એક મજાની વાર્તા : ફેંસલો .
- સંકલનઃ પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
દેશની સર્વોચ્ચ અદાલતમાં આજે બહુચચત અનન્યા સુબ્રમણ્યમ કેસનો ચૂકાદો આવવાનો હતો.
આખો કોર્ટરૂમ ખીચોખીચ ભરાઇ ગયો હતો. સૌથી પહેલી હરોળમાં બેઠેલી અનન્યા આજના ચુકાદાની બેસબ્રીથી રાહ જોઈ રહી હતી. થાકથી નિચોવાઈ ગયેલું શરીર, મ્લાન ચહેરો, સૂકાયેલાં હોઠ પરંતુ આંખોમાં આત્મવિશ્વાસની અનેરી ચમક જાણે અનન્યા જીતનો જશ્ન મનાવવા બેતાબ હતી કારણ આત્મસન્માનની આ કપરી લડાઈમાં અનન્યાએ પોતાના જીવનના કિંમતી વર્ષો, મૂલ્યવાન કારકિર્દી, અગણિત અમૂલ્ય વસ્તુઓને દાવ ઉપર લગાવી દીધી હતી. પરંતુ અનન્યા દ્રઢ્ઢ નિશ્ચયી હતી એના જીવનના મધદરિયે જે તોફાન આવ્યું હતું એમાંથી સાંગોપાંગ પાર ઉતરવા માટે, તોફાની તત્વોનો નાશ કરવા માટે અને બીજી કેટલીય અનન્યાઓને આવા તોફાનનો સામનો કરવા માટેના હંફ અને માર્ગદર્શન આપવા માટે. કોર્ટનો ચૂકાદો એની લડતનો છેલ્લો પડાવ હતો.
અનન્યાના જીવનમાં આવેલા ઝંઝાવાતે એના શાંત અને સૌમ્ય અસ્તિત્વ ઓગાળીને એને એક લડાયક યોદ્ધો બનાવી દીધી હતી છતાંય સંઘર્ષ અને પીડાના કપરા આઠ વર્ષ અનન્યા માટે ભૂલી શકાય એવા ક્યાં હતાં..?
અનન્યા અને પ્રશાંત બેંગલુરુ સ્થિત પ્રખ્યાત આઈટી કંપનીમાં નોકરી કરતા હતા. કોમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસ દરમ્યાન થયેલી દોસ્તી પ્રેમમાં અને ત્યારબાદ પરિણયમાં પરીણમી હતી. દાંપત્યજીવનના બાગમાં બે જોડકાં ફૂલ પણ ખીલ્યાં હતાં.
અનન્યા ભણવામાં ઘણી જ હોંશિયાર, બુદ્ધિશાળી અને મહેનતું. પ્રશાંત અને અનન્યા એકસાથે નોકરીમાં જોડાયા હોવા છતાંય અનન્યા પોતાની બુદ્ધિપ્રતિભા અને આવડત થકી સફળતાના સોપાન સર કરવા લાગી હતી. અને ટૂંક સમયમાં જ કંપનીમાં 'મેનેજિંગ ડિરેક્ટર'ના ઉચ્ચ પદને શોભાવી રહી હતી.
અનન્યાને મળેલી નાની ઉંમરમાં મોટી સફળતા પ્રશાંતને ખટકી હતી. અનન્યા નિાપૂર્વક પ્રશાંતની, ઘર પરીવારની અને બાળકોની જવાબદારીઓ નિભાવતી હતી પરંતુ લઘુતાગ્રંથિની ભાવનાથી પિડાઈ રહેલો પ્રશાંત અનન્યાથી દૂર થઇ રહ્યો હતો. ઓફિસમાં બીજા પુરુષ સહકર્મચારીઓ માટે પણ અનન્યાની પ્રગતિ ઈર્ષ્યાનું કારણ બની હતી.
અને એક દિવસ સવારે પ્રશાંત ધૂંઆફૂંવા થતો નાસ્તાના ટેબલ ઉપર આવ્યો. અનન્યા પ્રશાંતના ક્રોધનું કારણ સમજી શકી નહોંતી છતાંય પ્રશાંતને શાંત પાડવાનો પ્રયત્ન કરતાં કહ્યું,
'પ્રશાંત ચાલ, નાસ્તો કરી લે પછી ઓફિસ પહોંચવાનું છે ને..!! '
'હા, તને હવે ઓફિસ સિવાય બીજું કાંઈ સૂઝતું જ નથી. ત્યાં જ ગમે છે તને' પ્રશાંત ધૂંધવાતા બોલ્યો.
'શું વાત છે પ્રશાંત ! આવું વિચિત્ર વર્તન કેમ કરે છે?' અનન્યાએ પૂછયું.
