Get The App

એક મજાની વાર્તા : સર્જનક્રાંતિ

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
એક મજાની વાર્તા : સર્જનક્રાંતિ 1 - image


- સંકલનઃ પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

''કોણ છે એ લેખક? આપણે પ્રકાશિત જ નહીં થવા દઈએ. પ્રકાશન બજાર આપણું જ છે ને?''  મંત્રીશ્રી ઠહાકા મારી હસતાં બોલ્યા.

''સાહેબ લેખક સુબેંધુભાઈ છે. તેઓની કલમ લોકોમાં કેટલો ઉન્માદ ફેલાવી શકે એ આપણને ખબર છે.'' પોતાની ચિંતા વ્યક્ત કરતાં મંત્રીશ્રીના પી.એ. બોલ્યા.

''કલમને રોકવાના ઘણા રસ્તા છે આપણી પાસે. એક કામ કર...આપણો જુનો કીમિયો અજમાવ.''

''ના! શું વાત કરો છો? શરમાતા નથી? મારી સાથે આવી વાત કરવાની તમારી હિંમત કેમ થઈ? અમે ભાષાના તથા માં સરસ્વતીના સેવકો છીએ વેપારીઓ નથી. સમજ્યા? હવે આ બાબત માટે મને ફોન કરતાં નહીં. હું તમારી કોઈ મદદ નહીં કરી શકું.''  ગુજરાતનાં ખ્યાતનામ લેખક સુબેંધુભાઈએ ફોન પટક્યો. અને ગુસ્સામાં બબડયા.

''બસ, લેખનને પણ ધંધો બનાવી રાખ્યો છે. સમજે છે શું ? માં સરસ્વતીને પણ વેચવા- ખરીદવા નિકળા છે.''

સુબેંધુભાઈ એટ્લે ગુજરાતનાં એક ખ્યાતનામ, સિદ્ધાંતવાદી, સમાજ  સુધારક અને ધારદાર લેખક. લોકોમાં પોતાની કલમની કમાલથી ખુબ પ્રખ્યાત. ટીકાકારો પણ ઘણા, લેખકની વાત અને રજુઆત સચોટ અને સટીક હોય એટેલે એ થવાનું જ. અચાનક આજે સવારે તેઓને ધમકી ભર્યાે ફોન આવ્યો કે એમણે લખેલી એક અપ્રકાશિત નવલકથાના કાપીરઈટ મંત્રીશ્રીના લાડકા લેખકને આપી દેવામાં આપે, નવલકથા નવા લેખકના નામે પ્રકાશિત કરવામાં આવે અને તેના તેમને મોં માંગ્યા પૈસા આપવામાં આવે. આ જ કારણ છે સુબેંધુભાઇના ગુસ્સાનું. ગડમથલના વાદળો તેમને ઘેરી વળ્યા. ત્યાં ફરીથી ફોન ગુંજ્યો.

ફોન ઉઠાવતા સામેની બાજુથી ગુસ્સામાં પડછંદ અવાજ ગુંજ્યો, અલ્યા એય તને શાંતિથી સમજાવું છું માની જા. અમે મફતમાં કઈ નથી માંગતા. તને તારી નવલકથાના આટલા પૈસા કોણ આપશે?''

સુબેન્ધુ ભાઈ  અકળાઇને  કહે છે , ''મારો એક જ જવાબ છે ,'' ના''

સુબેન્ધુભાઈ ગુસ્સાથી ફોન પટક્યો.પોતાના સમગ્ર લેખન કાળ દરમિયાન નાના મોટા ઘણા ખરાબ અનુભવો થયા હતા તેઓને પણ, આ વખતે કઈક અલગ જ હતું. 

