એક મજાની વાર્તા : 'અફસોસ' .

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
એક મજાની વાર્તા : 'અફસોસ'                          . 1 - image


- સંકલન: પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

એશાએ જીન્સના પોકેટમાંથી મોબાઈલ ફોન કાઢીને એડ્રેસ ચેક કર્યું, 'બંગલો નં - ૬/૭, રુદ્ર સોસાયટી' આ જ ઘર છે એ કન્ફર્મ કરીને એણે ધીમે રહીને કમ્પાઉન્ડનો ગેટ ખોલ્યો. ગેટથી ઘર સુધી લાંબો પેસેજ હતો. ડાબી બાજુ પાકગ એરિયા અને જમણી બાજુ ગાર્ડન હતો. રંગબેરંગી મનમોહક ફૂલ છોડ અને લોન જોઈને લાગતું હતું કે બહુ કાળજીથી કોઈ ગાર્ડનની માવજત લેતું હશે. આસપાસ નજર ફેરવતી એ છેક ઘરનાં દરવાજા સુધી પહોંચી ગઈ ત્યાં સુધી ઘરમાંથી કોઈ બહાર આવ્યું નહીં કે કોઈ હલચલ પણ જણાઈ નહીં. પોતાની ટ્રોલી બેગ અને બેકપેક સાઈડમાં મૂકી એણે બેલ વગાડયો. થોડી વાર પછી અંદરથી મૃદુ અવાજ આવ્યો, 'કોણ છે?' એશાએ જવાબ આપ્યો, 'આન્ટી, હું એશા. જામનગરથી આવી છું.' 'આવ, આવ બેટા. તારી જ રાહ જોતી હતી' કહેતા એક બહેન ઉત્સાહભેર દરવાજો ખોલવા આવ્યાં. 'સોરી બેટા, હું જરા રસોડામાં હતી એટલે તારો વરતારો જણાયો નહિ. વિભાનો કલાક પહેલાં જ ફોન હતો કે તું થોડી વારમાં પહોંચી જઈશ. જરીક વાર બેસ, ચા તૈયાર જ છે. પી ને પછી ફ્રેશ થવા જા.' એટલું કહીને એ અંદર જતા રહ્યા.

માઈક્રો બાયોલોજીમાં ગ્રેજ્યુએટ થયાં પછી માસ્ટર્સ કરવા માટે એશાને આણંદ આવવાનું થયું. આણંદ માં એમના કોઈ સગા નહોતાં એટલે એશાના માતા પિતા એને એકલી આટલે દૂર મોકલવામાં અસમંજસ અનુભવતા હતા. છેવટે કોલેજની નજીકની એક હોસ્ટેલમાં રહેવાનું નક્કી કરીને એડમિશન વિધિ પતાવીને એ લોકો જામનગર પાછા ફર્યા. થોડા દિવસ પછી એશાની માસી વિભાનો ફોન આવ્યો, ત્યારે જાણવા મળ્યું કે એમની ખાસ મિત્ર વર્ષોેથી આણંદમાં રહે છે. એમણે ભલામણ કરી કે એમની સહેલી દીના ચોક્કસ કંઈક મદદ કરશે. નવું સત્ર શરૂ થતાં એશા જ્યારે આણંદ જવા નીકળી ત્યારે એનાં માતા પિતાને એટલી ધરપત હતી કે હવે ત્યાં અજાણ્યાં શહેરમાં એશા સાવ એકલી નથી, દીના માસી જરૂર પડયે એની સંભાળ લેશે.

