એક મજાની વાર્તા-*મીઠાઈનું પડીકું*
- સંકલન: પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
સૂરજનાં સોનેરી કિરણો ધરતી પર નવી આશાઓ લઈન ે ઉતરી આવતા. એવી જ સુંદર સવાર હતી અને સૌ કોઈ પોતાના સપનાઓને પૂણ ર્ કરવા માટેની એ દોડમાં જોતરાઈ ચૂક્યા હતા.
આજનો દિવસ તેના કાર્યાલયમાં કામ કરતા સૌ કોઈ માટે વિશિષ્ટ હતો. શિક્ષક માટે શિક્ષક હોવાનું ગૌરવ પ્રદાન દિવસ - એટલે કે શિક્ષક દિન.
તેને ખબર હતી, આજે પણ તેને મળવા તેના કાર્યાલયમાં કોઈ આવવાનું નથી.
સામેની કેબિનમાં બેસતી ચુલબુલી રેખાને ત્યાં તો કેટલાય વિદ્યાર્થીઓ ડોકાઈ ગયા.
તેણે આજે બારણું બંધ થઈને ખોલવાનો અવાજ નહીં નહીં તો પંદરેક વખત તો સાંભળી લીધો હતો.
તાજા ચૂંટેલા ફૂલોની સુગંધ પણ હવામાં પ્રસરી રહી હતી.
રેખા હતી જ એવી, સૌ વિદ્યાર્થીઓને મદદ કરે, કોઈને વઢવાનું તો દૂર રહ્યું બધા સાથે હસીને વાત કરે.
તેની તકલીફ એક જ હતી કે સારી રીતે ભણાવતા તેને આવડતું નહીં.
હા, વાત કરવામાં ઘણી હોંશિયાર હતી.
જયારે પણ ઉત્તરવહી તેની પાસે ચકાસણી માટે આવતી ત્યારે તેની કેબિનમાં વિદ્યાર્થીઓનો ધસારો રહેતો.
કોણ જાણે શું કરતી હશે, પણ હમણાં જ તેણે નવી હીરાની વીંટી બનાવડાવી હતી.
કેવી રીતે તે ખરીદી શકે? જયારે તેની શિક્ષક તરીકેની નિમણૂક તો હંગામી હતી!
તે વિચારતી બેસી હતી અને એક ચહેરો ડોકાયો.
અનુપ હતો તે, આટલા વર્ષે આવ્યો?
આવતા તરત જ પગે લાગ્યો અને બોલી ઉઠયો મને નૈતિક મૂલ્યોનું શિક્ષણ આપનાર અને મારી આડે રસ્તે ચઢેલ ગાડીને સીધા પાટા પર ચઢાવનાર ગુરુને વંદન.
એક મિનિટ માટે તે વિચારી રહી, અનુપ?
તેના વર્ગમાં સૌથી તોફાની હતો. ભણવામાં સહેજ પણ ધ્યાન ન આપનાર અનુપને આખો દિવસ વર્ગમાં બીજા સહપાઠીને હેરાન કરવામાં જ મજા પડતી. તે પોતે તો ભણે નહીં અને બીજા વિદ્યાર્થીને ભણવા દેતો નહીં.
સરલાની નિમણુંક થઇ એ વર્ષે તેમની વર્ગ શિક્ષક તરીકે પણ સરલા નવી જ હતી.
પહેલા જ દિવસે તેણે અનુપને તોફાન કરતા પકડયો હતો.
પૂરતી સજા પણ આપી હતી અને તેના વાલીને બોલાવવાની નોંધ પણ તેની રોજનીશીમાં કરેલ.
બીજા જ દિવસે તેને મળવા અનુપના પિતાજી આવેલ અને સાથે મીઠાઈનું પડીકું પણ લેતા આવેલ.
તેમણે સહજ જ એ પડીકું ખોલી તેના ટેબલ પર મૂક્યું.
