પિયરમાં પત્નીને તેડવા ગયેલા પતિએ વિધવા સાસુને ચપ્પુના ધા ઝીંકી હત્યા કરી

- વિજયનગરના જસવંતપુરા ગામે

- સાસુએ કહ્યું આજની રાત રહેવા દો કાલે સવારે દીકરીને તેડી જજો કહેતા ઉશ્કેરાઇ જઇ જમાઈએ સાસુનું ઢીમ ઢાળી દીધું

Updated: Nov 12th, 2021


Google NewsGoogle News
પિયરમાં પત્નીને તેડવા ગયેલા પતિએ વિધવા સાસુને ચપ્પુના ધા ઝીંકી હત્યા કરી 1 - image

વિજયનગર, તા.11

વિજયનગર તાલુકાના જસવંતપુરા ગામે ૬૦ વર્ષીય વિધવા વૃદ્ધાની તેણીના જ જમાઈ દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ઘટના આજે વિજયનગર પોલીસ મથકે નોંધાતા પોલીસે ઘટના સ્થળે જઈને બનાવની વધુ તપાસ હાથ ધરી છે. દિવાળી પછી ભાઇબીજના તહેવાર ઉપર માતાને મળવા પિયરમાં ગયેલી પત્નીીને તેડવા ગતરોજ સાસરીમાં  ગયેલા પતિએ  એકાએક ઉશ્કેરાઈ જઈને વિધવા સાસુના પેટમાં ચપ્પુના ઘા ઝીકી દઈ તેણીનું  ઢીમ ઢાળી દીધું હતું.

 તાલુકાના નાલશેરી ગામે સાસરી ધરાવતી મૃતક વિધવા વૃદ્ધાની દીકરી ઊમલાબેનએ નોંધાવેલ ફરિયાદ મુજબ પોતે પોતાનાં બે સંતાનો સાથે પોતાની માતાને મળવા ગઈ તા.૭.૧૧.૨૦૨૧ના રોજ  ભાઇબીજના દિવસે પિયરમાં જસવંતપુરા ગામે આવી હતી.દરમિયાન ત્રણ દિવસ પછી ઊમલાનો પતિ મુકેશભાઈ લક્ષ્મણભાઈ બારા તેણીને તેડવા સાસરી જસવંતપુરા ગામે તા.૧૦.૧૧.૨૦૨૧ના રોજ રાતનાં આઠેક વાગ્યાના સુમારે આવ્યો હતો. અને કહેવા લાગેલ કે કેમ ત્રણ દિવસથી તું  અહીં છે?તું ઘરે કેમ આવી નથી.? તેમ કહેતા સાસુ શાંતાબેને જમાઈને કહ્યું કે મેં એને આ તહેવારને લઈ અહીં રોકી છે.તે સવારે આવી જશે આટલું કહેતા જમાઈ મુકેશ એકદમ ઉશ્કરાઇ ગયો હતો અને બીભત્સ ગાળો બોલતા સાસુએ આવી ગાળો ના બોલવા કહેતા જમાઈએ પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી ઉપરાછાપરી ચપ્પુના ઘા  સાસુના પેટમાં ઝીંકી દેતા આ વૃદ્ધા તમમર ખાઈને લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડતાં આરોપી જમાઈ મુકેશ ત્યાંથી ચપ્પુ સાથે ભાગી છૂટયો હતો.

આ ઘટના દરમિયાન દીકરીએ બુમાબુમ કરતા એના પિયરના માણસો દોડી આવ્યા હતા અને  આ વૃદ્ધાને સારવાર માટે  ૧૦૮ ઇમરજન્સી સેવામ ચોરીવાડ સરકારી દવાખાને લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ તેણીનું મોત નીપજ્યું હતું.છતાં ચોરીવાડ લઈ જતા ફરજ ઉપરના તબીબે આ વૃદ્ધાને મૃત જાહેર કરી હતી.

દીકરી ઊમલાએ આજે  વિજયનગર પો.મથકે આ અંગે નોંધેવેલ ફરિયાદ અન્વયે પોલીસે ઊમલાના પતિ અને મૃતક વૃદ્ધાના જમાઈ મુકેશભાઈ લક્ષ્મણભાઈ બારા(રહે.નાલશેરી,તા.વિજયનગર)વિરુદ્ધ  હથિયાર બંધી જાહેરનામું ભંગના ગુના નોંધી વિજયનગરના પો. સ.ઇ.લલિતસિંહ રાણાએ આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.


Google NewsGoogle News