'ઓહ, આટલી બધી બેખબર થઈને મને શું પૂછે છે? આ જો, તારા ફોટોગ્રાફ્સ. શું છે આ બધું અનન્યા?? પ્રશાંતે પોતાના મોબાઇલ ફોનમાં અનન્યાના ફોટોગ્રાફ્સ બતાવ્યાં.
'વ્હોટ્ટ.....આ,આ શું છે? મારા આવા બિભત્સ ફોટાઓ? કોણે કર્યું આ કામ? તને કોણે મોકલ્યા આ ફોટોગ્રાફસ?'અનન્યા ફાટી આંખે ફોટાઓ જોતી રહી ગઈ.
'તેં જ કર્યુ હશે ને ! આ નગ્ન તસ્વીરો તારી સહમતિથી જ લીધી હશે ને ! તારી પ્રસિદ્ધિની, સફળતાની ભૂખનું પરીણામ છે આ !'
'પ્રશાંત, માઈન્ડ યોર ટન્ગ. આ ફોટોગ્રાફ્સ મોફગ કરવામાં આવ્યા છે. કોઈના દેહ ઉપર મારા ચહેરાના ફોટા બેસાડવામાં આવ્યા છે. એક કોમ્પ્યુટર એન્જીનીયર થઈને આ વાત તું નથી સમજી શકતો !'
'ફોટોમોફગ મને પણ ખબર છે પણ આટલું પરફેક્શન એમાં શક્ય જ નથી. મને મૂર્ખ ન બનાવ અનન્યા !'
'પ્રશાંત, હું શા માટે તને મૂર્ખ બનાવું ?? તારાથી મારી કઈ વાત છૂપી છે? તું જાણે છે ને આ મારો દેહ નથી. તને વિશ્વાસ નથી મારી ઉપર? અનન્યાએ મજબૂત દલીલો કરતા કહ્યું.
પ્રશાંતના મનમાં રહેલી અનન્યા માટેની ઈર્ષ્યાએની સમજદારી ઉપર હાવી થઈ રહી હતી. એના વિશ્વાસની ડોર ઢીલી પડી રહી હતી.
પોતાના અભદ્ર ફોટોગ્રાફ્સ કરતાં પણ પ્રશાંતના અવિશ્વાસે અનન્યાના ભીતરથી હચમચાવી મૂકી હતી. એ દિવસે અનન્યાનું ચિત્ત કામમાં ચોંટતું નહોતું. એના મનમાં અનેક સવાલો ઘૂમરાઈ રહ્યાં હતાં... કોણ છે આ છૂપો દુશ્મન જેણે આવું નીચ કામ કર્યું ? કઈ વાતનો બદલો લઈ રહ્યો છે? અત્યાર સુધીમાં તો કેટલીય જગ્યાએ આ ફોટાઓ વાઈરલ થઈ ચૂક્યા હશે? આ વિચારથી જ અનન્યાને કમકમાં આવી ગયાં અને અચાનક જ થોડા વર્ષાે પહેલાં બનેલી એક ઘટના એને યાદ આવી ગઈ. ઓફિસના અપ્રામાણિક કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા મોટા નાણાકીય ગોટાળાને કારણે અનન્યાએ અમુક કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતાં. શું અનન્યા સામે એ વાતનો પ્રતિશોધ લેવા માટે આવું નીચ કૃત્ય કરવામાં આવ્યું હતુ? એક સ્ત્રીની આબરૂને હથિયાર બનાવવામાં આવી હતી?
અનન્યાનો ગુસ્સો જ્વાળા બનીને ફાટયો હતો. પોતના માન સન્માન ઉપર પ્રહાર કરનારા આ નરાધમઓને પકડીને આકરી સજા અપાવવા માટે અનન્યા કટીબદ્ધ થઈ ગઈ.
'પ્રશાંત, ફોટોમોફગ સાઈબર ક્રાઈમ છે. તું સાથ આપે તો આપણે આ નીચ કામ કરનારાઓને સખત સજા અપાવી શકીએ' અનન્યાએ પ્રશાંતના સાથની આશાથી કહ્યું.
પરંતુ અદેખાઇની આગમાં બળી રહેલો પ્રશાંત પતિ તરીકેની ફરજ ચૂક્યો..
'અનન્યા, હું તને મદદ નહિ કરી શકું. મારા ઉપર બીજી જવાબદારીઓ પણ છે. તારે લડવું હોય તો લડી લે તારી રીતે.'
'પ્રશાંત, આ અપરાધીઓને સજા નહિ અપાવીએ તો ભવિષ્યમાં મારી જેવી બીજી કેટલીય અનન્યાઓ હેરાન થશે.'અનન્યાએ કહ્યું.
