એક મજાની વાર્તા : બોર્ડર લાઈનની બહાર
- સંકલન : પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
એકાએક મિલીની એન્ટ્રી થતાં કુટુંબીજનોથી ભરેલા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. એમણે સેન્ડલ પણ બહાર કાઢયા ન હતા, જાણે કોઈ ઉતાવળથી આવી હોય એ રીતે આવતા વેત એમણે પોતાના માટે જાતે જ ખુરશી ખેંચી લીધી. બધાની સામે એક નજર ફેરવી. બધાના મોં પર જાણે તાળું વસાઈ ગયું હોય એમ એકાએક ચર્ચા કરતા બંધ થઈ ગયા. રૂમમાં હાજર બંને સ્ત્રીઓ કંઈક ઈર્ષા તો કંઈક અણગમાનાં ભાવ સાથે એને તાકી રહી. એ બંને સ્ત્રીઓ અને એના પતિ આ તમામ લોકો આજે કોઈ એવા નિર્ણય પર આવવાના હતા કે તે નિર્ણયથી પોતે સૌ જવાબદારી ખંખેરી શકે. પણ એમાં મિલી કહે એમ તો નહિ જ.એને યશ મળે નહીં એવો ભાવ તો
ખરો જ.
મિલી સ્વભાવની એકદમ આધુનિક રહેણી કરણી ધરાવતી ખુલ્લા વિચારવાળી અને નીડર હતી, આમ તો લગ્ન થયા ત્યારે ૧૮ વર્ષ જ પૂરા ક રેલા પણ કુટુંબની પરંપરાથી પહેલેથી જ અળગી રહી હતી. શરૂઆતમાં ઘરનો સ્ત્રી વર્ગ એનાથી નારાજ હતો પણ ધીમે ધીમે મિલીની સ્વતંત્ર રહેણી કરણી બાકીની સ્ત્રીઓએ પણ અપનાવી હતી. રસિકભાઈ તો પહેલેથી જ મીલી આવી ત્યારથી એને પોતાની દીકરી ગણીને રાખતા હતા. અને મિલીના બિન્દાસ સ્વભાવનાં કારણે સસરા વહુનાં પરંપરાગત વ્યવહારને સ્થાને હુંફાળું કૌટુંબિક વાતાવરણ સર્જાયું હતું.
મૌલિક ને તો કશો વાંધો હતો જ નહીં. લગ્નજીવનના શરૂઆતનો મૌલિક નો કેફ ઉતરી રહ્યો હતો, મિલી જેમ જેમ કુટુંબમાં ભળતી ગઈ તેમ તેમ કામના બહાને તે વધુ બહાર રહેવા લાગ્યો, એની ભ્રમરવૃત્તિ દેખા દેવા લાગી હતી. ધીમે ધીમે આ બધું મિલી ની નજરમાં આવતું ગયું. પ્રેમને લગ્ન નામની કાયદેસર બોર્ડર નક્કી કરવા છતાં મૌલિક ને કશો ફેર નહોતો પડયો.
મમ્મી, મૌલિક રોજ રાત્રે મોડો આવે છે, અને સિગારેટ નું વ્યસન પણ વધતું જાય છે, મિલીની આ ફરિયાદમાં સાસુમા ને કશો જ ફેર ન પડયો. ઉલટાનું સાસુ નો જવાબ એવો આવ્યો કે, પુરુષ છે ઘરમાં બંધાય ન રહે. હવે ધીમે ધીમે મૌલિકનો વ્યવસાય પણ કથળવા લાગ્યો હતો. મિલીએ પોતાનું સ્વતંત્ર રીતે બુટીક ચાલુ કર્યું હતું, એની કુશળતાને કારણે એનો વ્યવસાય પણ આગળ વધ્યો. પણ બીજી બાજુ બબ્બે બાળકો થયા પછી પણ મૌલિકનો સ્વભાવ અને વર્તન સુધર્યા નહીં. રોજ નવી નવી વાતોથી મિલી પણ કંટાળી હતી એને એની દીકરી અને દીકરાની ફિકર હતી, અને એકાદ બે એવા બનાવો બન્યા બાદ મિલીએ મૌલિક થી છૂટા પડવાનું નક્કી કરી લીધું.
