એક મજાની વાર્તા - *મારું ઘર* .
- સંકલન: પ્રતિભા ઠક્કર
મારી પસંદનું ઘર હોય, જ્યાં એક અલાયદો મારો ઓરડો હોય.
છેલ્લા દસ દિવસથી, સવાર પ્રવાસી પંખીઓના કલરવથી શરૂ થતી. પીપળાના ઝાડ પર રોજ પંખીઓનું ટોળું આવતું, ફળ ખાતું અને બીજા ટોળાના આગમન સાથે ઊડી જતું.
પોતે બાલ્કનીમાં ઉભા રહીને આ પંખીઓની હિલચાલ નીરખી રહી હતી. તેને ગઈકાલની વાત યાદ આવી ગઈ.
''જા ઘાંટા પાડવા હોય તો તારા ઘરે જઈને ઘાંટા પાડવાના! મારા ઘરે નહીં!''
ઘર! કેવું ઘર! કોનું ઘર? શું તેનું પોતાનું કોઈ સરનામું હતું?
તે રાતે જ સ્વામીજીની ચોપડીમાં વાંચી રહી હતી -
''આપણે તો પ્રવાસી પંખી - આ ખોળિયું છોડીને ઉડી જવાના,
મારું-તારું કરવામાં કેમ સમય બરબાદ કરે ઓ માનવી!
છેવટે બધું અહીં જ મૂકીને ચાલ્યા જવાના.''
ત્યાં પિતા સાથે થયેલ વાત યાદ આવી - ''બેટા, પરિવાર સારો છે, જમાઈ પણ સારા મળ્યા છે અને સાચું કહું તો બધું જ મારી નજર પ્રમાણે બરોબર છે. પરંતુ તારી સરકારી નોકરી તું છોડતી નહીં.''
એ જ દિવસો હતા ત્યારે તે શાંતિથી પિતા સાથે બેસીને વાત કરી શકતી. અર્થવનો જન્મ થયો હતો અને પોતે પ્રસુતિ માટે ત્રણેક મહિના પિતાના ઘરે ગઈ હતી. ત્યારે તો તેણે હસીને વાતને વિસારે પાડી દીધી હતી.
પરંતુ, ત્યારબાદ ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું. અર્થવને સાચવવાની જવાબદારીને લીધે તેણે નોકરીમાંથી ખુશી-ખુશી રાજીનામુ મુકેલ અને રોજિંદી ઘટમાળમાં ગોઠવાઈ ગઈ હતી. ધીરે ધીરે ઘરની જવાબદારી પણ તેના માથે આવી પડી હતી.
સાસુ - સસરા તેમના નિવૃત્ત જીવનનો આનંદ લેવા માંગતા હોવાથી ગામડે ચાલ્યા ગયા હતા. પોતે એકલી જ હતી, ન કોઈ રોકટોક અને ન કોઈ જાતની કોઈની કચકચ.
ક્યારેક, પોતાનું કાર્યાલય અને તેની સાથે કાર્યરત લોકો યાદ આવી જતા, ત્યારે તેની ખાસ સખીને ફોન કરતી. તેની સાથે વાતોમાં અવનવી આધુનિક ટેકનોલોજીની વાત સાંભળી તે અચંબિત થઇ જતી. તેની સખી તો કહેતી તારે તો ઘી - કેળા છે. ઘર સંભાળવાનું અને ટેલિવિઝન જોવાનું - બાકી આખો દિવસ કરવાનું શું!
તે પણ વિચારી રહી કરવાનું શું?
તે યાદ કરી રહી - 'પોતાની આ ભણતર માટેની મહેનત?'
કેટકેટલાય ઉજાગરા વેઠીને જાણીતા વિશ્વ વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે મહેનત કરી હતી. તેની સાથે ભણતી સખીઓ તો જલસા કરતી. ટાપટીપ રહેવામાં અને સલૂન જવામાં સમય નીકાળતી,સિનેમા જોવા જતી. કહેતી ''ભણીને શું કરવાનું? ઘર જ સાંભળવાનું ને?''
તે કહેતી, ''ના, હું તો મોટી સાહેબ બનીશ. મારે એ ઘર નામની દુનિયામાં મારી જાતને કેદ નથી કરવી હો!'' બધા તેની વાત પર હસી પડતા.
જ્યારે તેણે સરકારી નોકરી માટેની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરેલ ત્યારે તેને પળવાર તો તેનું સાહેબ થવાનું સપનું થોડુંકે જ છેટે લાગેલ.
ત્યાં બે વર્ષમાં સમીર આવ્યો, લગ્નજીવન શરુ થયું અને તેની સાથે અવનવા સપનાંઓ જોવાના શરુ કર્યા. તેમાં તેનું સાહેબ બનવાનું સપનું ક્યાંય ખોવાઈ ગયું.
