એક મજાની વાર્તા : કાગળ કોરો .
- સંકલન: પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
એક,બે,ત્રણ,ચાર,પાંચમાંપગલે પાણિયારું.
એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાતમાં પગલે ચૂલો.
એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવમાં પગલે પાછળનાં વાડામાં જવાનો રસ્તો અને કૂવો.
એક, બે, ત્રણ, ચાર.. સુશીલા અટકી ગઈ.આંખમાંથી આંસુઓની ધારા વહી પડી.આંસુઓને લીધેે સામેનું દ્રશ્ય વધુંું ઝંખવાઈ ગયું.
સુશીલાએ તેની સાડીના પાલવના છેડાને મોઢામાં નાખ્યો. થૂંકથી ભીનો કરી બહાર કાઢયો. એ ભીનાં પાલવને ફૂંક મારી. આંખો થોડી પહોળી કરી,તે પાલવના છેડાથી આંખની કીકી લુછવાં લાગી, કદાચ તેનાથી આંખના પડળ પરનો કચરો સાફ થઈ જાય અને પહેલાં જેવું ચમચમતું દેખાવા માંડે.
પણ હાય! કુદરતને શું મંજૂર છે તે શું ખબર પડે!
'સુશીલા.. સુશીલા..'
બારણે સાદ પડયો.
કોઈ જવાબ નહીં આવ્યો.
'શું કરે છે મારી સુશી? આંખો તો ગઈ.કાન છે કે તે પણ ગયાં?' મનુભાઈ ઘરમાં આવતાં જ સુશીલાને સાદ દઈ બોલી પડયાં.
થોડુંક વરવું લાગ્યું સુશીલાને.
મનુભાઈનાં શબ્દો સુશીલાનાં હૃદયમાં કટારીની માફક વાગી, ઝખ્મી કરી ગયાં. લોહીલુહાણ કરી ગયાં.'શું આંખે ઝાંખપ વળવી એ રોગ ગમતો હશે? લાચારી, મજબૂરી, અસહાય.. તો વૃદ્ધાવસ્થાની ભેટ છે. આમેય વૃદ્ધાવસ્થા આવે તે કોને ગમે? આ..આ..રવિના બાપુશી'ને આવું બોલી મને દુ:ખી કરે છે?હજી તો હું ખાટલે નથી પડી. કોઈ પર નિર્ભર નથી થઈ.લાચાર નથી થઈ. હે..ભગવાન! એટલી દયા કરજે. હું હાલતી ચાલતી હોઉં અને પ્રાણ નીકળી જાય. ભલે મારાં પતિ ખૂબ પ્રેમ કરે છે. કાળજી રાખે છે પણ તું વહેલોવહેલો લેવા આવી જાજે.આટલી વિનંતી સ્વીકારીશને મારાં ભોળા મહાદેવ.. મારાં વહાલાં?'
'સુશી.. ઓ.. સુશી.. તારો મીઠડો અવાજ તો સંભળાવ કે તે પણ ગયો? સુશી.. ઓ.. સુશીલા..? હો.. હો.. શું સુગંધ આવે છે! ઘરનાં આંગણમાં પ્રવેશતાં જ તારાં આ ભરેલાં રવૈયાની સુગંધમનને તરબતર કરી દે છે. મારાં પેટમાં ઉંદરડાની ગતિવિધિ વધી જાય છે.. હો ને સુશી!' આંગણામાં આવેલી ચોકડીમાં પગ ધોતાં જ મનુભાઈ બોલી ઉઠયાં. તેમણે ચારેકોર નજર કરી. આંગણું વાળી-જુડીને ચોખ્ખુંચણક હતું. ક્યાંય કચરો ન હતો. પારિજાત, ગુલાબ, મોગરો, જાસુદનાં છોડવાને પાણી પાઈ દીધું હતું. દરેક છોડવા ઉપર ફૂલો લચી પડતાં હતાં.અનોખી મીઠીમીઠી સુંવાસ મનને આનંદિત કરી દેતી હતી. આંગણે ગાય,કૂતરાને રોટલો પણ મૂકી દીધોે હતો.'મારી સુશીને આંખે ઝાંખપ વળે છે તો પણ આટલું સુંદર,ચોખ્ખુંચણક કામ કઈ રીતે કરતી હશે!'
