કાળઝાળ ગરમીમાં ગમે કૂલ કૂલ કુરતી .
સૂર્યદેવ આકાશમાંથી પ્રકોપ વરસાવી રહ્યાં હોય એવી કાળઝાળ ગરમીમાં નોકરી-વ્યવસાય કે અન્ય કામ માટે ઘરથી બહાર નીકળતાં લોકો શરીરને વત્તાઓછા અંશે પણ ટાઢક આપે એવા વસ્ત્રો પહેરવાનું પસંદ કરે તે સ્વાભાવિક છે. પરંતુ ઑફિસમાં જતી વખતે સાવ સાદાં કપડાં પહેરવાનું કોઈને ન ગમે. અને ઝાઝી ફેશન કરવા જતાં ગરમી સતાવે. આવામાં કરવું શું? આના જવાબમાં ફેશન ડિઝાઈનરો કહે છે કે ગ્રીષ્મ ઋતુમાં વિવિધ પ્રકારના કુરતા-કુરતી ગરમીને મ્હાત આપવા સાથે તમને ફેશનેબલ પણ બનાવે છે. આજે આપણે વિવિધ પ્રકારની કુરતીઓ વિશે જાણીશું.
સ્ટ્રેટ કુરતી :
સ્ટ્રેટ કુરતી પાતળીથી લઈને સ્થૂળકાય માનુની સુધી, દરેક પ્રકારનો બાંધો ધરાવતી પામેલાઓને શોભે છે. આવી કુરતી પેન્ટ, ડેનિમ, પ્લાઝો, સલવાર પર પહેરી શકાય છે. તમે તમારી પસંદગીના રંગ-ડિઝાઈનની કુરતી પહેરી શકો છો.
રેયૉન કુરતા :
ગરમીની મોસમમાં રેયૉન મટિરિયલ એકદમ કમ્ફર્ટેબલ લાગે છે. આ ફેબ્રિક અત્યંત આકર્ષક પણ લાગે છે. વિવિધ રંગ-ડિઝાઈનમાં મળી રહેતાં રેયૉનના કુરતા સ્ટ્રેટ પેન્ટ તેમ જ ડેનિમ પર સુંદર લાગે છે.
સિંપલ પ્લાઝો સેટ :
પરસેવાથી રેબઝેબ થવાની સીઝનમાં સાદા વસ્ત્રો આરામદાયક રહે. ઑફિસમાં પહેરવા માટે સાદી કુરતી અને પ્લાઝો એકદમ કમ્ફર્ટેબલ લાગે છે. જે તે રમણી પોતાની પસંદગીના કલર-ડિઝાઈનનો પ્લાઝો સેટ બનાવી શકે.
કૉટન કુરતી :
ગરમીમાં સુતરાઉ વસ્ત્રો સૌથી વધુ આરામદાયક લાગે છે. તમે વિવિધ પ્રકારની કૉટન કુરતીઓ ખરીદીને પેન્ટ, ડેનિમ, લેગિંગ કે સલવાર સાથે પહેરી શકો છો.
બાંધણી અને લહેરિયા પ્રિન્ટ :
પરંપરાગત ડિઝાઈનમાં બાંધણી અને લહેરિયા કુરતી માનુનીઓમાં ઑલ ટાઈમ ફેવરિટ રહી છે. મહત્વની વાત એ છે કે બંને પ્રિન્ટ અનેકવિધ રંગોમાં મળે છે. બેઉ પ્રકારની શોર્ટ તેમ જ લોંગ કુરતી લેગિંગથી લઈને જીન્સ અને સલવાર સાથે પહેરી શકાય છે. અત્યંત આરામદાયક અને આકર્ષક દેખાતી બાંધણી અને લહેરિયા પ્રિન્ટની કુરતી પર ગળામાં, દામનમાં તેમ જ બાંયમાં આરી વર્ક, મિરર વર્ક કે અન્ય કોઈ દેશી ભરતકામ કરેલી બેથી ત્રણ ઇંચ પહોળી બોર્ડર મૂકાવવામાં આવે તો તેનું આકર્ષણ અનેકગણું વધી જાય છે.
- જયના