એક મજાની વાર્તા : બોન્સાઈ

Updated: Jun 26th, 2023


Google NewsGoogle News
એક મજાની વાર્તા : બોન્સાઈ 1 - image


- સંકલનઃ પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

આજની સવાર ખૂબ જ ખુશનુમા હતી. વાતાવરણમાં અનેરી રમણીયતા હતી. વાતાવરણની આ અસર મનેય અંદરથી ખુશનુમા કરી રહી હતી.

સવારનો મારો નિત્ય ર્ક્મ, એટલે એક કપ મસ્ત ગરમ ચા લઈ હું છાપું વાંચવા ઝુલે બેઠી. એટલામાં અમારા ફ્લેટના બીજા માળે રહેતાં રેખાબહેન આવ્યાં. આવી ને મને કહે, 'અરે ! સાંભળો ! સ્મિતાનાં નવા ઘરનું વાસ્તુ છેત તો આપણે શું ગિફ્ટ આપવી છે?'

એમની વાત સાંભળી મને પણ યાદ આવી ગયું કે, એમનું નિમંત્રણ તો હતું જ. એટલે એમને ત્યાં જવું પણ જોઈએ ને કશીક ગિફ્ટ પણ આપવી જોઈએ. આથી તરત જ મેં રેખાબહેનની વાત વધાવી લીધી.

'બન્ને ભેગાં મળી, એક સરસ વસ્તુ લઈ લઈએ. આપણે ખાલી હાથે ન જવાય અને એમને પણ સારું લાગશે.'

'હા, એવું જ કરીએ.'

'સ્મિતા ખરેખર બહુ એક્ટિવ છોકરી છે.. બે બાળકો સાથે કેટલું બધુંએ કરે છે..'

'હા.. ખરેખર ! સ્મિતા તો આપણા ગૃપનું ગૌરવ છે..! હું એને નાનપણથી ઓળખું છું.. એણે કદી હિંમત નથી હારી.' રેખાબેને સ્મિતા વિશે વાત શરૂ કરી. 

અમારી વાતો વચ્ચે એ મારી બાજુમાં ઝુલા પર ગોઠવાયા એટલે મેં હળવેથી ઝુલાને ઠેસ મારી.

'પણ ! યાર, એમાં એના પતિનો એને ખૂબ જ સપોર્ટ છે.'

હીંચકો ઉપર નીચે થતો એટલે મારી નજર ઘડી ઘડી સામેના કુંડામાં ગોઠવાયેલા રૂપકડા બોન્સાઈ છોડ પર મંડાતી હતી.

'હા,એ વાત સાચી, પણ ઘણીવાર બધી સુવિધા ને છૂટ હોવા છતાં આપણે એમ નથી કરી શકતા.'

'આપણે ધારીએ તો સ્મિતાની જેમ આપણે પણ કાંઈક કરી શકીએ. પણ એનકેન કારણોસર આપણે એમ નથી કરતાં.'

મારી વાત સાંભળી ને થોડીવાર અટક્યા પછી રેખાબહેન હળવું સ્મિત લાવી બોલ્યાં.

'એ બાબતમાં તો સ્મિતાનું કહેવું પડે હોં.. એ ખૂબ જ ઉત્સાહી....!  બારમાં સુધી અમે સાથે હતાં. વેકેશનમાં તે સીવણ શીખેલી. એણે પેંટિંગ,પાર્લર જેવા અનેક કોર્સ કરેલા !'

મેં કહ્યું, 'યાર, પાર્લરનો તો મેં પણ કરેલું,પણ સાસરે આવ્યા પછી બધું ભુલાઈ ગયું..'

'એ જ આપણે સ્મિતા પાસેથી શીખવાનું છે.. એણે પોતાનાં શોખને કદી મરવા નથી દીધા..એ સરસ ગાઈ પણ લે છે..!'

રેખાબહેન સ્મિતાના સાચા વખાણ કરતા હતા એટલે મેં એમની વાતને ટેકો આપ્યો. 

