Get The App

એક મજાની વાર્તા : બટકો રોટલો .

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
એક મજાની વાર્તા : બટકો રોટલો                                 . 1 - image


- સંકલન: પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

ઊનાળાની કાળઝાળ ગરમી હતી. ખેડૂત ત્રાહિમામ પોકારી ગયો હતો. આ સતત ત્રીજું વર્ષ પણ કોરું ધાકોર જ જશે? ના વાયરા પલટવાના એંધાણ હતા કે ના સમ ખાવા પૂરતી યે કોઈ વાદળી પસાર થતી હતી. ના તો કોઈ પક્ષીની ચિચિયારી સંભળાતી કે ના ચકલી ધૂળમાં રમતી હતી. ટૂંકમાં વરસાદ આવવાના કોઈ લક્ષણ દેખાતા ન હતાં માટે રાજસ્થાન ક્ષેત્રને આવરી લેતી  એનજીઓ સંવેદના આ વર્ષે પણ કમર કસીને બેઠી હતી. વરસાદની, કે પાક લેવા ખેતરમાં હળ ફર્યાની કે બીજ  ઓરાયાની કે એવી કોઈ રાહ જોઇને આપણે વધારે જીવ નથી ગુમાવવા એવું તેમણે નક્કી કરી લીધું હતું. આથી જયપુર-જોધપુરની આજુબાજુના અસરગ્રસ્ત ગામો સંભાળતી સલોનીને સજ્જ થવા કહેવાયું. સલોનીની ટીમ નક્કી જ હોય, રેણુ, ચેતના, આમીર, ડૉ. બક્ષી- કૃષિ વૈજ્ઞાાનિક, સહાના, પૂર્વી અને ડ્રાઈવર જેતાભાઇ. ક્યારેક અનાજ વિતરણમાં બે વાહનોની જરૂર પડે તો આમીર પણ ગાડી ચલાવી લેતો અને જેતાભાઇ ટ્રક હંકારી લેતા.

ટીમે  જયપુરમાં જ બે મોટા ફ્લેટ ભાડે રાખી એમાં જ ગેસ્ટ હાઉસ અને ઓફિસ બનાવી દીધાં હતાં. આવતાં વેંત આમિરને રવાના કર્યો રાજ્ય સરકારની કચેરીઓમાં. કયા ગામો સંપૂર્ણ અછત ગ્રસ્ત છે, કયા ગામો પૂર્ણ અછતની લપેટમાં છે, દરેક ગામની વસ્તી કેટલી છે, કૂવા, પાળા, તળાવ, કાચા અને પાકા ઘરોની સંખ્યા એમ તમામ માહિતી એકઠી કરવામાં આવી. આમીરની સાથે રહી ચેતનાએ ગામના ઘરો દીઠ સભ્યો અને તેઓની જરૂરીયાત મુજબ સીધું-સામાન, કપડાં, વાસણ વગેરેની યાદી તૈયાર કરી. ડૉ.બક્ષીએ કૂવા, તળાવો, વગેરેના ભૂગર્ભ જળના આંકડા તપાસ્યા અને હાલ પાણી કેટલું ઊંડે ગયું છે તે જોયું. એ પોતાની કામગીરીનું પત્રક  બનાવવામાં વ્યસ્ત થઇ ગયા. સહાના અને પૂર્વીને અનાજ અને  શાકભાજીમાં ડુંગળી અને બટાટાની ખરીદી સોંપવામાં આવી હતી. સહાના ભાવ-તાલ કરવામાં એક્કો હતી અને ત્રાજવાની ઘડી એની નજર સામે તો જમીનને સમાંતર જ રહેતી, નહિતર એ વેપારીનું આવી જ બનતું. 

એ પછી વારો આવ્યો કપડાનો. જયપુર જેવાં શહેરમાં કપડાં અને ચાદારોની સખાવત પણ થઇ. નાના નાના કારીગરો માટે ઓજારો પણ ખરીદાયા. દિવસમાં માંડ એક વાર રોટલા ભેગા થતાં લોકો નિશાળ અને ભણવાનો વિચાર તો ક્યાંથી કરી શકે? આમ છતાં સલોનીએ થોડાં પુસ્તકો, રમકડાંની ખરીદી પણ કરાવી હતી. આ બધામાં સૌથી મોટો પ્રશ્ન હતો પીવાના પાણી માટે  સલોનીએ માટીનાં દેગ અને પ્રણાલિગત મશકો ખરીદવાનો આદેશ આપ્યો.

