ગલોડીયામાં જમીન પચાવી પાડવાના ઈરાદે ટોળાએ ઘઉંનું વાવેતર ખેડી નાખ્યું
- ખેડૂતને રૂપિયા 50 હજારનું નુક્સાન
- જમીનમાં પ્રવેશવાનો મનાઈ હુકમ છતાં ખેતરમાં રાત્રે પ્રવેશી વાવેતર ખેદાન મેદાન કરતા ફરિયાદ
હિંમતનગર,
તા.17
ખેડબ્રહ્મા તાલુકાના ગલોડીયાની સીમમાં ખાતા નંબર-૬પ૩, ૪પ૭ સર્વે નંબર વાળી
જમીનમાં ટોળાએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ખેડૂતે વાવેતર કરેલા ઘઉંના વાવેતરને ઉખેડી
નાખતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. ટોળા દ્વારા રાત્રિના સમયે ખેતરને ખેદાન મેદાન
કરવામાં આવતાં ખેડૂતને રુ પ૦ હજારનું નુક્સાન થયું છે. આ બનાવ અંગે ખેડબ્રહ્મા પોલીસે
રાયોટીંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
તાલુકાના ગલોડીયા ગામના ખેડૂત જીગર વિનોદભાઈ પટેલની ગામની સીમમાં
ખેતીની જમીન આવેલી છે જેમાં શિયાળુ સીઝનમાં તેમને ઘઉંનું વાવેતર કર્યું હતું દરમિયાન
તા.૧૦ની રાત્રે કચરાભાઈ જેઠાભાઈ ચેનવા અને અન્ય ઈસમોના ટોળાએ ખેડૂતની જમીન પચાવી પાડવાના
ઈરાદે ખેતરમાં પ્રવેશી વાવેતર ઉખેડી નાખ્યું હતું. ખેડૂતની માલિકીની જમીનમાં ગેરકાયદેસર
પ્રવેશ કરી ટોળાએ આ જમીનમાં પ્રવેશવા બાબતે કોર્ટે ફરમાવેલા હુકમનો ભંગ કરી ખેડૂતને
એટ્રોસીટીના ખોટા કેસમાં ભરાવી દેવાની,
જાનથી મારવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ થઈ છે.
આ બનાવ અંગે જીગર વિનોદભાઈ પટેલની ફરિયાદના આધારે ખેડબ્રહ્મા
પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.