Get The App

અરવલ્લી જિલ્લામાં પાંચ વર્ષમાં એક લાખ પશુઓની સંખ્યા વધી

- ખેતીનો વ્યવસાય તૂટતાં પશુપાલન વ્યવસાય ઉપર નિર્ભર

- જિલ્લાના છ તાલુકામાં 8.09 લાખ પશુઓ નોંધાયા : જિલ્લામાં સૌથી વધુ 4.25 લાખ ગાય : બાયડ તાલુકામાં સૌથી વધુ ગાય

Updated: Oct 29th, 2021


Google NewsGoogle News
અરવલ્લી જિલ્લામાં પાંચ વર્ષમાં એક લાખ પશુઓની સંખ્યા વધી 1 - image

હિંમતનગર, તા.28

અરવલ્લી જિલ્લામાં મોટા ઉદ્યોગોનો વિકાસ થઈ શક્યો નથી. પિયતનો ઓછો લાભ, મોંઘવારી વધી જેના કારણે ખેડૂત પરિવારો વધુ ગરીબ બનતાં જમીનો વેચાઈ રહી છે. એકંદરે જિલ્લામાં ખેતીનો વ્યવસાય સતત તૂટતાં પશુપાલન વ્યવસાયનો વ્યાપ વધ્યો છે.

અરવલ્લી જિલ્લામાં પાછલા પ વર્ષમાં ૧ લાખથી વધુ પશુઓની સંખ્યામાં વધારો થયો છે. ગામડે ગામડે ડેરીના માધ્યમથી સવાર-સાંજ દૂધ સ્વીકારવામાં આવે છે જેના કારણે પશુપાલકોની આર્થિક સ્થિતિમાં સુધારો આવ્યા પછી અનેક લોકો પશુપાલન તરફ આકર્ષાયા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. જિલ્લાના બાયડ તાલુકામાં સૌથી વધુ ગાય ૯૭,૮૧પ જ્યારે ભિલોડા તાલુકામાં સૌથી વધુ ભેંસ ૮પ,ર૩પ નોંધાઈ છે.

જિલ્લાની સહકારી સંસ્થા સાબરડેરી દ્વારા દૂધ ઉત્પાદનમાં વધારો કરવાના આશયે પશુપાલકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અગાઉ ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ ભરાવવું હોય તો પશુપાલકોને ર થી પ કી.મી. દૂરના સ્થળે જવું પડતું હતું પરંતુ મોટાભાગના ગામડાઓમાં સહકારીતાના ધોરણે ડેરીઓ શરૃ કરવામાં આવતાં પશુપાલકોને  રાહત થઈ છે. જેનો સીધો ફાયદો હવે પશુપાલન ઉપર  જોવા મળી રહ્યો છે.

જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા વર્ષ-ર૦૧ર-૧૩ અને ર૦૧૯-ર૦ દરમ્યાન જિલ્લાના બાયડ, મોડાસા, ધનસુરા, માલપુર, મેઘરજ અને ભિલોડા સહિતના તાલુકાઓમાં પશુઓની વસતી ગણતરી હાથ ધરવામાં આવી હતી. દર પ વર્ષે થતી પશુઓની વસતી ગણતરીના આંકડાઓ ઉપર નજર કરવામાં આવે તો પ વર્ષ દરમિયાન તાલુકાઓમાં ૧,૦ર,૯ર૬ પશુઓની સંખ્યા વધી છે. જેમાં ટ્રાયબલ વિસ્તાર ગણાતા મેઘરજ, માલપુર તાલુકામાં પણ પીવાના પાણી તેમજ ઘાસચારાની પર્યાપ્ત સુવિધા મળી રહેતાં પશુપાલન વ્યવસાય ગત વર્ષની સરખામણીએ આગળ વધી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ગાય તેમજ ભેંસની સંખ્યામાં થોડી વધ-ઘટ જોવા મળી પરંતુ એકંદરે  તમામ તાલુકાઓમાં પશુપાલનના વ્યવસાયમાં સુધારો જણાઈ રહ્યો છે.

મોડાસા તાલુકામાં ગાય-ભેંસ, બાયડ તાલુકામાં ગાયની સંખ્યા ઘટી

જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે થતી મૂંગા પશુઓની ગણતરીના આંકડા ઉપર નજર કરીએ તો મોડાસા તાલુકામાં ગાય અને ભેંસની સંખ્યા ઘટી છે. જ્યારે બાયડ તાલુકામાં ગાયની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માલપુરમાં બકરાંની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

જિલ્લામાં ૪.રપ લાખ ગાય

વસતી ગણતરીના જાહેર થયેલા આંકડા પ્રમાણે પ્રજા ભલે એમ સમજતી હોય કે અમે ભેંસના દૂધનો ઉપયોગ કરીએ છીએ પરંતુ આંકડા કહે છે કે બહુમત ઘરમાં ગાયના દૂધનું સેવન થઈ રહ્યું છે. જિલ્લાના ૬ તાલુકામાં ૪,રપ,૦૩ર ગાય અને ૩,૮૪,૮૦૮ ભેંસની સંખ્યા નોંધાઈ છે.


Google NewsGoogle News