એક મજાની વાર્તા : કાઇપો છે... .
- સંકલન: પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
સવારનો સમય હતો રાબેતા મુજબ ગાર્ગી તૈયાર થઈ નિત્યાને સ્કૂટીમાં આગળ બેસાડી મા-દીકરી પહેલાં નિશાળે અને પછી ઓફિસ જવા રવાના થયા. જતાં જતાં તે સમયસર જમી લેવા અને નિત્યાને નિશાળેથી તેડી આવવા કહે છે. પોતાના ઘર તરફ એકધારું તાકીને જોતા પડોશીઓને અવગણી અપરાજિત દરવાજો બંધ કરી અંદર ગયો. પછી નિશ્ચય વ્યવસ્થિત સૂતો છે તેની ખાતરી કરી હૉલમાં આવી પોતે લેપટોપ પર કામ કરવા બેઠો.
લગભગ એક વર્ષ પહેલાની વાત છે, કરોડપતિ એવા અપરાજિતના પરિવાર સાથે ઠગાઈ કરી તેના બિઝનેસ પાર્ટનરે બધું જ હડપ કરી લીધું અને રાતોરાત તેઓ સડક પર આવી ગયા. પિતાજી સદમા સાથે મૃત્યુ પામ્યા અને પાછળ બચ્યું તો લેણાંમાં ડૂબેલો પરિવાર. અપરાજિતની મોટી બહેન વિદેશ રહેતી હોય તે માતાને ત્યાં લઇ જાય છે. અને પોતાના ઘરમાં રહેવા આ લોકોને આગ્રહ કરે છે. માટે અપરાજિત ગાર્ગી તથા બન્ને બાળકો આ નવી સોસાયટીમાં બહેનના ઘરે રહેવા આવ્યા.
શાંત અને ધીરજવાળા સ્વભાવના અપરાજિતના જીવનમાં શું ચાલી રહ્યું હતું તેની સાક્ષી માત્ર ગાર્ગી હતી. ગાર્ગીએ જરા પણ ખચકાટ વગર પોતાના માતાપિતાની મદદ લેવા ના કહી દીધી. અને પોતે શાળા અને ટયુશનમાં નોકરીએ લાગી. અપરાજિત સમગ્ર ઘટનાથી ઘણો આઘાતમાં હતો, ગાર્ગી સતત તેની પડખે રહી. ગાર્ગીની મદદથી અપરાજિત આઘાતમાંથી બહાર આવી ફરી કામે લાગ્યો. એ સમય દરમિયાન ગાર્ગીએ બાળકો, નોકરી અને અપરાજિત બધાનું દિવસ રાત જોયા વગર ધ્યાન રાખ્યું. એક વર્ષમાં ગાર્ગીને નોકરીમાં સારું ફાવી ગયું હતું અને પગાર પણ વ્યવસ્થિત થયો હતો. અપરાજિતે બાળકો અને ઘર માટે વર્ક ફ્રોમ હોમ ઉપલબ્ધ હોય તેવી કંપનીમાં કામ શરુ કર્યું.
અપરાજિત કામ પતાવી મેનેજરને સબમિટ કરી નિશ્ચય સાથે ઉતાવળે નીકળ્યો અને નિત્યાને લેવા શાળાએ પહોંચ્યો. બાળકો સાથે મૉલમાં જઈ અને ત્યાંથી ઘરવખરીની વસ્તુઓ ખરીદી તેઓ ઘરે પહોંચ્યા. સોસાયટીના લોકો રોજ આ દ્રશ્ય જોતા અને સ્ત્રી વર્ગના અલગ અલગ હાવભાવ આવતા. કોઈના મત મુજબ અપરાજિતના નસીબની કઠણાઈ હતી કે તેની પત્નીને બદલે પોતાને ઘર સંભાળવાનું કામ કરવું પડતું. તો વળી કોઈના મત મુજબ ગાર્ગી નસીબદાર હતી કે આવો સમજુ અને મદદરૂપ પતિ એને મળ્યો. પુરુષવર્ગ અપરાજિતને જોઈ ગુસ્સે થયા કરતો. કારણકે તેમેની પત્નીઓ દ્વારા મળતા ટોણા એમને સાંભળવા પડતાં.
ગાર્ગી પહેલેથી અલ્લડ છોકરી હતી. માતા-પિતાને ત્યાં પણ પોતે એકમાત્ર સંતાન હોય બધી જવાબદારી તેણે માથે લીધેલી હતી. તે કોઈ પણ પરિસ્થિતિમાં મૂંઝાયા વિના નિર્ણય લેતી. લગ્ન પછી પણ અણધારી આફત આવતા જરા પણ ડગમગ્યા વિના તેણે અપરાજિતને પૂરો સહયોગ આપ્યો અને પતિની નબળી મનોદશા જોઈ પોતે હાથમાં જવાબદારી લીધી. અજાણ લોકો આ પરિવારની રહેણી-કરણી જોઈ તિરસ્કારભાવ વરસાવ્યા કરે.
