એક મજાની વાર્તા : માળાના ઈંડા!
- સંકલન: પ્રતિભા ઠક્કર
- નિર્ઝરી મોજીલા સ્વભાવની હોય ગણીને બેસી ન રહેતી. અને પોતાની રીતે એડજસ્ટ કરતી. વાસંતીબેનના રસોડામાં શું ખાવું કરતા શું ન ખાવુંના નિયમો જાજા હતા. જો કે તે ક્યારેક અકળાઈ ઉઠતી. વાસંતીબહેન પણ એ વખતે સમય ન ચુકતા અને કહેતા કે મને ખબર છે તું બહાર જઈ બધું ખાય છે.
નિર્ઝરી નામ પ્રમાણે જ ઉત્સાહ સભર ઉછળતું વ્યક્તિત્વ, ઘર સજાવટમાં આટફિશિયલ વસ્તુઓ કરતા કુદરતી રીતે શોભતાં ફૂલછોડનો જબરો શોખ. સાસરે આવ્યા પછી પોતાની કુશળતાથી ઘરની રોનક ફેરવી નાખી હતી. ઘરની બાલ્કની અવનવા ફૂલોથી શોભતી હતી. હમણાં હમણાંથી કબૂતરોનો ત્રાસ વધતો જતો હતો, અવારનવાર ફૂલોના કુંડમાં કબૂતરો ઈંડા મુકતા હતા.
એક અણગમા સાથે કબૂતરે મુકેલા ઈંડાને ડસ્ટબીનમાં નાખવા કહ્યું. સફાઈ કરવા આવેલી છોકરીએ તેમ કરતા નિર્જરીના સાસુ વાસંતીબેનની નજર પડી. માળા ફેરવતા ફેરવતા તે ચિલ્લાઈ ઉઠયા... આ તારા કુંડા જ્યારથી લઈને આવી છે ત્યારથી ઘરમાં ધરમ જેવું રહેવા નથી દીધું. હે ભગવાન આવી હિંસા મારા ઘરમાં..!
બરાબર એજ સમયે વાસંતીબહેનની દીકરી નીની બહારથી આવી એના હાથમાં એક પ્લાસ્ટિક બેગ હતી.
''ભાભી મારું એક કામ કરી દેશો?'' કહી બેગ હાથમાં આપી નિર્ઝરી અને એની નણંદ નીની બન્ને એ સામસામે આંખ મીચકારી... નિર્ઝરી ગ્લાસ લઇ પોર્ચમાં જઈ લાવેલું ઈંડું ફોડી લીક્વીડવાળો ગ્લાસ નીનીના હાથમાં આપી બાથરૂમમાં શેમ્પુ કરવા મોકલી દીધી. વાસંતીબહેન ત્રાંસી નજરે આ બધું જોતાં હતાં પણ દીકરીને કશું કહ્યું નહીં.
વાસંતીબેન અંદર ગયાં પણ બબડાટ હજુ ચાલુ જ હતો, એવા ઝાડવા ઉગાડીને શું કામ છે? નીરવને ખબર પડશે તો મારી નાખશે. આવા પાપના ધંધા ઘરમાં ન જોવે.
નિર્ઝરી સ્વભાવે એકદમ આનંદી હતી, કાયમ વાસંતીબેનના ગુસ્સાને મજાકમાં જ લેતી.
બોલી, ''મમ્મી મારી નાખશે એ હિંસા ન થઇ?''
વચ્ચેથી વાત કાપતા વાસંતીબહેન બોલ્યા,''ચલ હું તારા પાપ બદલ પાંચ માળા કરી લઉં.'' કહી વાસંતીબેન માળા હાથમાં લઇ મણકા ફેરવવા માંડયા.
વાસંતીબહેનના પતિનું અવસાન થયું હતું. શ્રીમંત પરિવાર હતું. વાસંતીબહેને આથક વહીવટ પોતાના હાથમાં જ રાખેલ, ઘરની દરેક બાબતોમાં પણ સરમુખત્યાર વર્તન કરતા. વ્યવસાયને લગતી કે પૈસાને લગતી વાત મા-દીકરો અલગ રૂમમાં જઈને જ કરતાં, બે વર્ષે પણ નીર્ઝરીને એ લોકો પોતાની ન ગણતા. નીર્ઝરીને પણ આ બાબતે આશ્ચર્ય થતું, એ ક્યારેક નીરવને કહેતી કે, મમ્મી આ ઘરમાં વહુ તરીકે આવ્યા એટલે આ મિલકતોના માલિક થયા, હું પણ આ ઘરની વહુ તરીકે જ આવી છું. નીરવ આવી વાતો સિફત પૂર્વક ઉડાવી દેતો.
નિર્ઝરી મોજીલા સ્વભાવની હોય ગણીને બેસી ન રહેતી. અને પોતાની રીતે એડજસ્ટ કરતી. વાસંતીબેનના રસોડામાં શું ખાવું કરતા શું ન ખાવુંના નિયમો જાજા હતા. કહેવાતું વાસંતીબહેનનું રસોડું પણ મહેનત નિર્ઝરીને જ કરવાની રહેતી. જો કે તે ક્યારેક અકળાઈ ઉઠતી. વાસંતીબહેન પણ એ વખતે સમય ન ચુકતા અને કહેતા કે મને ખબર છે તું બહાર જઈ બધું ખાય છે. તારું તું જાણે પણ નીરવને ન કહેતી અને એને આવી ટેવ પણ ન પાડતી નહીતો...
નિર્ઝરી તોફાની હાસ્ય સાથે એને શાંત પાડતી.
આજે વાસંતીબેનની કોઈ બહેનપણીને ત્યાં જમવાનું હતું. નીરવને ખબર પડતાં જ પોતે તો આજે બીઝનેસ પાર્ટીમાં જવાનું છે, નિર્ઝરી તમારી સાથે આવશે કહી છટકી ગયો. નીનીએ પોતાની ફ્રેન્ડની બર્થ ડે પાર્ટીનું બહાનું કાઢયું.
સાંજે નિર્ઝરી વાસંતીબહેનને લઈને ત્યાં ગઈ. કાંદા લસણ વગરનું ફિક્કું ખાઈ પોતાની જિંદગીની ફિક્કાસ વિષે વિચારતા અને હવે કૈંક નિકાલ લાવવો જ પડશે એવું વિચારતી નીર્ઝરીના દિમાગમાં એક વિચાર આવ્યો અને એણે ગાડી પેટ્રોલ પુરાવવાના બહાના સાથે બીજા રસ્તે વાળી.
એક ફેમસ ચીકન શોપ પાસે બ્રેક મારી, વાસંતીબેન ચિડાયા, અરેરે કેમ ઉભી રાખી અહીં? કહી મોં આડો રૂમાલ રાખ્યો. નિર્ઝરીએ કહ્યું કે પંચર પડયું છે કહી બારીનો કાચ ખોલ્યો અને જાણે ધરતીકંપ થયો! વાસંતીબહેને જે દ્રશ્ય જોયું એ ધ્રૂજી ઊઠયાં. એમના દિમાગી ખયાલમાં પંચર પડી ગયું. નીરવ એના ફ્રેન્ડ સાથે કોઈ વાત પર ખડખડાટ હંસતા હંસતા વોશ બેસિનમાં હાથ ધોતો હતો.
હતપ્રભ થયેલા વાસંતીબહેનને નિર્ઝરી પૂછતી હતી મમ્મી, કેટલી માળા કરશો ???