જિલ્લાની શાળાઓમાં આજે નેશનલ એચીવમેન્ટ સરવેની પરીક્ષા યોજાશે
- વિદ્યાર્થીઓની પાંખી હાજરી માથાના દુખાવારૂપ
- દિવાળી વેકેશન વચ્ચે વધુ વિદ્યાર્થીઓ હાજર રાખવાનું આચાર્ય-સંચાલકો ઉપર માનસિક દબાણ
હિંમતનગર,
તા.11
શાળાઓના શૈક્ષણિક કાર્યોની ગુણવત્તા, વિદ્યાર્થીઓનું કૌશલ્ય
અને વિભાગ દ્વારા નિયમિત સૂચનાઓ આપી કરવામાં આવતી પ્રવૃત્તિઓ અને તેમાં થયેલી પ્રગતિ
સહિતની વિગતો મેળવવા માટે નેશનલ એચીવમેન્ટ સરવેના ભાગરૂપે પાછલા ર દિવસથી જિલ્લાની
૩૮૭ શાળાઓમાં શિક્ષણ કાર્ય શરુ થયું છે.
આજે શુક્રવારે એન.એ.એસ.ની પરીક્ષા યોજાશે પરંતુ દિવાળી વેકેશનના કારણે અગાઉના બે દિવસ વિદ્યાર્થીઓની પાંખી હાજરી માથાના દુખાવારૂપ બની છે. વેકેશન સમયે સરવેના આયોજન સમયે પણ આચાર્યાે, શિક્ષકોમાં પણ અંદરખાને નારાજગી પ્રવર્તિ રહી છે.
દિવાળી વેકેશનના મધ્યાંતરમાં ધો.પ, ૭, ૮ અને ૧૦ના વર્ગો
શિક્ષણ કાર્ય માટે ખોલવા અને તેમાં તમામ આચાર્ય, શિક્ષકો,
વહીવટી સ્ટાફ અને વિદ્યાર્થીઓને હાજર રહેવાની સૂચના રાજ્યના શિક્ષણ ઈતિહાસમાં પ્રથમવાર
આપવામાં આવી છે. તા.૧ નવેમ્બરથી દિવાળી વેકેશન શરૂ થયું છે અને જે શાળાઓ નેશનલ એચીવમેન્ટ સરવે માટે પસંદ
કરવામાં આવી છે તે શાળાઓ તા.૧૦,
૧૧, ૧ર નવેમ્બરના
રોજ ખોલવા માટેના આદેશ થયા છે.
સાબરકાંઠા,
અરવલ્લી જિલ્લાના ૧૪ તાલુકાની કુલ-૩૮૭ શાળાઓની માપદંડના આધારે પસંદગી કરવામાં આવી
હતી પરંતુ મોટાભાગની શાળાઓમાં સરેરાશ ૬૦ થી ૬પ ટકા વિદ્યાર્થીઓની હાજરીથી એન.એ.એસ.
સર્વેના સાચા પરિણામો જાણી શકાશે કે કેમ. તેના ઉપર ચર્ચાઓ શરૂ થઈ છે.
વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાના કારણે આચાર્યો અને વર્ગ શિક્ષકો
વધુ વિદ્યાર્થીઓ શાળામાં આવે તે માટેના પ્રયાસમાં લાગ્યા છે. આજે તા.૧ર નવેમ્બરે સવારે
૯-૩૦ કલાકથી પરીક્ષા યોજાવવાની છે તેમાં કેટલા વિદ્યાર્થીઓ હાજર રહેશે તેના ઉપર જિલ્લાના
શિક્ષણ અધિકારીઓની નજર ટેકવાઈ છે.