લખનઉવાસીઓમાં પ્રિય આરોગી શકાય એવી 'ગુલાબી' ચ્હા .
- ચા ખાઈ પણ શકાય?
આજે તમે મુંબઈના કોઈપણ વિસ્તારમાં જાઓ તો તમને ઠેકઠેકાણે ચાની ટપરીઓ તો જોવા મળે જ, સાથે સાથે વિવિધ બ્રાન્ડની ચ્હાની ચેન જોવા મળે. વાસ્તવમાં લોકોને ભોજન વિના ચાલે પણ ચા વગર ન ચાલે એવી સ્થિતિમાં આપણે અહીં એક ખાસ પ્રકારની ચાની વાત કરીશું.
જો તમે ક્યારેય લખનઉની મુલાકાત લીધી હશે તો તમને ખબર હશે કે ચા માત્ર પીવાય નહીં, ખવાય પણ ખરી. લખનઉમાં 'ખવાતી' આ ચા ચ્હાની કોઈ ટપરી કે ચાયઘરમાં નહીં, બલ્કે કારખાનાઓમાં બનાવવામાં આવે છે. પુરાણા લખનઉમાં જીરૃં, જાવિંત્રી, લવિંગ, જાયફળ સહિતના અન્ય કેટલાંક ગરમ મસાલા નાખીને અને મલાઈ ઉમેરીને કાશ્મીરી અથવા ગુલાબી નામે ઓળખાતી જે ચા બનાવવામાં આવે છે તે પીવાતી નથી, પણ ખવાય છે. ત્યાંના ચાયઘરોમાં જઈને તમે આ ચ્હાનો આસ્વાદ માણી શકો, પરંતુ તેને તમારી નજર સમક્ષ બનતી ન જોઈ શકો. વાસ્તવમાં આ ચા ખાસ વિધિ મુજબ કારખાનાઓમાં બનાવવામાં આવે છે. અને તે તૈયાર કરવામાં કલાકોનો સમય લાગે છે. બની ગયા પછી આ ચા કન્ટેનરોમાં ભરીને ચાયઘરોમાં મોકલવામાં આવે છે. અહીં ચાના શોખીનોને આ ચા ચૂલા પર ઉકાળીને પીરસવામાં આવે છે.
મહત્વની વાત એ છે કે ઠંડીના દિવસોમાં આ ચા પીવાની મઝા જ કાંઈક ઓર હોય છે. એમ કહેવાય છે કે અઠારમી સદીના અંતમાં નવાબ આસફઉદૌલાના પુત્ર વજીર અલીના વિવાહ વખતે કાશ્મીરના રસોઈયાઓને તેડાવવામાં આવ્યાં હતાં. આ કાશ્મીરી ખાનસામાઓએ કાશ્મીરી કાવાની તર્જ પર આ ચા બનાવીને મહેમાનોને 'ખવડાવી' હતી. અને આ ચાનો સ્વાદ લખનઉના લોકોની દાઢે વળગી ગયો. આ ચાનો સ્વાદ કાશ્મીરી ખાનસામાઓએ ચખાડયો હોવાથી લખનઉવાસીઓએ તેને 'કાશ્મીરી ચા' નામ આપી દીધું. જોકે પછીથી આ ચાને 'ગુલાબી ચા' નામ પણ મળ્યું.
તમને જાણીને આશ્ચર્ય થશે કે લખનઉના લોકોને આ ચાનો સ્વાદ અઢારમી સદીના અંતમાં ચાખવા મળ્યો, પણ અહીંના ચાયઘરોમાં જઈને આ ચા પીવાનો રિવાજ છેક ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ફૂલ્યોફાલ્યો. અને આમ થવા પાછળ લખનઉના લોકોનો મિજાજ કામ કરી ગયો. વાત જાણે એમ હતી કે અંગ્રેજો ૧૮૫૭નો બળવો દબાવી દઈને નિરંકુશ બની ગયા હતાં. તેમણે અહીંની સામૂહિક ચેતના પર પણ જાણે કે કબજો જમાવી લીધો. તેઓ અહીંના રીતરિવાજોને ક્ષુલ્લક ગણીને લખનઉની ક્લબો-સોસાયટીઓ પર પોતાની જીવનશૈલી ઠોકી બેસાડવા લાગ્યાં. આ શબાબ્દીના નવમા દશકમાં અંગ્રેજોએ કૃષિ અને વ્યાપારના તત્કાલીન નિર્દેશક મીર મોહમ્મદ હુસેનના માધ્યમથી એન ચોકમાં એક ચાયખાનું ચાલુ કર્યું. તેમાં સરકારી ખર્ચે આલીશાન રાચરચીલું પણ બનાવડાવ્યું. અહીં આવનારા ગ્રાહકોને ચા ઉપરાંત અન્ય પીણાં પણ સોંઘા દરે ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી. હા, અહીં મદિરાપાનની છૂટ નહોતી અપાઈ. વાસ્તવમાં અંગ્રેજો લખનઉમાં યુરોપ જેવી ક્લબો અને સોસાયટીઓની સંસ્કૃતિ ઘૂસાડવા માગતા હતા. પરંતુ લખનઉવાસીઓએ અંગ્રેજોની આ ચાલને જરાય મચક ન આપી. અહીંનો કોઈ નાગરિક આ આલીશાન ચાયઘરમાં પગ મૂકવા પણ તૈયાર નહોતો થયો. છેવટે ચાયખાનામાં પડી રહેલી ખોટ ખમવાનું અસંભવ લાગતાં મીર મોહમ્મદ હુસેને તે બંધ કરીને હૈદરાબાદની વાટ ઝાલી લીધી.
હકીકતમાં લખનઉની પ્રજા એકમેકને મળવા, ગપ્પા હાંકવા, અલકમલકની વાતો કરવા કોઈ ક્લબ, ચાયઘર કે સોસાયટીની મોહતાજ નહોતી. લખનઉના શ્રીમંતો પોતાના મહેલ જેવા ઘરમાં અવારનવાર મહેફિલોનું, મેળાવડાઓનું આયોજન કરતાં. તેઓ તેમના મહેમાનોને હુક્કો પીવડાવતાં અને ખાસ પ્રકારના પાન ખવડાવતાં. દરમિયાન ગીત-સંગીત, જોક્સ, શેર-શાયરીનો દૌર ચાલતો. જો પોતાની સંસ્કૃતિ જ આટલી મનભાવન હોય તો લખનઉની પ્રજાને અંગ્રેજોના કહેવાથી બનાવેલા ચાયઘરની શી જરૂર?
- વૈશાલી ઠક્કર