'હા, યાર, સ્મિતાને ભગવાને બધી જ ખૂબી એકસાથે આપી દીધી છે...'

'હમમ ... ! 

રેખાબહેન જયારે સ્મિતાની વાત માંડે ત્યારે મને પણ ગમતું. એ બોલતાં સહેજ અટક્યાં કે, મેં તરત એમની વાત ઉપાડી લીધી.

'યાર, હા...!  એ તો હું એને પહેલી વાર મળી ત્યારે જ લાગ્યું હતું.

પવનની લહેરખીથી ઊડતા વાળને સરખા કરી મેં પાછું ઉમેર્યું.

'સ્મિતાને કોની સાથે નથી ફાવતું ! એ તો જ્યાં જાય ત્યાં મહેફિલ જામી જાય..'

વાત સાંભળી રેખાબેન ઉત્સાહમાં આવી બોલ્યાં.

'સ્મિતાએ ઘરબેઠાં કાલેજ કરવાનો નિર્ણય કર્યાે ત્યારે, હું નિરાશ થઈ હતી.. આટલી હોંશિયાર છોકરીનું ટેલેન્ટ..... પણ, એણે પરીક્ષામાં ઘરબેઠાં  ખૂબ સારા માર્કસમેળવ્યા.' 

રેખાબહેન જાણે પોતાની દીકરીની વાત કરતાં હોય એમ વાત કરતાં કરતાં ગેલમાં આવી ગયાં.

'તમે તો કહેતાં હતાં ને કે, સ્મિતા જોબ કરતી હતી લગ્ન પહેલાં...'

મારી આ વાત સાંભળી તેમણે તરત જ મને ઉત્તર આપ્યો.

'હા, કોલેજ પૂરી કરતાં જ તેને સરસ જોબ મળી ગયેલી, પણ લગ્ન પણ થઈ જતાં તેણે જોબ મૂકવી પડી..'

'હા, ઘણી બહેનો સાથે એવું થાય છે. ગમે તેટલી સારી જોબ હોય... લગ્ન પછી છોડી દેવી પડે છે..'

'લગ્ન પછી જોબ શું ! બીજું ઘણું બધું છોડવું પડે છે..!!! લગ્ન પછી મારેય બઘું છૂટી ગયું.  ઘરડાં સાસુની સેવામાં હું બધા શોખ ભૂલી ગઈ છું. સ્મિતાનું પણ એવું જ થયું. સાસુ થોડાં માથાભારે, પણ સ્મિતા કદી ખોટું ન લગાડતી.. સાસુની એ ખૂબ સેવા કરતી. બે બાળકો છે, પણ લાગે નહીં કે, તે બે બાળકોની માતા છે..'

'હા, એ તો હજીયે એવી જ છે. કાયમ થનગનતી જ જોવા મળે !'

'બન્ને બાળકોને ખૂબ હોંશિયાર બનાવ્યાં છે એણે. બાળકો થોડાં મોટાં થયાં એટલે ઘરેથી સીવવાનું શરુ કર્યું. પ્રતિસાદ સારો મળ્યો, પણ જોઇન્ટ કુટુંબના લીધે બિચારીએ સીવવાનું બંધ કરવું પડયું..'

     'સાચી વાત છે...અમારાં બાજુવાળાં બહેન પણ કહેતાં હતાં કે તેને ડ્રેસ અને બ્લાઉઝ સીવતા ખૂબ સારા આવડતા હતા.'

ઝુલો ધીમો પડતા પગની ઠેસ મારી મેં ઝુલાને ગતિ આપી.

'યાર, આ તો સ્મિતાની ઘણી ઈચ્છાઓ પર  સંજોગોએ કાતર મૂકી કહેવાય..'

આવું બોલતી વખતે મને ખૂબ અફ્સોસ થઈ રહ્યો હતો.

રેખાબહેન પણ વ્યથિત હોય એમ બોલ્યાં.