સૌ પહેલું વિતરણ કામ જેતપુર ગામે શરુ થયું.  પહોંચ્યાં ત્યાં ખબર પડી કે પત્રકમાં  લખેલી કુલ વસ્તીમાંથી પુરુષો તો મજૂરી કરવા બહાર જતા રહ્યા છે, ભાગ્યે જ કોઈ કારણસર ઘેર રહ્યા છે. આમ ગામને ચોતરે સીધું-સામાન લેવા આવનારા ઓછા રહ્યા. સલોનીએ બધાને ઘેર જઈને સામાન આપવાની સૂચના આપી. સલોની ઓફિસે વધુ રહીને  વ્યવસ્થાપન સંભાળતી હતી. બધાં રાત્રે ભોજન પછી ભેગા મળતાં ત્યારે રોજેરોજની વિગતો ચર્ચાતી હતી. આ ગાળામાં ઘઉંની અછત જણાઈ અને તેમણે ઘઉંના લોટના પાંચ કે દસ કિલોના પેકેટ વહેંચવાનું નક્કી કર્યું. સલોનીની બે  સૂચના ખાસ હતી, એક તો સ્વાસ્થ્યનું પહેલાં ધ્યાન રાખવાનું અને છેવાડાનું એક પણ ઘર બાકી ના રહી જાય. આમ ને આમ ચારેક મહિના વીતી ગયા. રવિવારની એક બપોરે બધાં ભેગાં થયાં હતાં અને દરેક ગામના આગવા અનુભવની વાતો કરતાં હતાં. રેણુએ કહ્યું, 'છોકરાઓ ચોપડીઓ જોઇને તો એટલા ખુશ હતાં કે વાત ના પૂછો.' એમની માને જઈને તરત પૂછે, 'માડી, હવે મારે નિશાળે ક્યારે જવાનું ? ને આ માશી મારા નિશાળના યુનિફોર્મ ક્યારે લાવશે?'

ચેતનાનો વળી નવો જ અનુભવ હતો. દેવલના  લગ્ન દોઢ-બે વર્ષ પહેલાં થયાં હતાં. એનો ઘરવાળો કામ માટે  શહેરમાં નહોતો ગયો. સલોનીની ખાસ સૂચના હતી એ બંનેને પરિવાર નિયોજન અપનાવવા ખાસ સમજાવવાનું હતું. બે વર્ષથી દિવસે માંડ એક વાર જમતાં લોકોના શરીર ટકવા સારું જ જીવ્યા હોય અને એવામાં દિવસ રહી જાય તો બાળકને પોષણ ના મળે અને માનો  જીવ પણ જોખમમાં મૂકાય. એમને  ત્યાં બકરી હતી તેની આજ દશા થઇ હતી. એનું ઉદાહરણ આપી ચેતનાએ એમને સમજાવ્યાં હતાં.

બીજે દિવસે અનાજ વિતરણમાં સલોની પણ સાથે જોડાઈ હતી તેણે રેવાડોશીનો કિસ્સો કહ્યો. દેવસર ગામે છૂટાછવાયાં  ઘર હતાં. ટ્રકનું ભોંપુ વાગ્યું તોય ઘરમાંથી કોઈ બહાર ના નીકળ્યું. બે-ત્રણ વાર ભોંપુ વાગ્યા પછી એક અતિ વૃદ્ધ ડોશીમા બહાર આવ્યાં-કમરેથી વળી ગયેલા અને લાકડીને ટેકે ચાલતાં હતાં. એમની પાછળ ત્રણ-ચાર વર્ષનો એક છોકરો પણ બહાર આવ્યો હતો. ડોશીના દીકરો અને વહુ બંને શહેરમાં મજૂરીએ ગયા હતાં અને એમના દીકરાને દાદીને ભળાવ્યો હતો. લાકડીને ટેકે  ટ્રક સુધી આવતાં આવતાં તો ઘણી વાર થઇ જશે એમ સલોનીએ વિચાર્યું. આજે તો સામાન પણ વધારે હતો- લોટ, દાળ, ખાંડ,પાણી અને કપડાં ! તો ડોશીમા કેટલા આંટા મારશે! સલોનીએ ડોશીમાને અધવચ્ચે જ રોક્યા અને જેતાભાઈ પાસે  સામાન ઉપડાવ્યો. કાળઝાળ ગરમીમાં એ બંને પરસેવેથી નાહી, ખોરડા પર પહોંચ્યાં.  સલોની બે પગથિયા ચઢી અને ઘરમાં નજર નાખી. ઘરમાં કોરી દિવાલો, એક ચૂલો, પાણીનું એક માટલું, ચાર વાસણ, બે-એક ખાલી ડબ્બા અને ખીંટીએ ટીંગાડેલા બે-ચાર કપડાં સિવાય કશું નહોતું. સલોનીની નજર ખૂણામાં રાખેલી એક આડશ પર ગઈ. સલોની આડશ હટાવીને  જુએ છે તો એક નાનકડો, લીલોછમ તુલસીનો છોડ મહોર્યો છે! નવોદિતોને પાંગરવા દેવા રેવાડોશીએ પાણીનું રાશન પોતાની જાત પર જ કર્યું હતું!