નજર નાખતા અંદર રૂપિયાની નોટ પણ દેખાઈ. તેણે અસહજ રીતે તેમની સામે જોયું અને આચાર્યશ્રીના કાર્યાલય તરફ ચાલી.
આચાર્ય શ્રી એ સમજાવ્યું કે મીઠાઈ તો ખાઈ જ લેવી જોઈએ. મને તો અનુપના પિતા જે દુકાનથી મીઠાઈ લાવે છે તે બહુ ભાવે છે. સ્વાદિષ્ટ અને મનોરંજન એવી મીઠાઈનો એકાદ ટુકડો મને પણ આપજો ચાખવા માટે- તેવું હસતા હસતા તેમણે કહી પણ દીધું.
તેણે ગુસ્સો અને અકળામણ સાથે પોતાને ડાયાબિટીસ હોવાની વાત કરીને પોતાની જગ્યાએ આવી.
મીઠાઈનું પડીકું અનુપના પિતાના હાથમાં પાછું આપ્યું. તે સાથે કડક શબ્દોમાં ચેતવણી પણ આપી.
બીજા દિવસે ફરી આચાર્યશ્રીએ તેને બોલાવી.
તેણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તે પડીકા નહીં લે, વધારે તાણ કરવામાં આવે તો આગળ ફરિયાદ કરી દેશે.
તે દિવસ પછી અનુપના પિતાજી તો દેખાયા નહીં પણ આચાર્યશ્રીએ તેને વર્ગ શિક્ષક તરીકે અને નોકરીમાં ચાલુ રહેવા માટે આડકતરી રીતે ઘણી પાબંધી તો લગાવી જ દીધી હતી. પરંતુ તેની ચિંતા કર્યા વગર તેણે સમય મળે અનુપને ઢંઢોળવાનું તો ચાલુ જ રાખેલ. ઘણી જગ્યાએ તે માર્ગદર્શક બની જતી, તો વળી કોઈક જગ્યાએ પ્રેમ અને સમજાવટથી અને થોડી કડકાઈથી અનુપને શિસ્તમાં લાવવાનો તેનો પૂરો પ્રયત્ન રહેતો.
સારા પરિણામ સાથે અનુપ ઉત્તીર્ણ થયો અને આગળ અભ્યાસ કરવા શહેરમાં ચાલી ગયેલ.
આજે એ વાતને વર્ષો વીતી ગયેલ અને પોતે હજુ પણ અહીં હંગામી શિક્ષક તરીકે કાર્યરત છે. પડીકા નહીં લેવાની અને આપવાની આદતથી તે કાયમી નિમણુંક મેળવી શકેલ નથી.
તેને એટલે જ અહીં કાર્યરત રહેવા દેવામાં આવેલ છે કે તે વિદ્યાર્થીઓને ભણાવે છે. આચાર્યશ્રીના વર્ગ પણ તેના ભાગે જ લેવાના આવે છે.
ક્યાં ખોવાયા માનનીય આચાર્ય સરલાજી.
અનુપ? મારી મજાક કરે છે?
તમે ખોટું ન લગાડશો.
આ તો તમારો નિમણુંક પત્ર લઈને આવવાનું સૌભાગ્ય આજના દિવસે મને સાંપડયું છે.
અનુપની નિમણુંક જિલ્લા શિક્ષણાધિકારી તરીકે થઇ હતી.
સરલાની આંખોમાં ખુશીનાં આંસુ છલકાઈ ઉઠયા.
ન અટક તું ન મટક તું, લક્ષ્ય તારું ન છોડ તું ,
દુનિયા જો તું ન બદલી શકે, પણ પ્રયત્ન ન છોડ તું.
કામ તારું તો બીજમાંથી અંકુરિત છોડની માવજતનું,
ખીલી ઉઠશે મહેકતું મઘમઘતું ફૂલ, બસ થોડી રાહ જો તું.
- કૃપાલી વિરાગ શાહ (અમદાવાદ)