અપરાજિતને દુકાન પર સોડા પિતા જોઈ સોસાયટીના અન્ય પુરુષોએ તેની મશ્કરીમાં કહ્યું, *અરે મિસ્ટર પંડયા ! શું વાત છે તમારા દર્શન થયા આજ તો !* ત્યાં બીજાએ ઉત્તર આપ્યો, *અરે ઘરના કામમાંથી નવરા થાય તો જોવા મળે ને !* અને બધાં હસવા લાગ્યા. એક જણે પૂછયું, * હેં પંડયા જી ! તમે બધું કામ કરો છો તો રસોઈ કેમ શીખી નથી જતાં ? ગાર્ગી ભાભીને અન્ય કામોની સાથે એમાંથી પણ મુક્તિ મળે.* અપરાજિત શક્ય હોય ત્યાં સુધી કારણ વગરની દલીલબાજીમાં પડતો નહીં. કામકાજમાંથી પરવારી સ્ત્રીવર્ગ પણ ત્યાં જ સોસાયટીના ખૂણે હળવી પળોમાં વ્યસ્ત હતો. તેઓ પુરુષ વર્ગની વાતો સાંભળી છણકો કરી લેતા.*તને નથી લાગતું તે ગાર્ગીને કંઈક વધારે પડતી જ છૂટ આપેલી છે? કામના બહાને અડધો દિવસ તે બહાર હોય અને તું બાળબચ્ચાં માં રચ્યો-પચ્યો રહે છે. * એક વડીલએ કહ્યું. સોડાનો ઘૂંટડો ગળે ઉતારી અપરાજિતે કહ્યું, * તમારાં દીકરાની વહુને આવું કોઈ કહે તો? તમે બધા તેને ચડામણીનું નામ આપશો. તમે બધા કામના બહાને આખો-આખો દિવસ અરે અઠવાડિયાઓ બહાર રહો છો. અને તમારી પત્નીઓ ઘર અને પરિવાર બધું જ સંભાળે છે, ત્યારે બધું બરાબર છે. પણ એ જ પાત્ર પત્ની ભજવે ત્યારે અયોગ્ય લાગે છે એવું કેમ?* જવાબ કોઈ પાસે ન હતો. અપરાજિતે આગળ કહ્યું, * અરે તમારામાંથી ઘણાની પત્નીઓ નોકરી કરે જ છે. પણ જ્યાં સુધી સાથે ઘર પણ સાંભળે છે ત્યાં સુધી વાંધો નહીં. અહીં ગપ્પાઓ મારવા કરતા ક્યારેક પત્ની સાથે બેસીને તેની ફરિયાદ, સમસ્યાઓ સાંભળો. તેમની ઈચ્છાઓને પણ માન આપો. અને મહેરબાની કરી ઘરના કામોની જાતિગત વહેંચણી બંધ કરો.* બધાં નિરુત્તર થઇ ગયા. * મારાં પરિવાર સાથે શું બન્યું છે, અને શું ચાલી રહ્યું છે એ તમામ ઘટનાઓથી તમે વાકેફ ન હોય મહેરબાની કરી તમારા મત અને તમારી સલાહો તમારા પૂરતી સીમિત રાખો.* બોલી તે છેલ્લો ઘૂંટડો ઉતારી ગ્લાસ મૂકી ઘર તરફ ગયો.
*સૉરી સૉરી વેરી સૉરી. કાલે ઉત્તરાયણ છે એટલે આજ પ્રોગ્રામને લીધે મોડું થઇ ગયું.* બોલતી ગાર્ગી ઘરમાં દાખલ થઇ. બાળકો અને પતિએ વ્હાલ સાથે ગળે લગાડી એક સાથે કહ્યું, * ઇટ્સ ઓકે મમ્મી.* અને બધાં હસી પડયા. અપરાજિતે જમવાનું મંગાવી રાખ્યું હોય તેણે કહ્યું, * સૉરી ગાર્ગી મેં બાળકોની ઝિદને કારણે તેમની સાથે જ વહેલું જમી લીધું.* અને ગાર્ગી નિ:સાસો નાખતા બોલી, *શું તું પણ યાર !* બાળકો હાથમાં પતંગ અને ફીરકી લઇ ભાગતા આવ્યા ,* મમ્મી જો અમે શું લાવ્યા?* બાળકોના હાથમાં પતંગ જોઈ ગાર્ગી અપરાજિતની સામે જોયું. * કમ ઓન યાર, ગયા વર્ષે આપણે મારે કારણે ઉત્તરાયણ ઉજવી શક્યા ન હતા. આ વર્ષે તો પાક્કું છે. અને તારે જ પતંગ ઉડાવવાનો છે.* નિત્યાએ ઉમેર્યું, * હા મમ્મી, પપ્પા એ કીધું તું નાના-નાની ના ઘરે હતી ત્યારે દર વર્ષે આજુબાજુના લોકોના પતંગ કાપતી. મને પણ શીખવું છે.* નિત્યાની સાથે અપરાજિતે પણ લહેકો કર્યો, *હા મને પણ શીખવું છે.* હસતા હસતા ગાર્ગી રૂમમાં જઈ અને એક થેલીમાંથી પોતે લાવેલા પતંગ બતાવતી બોલી, *સરપ્રાઈઝ....* અને બધા ગેલમાં આવી ગયાં.
બીજે દિવસે અગાસી પર હર્ષોલ્લાસ સાથે આ નાનો પરિવારે ઉત્તરાયણ ઉજવી. ગાર્ગી પતંગ ઉડાવે અને અપરાજિતે ફીરકી પકડી. પવનને વીંધી ક્યાંય ઊંચે ગાર્ગી અને અપરાજિતનો પતંગ સ્થિર ઉડતો રહ્યો. ને એક પછી એક એક મોઢા ચડાવી તેમને જોતા પાડોશીઓના પતંગ કાપતા ચારે જણ ઉજવણી કરતા બૂમ નાખે છે,*એ કાઈપો છે.....*
- રીષીતા જાની