'મે ક્યા વિષય ઉપર નવલકથા લખી છે અને ટુંક સમયમાં પ્રકાશિત થશે એ આ લોકોને કઈ રીતે ખબર?''  સુબેન્ધુભાઈ વિચારોના વંટોળે ચડયા, ''આ તો દાદાગીરી જ છે ને, ધાક ધમકીથી મારી નવલકથાના વિષય સાથે ચેડાં કરીને બીજાના નામે પ્રકાશિત કરાવી દેવી. એક તીરે બે નિશાન. એક આશય મારા ક્રાંતિકારી, વિચારસ્ફુરક અને પ્રેરણાદાયી વિષયને લોકો સુધી પહોંચવા ન દેવો  અને બીજું લાગવગિયા નવા લેખકને પ્રખ્યાત કરવો...ના...હું કોઈ હિસાબે એ નહીં થવા દઉં.''  કઈક વિચારી સુબેંધુભાઈ બહાર નીકળ્યા. 

સૌથી પહેલું કામ પોતાના રેગ્યુલર અને જાણીતા પ્રકાશક પાસે પોતાની નવલકથાના પ્રકાશન માટેની વાત કરવા ગયા. તેનો આવકાર એકદમ ફિક્કો લાગ્યો. સુબેંધુભાઈના  આશ્ચર્ય વચ્ચે પ્રકાશકે તેમની નવલકથાનો વિષય સચોટ નથી કહીને પ્રકાશિત કરવાની ના કહી દીધી. એવી રીતે શહેરના કે બહારના પણ કોઈ પ્રકાશક સુબેંધુભાઈની નવલકથા પ્રકાશિત કરવાની તૈયારી ન બતાવી. સુબેંધુભાઈને  હવે આખી યોજના બરાબર સમજાઈ. અપાર નિરાશાવશ  તેઓ આવી પડેલ આફતનું સમાધાન શોધવા મથી રહ્યા હતા ત્યાંજ ફરીથી ફોનની ઘંટડી રણકી

સામેની બાજુથી એક ઉત્સાહિત અવાજ ગુંજ્યો, હેલ્લો કેમ છે અલ્યા? જુના મિત્રોને ભુલી ગયો કે?

સુબેંધુભાઈને લાગ્યું મંત્રીશ્રીના માણસોનો ફરીથી ફોન આવ્યો કે શું? એટ્લે થોડા અચકાતાં સ્વરે 'કોણ? હું ઓળખ્યો નહીં.'

 અરે ભાઈ મુંઝાઈ શું ગયો? તારેશ બોલું છું . કેમ છે ભાઈ? લેખકની તલવાર આજકાલ મ્યાનમાં જ કેમ છે? લખતો નથી હમણાં? તારી વાર્તાઓ અને નવલકથાઓનો હું આશિક છું.''

સુબેંધુભાઈનો મિત્ર તારેશ પણ તેમના જેવો આદર્શવાદી અને સમાજ સુધારક. તેમને પોતાની હાલની સમસ્યા કહી શકાય. એ જરૂરથી કઈક ઉકેલ લાવશે. એ વિચારી સુબેન્ધુભાઈ તારેશભાઈને પોતાની સમસ્યાની પહેલેથી લઈને અંત સુધીની હકીકત જણાવે છે.

તારેશભાઈ થોડા ગળગળા થઈને કહે છે, ખરેખર, આ સમાજની મને દયા આવે છે. જ્યાં પ્રકાશન પણ બજાર છે અને લેખન તથા લેખકો પણ વહેંચાયેલા અને  ખરીદાયેલા છે. જ્યાં સારો, ક્રાંતિકારી, સુધારાવાદી વિષય સમાજ સુધી ન પહોંચવા દેવા આટઆટલી ગુંડાગીરી કરવામાં આવે છે. નિર્દોષ અને નમાલી પ્રજાને  ખબર નથી કે તેઓને કોઈ છુપી રીતે ગેરમાર્ગે દોરી રહ્યું છે.વર્તમાન લેખન, સોશિયલ મીડિયા, અને વોટ્સેપ મેસેજ લોકોને દિશા અને દશાવિહીન કરવાનો એક કીમિયો છે.''