 એક દિવસ દીના માસીના ઘેર રોકાઈને પછી હોસ્ટેલમાં જવું એમ નક્કી થયું હતું. દીના માસી કિચનમાં ચા નાસ્તો લેવાં ગયા એટલી વારમાં એશાએ ઘરનું નિરીક્ષણ કરી લીધું. સુઘડતા અને સ્વચ્છતા ઊડીને આંખે વળગે તેવી હતી. એક દિવાલ પર ઘણાં બધાં ફોટા હતાં, જોઈને લાગતું હતું કે પરિવારમાં માસી, માસા અને એક દિકરી હશે. બીજી દિવાલ પર એક મોટો ફોટો હતો જેમાં એક છોકરી પોતાના ખોળામાં એક નાની બાળકીને લઈને બેઠી હતી. મતલબ દીના માસી એક નાની ઢીંગલીના નાની હતાં. થોડી વારમાં દીના માસી ચા નાસ્તો લઈને આવ્યાં. એમની સાથે વાતો કરતી વખતે એશાને એક વાર પણ લાગ્યું નહીં કે એ એમને પહેલી વાર મળી રહી છે. વાતવાતમાં જાણવા મળ્યું કે માસી પાંત્રીસ વર્ષ શિક્ષકની નોકરી કર્યા બાદ નિવૃત્ત જીવન જીવી રહ્યાં છે, એમની એકમાત્ર દિકરી શિખા લગ્ન બાદ કેનેડા દેશમાં સ્થાયી થઈ છે, જેને ચાર વર્ષની એક દીકરી છે. માસા શહેરનાં જાણીતા ઉદ્યોગપતિ હતાં, જેમનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું. ત્યારથી માસી આવડા મોટા બંગલામાં એકલાં રહેતાં હતા. એક મદદનીશ બહેન રાખ્યા હતા, જે આવીને ઘરકામ અને બે સમયની રસોઈ બનાવી જતાં. માસીને ચિત્રો દોરવાનો, ગાર્ડનીંગનો, વાંચવાનો શોખ હતો એટલે સમય પસાર કરવામાં ખાસ મુશ્કેલી પડતી નહીં. 

રાત્રે જમ્યા પછી બંને ગાર્ડનમાં જઈને બેઠાં. પરિવાર, મિત્રો, ફિલ્મો, શિક્ષણ, સોશિયલ મીડિયાનો પ્રભાવ વગેરે અવનવાં વિષયો પર વાત કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો. વાતવાતમાં જ દીના માસીએ એશાને કહ્યું, 'બેટા, જો તને વાંધો ના હોય અને મારી સાથે રહેવાનું ફાવે એમ લાગતું હોય તો અહીં રહીને જ કોલેજ કરી લે. હોસ્ટેલમાં ના જઈશ. મને તારી કંપનીમાં મજા આવશે.' એશાને ભાવતું તું ને વૈદ્યે કહ્યું. અજાણ્યા શહેરમાં આટલી સગવડો વાળા ભવ્ય બંગલામાં સરસ સ્વભાવવાળા વડીલ સાથે રહેવા મળે એનાંથી સારું શું હોઈ શકે! એણે પણ હામી ભરી દીધી. બીજા દિવસે કોલેજ જવા નીકળી એ પહેલાં ઘરે પોતાનો નિર્ણય જણાવ્યો, એનાં માતા પિતા જાણીને ખુશ થઈ ગયાં કે જુવાન દીકરી હવે સુરક્ષિત જગ્યાએ રહીને ભણી શકશે.

થોડાં દિવસોમાં જ એશાને સરસ ફાવી ગયું. એનું અને દીના માસીનું ટયુનિંગ એટલું મસ્ત જામી ગયું જાણે સગી મા - દીકરી. રોજ સવારે  થોડી વાર યોગ, કસરત કરીને ફ્રેશ થઈને બંને સાથે જ ચા નાસ્તો બનાવતાં. ક્યારેક ગાર્ડનમાં, ક્યારેક ઘરમાં ગીતો સાંભળતા કે વાતો કરતા કરતા બ્રેકફાસ્ટ કરતા, ત્યારબાદ એશા કોલેજ જતી. સાંજે આવીને થોડી વાર ચાલવા જતાં. રાતે જમીને વાતો કરતાં કરતાં સૂઈ જતાં. કોઈક વાર મૂવી જોવા, રેસ્ટોરન્ટમાં ડિનર કરવા જતાં. ત્રણેક મહિના થઈ ગયાં હતાં. આમ તો બધુંું સરસ ચાલતું હતું પણ એશાએ નોંધ્યું હતું કે માસી ની દીકરીના બહુ ફોન આવતા નહીં, માસી પણ એને સામેથી ક્યારેક જ ફોન કરતાં. પહેલાં એશાને એવું લાગતું કે એનાં કોલેજના સમય દરમિયાન માસી શિખા સાથે વાત કરી લેતાં હશે. પણ પછી સમજાયું હતું કે એવું નહોતું, એ બંને ફોન પર વાત કરવાનું ટાળતાં હતાં. ત્રણ મહિનામાં બે વાર જ વિડિયો કોલમાં વાત કરી હતી એમાં પણ શિખા તો ફોન પર આવી જ નહોતી. દોહિત્રીને બતાવવા જ કોલ કર્યોે હોય એમ લાગતું. એશાને આશ્ચર્ય થતું કે મારી જેવી સાવ અજાણ છોકરી પર અઢળક વહાલ વરસાવતા માસીનું મન પોતાની સગી દીકરી માટે સાવ કોરું કેમ! એણે ઘણીવાર એમની સાથે આ બાબતે વાત કરવાનું વિચાર્યું, પણ કદાચ માસીનું મન દુભાઈ જશે એવું વિચારીને હિંમત નહોતી થતી.

