તલોદ શહેરમાં જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાની માંગણી ઉઠી
- ચોરી, લૂંટ, ચેઇન સ્કેનિંગ જેવા ગુના ઉકેલવા પણ સીસીટીવી જરૂરી
- કરોડો રૂપિયાની ગ્રાન્ટાની ફાળવણી પણ સીસીટીવી કેમેરા લગાવવા તંત્રની ઉદાસીનતા
તલોદ તા.. 4 જૂન, 2020, ગુરૂવાર
તલોદને ચારે બાજુથી
સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરી દેવું જોઈએ તેવી લોકોમાં માંગ બુલંદ બની છે.
શહેરના તમામ ચાર રસ્તા, બજારનો
મુખ્ય માર્ગ અને સોસાયટી વિસ્તારના માર્ગો પણ 'નાઇટ વિઝન
એચ.ડી. સી.સી.ટી.વી. કેમેરા'થી સજ્જ કરી દેવાનો સમય હવે પાકી
ગયો છે.
તલોદ નગરપાલિકામાં
સરકારની કરોડો રૃપિયાની ગ્રાન્ટ આવે છે તેમ છતાં, તલોદ નગરપાલિકા દ્વારા નગરને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ
કરીને સલામતી અને સુરક્ષા આજ દિન સુધી તો બક્ષવામાં આવી નથી.અહીં સમયાંતરે શાસકો
બદલાતા રહ્યા છે. પરંતુ, કોઈએ દીર્ઘદ્રષ્ટિપૂર્વક તલોદ નગરને
સી.સી.ટી.વી. કેમેરાની 'તીસરી આંખ' થી
સુરક્ષા પૂરી પાડવાની તસ્દી સુધ્ધા લીધી
નથી.
સાબરકાંઠા જિલ્લાનું તલોદનુ બજાર તાલુકાના નાના -મોટા મળી સો જેટલા ગામથી
સંકળાયેલું છે. નગરમાં ભાવિક પ્રજાની આસ્થાના કેન્દ્ર સમા અનેક પ્રચલિત દેવ મંદિરો
તથા જયુ. ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટથી માંડીને શાળા-કોલેજો, ઉત્તર
ગુજરાતના અગ્રિમ હરોળમાં સ્થાન પામેલું માર્કેટ યાર્ડ, સંખ્યાબંધ
સરકારી અને રાષ્ટ્રીયકૃત બેંકો, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તથા અન્ય નાની-મોટી
કચેરીઓ અને સંસ્થાઓ આવેલી છે. દિવસભર બજારમાં હજારો વ્યક્તિઓ અને વાહનોની આવન- જાવન
થતી રહે છે. દિનપ્રતિદિન સમય ગંભીર સ્થિતિમાં સરકી જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
નાણાં કમાવવા માટે ઘરફોડીયા તસ્કરો, ચેઇન સ્નેચરો, ગઠીયાઓ, ચાલ- બાજો અને તેવા અનેક સામાજિક તત્વો 'શોર્ટ કટ' શોધી રહ્યા છે.
જે અન્વયે તલોદના
બજારમાં રાહદારી મહિલાઓેના ગળામાંથી સોનાના દોરા આંચકી તોડી લઈ જવાના, તેમજ બેંકના કાઉન્ટર ઉપરથી દિન દહાડે બેંક
કર્મચારીઓ અને ગ્રાહકોની હાજરીમાં જ ગઠિયાઓ લાખોની રોકડ રકમ ઉઠાવી લઈ ફરાર થઇ જવાના, બેંકમાંથી રૂપિયા
લઈને નીકળતા ગ્રાહકોના રૂપિયા ભરેલા થેલા
આંચકી લઈ જવાના અને દુકાનોના શટર તોડી તથા રહેઠાણના મકાનોના તાળા-નકુચા અને
દરવાજા તોડી ઘરફોડ ચોરીઓ કરી જવાના પણ
અનેકાનેક બનાવો ભૂતકાળમાં બન્યા છે. પોલીસ તપાસને અંતે મોટેભાગે તેનું કોઈ યોગ્ય
પરિણામ આવ્યું હોવાનું જાણવા મળેલ નથી.
ત્યારે નગરમાં ઠેરઠેર
સી.સી.ટી.વી. કેમેરા લાગેલા હોય તો, પોલીસને પણ તે તપાસમાં અત્યંત મદદરૂપ થઈ શકે તેમ છે. કોરોના વાયરસની મહામારીને કારણે આથક સંકળામણ
મોટાભાગના લોકો અનુભવી રહ્યા છે. અસહ્ય નાણાભીડ તથા સંભવિત બેકારીને કારણે
રોજીરોટીની સમસ્યા કેટલાક અંશે વધશે તેમ મનાય છે. જેથી કરીને 'આગામી દિવસમાં ક્રાઇમ રેટ વધશે '... તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.
સરકારી ગ્રાન્ટમાંથી કે લોક ભાગીદારી થકી પણ
તલોદ નગર વિસ્તારમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા માટેની આમ પ્રજાની આ લાગણી અને
માંગણી પ્રતિ સાબરકાંઠા જિલ્લા કલેકટર પણ યોગ્ય આદેશ કે સૂચન કરે તે સમયની માંગ
છે.