એક મજાની વાર્તા : મ્યાઉં... મ્યાઉં.... મેં આઉ?
- સંકલન: પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
- ત્રણ દિવસ પછી આશા આરુને માલિશ કરતાં કરતાં ગીતો ગાતી હતી. ફળિયામાં બિલાડીના બચ્ચાઓ એમની મા ને પાછી આવેલી જોઈને ગેલમાં આવી ગયા હતાં. એનાં આંચળ પર ચોંટીને બચ્ચાં ધાવવા લાગ્યાં ને બિલાડી મ્યાઉં મ્યાઉં કરીને એમને જાણે કહેતી હતી, 'મેં આઉ, મેં આઉ?'
''કેવોક કળજગ આયો'સ મારા બાપ!'' બબડતાં દેવુબા ઘરમાં આવ્યાં. હજી એમની નજર ઘરની બહાર જ ફરતી હતી. તાજાં વિયાયેલા બિલાડીના બચ્ચાં એક ખૂણામાં પડયાં પડયાં ભૂખના લીધે કણસતા હતા. એમને નધણીયાતા મુકીને બિલાડી સવારની ક્યાંક જતી રહી હતી. દેવુબાએ ફળિયાના છોકરાઓને પાદર અને નદી સુધી મોકલ્યાં હતાં પણ બિલાડી કયાંય દેખાતી નહોતી.
અચાનક અંદરના રૂમમાંથી નાનકા આરુનો રડવાનો અવાજ સાંભળીને ફરી ગુસ્સે થઈને જોરજોરથી બોલવા લાગ્યાં, ''આ રાંડુંને ઉપરવાળો સુ જોઈન વસ્તાર આપતો હસે! સે આ માયું બનવાને લાયીક? અમારે તો જરીક સોકરું રોતું અ ેમાં તો સાતી ધાવણથી ભરાઈ જાતી'તી. ને આ અતારની બાયુના કેવાક ચાળા સે. પોતાનાં પેટનાં જણ્યાને ધવરાવવામાં જોર આવે'સ. બહાર બિલાડીના બચ્ચાંઓનો અવાજ સાંભળીને દેવુબા વાડકીમાં દુધ ભરવા લાગ્યાં. અંદરના રૂમમાં સંભળાય એમ જોરથી ઘાંટો પાડયો, ''એ વઉ, તમારો હુવાનો ટેમ પૂરો થ્યો હોય તો ગુગાને ધવરાવો જરીક. બસારું કે નુ વલખા મારે સે માની સોડ માટે.'' બહાર જઈને બચ્ચાઓ માટે બે વાડકીમાં દુધ મૂક્યું ને બાજુમાં રહેતી કિશનની વહુને ફરિયાદના સૂરમાં કહેવા લાગ્યાં, ''માણ હુ તો હમજ્યાં, આ જનાવરને ય ફેસનનો વાયરો લાગી જ્યો સે. પોતાનાં જણ્યાને આમ વલવલતા મુકીને રોઈ હવારની ક્યાં મરી ગઈ સે, સુ ખબર! આ જો ને, અમારી આસા ય તે તણ દાડાથી ગુગાને લેતી નથી. બસારુ ભૂખ્યું થાય કે મુતરી જાય ને રોતું હોય તો એની હામે ટગર ટગર જોયા રાખે પણ તેડીને સાનું નો રાખે. અમે કાંઈ બોલવા જાઈ તો રોવા માંડે ને મરી જવું સે, મરી જવું સે એવું બોલવાં લાગે સે.અલી બાઈ, તારા પંડયને હાચવવાનું કૈયે સિયે, ઈમાં મરવાનું ક્યાં આવે'સ. નતું જીરવાતું તો પેદા સુ કામ કર્યો! મારું તો લોઈ બળી જાય સે, પણ અજય મને કાંઈ બોલવા નથ દેતો.''
કીશનની વહુ મીના થોડું ભણેલી હતી, એ પરિસ્થિતિની ગંભીરતાને પામી ગઈ. એણે તરત અજય અને કિશનને ફોન કરીને ઘરે બોલાવ્યાં અને આશાને શહેરમાં ડોક્ટરને બતાવવાં લઈ ગયાં. મીનાનો અંદાજો સાચો પડયો, આશા એક ગંભીર માનસિક બીમારીનો ભોગ બની હતી. એક અઠવાડિયાની દવા લઈને એ લોકો ઘેર આવ્યાં પછી મીનાએ સરળ શબ્દોમાં દેવુબાને સમજાવ્યું, ''બા, આશાને પ્રસૂતિ પછી થતી માનસિક બીમારી થઈ છે, એમાં આશાનો કોઈ વાંક નથી.
બાળકને લેવાની ઈચ્છા ના થાય, ખાવાની ઈચ્છા ના થાય, ઊંઘ્યા કરે અને ક્યારેક મરી જવાના વિચારો આવે, એ બધુ એ રોગના લીધે થાય. દાક્તરે દવા આપી છે, થોડાં દિવસમાં સારું થઈ જશે, ચિંતા ના કરો. બસ તમારે અને અજયભાઈએ એને થોડી સાચવવી પડશે. આરુને ય થોડા દિવસ તમે સંભાળી લેજો.ધ ધબર્યું આ તમારી મગજની બીમારી. આવો દેવનો દીધેલ દિકરો હોય ને બીમારિયું સેની થાય. હવે દાગતરે કીધું સે તો હસે કાંક. કાંઈ નઈ, હાયલ થોડા દી'માં તો હારુ થઈ જાસે ને? હું બેઠી સવું હજી નક્કર પાણા જેવી. હાચવી લઈસ વઉને. લે હાલ, એને થોડો સીરો ખવડાવતી આવું ને દવા પિવડાઈને હુવાડી દઉં. મારાં ગુગાને મારી ભેગો લઈને હુઈ જાઈશ.
ત્રણ દિવસ પછી આશા આરુને માલિશ કરતાં કરતાં ગીતો ગાતી હતી. ફળિયામાં બિલાડીના બચ્ચાઓ એમની મા ને પાછી આવેલી જોઈને ગેલમાં આવી ગયા હતાં. એનાં આંચળ પર ચોંટીને બચ્ચાં ધાવવા લાગ્યાં ને બિલાડી મ્યાઉં મ્યાઉં કરીને એમને જાણે કહેતી હતી, 'મેં આઉ, મેં આઉ?'
- લેખક : ડો. ષવી જય ટેલર