પહેલાં સેમેસ્ટરની પરીક્ષા નજીક હોવાથી એશા મોટાભાગનો સમય પોતાનાં રૂમમાં જ વિતાવતી. લેપટોપમાં કામ કરતી હોય અથવા વાંચતી હોય. દીના માસી પણ એની વ્યસ્તતા જોઈને એમાં વિક્ષેપ પાડતાં નહીં. પરંતુ થોડાં દિવસોથી દીના માસીએ નોંધ્યું હતું કે એશા થોડી વધારે ચિંતિત અને મુંઝાયેલી લાગતી હતી. બરાબર ખાતી પણ નહોતી અને બોલવાનું સાવ ઓછું કરી દીધું હતું. એક સાંજે જમ્યા પછી દીના માસી પરાણે એને ગાર્ડનમાં લઈ ગયાં. થોડી આડી અવળી વાતો કર્યા પછી સીધું પૂછી લીધુંકે, 'બેટા, કેમ આટલી પરેશાન લાગે છે? પરીક્ષાનું સ્ટ્રેસ છે? ઘરે કંઈ થયું છે?' એશાએ વાત ટાળવાની કોશિશ કરતાં કહ્યું, 'માસી એવી કોઈ વાત નથી. બધુંં બરાબર છે.''ના દીકરા, બધું બરાબર તો નથી જ, હું પણ એક દીકરીની મા છું. એટલું તો સમજુ છું કે કોઈક મૂંઝવણ છે જેને લીધે તુ કેટલાક દિવસોથી ટેન્શનમાં છે. પ્રેમ નો મામલો છે કે શું? બ્રેકઅપ થયું છે? તું ખુલીને કહીશ તો આપણે સાથે મળીને કોઈક રસ્તો કાઢીશું. તને આમ ચિંતામાં જોઈને મારું મન ય દુ:ખી રહે છે. બોલને બેટા શું થયું છે?' દીના માસીએ આટલું કહ્યું ત્યાં જ એશા રડવા લાગી. દીના માસી એનો બરડો પંપાળતા રહ્યાં. ઘરમાં જઈને એનાં માટે પાણી લઈ આવ્યાં.

એશાએ કહ્યું, 'માસી, હું અહીં ભણવા આવી છું, મારા માતા પિતાએ મૂકેલા વિશ્વાસને તોડીને પ્રેમનાં ચક્કરમાં મારું ભવિષ્ય બગાડું એટલી અપરિપક્વ તો હું નથી. વાત બીજી છે. પરીક્ષા નજીક હોવાથી અમારે હમણાં બુક અને પ્રોજેક્ટ સબમિશન ચાલે છે. એક પ્રોફેસર સર મારા પ્રોજેક્ટમાં કોઈક ને કોઈક ખામી કાઢીને વારે વારે એમની કેબિનમાં બોલાવે છે અને અણછાજતી ટિપ્પણી કરીને મને ગમે ત્યાં સ્પર્શ કરે છે. માસી મને બિલકુલ ગમતું નથી. જો વિરોધ કરવા જાઉં તો મને નાપાસ કરી દે. મને સમજાતું નથી, શું કરું? મમ્મીને ફોન કરીને કહેવાની હિંમત નથી, એ લોકો કદાચ મને ભણવાનું મૂકીને પાછી બોલાવી લે.' એશા ફરી ધુ્રસકે ધુ્રસકે રડી પડી. દીના માસી એશાની વાત સાંભળીને ધુ્રજી ગયાં. એમણે તરત એશાના મમ્મી પપ્પા સાથે ફોન પર વાત કરીને આખો મામલો સમજાવ્યો અને એશાની સુરક્ષિતતા ની જવાબદારી લીધી.