મનુભાઈ આંગણામાંથી ઓસરીમાં આવ્યાં. દોરીએ લટકેલો નેપકીન તૈયાર હતો. ત્યાં ઉભાઉભા જ ઘરનાં બે ઓરડામાં જોયું. ચોખ્ખુંચણક હતું. ઓરડામાં સુશીલા અને મનુભાઈના લગ્નની મોટી તસ્વીર ખુબ સુંદર રીતે દેખાઈ આવતી હતી. મનુભાઈને એવું લાગ્યું કે જાણે 'કાલે જ સુશીલાને લગ્ન કરીને ઘરમાં લાવ્યા છે.' તેમનું મન સુશીલાને જોવાં તલપાપડ થઈ ગયું. હસતાંહસતાં રસોડામાં જઈ રોટલાં ઘડતી સુશીલા સામે બેઠાં.નિરીક્ષણ કરવા લાગ્યાં.'બધું બરાબર.. બધું જ બરાબર તો પછી.. આંખની આ ઝાંખપ!' અચાનક સુશીલાનો હાથ તવીને બદલે ચૂલામાં પડયો.
'સુશી..સુશી..'કરતાં મનુભાઈ ઉભાં થઈ ગયાં. તેમનું મન અને અંતરઆત્મા બેઉ મૂંગા આંસુ વહાવવાં માંડયાં.ઉભા થઈને સુશીનો હાથ પોતાના હાથમાં લઈ લીધો.
સુશીના હાથ ઉપર ફૂંક મારી મલાઈ લગાડવાં માંડયાં પછી થોડાં દૂર જઈ પોતાની આંખના આંસુ લૂંછવા લાગ્યાં.
'આવું તો ચાલ્યાં કરે રવિના બાપુ.
હવે ઉંમર થઈ.'
સામે કોઈ જવાબ નહીં આવ્યો.
'રવિના બાપુ.. રવિના બાપુ..' સુશીલા ચીસ પાડી ઉઠી.હાથ ફેલાવ્યાં.' ક્યાં છો ?'
મનુભાઈ નાના બાળકની માફક રડી પડયાં.' હું ક્યાં મરવાનો? તારી સામે બેઠો છું.નિથસહાય! મારી સુશીની હાલત પર રડી રહ્યો છું.'
'રવિના બાપુ.. આમ ન રોવાય.
હિંમત રાખો. સહુ સારાં વાના થશે.'
'ગાંડી રે ગાંડી.. તું મને હિંમત આપે છે! તારી હાલત તો જો.'
'મારો ભોળો મહાદેવ સદાય મારી સાથે છે.ચિંતા ના કરો.જમી લો.'
'હા.ચાલ જમી લઈએ.' દુ:ખી મને મનુભાઈ બોલી ઉઠયાં.
સુશીલાએ થાળી પીરસી.રોટલાં,ભરેલા રવૈયા અને ગરમગરમ કંસાર.વળી ઊભી થઈ અને પાણીનો લોટો ભરી લાવી.મનુભાઈ પાસે મૂક્યો.
'અહો! આજ શું વાત છે? કંસાર છે ને!'
'મન થયું. બસ. આજે કંસાર બનાવવો છે.કેવો થયો છે?'
અચાનક સુશીલાના મોઢાં પાસે કોળિયો આવ્યો.
પહેલાં તો સુશીલાએ આનાકાની કરી પણ પછી તેણે મોઢું ખોલ્યું.ગરમગરમ ઘી અને ખાંડ નાખેલો કંસાર પ્રેમથી ખાવાં લાગી.
'બસ.બસ.રવિના બાપુ.તમે ખાઓ.'
'હા.લે..આ શાક.બોલ કેવું થયું છે?'
'શું તમે પણ.. આમ મને કોળિયાં ભરાવો છો?'સુશીલા બોલતાં તો બોલી ગઈ પણ આંખમાં ઝળઝળીયાં આવી ગયાં. ધાબાધાબા જેવું દેખાતું પણ બંધ થઈ ગયું.