સુબેંધુભાઈ પણ પોતાનું આક્રંદ  વ્યક્ત કરતા કહે છે, સાચી વાત કહી. ગંદા, બેકાર, વિષયવિહીન કન્ટેન્ટ પ્રકાશિત થઈ રહ્યા છે, આવા લેખકોની વાહવાહી  કરવામાં અને કરાવડાવમાં  આવે છે.  તેવા વહેચાયેલા  લેખકોના ફાલતુ અને ઉઠાવેલા લેખન  કાર્યોનો   મોટા પાયે ફેલાવો કરી ખ્યાતનામ કરવામાં આવે છે. તેઓને વિવિધ મંચો પર ચીફ  ગેસ્ટ તરીકે બોલાવી, તેમનું વક્તવ્ય ગોઠવવામાં આવે છે અને તેઓને સન્માનીત કરવામાં આવે છે. જ્યારે લેખકને શું અને કેવી રીતે લખવું એ સ્ક્રીપ્ટ પણ અપાઈ જતી હોય ત્યાં સરસ્વતીમાં પણ લજવાઈ જાય. આવા સંજોગોમાં મારા જેવા લેખકોને આવી વિકટ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મંત્રીશ્રી જાણે છે  કે મારી નવલકથા શાંત પાણીમાં વમળો ઊભા કરતાં પથરા જેવી છે જે  નેતાઓના અનેક મુખૌટાને ઉખાડી ફેંકશે અને તેઓના રાક્ષસી ચહેરાઓને ઉઘાડા કરશે, એટ્લે મારી તલવાર જેવી કલમને મ્યાનમાં પાછી ધકેલવા આવા નમાલા પ્રયાસો કરે છે.''

''લેખન એક ઉમદા કાર્ય છે. સમાજનો અરીસો છે. લેખકનું વ્યક્તિત્વ અને વિચારો જ સમાજને સાચા માર્ગે  દોરી જાય છે.  સમાજને દુષિત કરતાં તત્વોને સમાજની વચ્ચે લાવીને સુતેલાં સમાજને ઢંઢોળવો જ રહ્યો! સમાજમાં વૈચારિક ક્રાંતિની આવશ્યકતા છે અને તેના દ્વારા જ હકારાત્મક પરીવર્તન લાવી શકાય. તું ચિંતા ન કર... આ નવલકથા તારા નામે જ હું પ્રકાશિત કરાવડાવીશ અને પુસ્તકનું વિમોચન પણ મોટા પાયે કરવડાવીશ. તું જોજે પુસ્તક ઉપર તારા નામથી જ એ  લોકો સુધી વાયુ વેગે પહોંચવા લાગશે. તારેશભાઈ મક્કમતાથી બોલ્યા. 

સુબેંધુભાઈના  માથા પરથી મોટો બોજ હળવો થઈ ગયો. તારેશભાઈનો એક મિત્ર જેણે હજુ નાના પાયે  પ્રકાશન કાર્ય શરૂ કર્યું છે  તે  આ  નવલકથા પ્રકાશિત કરવા રાજી થયો અને બહુજ ટુંક સમયમાં પ્રકાશિત થઈ જાય છે.

તારેશભાઈ મોટા પાયે નવલકથાનો વિમોચન પ્રસંગ ગોઠવે છે, જેમાં ઉમદા લેખકોના હસ્તે પુસ્તક વિમોચન કરવામાં આવે છે. ત્રીજા દિવસે સવારે મંત્રીશ્રી પોતાના ઘરે ચા- નાસ્તો કરતાં હોય છે ત્યાંજ અચાનક એક કુરિયર આવે છે. નોકર એ કુરિયર મંત્રીશ્રી ને આપે છે, જેમાં એક પુસ્તક છે ...શીર્ષક છે ...સાહિત્ય અને સમાજ ઉત્થાન...લેખક ... સુબેંધુ  મહેતા. 

''કલમની તાકાત ખરેખર બંદૂકથી પણ વધારે છે. આમના જેવા લેખકો સમાજ ઉત્થાન કરીને જ રહેશે.''  મંત્રીશ્રી ગુસ્સાથી લાલ  થઈ બબડયા.

લેખક -  ડો. દશતા દવે        

(જામનગર) 


Google NewsGoogle News