રસિકભાઈ ધૃતરાષ્ટ્ર વૃત્તિનાં ન હતાં, મીલીના નિર્ણયમાં એણે કોઈ જ વિવાદ છેડયો નહીં. જાણે પોતાની દીકરી મુક્ત થતી હોય એમ મૌન સંમતિ આપી. હવે મિલી બાળકોને લઈને અલગ ઘરમાં રહેવા લાગી હતી, પોતાની બચતમાંથી છૂટાછેડા લેવા માટે સામેથી મૌલિક ને મોટી રકમ આપી. અને મસ્ત મિજાજ સાથે પોતાના વ્યવસાયમાં ઓતપ્રોત થઈ ગઈ. દિકરી દીકરાને પણ ઉચ્ચ શિક્ષણ અપાવ્યું અને પગભર કર્યો. વ્યવસાય દિવસે દિવસે વધતો જતો હતો, ખુશ મિજાજી મિલી હવે ઘણીવાર માણસોના ભરોસે બૂટિક મૂકીને દુનિયા ઘૂમવા નીકળી પડતી. ઘરના લોકો સાથેનો સંપર્ક સાવ તોડયો ન હતો, એને ખબર પડી કે ઓનલાઇન ચેટિંગ ડેટિંગ થી મૌલિક ફરીવાર પરણવા જઈ રહ્યો છે ત્યારે એણે બિન્દાસ બંનેને પોતાના ઘરે જમવા પણ બોલાવ્યા.
વાત વાતમાંથી એને ખબર પડી કે હવે મૌલિક ભારત છોડી રહ્યો છે ત્યારે એને રસિકભાઈ ની ચિંતા થઈ અને મૌલિક બોલી ગયો કે આ રવિવારે બધા ભેગા થવાના છે અને પપ્પાને કોણ રાખશે એ પ્રશ્ન છે. મિલી ત્યારે કશું જ બોલી નહીં અને સિધી એ લોકો પાસે પહોંચી ગઈ.
રૂમમાં હાજર મૌલિકના ભાઈ ભાભીઓ કઈ રીતે રસિકભા ની જવાબદારી અન્ય પર ઢોળી દેવી એ પ્રયાસો કરતા હતાં. ત્યાં રસિકભાઈ રૂમમાં આવ્યા આ લોકો શું કામ ભેગા થયા છે એનો તમામ અંદાજ એમને હતો પણ મિલીને જોઈને એની આંખમાં ખુશીની લહેર દોડી ઉઠી.
હજુ રસિકભાઈ બોલવા જાય છે કે, તમે કોઈ મારી ચિંતા કરતા નહીં, હું મારું .....
ત્યાં અધવચ્ચેથી જ મિલીએ રસિકભાઈ ને અટકાવ્યા અને બહુ જ મક્કમતાથી પોતાનું નિર્ધાર જાહેર કર્યો. કે તમે કોઈ પપ્પાને રાખવાના ન હો તો હું મારા ઘરે લઈ જઈશ. અને આમ કરતાં મને કોઈ અટકાવી નહીં શકે. અલબત્ત એમની પાસે ફાઇનાન્સલી જે કંઈ હોય અ ે તમે લોકો વહેંચી લેજો, પછીની તમામ જવાબદારી હું સ્વીકારું છું. હવે રૂમમાં પિન ડ્રોપ સાઇલેન્સ છવાઈ ગયું.
મૌલિક સિગારેટ પીવાના બહાને બહાર નીકળી ગયો, મિલી વિચારતી રહી આ માણસ ભાગેડુ વૃત્તિનો છે, આવા સ્વાર્થી માણસને છોડવાનો એને કોઈ અફસોસ થયો નહીં. રસિકભાઈ ની આંખમાં જાણે ભેજ બાઝી ગયો.
બેટા, તેં તો ..... તરડાયેલાં અવાજે બોલ્યા તારી હવે કોઈ જવાબદારી થતી નથી, મને મારા નસીબ જ્યાં લઈ જશે ત્યાં ....
મિલી ની આંખમાં પાણી આવી ગયા. લગ્નજીવનની શરૂઆત થી જ તમે મને દીકરી ગણી છે, એક અજાણ્યા ઘરમાં મને કાયમ બાપની હૂક મળી છે. અને આમ પણ પપ્પા, હુ મૌલિક થી પત્ની તરીકે છૂટી પડી છું. લગ્નની સમાજે બાંધેલી બોર્ડર મેં તોડી નાખી છે અને એમાં મને કશું વાંધાજનક લાગ્યું પણ નથી, પણ મારા દિલમાં તમારું પપ્પા તરીકેનું સ્થાન હજુ અકબંધ જ છે, અને આમ પણ કોર્ટનો ઓર્ડરે તો અમને પતિ પત્નીને જ છૂટા પાડયા છે આપણે ક્યા ં છૂટા પડયા છીએ?
- લેખક : પ્રતિભા ઠક્કર