Get The App

જિલ્લામાં છેલ્લા ત્રણ સપ્તાહથી નવા ચૂંટણીકાર્ડ આપવાની કામગીરી ખોરંભે

- ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે

- સોફ્ટવેરમાં ખામી છતાં દૂર થતી નથી અરજદારોને કચેરીના થતાં ધરમધક્કા

Updated: Nov 18th, 2021


Google News
Google News
જિલ્લામાં છેલ્લા ત્રણ સપ્તાહથી નવા ચૂંટણીકાર્ડ આપવાની કામગીરી ખોરંભે 1 - image

હિંમતનગર, તા.17

રાજ્યમાં મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ સપ્તાહથી નવા ચૂંટણીકાર્ડ આપવાની કામગીરી ખોરંભે પડતાં અનેક અરજદારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. સોફ્ટવેરમાં ખામી છતાં દૂર કરવામાં લાંબો સમય પસાર થતાં ડીઝીટલ ઈન્ડિયાની વાતો ફારસરૂપ સાબિત થઈ રહી છે.

રાજ્યમાં મુદત પૂર્ણ કરતી ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગેનું જાહેરનામું ક્યારે બહાર પડશે તેની ચાતક નજરે રાહ જોવાય છે. જિલ્લાના ૧૪ તાલુકાઓમાં આવતી ૭ વિધાનસભા બેઠકો ઉપર મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે. રવિવારે પણ કામગીરી ચાલુ હતી. તા.૧-૧-ર૦રર ના રોજ ૧૮ વર્ષ પૂરા થતા હોય તેવા લાયકાત ધરાવતા તમામ યુવાનોને મતદાનનો અધિકાર મળવાનો છે. પરંતુ બહાર આવેલી વિગતો અનુસાર જિલ્લાના ૧૪ તાલુકાઓમાં જુનું ચૂંટણીકાર્ડ જમા લઈ નવું ચૂંટણીકાર્ડ આપવાની કામગીરી છેલ્લા ત્રણ સપ્તાહથી ખોરંભે પડી છે. જુના ચૂંટણીકાર્ડના બદલામાં નવું ચૂંટણીકાર્ડ લેવા માટે આવતા અરજદારો પણ વારંવારના ધક્કા ખાઈ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

બાયડ, ધનસુરા, માલપુર, મોડાસા, તલોદ, પ્રાંતિજ, મેઘરજ, ભિલોડા, હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાની મામલતદાર કચેરીમાં સર્વર ઠપ્પ રહેતાં અરજદારો આક્રોશ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે કામગીરી કરતા ઓપરેટરો પણ લાંબા સમયથી સર્વર ખોટકાયું હોવાથી વિભાગની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે.

બાયડ મામલતદાર કચેરીનો સંપર્ક કરતાં જણાવ્યું કે જુનું ચૂંટણીકાર્ડ જમા કરાવી એટલે કે નવા એપીક કાર્ડ આપવાની કામગીરી છેલ્લા ૧પ-ર૦ દિવસથી બંધ છે. સોફ્ટવેરમાં ખામી સર્જાઈ હોવાથી હાલ કામગીરી બંધ હોવાનું જણાવ્યું છે.

Tags :
sabarkantha-district

Google News
Google News