'તું ઇમોશનલી વિચારે છે પરંતુ પ્રેક્ટિકલી આ બધુંં શક્ય નથી અનન્યા. અને હા, તારે જે કરવું હોય તે કર પણ મારા મારા બાળકો ઉપર આ વાતનો ઓછાયો પણ પડવો ન જોઈએ. તારે કારણે બાળકોના ભવિષ્યને સંકટમાં મૂકી નહી શકાય.' પ્રશાંતે બાળકોને બહાને આ વાતથી હાથ જ ધોેઈ નાખ્યાં.
પ્રશાંતની વણકહી વાત અનન્યા સમજી ગઈ. પરંતુ એક માની મમતા સામે એક સ્ત્રીના માન સન્માનનું પલડું નમી ગયું હતું અને સ્વાભિમાની અનન્યા ભારે હૈયે ઘર અને બાળકોને મૂકીને આત્મસન્માનની કપરી લડાઈ લડવા કાંટાળા માર્ગ પર નિકળી પડી.
નીબીડ અંધકારને ચીરીને અનન્યાએ હવે સ્વયં માટે ઉજાસ શોધવાનો હતો, હિંમત અને ખુમારીથી ખુદની કેડી કંડારવાની હતી.
અનન્યાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવી અને સાથે સાથે સાઈબર ક્રાઈમ ખાતામાં ઉચ્ચ અધિકારીઓને લેખિત અરજી મોકલીને ન્યાયની માગણી કરી. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા નિમત મહિલાઓ અને બાળકો માટેના સાઈબર ક્રાઈમને રોકવા માટેનો વિભાગ ભભઉભમાં પણ ન્યાય મેળવવા અનન્યાએ ઘા નાખ્યો.
અપરાધીઓ દ્વારા અનન્યાને બ્લેકમેલ કરવાના પ્રયાસો થયા, એની ઉપર શારીરિક હૂમલો કરવાની ધમકીઓ મળી છતાંય ડર્યા વિના, હાર્યા વિના અનન્યાએ પોતાની લડત ચાલુ રાખી. સંયમ અને ધીરજની પરિક્ષા કરનારા એક એક દિવસે અનન્યાને ખૂબ મજબૂત બનાવી દીધી. સમાજમાં દાખલો બેસાડવા માટે અનન્યાએ પોતાની લડતને દેશવ્યાપી બનાવી દીધી.
અનન્યાએ દરેક સાઈબર ક્રાઈમ પિડીતને હિંમત અને દ્રઢ્ઢ મનોબળ આપવા સોશિયલ મીડિયા પર, ન્યુઝ ચેનલો પર, અખબાર- સામયિકોમાં પોતાને થયેલાં અન્યાયને લોકો સમક્ષ મૂક્યો. દેશભરમાંથી અનન્યા તરફી લોકજુવાળ ઉઠયો. અંતે પોલિસ અને સાઈબર ક્રાઈમ સેલના અધિકારીઓની મદદથી,પોતાના અથાગ પ્રયાસોથી અનન્યા અપરાધીઓને શોધવામાં સફળ રહી હતી.
ફોટોમોફગ, બ્લેકમેઈલિંગ અને શારીરિક હૂમલાની ધમકી જેવા જઘન્ય અપરાધ માટે અનન્યા અપરાધીઓને ઉચ્ચ ન્યાયાલયમાં ઘસડી ગઈ હતી. આજે અનન્યાની સાથે આખો દેશ એની જીત માટે પ્રાર્થના કરી રહ્યો હતો, કામના કરી રહ્યો હતો.
કોર્ટમાં જજ સાહેબનો ચૂકાદો આવી ચૂક્યો. કોર્ટે અનન્યાના અપરાધીઓને સાત વર્ષની જેલ અને દસ લાખનો દંડ ફટકાર્યોે હતો.
આજે અનન્યાની, નારી શક્તિની, સ્ત્રીના આત્મસન્માનની જીત હતી. હર્શ્રાષુથી અનન્યાની આંખો ભીંજાઈ રહી હતી. ત્યાં ઉપસ્થિત સહુનું અભિવાદન એ ઝીલી રહી હતી. ત્યારે જ અનન્યાના મોબાઇલમાં પ્રશાંતનો મેસેજ રણક્યો, 'કોન્ગ્રેટયુલેશન્સ અનન્યા.'
પરંતુ પ્રશાંતના મેસેજને ગણકાર્યા વગર જ અનન્યા બીજી અનન્યાઓના આત્મસન્માનની રક્ષા કાજે ચાલી નીકળી.
લેખક : અંજલિ વોરા (દિલ્હી)