એક મજાની વાર્તા : બદલાવ
- સંકલનઃ પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
'શી ખબર આજની જનરેશન પોતાની જાતને શુંય સમજે છે ? આપણે તો જાણે કે દુનિયા જોઈ જ નથી. બસ, કંઈ કહો તો એમ કહે કે મમ્મી તું ના બોલ. તને ખબર ના પડે.' ગુસ્સામાં મીતા બબડતી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ઘરમાં જે ચાલતું હતું તેનાથી તે અકળાયેલી હતી. ''આજે તો આ વાતનો ફેંસલો લાવવો જ રહ્યો'', મીતા મનોમન બોલી.
અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતી મીતા એક સિંગલ મધર હતી. ઘણી મુશ્કેલીઓ વેઠીને એણે એના દીકરા રાઘવને મોટો કર્યાે હતો. સિંગલ મધર હોવાના કારણે મીતા ઘણી પઝેસિવ હતી. નવા વિચારોને અપનાવવામાં પણ થોડી ડરતી હતી કે એમ કહી લો કે થોડી ખચકાતી હતી.
મીતાના જ્યારે ડિવોર્સ થયા, ત્યારે રાઘવ દસમાં ધોેરણમાં ભણતો હતો. થોડી ઘણી મેચોરીટી એનામાં હતીત પણ પરિપક્વ ના કહી શકાય.હા, પણ કહ્યાગરો કહી શકાય. સમય વીતતો ગયો અને રાઘવ બારમાં ધોેરણમાં આવી ગયો. આખું વર્ષ એણે ખૂબ મહેનત કરી. મીતા પણ હંમેશાં એના પડખે જ ઉભી હોય. આખરે મા-દીકરાની મહેનત રંગ લાવી અને રાઘવનું બારમાં ધોેરણનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું.
રાઘવે ભણવા માટે દેહરાદૂન જવાની ઈચ્છા મા સામે વ્યક્ત કરી. રાઘવને ક્યારેય પોતાનાથી અલગ ના કર્યાે હતો,એટલે મીતા થોડી અચકાઈ. એણે રાઘવને અમદાવાદની કોઈ સારી કાલેજમાં એડમિશન લેવા માટે ઘણું સમજાવ્યોત પણ રાઘવ આ વખતે ના માન્યો. આખરે મીતાએ રાઘવની જિદ્દ સામે નમવું પડયું. પણ એક મા ક્યાં હાર માને એમ હતી? એણે ઘણી તપાસ કરી અને ખબર પડી કે એના એક કોલેજ મિત્રનો દીકરો જય પણ ત્યાંજ એડમિશન લેવાનો હતો. હવે એને થોડી શાંતિ વળી. મીતાએ રાઘવને ભણવા માટે દેહરાદૂન મોકલ્યો. હવે રાઘવ ત્યાંજ રહેતો હતો. મીતા હવે સાવ એકલી પડી ગયી હતી,પણ ઘર અને નોકરી સિવાય એ કોઈને મળતી ન હતી. મીતાની દુનિયા બસ રાઘવ પૂરતી જ સીમિત હતી. રોજ રાત પડે એટલે રાઘવ મા ને વિડિઓ કોલ કરે અને આખા દિવસની બધી જ વાતો કરી. રાઘવની દરેક વાતમાં જય તો હોય જ. મીતાને થોડી શાંતિ હતી કે જય રાઘવ સાથે હતો પણ એ થોડી ચિંતિત પણ હતીત કેમકે રાઘવની દરેક વાત જય થી જ શરૂ થતી અને જય પર જ ખતમ.
મીડ સેમનાં વેકેશનમાં રાઘવ હોસ્ટેલથી ઘેર આવ્યો. છ મહિના પછી આવ્યો હતો છતાં એ મા સાથે ખાસ સમય પસાર કરતો નહતો. મોટાભાગનો સમય એ એના રૂમમાં જ પસાર કરતો. રોજ એનો બેસ્ટ ફ્રેન્ડ જય ઘેર આવતો અને બંને કલાકો સુધી રૂમમાં રહેતા.