પણ ગઈકાલે, જ્યારે તેના દીકરા અર્થવને ઘરમાં પાછા આવવા માટે ઘાંટા પાડી રહી હતી ત્યારે સાવ નજીવી બાબતમાં સમીરે કીધું - ''ઘાંટા તારા ઘરે જઈને પાડ.''
તેને તરત જ લાગી આવ્યું. કઈ પણ બોલ્યા વગર અંદર આવીને રસોઈ કરવા લાગી. મારું ઘર?
તો શું આ ઘર મારું નથી? ન તેણે કોઈ સમીર સાથે ચોખવટ કરી કે વધુ વાત કરી. રાત આખી જાણે કે ઘરમા તે મારું ઘર શોધતી રહી.
ત્યાં તેની ઘડિયાળની ટીકટીક ચાલુ થઇ. હા, તેનો સવારનો એલાર્મ વાગ્યો હતો.
ફરી કામમાં જોતરાઈ જવાનું હતું. સહુ પોતપોતાના ગંતવ્ય સ્થાને જવા નીકળી ગયા. બસ, તે રહી ગઈ આ ઘરમા - જે હવે તેને પોતે પરાયા હોવાનો અહેસાસ કરાવી રહ્યું હતું.
સમય પસાર કરવા તેણે છાપું હાથમાં લીધું અને એક જાહેરાત પર તેની નજર ઠરી. વાંચતા તેણે મનોમન કંઈક નક્કી કર્યું અને ગાડી લઈને નીકળી પડી. હવે તે વ્યસ્ત રહેવા માંડી.
સમીર સાથેની વાતચીત પણ હવે માત્ર કામકાજ પૂરતી જ રહી ગઈ હતી. જાણે કે તેમની વચ્ચે એક અજાણી દીવાલ રચાઈ ગઈ હતી.
સમીરને આ વાતનો અહેસાસ તો થયો હતો, પરંતુ પોતાના કામમાં વ્યસ્ત હોવાને કારણે તેણે આ બાબત પર ખાસ ધ્યાન આપ્યું નહોતું.
ધીરે ધીરે કરતા વર્ષ થઇ ગયું અને એક દિવસ સમીરના માતાપિતા પણ ગામડેથી ઘરે તેમની સાથે રહેવા આવી ગયા.
માતાપિતાના ઘરે આવવાથી સમીર ખુશ હતો, પણ તેઓ થોડા નાખુશ હતા.
સવારમાં સાથે નાસ્તો કરતા તેમણે સમીરને પૂછયું, ''તારે ધંધામાં થોડી તકલીફ છે! બધું બરાબર છે?''
સમીર બોલી ઉઠયો - ''ના, એ તો નાની-મોટી તકલીફ ચાલ્યા કરે, બાકી ઈશ્વરની કૃપા અને તમારા આશીર્વાદથી ધંધો સારો ચાલે છે.''
''તો પછી સીમાએ કેમ ફરીથી નોકરી ચાલુ કરી?''
હવે સમીર પણ વિચારમાં પડી ગયો.
ત્યાં સીમા આવીને બોલી - ''સમીર મને સરકારી નોકરી મળી ગઈ છે અને આ વખતે તેઓ મને રહેવા માટે ઘર પણ આપવાના છે - મારું ઘર.''
''શહેરથી થોડું દૂર હોવાથી અર્થવની સંભાળ રાખવા માટે મારે મારા મમ્મી-પપ્પાને બોલાવવા પડયા. તેઓએ સંમતિ દર્શાવતા મેં મારા ઘરમાં જ રહેવાનું નક્કી કર્યું છે. જો તારે મારા ઘરમાં મારી સાથે રહેવું હોય તો તારું સ્વાગત છે, સમીર.''
સમીરને એ સીમા સાથે થયેલ ચણભણ યાદ આવી ગઈ અને પોતાની ભૂલ સમજાઈ જતાં તે બોલ્યો, ''સીમા, ચોક્કસથી મને પણ તારા ઘરમાં તારી સાથે રહેવા આવવામાં આનંદ થશે.''
સમીરના માતાપિતા પોતાના દીકરાની સમજણથી પ્રભાવિત થયા અને એકબીજા સામે જોઈ જાણે મનોમન વાત કરી લીધી - 'તેમણે સીમાને સહકાર આપવાનું નક્કી કરીને વહુ-દીકરાના લગ્નજીવનના બંધનને મજબૂત કર્યું હતું.'
સીમા વિચારી રહી - 'સ્વજનોના સંગાથે પોતે પોતાનું ઘર મેળવી શકી અને જલ્દીથી પોતાની ઓળખ પણ મળશે.'
સમીર વિચારી રહ્યો - 'સ્ત્રીની ઓળખ ફક્ત દીકરી, માતા કે પત્નીના સંબંધોથી નથી થતી, તેની પોતાની એક આગવી ઓળખ પણ હોય છે.'
લેખક : કૃપાલી વિરાગ શાહ