'હા, પણ સ્મિતા કંઈ હારે એમ નહોતી.. તેણે ફરી હકારાત્મક અભિગમ કેળવી ગમતી પ્રવૃત્તિઓ ચાલું રાખી.'

એમની વાતથી મને થોડી ટાઢક વળી.

'પણ બધાં કામ જાતે કરવાના એટલે સ્મિતા ધાર્યું કરી ન શકી..'

'લે ! ફરી પાછી આગળ વધતી ડાળ કાપવામાં  આવી !.. ખરેખર યાર...! આપણે ત્યાં ીઓની આંકાક્ષાઓની કોઈ વેલ્યુ જ નથી. સ્મિતા જેવી કેટલીયે ીઓએ રોજ પોતાની ઇચ્છાઓની બલિ ચઢાવવી પડે છે..!' મારાં મનમાં ઘડીભર ગુસ્સો ઉભરાઈ ગયો.

રેખાબહેને મને આંખોના ઈશારાથી શાંત રહેવા સમજાવી. પછી કહે,

    'સ્મિતાને ઘણા મોકા મળ્યા. ઘણા મોકા તેણે જાતે ઊભાં કર્યા.. પણ ઘરની શાન ખાતર તેણે બધુંું જતું કર્યું.., ને એ છતાં ય, સ્મિતા હિમ્મત ન હારી. જેટલી વાર તેને આગળ વધતા અટકાવવામાં આવી, એટલી વાર એ વું મજબૂત બની..'

મારું મન હવે શાંત હતું એટલે મેં હકારાત્મક પ્રતિભાવ આપતી રહી.

અમારી વાત ચાલતી હતી ત્યાં, બાજુમાં રહેતાં  મિલનબહેનનો ગીત ગાવાનો અવાજ આવ્યો એટલે હું ને  રેખાબહેન બન્ને સાથે હસી પડયાં.

મેં કહ્યું, 'મિલનબહેન પણ ખરેખર ગાર્ડનિંગનાં ખૂબ શોખીન. જાતે બોન્સાઈ ઉગાડે ને એને કેળવે..'

રેખાબહેન કહે, 'પણ બોન્સાઈ ઝાડ તો ખૂબ માવજત માંગી લે.. ખૂબ ધ્યાન રાખવું પડે.'

'હા, હું ઘણીવાર એમના ગાર્ડનમાં જાઉં તો એ કાંઈક ને કાંઈક કરતાં જ હોય. ખાસ કરીને તેમનાં બોન્સાઈ ઝાડ જોવાં જેવાં હોં ! હું ઘણી વાર એમને પૂછું કે ભાભી, કેમ આ છોડને અધવચ્ચેથી કાપી નાખો છો.. કેટલા સરસ વિકસ્યા છે !'

તો તેઓ કહે કે, 'આ તો એક ટ્રીક છે.. જેમ છોડને આગળ વધતાં અટકાવો, એની ડાળખી અને એનાં મૂળ મજબૂત બને... ને પછી ધીમે ધીમે એક નાના પણ સરસ વૃક્ષમાં પરિવતત થાય.'એમની વાત સાંભળી હું સ્વગત વિચારતી રહી.

'પણ, ગમે તેવાં તોય કુંડામાં જ રહેવાનું ને...! વળી પાછું સુશોભનના હેતુથી ટ્રીમ થતાં રહેવાનું...! પોતાની જાતે કદી વિકસવાનું નહીં...! આ કેવું...!'

રેખાબેન જવાબ આપે એ પહેલાં ફરી મિલનબહેનનો અવાજ સંભળાયો.

'રેખા જરા કાતર લાવ તો.. આ છોડને ફરી ટ્રીમ કરવા પડશે.' 

હું ધ્રુજી ગઈ. 

હું ને હીંચકો બન્ને જડવધ .!!!

લેખક-અંજના ગોસ્વામી 

('અંજુમ આનંદ')


Google NewsGoogle News