પુષ્પોનો પ્રિન્સ ગણાતું ફૂલ: સેવંતી .
- શિયાળાની ઋતુમાં ખીલતાં સેવંતીનાં ફૂલનું પોતાનું સૌથી વધારે મહત્ત્વ છે. આ ફૂલના વિવિધ રંગ અને તેનું સંયોજન તેની શોભામાં ચાર ચાંદ લગાવી દે છે અને એટલે જ સેવંતીને 'ફૂલોની રાણી' અથવા 'ફૂલોની શાહજાદી' તરીકે ઓળખવામાં આવે છે.
પ્રકૃતિમાં ઋતુ મુજબ વિવિધ પ્રકારનાં ફૂલ ખીલતાં હોય છે. દરેક ફૂલની પોતાની આગવી ઓળખ હોય છે. કોઈ ફૂલ એની સુગંધ માટે પ્રખ્યાત છે, તો કોઈ એનાં રૂપ, રંગ માટે. શિયાળાની ઋતુમાં ખીલતાં સેવંતીનાં ફૂલનું પોતાનું સૌથી વધારે મહત્ત્વ છે. આ ફૂલના વિવિધ રંગ અને તેનું સંયોજન તેની શોભામાં ચાર ચાંદ લગાવી દે છે અને એટલે જ સેવંતીને 'ફૂલોની રાણી' અથવા 'ફૂલોની શાહજાદી' તરીકે ઓળખવામાં આવે છે.
વનસ્પતિશાસ્ત્રમાં સેવંતીનું અંગ્રેજી નામ ક્રાઈસેથિમમ છે. આ ઉપરાંત તે ચંદ્ર મલ્લિકા અને ગુલદાવરીના નામથી પણ ઓળખાય છે. સેવંતીનું ફૂલ રંગે, રૂપે સૂરજમુખીને મળતું આવે છે. બગીચાઓમાં સેવંતીની ૨૦૦થી પણ વધુ જાત રોપવામાં આવે છે.
સેવંતીનું ફૂલ એક અથવા જોડીમાં ખીલે છે. જેને ફૂલ કહે છે. એ હકીકતમાં તો અનેક ફૂલોનો સમૂહ છે. જોકે એકલું ફૂલ બે ભાગમાં વહેંચાયેલું હોય છે. તેની મધ્યમાં આવેલાં નાનાં પુંકેસરને 'નળિકાકાર' ફૂલ કહેવામાં આવે છે. આમાં નર અને માદા બંને પ્રકારનાં પ્રજનન અંગો હોય છે. બહારની બાજુએ- કિરણની જેમ ફેલાયેલાં ફૂલને 'રે- ફોલ્રેટ' કહે છે. આ પ્રકારનાં ફૂલો સામાન્ય રીતે એકલિંગી હોય છે. આમાં નર પ્રજનન અંગ હોતું નથી. આ પુંકેસરને કારણે ગુલદાવરી અત્યંત મોહક લાગે છે. કેમકે જુદી જુદી જાતનાં ફૂલનો આકાર પણ જુદો જ હોય છે અને તે રંગબેરંગી સુંદર હોય છે.
સેવંતીનો ઈતિહાસ: સેવંતીના ફૂલનો ઈતિહાસ અતિ પ્રાચીન છે. હજારો વર્ષ પહેલાં ચીન અને જાપાનમાં આ ફૂલનું અસ્તિત્વ હોવા છતાં ૧૭૬૪માં વૈજ્ઞાાનિકોએ પ્રથમવાર તેનાં સ્વતંત્ર અસ્તિત્વને સ્વીકાર્યું. ચીનના વનસ્પતિ ઉદ્યાનમાં પીળા રંગનાં ફૂલવાળો આનો છોડ હતો, જેનું વૈજ્ઞાાનિક નામ 'ક્રાઈ સેથિમમ ઈન્ડિકમ' રાખવામાં આવ્યું હતું. એ પહેલાં હોલેન્ડવાસીઓ આને 'એન્થીમીસ આર્ટીમિસીફોલિયા' તરીકે ઓળખતા હતા.
ફૂલનું સૌપ્રથમ પ્રદર્શન ૧૮૨૬માં નોરવિચના પ્રાચીન શહેરમાં ત્યાંની ઉદ્યાન સમિતિ દ્વારા યોજવામાં આવ્યું. એ પછી ૭૦ વર્ષે નેશનલ ક્રાઈસેથિમમ સોસાયટી' નામની એક સમિતિની રચના કરવામાં આવી ત્યાર પછી આ સમિતિ દ્વારા નિયમિત રીતે પ્રદર્શનો ગોઠવવામાં આવે છે. ગુલાબ પછી બીજા સ્થાને આ ફૂલનું નામ આવે છે.
જાપાનીઓએ આ ફૂલની નવી નવી જાતોને વિકસાવવામાં અત્યંત નોંધપાત્ર કામ કર્યું છે. આ બાબતમાં તેઓ ચીનથી પણ આગળ છે. જાપાને આ ફૂલને પોતાનું 'રાષ્ટ્રીય ફૂલ' તરીકે ગણ્યું છે અને ૧૮૭૬માં એનું નામ 'સ્વર્ણિમ પુષ્પ' રાખવામાં આવ્યું, જે એ સમયમાં સૌથી મોટામાં મોટું સન્માન હતું.
સેવંતીના ફૂલ વાદળી રંગ સિવાય બીજા બધા રંગોમાં ખીલે છે. આ અંગે અનેક મતમતાંતર છે. જાપાનમાં ચિનાઈ માટીનાં જૂના વાસણો પર આ ફૂલને વાદળી રંગથી દોરવામાં આવ્યું છે. આ જોતાં એમ જાણવા મળે છે કે, કદાચ પ્રાચીન સમયમાં જાપાનમાં સેવંતીનું વાદળી રંગનું ફૂલ થતું હશે. આજે વિશ્વભરમાં આ ફૂલની અનેક જાત જોવા મળે છે, પણ એમાં ક્યાંય વાદળી રંગનું આ ફૂલ નથી. આના વિશે અનેક સંશોધનો થઈ રહ્યાં છે, કદાચ ભવિષ્યમાં વાદળી રંગનું સેવંતીનું ફૂલ જોવા મળે પણ ખરું!
અગાઉ સેવંતીનું ફૂલ માત્ર સફેદ અને પીળા રંગનું જ જોવા મળતું હતું, પરંતુ વૈજ્ઞાાનિકોની નિરંતર શોધ- સંશોધનને કારણે આજે આ ફૂલના રંગરૂપ અને આકાર ઘણા બદલાઈ ગયા છે. આ ફૂલનો ઘેરાવો એકથી દશ બાર ઈંચ જેટલો જોવા મળે છે અને વળી આ પ્રકારની ગુલદાવરીને ક્રાઈસેથિમમ મોરીફ્રોલિયમ કહે છે. આ જાતનાં છોડ દીધાર્યું હોય છે.
આ જાતના ફૂલછોડને સામાન્ય રીતે મૂળ અથવા કલમ (કટિંગ) દ્વારા તૈયાર કરવામાં આવે છે.
- હિમાની