બીજા દિવસે પોલીસને સાથે લઈને એશા અને દીના માસી કોલેજ પહોંચ્યા. પ્રિન્સિપાલની આફિસમાં જઈને એમને બનેલી ઘટના વિશે જાણ કરીને પ્રોફેસર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. કોલેજમાં હો હા થઈ ગઈ. એશાની હિંમત જોઈને બીજી સાત આઠ છોકરીઓએ પણ સ્વીકાર્યું કે એ પ્રોફેસર એમની સાથે પણ એવી હરકતો કરતો હતો પણ નાપાસ થવાની બીકથી ચૂપ હતી. ઘરે આવીને એશા દીના માસીના ખોળામાં માથું મૂકીને ખૂબ રડી, વારે ઘડીએ થેંક યું માસી, થેંક યુ માસી કહીને ખોળો ભીંજવતી રહી. 'માસી, તમે જેટલું સમજ્યા, કદાચ મારી મા પણ ના સમજી શકી હોત. તમારા ટેકા વગર કદાચ હું ભાંગી પડત. ક્યારેય એ પ્રોફેસર વિરૂદ્ધ અવાજ ઉઠાવી ના શકત.'દીના માસીની આંખો પણ છલકાઈ ગઈ. 'બસ બેટા, હવે ના રડીશ, જે થવાનું હતું એ થઈ ગયું. હવે બધું ભૂલીને ભણવા પર ધ્યાન આપ. બધુંં સારું થઈ જશે.' ' માસી, તમે બેસ્ટ છો' એટલું કહીને એશા એમને વળગી પડી. 'ના બેટા, હું બેસ્ટ નથી. બેસ્ટ હોત તો મારી શિખા મારાથી આટલી દૂર ના હોત.આજે જે મેં કર્યું એને મારા પાપનું પ્રાયશ્ચિત ગણી લે. તે જોયું હશે, મારી દીકરી શિખા મારી સાથે વાત નથી કરતી. થોડાં વર્ષો પહેલાં સુધી આવું નહોતું. અમે બંને મા દીકરીથી વધીને મિત્રો જેવી હતી. એ એની નાનામાં નાની વાત મારી સાથે શેર કરતી. ખૂબ સુખી પરિવાર હતો અમારો. એ જ્યારે કોલેજમાં હતી ત્યારે એક દિવસ એણે આવીને રડતાં રડતાં કહ્યું કે, 'મમ્મી, વરુણ અંકલે મારી સાથે ગેરવર્તન કર્યું છે.' વરુણ મારા પતિનો બિઝનેસ પાર્ટનર હતો, એની દિકરી શિખાની બહેનપણી હતી તેથી બંને બહેનપણીઓની અવરજવર એકબીજાના ઘરે રહેતી. એક દિવસ એકલતાનો લાભ ઉઠાવીને એ વિકૃત માણસે મારી શિખાને અડપલાં કર્યા. વાત સાંભળીને પહેલાં તો હું એકદમ ગુસ્સે થઈ ગઈ. એના પપ્પાને ફોન કરીને ઘરે બોલાવ્યા. અમે બંને વરુણના ઘરે જઈને એને ધમકાવી આવ્યાં. શિખા પોલીસ કેસ કરવા માટે મક્કમ હતી પણ સમાજ અને બદનામીના ડરથી અમે કોઈ પગલાં લીધા નહીં ઉપરથી એને પણ ચૂપ કરીને, કોઈને કશું ના કહેવા માટે સમજાવી દીધી. એ અમારા નિર્ણયથી ડઘાઈ ગઈ. બસ ત્યારથી અમારો માવતર દીકરીનો સંબંધ ત્યાં જ અટકી ગયો. શિખાએ અમારી સાથે વાત કરવાનું સાવ ઓછું કરી દીધું. એણે છોકરો પણ એવો પસંદ કર્યો જે આ દેશમાં રહેવા નહોતો માંગતો જેથી એ લગ્ન પછી અમારાથી સાવ દૂર થઈ જાય. લગ્નવિદાય સમયે એની આંખમાં એક આંસુ નહોતું. એના પપ્પા આ ભાર હૃદય પર રાખીને જતાં રહ્યાં. તે જોયું હશે, એ ક્યારેય મને ફોન કરતી નથી. એ મારું મોઢું જ જોવા માંગતી નથી. હું દુનિયાની સૌથી ખરાબ મા છું એશા. મારી દીકરીને જ્યારે મારી સૌથી વધારે જરૂર હતી ત્યારે જ મેં એને તરછોડી દીધી. હું મરીશ ત્યાં સુધી મને વસવસો રહેશે કે, કાશ એ સમયે મેં થોડી હિંમત કરી હોત અને મારી દીકરી માટે લડી હોત. હું મારી દીકરીને વળગીને એની માફી માંગવા માંગુ છું પણ એણે તો મનના દરવાજા સજ્જડ બંધ કરી દીધાંં છે.'એશા અવાચક બનીને દીના માસી સામે જોઈ રહી. 

લેખક: ષવી જય ટેલર


Google NewsGoogle News