મીતા ને પોતાના દીકરાની અમુક વાતો પસંદ ન હતી પણ એક તરુણ સંતાનને ટોકવું એ સારું નહીં, એમ એ માનતી.
એક દિવસ સાંજ થવા આવી હતી છતાં પણ જય ઘરે ગયો ન હતો. મીતાએ જોયું કે દરવાજો લોક હતો. મીતાએ એક્સ્ટ્રા ચાવીથી દરવાજો ખોલ્યો તો એની આંખો પહોળી જ રહી ગઈ. એણે રાઘવ અને જયને પ્રકૃતિ વિરુદ્ધનું કૃત્ય કરતા જોયાં અને એના ગુસ્સાનો પાર ન રહ્યો. જે એણે જોયું હતું એ કોને કહેવું? કેવી રીતે કહેવું? રાઘવને પણ શું પૂછવું? એ ઘણી અસમંજસમાં પડી ગઈ. એક વખત તો વિચાર આવ્યો કે પોતાના મિત્ર એટલેકે જયનાં પપ્પાને વાત કરવી. પણ એક સિંગલ મધર અને પાછાં થોડાં સંકુચિત વિચાર. એટલે એ થોડી અટકી ગયી. આખી રાત એ ઊંઘી ન શકી. એણે નક્કી કર્યું કે સવારે આ વિષયમાં રાઘવ સાથે વાત કરવી જ રહી. બીજા દિવસે એણે નોકરીમાં રજા રાખી અને રાઘવની ઉઠવાની રાહ જોઈ બેસી રહી. જેવો રાઘવ નાશ્તો કરવા ટેબલ ઉપર બેઠો, મીતા એની સામેજ બેસી ગઈ. કચવાટ સાથ સાથે એણે વાત શરુ કરી. માં અને બાપ બંનેની ભૂમિકા ભજવવાની હતી, એટલે સંકોચ દૂર કર્યો અને રાઘવન ને આ રિલેશનશિપ વિષે પૂછયું. રાઘવે કોઈ વાત ના છુપાવી અને માં ન ને સાચી હકીકત કહી. મીતા થોડા જૂના વિચારોની હતી, એટલે પહેલા તો એને ખૂબ લજગુસ્સો આવ્યો. રાઘવે પણ પોતાનો પક્ષ રાખ્યો. એણે માં ને સમજાવી, 'મમ્મી, આ એક નેચરલ થીંગ છે. દરેક વ્યક્તિ કોઈન કોઈના માટે આકર્ષણ હોય છે. મને પણ છે. એમાં ખોટું શું છે ?' 'બેટા, આકર્ષણ ખોટું નથી પણ આ સંબંધ ખોટો છે', મીતા બોલી. 'મમ્મી, વિજાતીય આકર્ષણ સાચું અને સજાતીય ખોટું?', રાઘવે આર્ગ્યુમેન્ટ કર્યાે. 'આમાં મારો કોઈ વાંક નથી. આપણે આપણી વિચારસરણી બદલવી જ પડશે', રાઘવે મા ને કહ્યું. મીતા પાસે કોઈ દલીલ ના હતી પણ ગુસ્સો ખૂ હતો. એ કશું જ બોલ્યા વિના ત્યાંથી સીધી પૂજારૂમમાં ચાલી ગઈ.
એ પૂજા કરીને ઉભી થઇ ત્યાં જ દરવાજાની ઘંટી વાગી. દરવાજો ખોલ્યો તો સામે જય જ ઉભો હતો. એણે વિચાર્યું હતું કે કાલે સાંજે જે થયું એ પછી જય કદાચ ઘરે નહીં આવે. પણ મીતા ખોટી સાબિત થઈ. જાણે કશુંજ થયું ના હોય એમ જય 'ગુડમોનગ' વિશ કરીને રાઘવના રૂમમાં ચાલ્યો ગયો.