'મનુભાઈ..મનુભાઈ..' બારણે ટકોરા પડયાં.
'હા.બોલો.. માસ્તર,કેમ છો? ચાલો, જમવાનું તૈયાર છે. ગરમગરમ રોટલાં,ભરેલા રવૈયા અને કંસાર.આવો.અમારી સાથે જમવા બેસી જાઓ.'
'મનુભાઈ, હાલ જમીને આવ્યો. ફરી ક્યારેક જમવા જરૂરથી આવીશ. મનુભાઈ, સરકારી હોસ્પિટલમાં આંખના નિષ્ણાંત ડોક્ટર આવી ગયા છે.તમારો કેસ કઢાવી લીધો છે. હવે જલ્દી જાઓ તો સારું.'
મનુભાઈએ હાથ ધોયા અને ઉભા થયાં.
માસ્તરને બે હાથ જોડયાં.તેમની આંખ ભરાઈ આવી.'આભાર..' શબ્દ ગળામાં અટવાઈ ગયો અને બે ડગલાં આગળ ચાલી,માસ્તરને ભેટી પડયાં.'જાઉં છું. હમણાં જ જાઉં છું માસ્તર.'
' સુશી.. ચાલ જલ્દી.'
સુશીલાએ ઝડપથી સાડી બદલી અને બહાર આવી.
સફેદ કલરની સાડીમાં લાલ ગુલાબનાં ફૂલ.
મનુભાઈએ થોડીકવાર જોયાં જ કર્યું. આ સાડીમાં તે અતિ સુંદર લાગતી હતી.જાણે સફેદ અને લાલ પાનેતર પહેરીને ઘરમાં આવી હોય તેવી.. નવોઢા!
અચાનક તેમનાથી ફરી બૂમ પડાઈ ગઈ.'સુશી.. ઓ..સુશી..' અને મનમાં ને મનમાં બોલી ઉઠયાં 'સુશી,ખૂબ સુંદર લાગે છે તું.'
'એ આવી..' સુશીલા આવી પણ હડબડાટીમાં ઉંબરો ઓળંગતા ઠોકર ખાઈ ગઈ.
મનુભાઈએ દોડીને તેને ઝીલી લીધી.
સુશીલા ગભરાઈ ગઈ.મનુભાઈનાં ખભે માથું મૂકી,જોરજોરથી શ્વાસ લેવા લાગી.
' કેટલાં.. કેટલાં વર્ષે તું આમ વળગીને ઉભી છે?' પોતાનાં તૃપ્ત દાંપત્ય જીવનનો આનંદ માણતાં મનુભાઈ બોલી ઉઠયાં.
' જાઓ ને.. હવે શરમાઓને..! હવે આ ઘડીએ પણ તમને આવું સૂઝે છે..રવિના બાપુ?' આટલાં વર્ષે પણ શરમાતા-શરમાતા સુશીલાએ, શરમાઈને બે હથેળી વડે આંખો દાબી દીધી.ત્યાં જ તેનાં હૃદયમાં એક સણકો ઉપડયો.'હવે આંખ બંધ કરવાની શી જરૂર છે સુશી? હવે તો ખુલ્લી આંખે પણ અંધકાર!'
' સુશી.. ક્યાં ખોવાઈ ગઈ? ચાલ'
વૃદ્ધદંપતી હોસ્પિટલ પહોંચી ગયાં.
'મનુભાઈ, ભાભીને ક્યારથી ઝાંખું દેખાય છે?' ડોક્ટર સાહેબે ખૂબ જ લાગણીથી પ્રશ્ન પૂછયો.
'છેલ્લા થોડા વખતથી...' મનુભાઈ બોલ્યાં પણ ત્યાં જ ડોક્ટર બોલી ઉઠયાં.
'છેલ્લા થોડા વખતથી નહીં, ઝામરની શરૂઆત ઘણાં વર્ષો પહેલાં થઈ ગઈ હોય છે. ધીરેધીરે તે રોગ આગળ વધે છે.પહેલાં