌની ઈચ્છાઓને માન આપું છું બેટા. આ જૂઈ પ્રત્યે જાજો કોઈને લગાવ નથી બસ એટલે જ...''  કહેતા તેનો સ્વર ધીમો પડયો ને આંખોમાં ચમકતા મોતી જેવા બિંદુ ઊપસી આવ્યા. 

  વાત  કરતા  કરતા એ બટકબોલી  બબલી અને તેની મા નિશા આંગણામાંથી ઓરડામાં આવ્યાં. એટલે એક સાથે બેઠેલા દાદા, બા ને એના પપ્પા બધાને બબલીએ પૂછયું , ''દાદા, બા ,પપ્પા શું જૂઈ કોઈને ન ગમે? કેમ તે સારી ન કહેવાય?''

 તેના પપ્પા બોલ્યા, ''ના, ના. બેટા, એવું ન હોય. ફૂલ તો ફૂલ છે અને માળીને તો બધા જ ફુલ સરખાં.''

'' સાચે પપ્પા?''

''હા બેટા.''

 તરત દાદા અને બા બોલ્યાં, ધપણ મારી ઢીંગલી, કેમ તું આવું પૂછે છે? તને જૂઈ ગમે છે?'

''એ તો નથી ખબર બા પણ આમ દર વખતે જૂઈને ઉખેડીને તમે મોગરો રોપી દ્યો છો ને! એ નથી ગમતું. કેમ તમને બધાને આપમેળે ઊગી નીકળતી આ જૂઈ નથી ગમતી?''

 બધા એકસાથે બોલ્યાં, ''ના બેટા એવું નથી.''

''દાદા, તો પછી તમે બધા મહેનત ને માનતા મોગરા માટે જ કેમ કરો છો?''

બધા એકબીજાની સામે જોઈ રહ્યાં. અને દાદીમાં નિશાની માથે હાથ મૂકી બોલ્યાં, ધબેટા બબલી તારી વાત તો  બહુ સાચી છે. હવે આપણે આ મોગરાના મોહમાં જૂઈને જાકારો નહીં આપીએ હો નિશા. બસ બબલી? હવે ભલે આપણા બાગમાં જૂઈ ખીલી ઊઠે.

''નિશા પોતાના પેટ ઉપર હાથ મૂકી ત્રાસી નજરે પતિ સામે મલકી. તેણે બબલીને હેતથી હૈયે વળગાડી. 

બારીમાંથી બહાર જોયું તો બાગમાં જૂઈને જીવતદાન મળ્યું એ ખુશીથી જાણે ઝાડવાં ઝૂમી ઉઠયા ને આસપાસ કાનાની મીઠી મીઠી બંસરીનુ સંગીત ગૂંજી ઊઠયું. 

 - નિધિ મહેતા (અમદાવાદ)


Google NewsGoogle News