મીતા ખૂબ જ પરેશાન હતી. આજની જનરેશનની અમુક વાતો અને વિચારો એની સમજ બહારના હતા. બહુ વિચાર્યા પછી આખરે એને એનો પિતરાઈ ભાઈ કે જે સાયકોલોજિસ્ટ હતો, તે યાદ આવ્યો. રોહન અમેરિકાથી ડોક્ટરની ડિગ્રી લઈને આવ્યો હતો. મીતાને થયું,'લાવ, રોહનને જ વાત કરું. કદાચ એ જ મારી મદદ કરી શકશે.'
મીતા તૈયાર થઇ અને રોહનના ક્લિનિક પર પહોંચી અને આગલા દિવસની બધી વાત વિગતે કરી. મીતા ખૂબ જ ગુસ્સામાં હતી. રોહને મીતાને પાણી આપ્યું અને શાંત રહેવા કહ્યું.
રોહને મીતાને સમજાવી કે, 'બહેન, જે રીતે તું વિચારે છે એ વિચારસરણી ઘણી જૂની છે. સમય ઘણો બદલાઈ ગયો છે. દરેક વ્યક્તિને પોતાની જિંદગી, પોતાની પસંદગીથી જીવવાનો અધિકાર છે, અને જે વાત તું કહી રહી છે તે હવે માત્ર 'ટેબુ' બનીને રહી ગઈ છે.'
મીતા એની એક પણ વાત સમજવા તૈયાર જ ન હતી. એને એક ડર પણ હતો કે લોકો શું કહેશે? કેવી અને કેટલી વાતો કરશે? અને રાઘવનાં ભવિષ્યનું શું? મીતાએ કહ્યું કે, 'તારા અમેરિકામાં આ બધું નોર્મલ હશે, પણ આ ભારત છે. આ સંસ્કૃતિનો દેશ છે. અહીં આ વાતો સમજવી અને સ્વીકારવી અઘરી છે.'
રોહને મીતાને ઘણી સમજાવી. આ બદલાવને સ્વીકારવા માટે સમજાવી. વ્યક્તિત્વનો આ એક એવો ભાગ છે જેનો સ્વીકાર વ્યક્તિગત ધોેરણે કરવો પડશે. સમાજ આપણાંથી બને છે, આપણે સમાજથી નહીં. રોહને મીતાને ઘણાં ઉદાહરણો પણ આપ્યાં. રોહને મીતાને યાદ કરાવ્યું કે એ મીતા જ છે જેણે હંમેશાં રાઘવનો સાથ આપ્યો છે, અને એક સ્ટ્રોંગ મા પુરવાર થઇ છે.
મીતાએ એકાંતમાં ઘણું વિચાર્યું. પોતાની જાત સાથે એણે ઘણી વાતો પણ કરી. રોહનની વાતોથી એને પોતાની જાત ઉપરનો વિશ્વાસ પણ પાછો મળ્યો. આખરે મીતાની માનસિકતા ઉપર લાગેલું ગ્રહણ દૂર થયું, અને તેણે નવા બદલાવને એટલે કે રાઘવ અને જયને ખુશી-ખુશી અપનાવવાનું નક્કી કર્યું. મીતાએ હંમેશાં એના દીકરા રાઘવનો સાથ આપ્યો હતો અને આ વખતે પણ એ પાછી ના હટી.
મીતા મનોમન વિચારતી હતી, ''શું આપણાં સમાજને પણ આ દિશામાં વિચારવાની જરૂર છે? શું આપણે આ વૈચારિક પરિવર્તન માટે તૈયાર છીએ? શું દરેક વ્યક્તિને પોતાની જીંદગી પોતાની રીતે જીવવાનો હક નથી? આપણે આ સમલૈંગિકનાં 'ટેબૂ'માંથી ક્યારે બહાર આવીશું?''
લેખક-અંકિતા નાણાવટી