જેતાભાઈએ કહ્યું, 'રેવામા તો ગદગદ થઇ ગયાં હતાં. આ મહીને લોટ સાથે ખાંડ પણ આવી હતી, તો કહે કે મારા લાલજીને પ્રસાદ ધરીશ. જો ને, છેલ્લા ત્રણ મહિનાથી મારો લાલો, કૃષ્ણ કનૈયો મો વકાસીને બેસી રહ્યો છે.' રેણુએ કહ્યું, 'વાહ જેતાભાઇ, ફીસ્ટ?'

સલોની આશા સામે જોઈ રહી હતી. આશા જાણે કોઈ ગણતરી કરતી હતી. સલોનીએ પૂછયું, 'આશા , ક્યાં ખોવાઈ ગઈ છે તું ? તારા ગામે શી નવા-જૂની છે?'

આશાએ થોડા ક્ષોભ સાથે એક વાત જણાવી. 'મેડમ, ક્યાં આપણે શહેરી સજ્જનો, ભણેલાં અને ક્યાં આ સરળ, ભોળા ગ્રામજનો? એ ભણેલાં નથી પણ ગણતર તો એમનું જ છે, આપણને શરમાવી દે એવું!' 'અરે, એવી તો શી મોટી વાત થઇ ગઈ કે અમારી બુલબુલ આજે શાંત થઈને બેસી ગઈ હતી! કહે જલદી, શી વાત છે?'

આશાએ કહ્યું, 'એ દિવસે પારો સાતમે આસમાને ચડયો હતો. કુંભા ગામે કીટ વહેંચતાં બપોર થઇ ગઈ હતી. થોડાં કીટ બાકી હતાં અને મને પુષ્કળ તરસ લાગી હતી. અમારું પાણી ખલાસ થઇ ગયું હતું. મારું ગળું તો એવું સૂકાઈ ગયું હતું કે મને લાગ્યું હતું કે મારો તો જીવ જ નીકળી જશે. એટલે  હું જયારે પારીડોશીને  ત્યાં કીટ મૂકવા ગઈ ત્યારે મેં પીવાનું પાણી માગ્યું હતું. ખબર છે એમણે મને શું પૂછયું?'

રેણુએ તડાક દઈને નાટકીય ઢબે કહ્યું , 'શું કળજુગ આયો છે છોરી, વસ્તુ અમને આલે છે ને પછી માગે પણ છે. ફટ રે ભૂંડી, પોતાના હારુ પાણી યે હારે લઈને નથી ચાલતી?' એટલું બોલીને રેણુ ખડખડાટ હસવા લાગી.

આશાએ કહ્યું, 'રેણુ, સાવ ખોટું. પારીડોશીએ મને પૂછયું- 'હા દીકરી, કેટલા ઘૂંટડા પાણી આપું, મને કે'તો ?' એમણે છાજલીમાંથી પવાલું ઉતાર્યું, લૂછયું અને મને  ચાર ઘૂંટડા પાણી આપ્યું. પણ જેવું  હાથમાં પવાલું પકડાવ્યું તેવા જ બોલ્યાં , 'જોજે દીકરી, એમ સીધેસીધું પાણી પી ના જતી.' હું એમને અચંબાથી જોઈ જ રહી હતી, એક તો પાણી આપે છે ને પાછા પીવાની યે ના પડે છે! એમણે છીબામાંથી રોટલો તોડયો ને મારી પાસે પાછા આવ્યાં.મારા હાથમાં કટકો રોટલો મૂકતાં બોલ્યાં, 'લે દીકરી, એમ ખાલી પેટે પાણી ના પીવાય. આ બટકું રોટલો પહેલાં ખા, પાણી પછી પીજે, નહિતર પાણી પેટમાં વાગશે.'

'સલોની મેડમ, માનવતા હજુ  મરી પરવારી નથી. આટલી કારમી તંગીમાં યે આટલી ઉદારતા? પોતાના હિસ્સાના ચાર ઘૂંટ જ મને પાયા હશે ને?' આશાની આંખોમાંથી  સરવાણી છૂટી...

- લેખક: કલ્પના પાલખીવાળા


Google NewsGoogle News