ધારાસભ્ય બને એટલે વૈભવની છોળો ઉડે એ જરૂરી નથી, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- 1967થી 1971 દરમ્યાન લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ રાઠોડ બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે
- ઝૂંપડા જેવા ઘરમાં રહેતા જેઠાભાઈને કોઈ સરકારી સહાય કે પેન્શન પણ નથી મળતા
અમદાવાદ, તા. 22 મે 2022, રવિવાર
નેતાને અને ગરીબીને કોઈ સંબંધ હોઈ ન શકે કારણ કે માણસ એકવાર ચૂંટાય પછી એક ટર્મમાં જ કરોડપતિ થઈ જાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે વિધાનસભાની, એકવાર ચૂંટાયા પછી રૂપિયા રળવાનું જાણે લાઈસન્સ મળી જાય છે. આપણા ગુજરાતનો રાજકીય ઈતિહાસ પણ આવા જ નેતાઓની હકીકત દર્શાવે છે છતાં આશ્ચર્ય અને આઘાત પમાડે તેવી એક હકીકત એ પણ છે કે, આપણે ત્યાં આજે પણ એક ધારાસભ્ય એવા છે જે બીપીએલ કાર્ડ ધરાવે છે અને ગરીબીમાં જીવન ગુજારી રહ્યા છે.
ખેડબ્રહ્મા-વિજયનગર બેઠક પરથી સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે કોંગ્રેસના ઉમેદવારને 17,000થી વધુ મતોથી હરાવેલા હતા.
આ વાતની ખાતરી કરવી હોય તો વિજયનગર તાલુકાના ટેબડા ગામમાં રહેતા જેઠાભાઈ રાઠોડના ઘેર જવું પડે. જી હા, આ એ જ જેઠાભાઈ છે જે ખેડબ્રહ્મા-વિજયનગર બેઠક પરથી સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે કોંગ્રેસના ઉમેદવારને 17,000 કરતાં વધુ મતોથી હરાવી ધારાસભ્ય બન્યા હતા ને 1967થી 1971 સુધી એ પદ ભોગવ્યું હતુ.
સ્વભાવે સેવાભાવી જેઠાભાઈએ પોતાના મત વિસ્તારમાં લોકો માટે ખૂબ કામ કરેલું. ખાસ કરીને રસ્તા અને તળાવોનાં ખૂબ કામો કરાવેલા. એ જમાનામાં પોતે સાયકલ પર ગામેગામ જતા અને લોકોના પ્રશ્નો જાણતા. સચિવાલય જવું હોય તો એસ.ટી. બસમાં મુસાફરી કરતા.
કમનસીબે એ પછી કરમની કઠણાઈ કહો કે દુર્ભાગ્ય, જમાનો બદલાતો ગયો જેના કારણે નેતાઓ અને મતદારો એમને ભૂલવા લાગ્યા. એમણે કરેલી લોકસેવાનું ફળ એમને મળ્યું નહીં. પાંચ-પાંચ દિકરા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા જેઠાભાઈને બીપીએલ લાભાર્થી તરીકે જીવવાનો વારો આવ્યો.
પાંચ વર્ષની ટર્મ દરમ્યાન એમણે હરામનો એક રૂપિયો પણ ભેગો ન કર્યો. નીતિ અને સિદ્ધાંતો પર જ જીવ્યા. વારસામાં મળેલું ઝૂંપડા જેવું ઘર અને બીપીએલ કાર્ડ જ એમનો આખરી આધાર બની રહ્યા. પાંચ દિકરા આજે પણ મજુરી કરે છે ને બધા ભેગા મળીને દિવસો વિતાવે છે. 80 વર્ષની વય વટાવી ચુકેલા ધારાસભ્યને પ્રમાણિક્તા પર જીવવાનો એમને સમાજે કેવો બદલો આપ્યો છે! આજદિન સુધી કોઈ સરકારે એમને સહાય નથી કરી કે નથી એમને પેન્શન મળે એવી કોઈ વ્યવસ્થા કરી! લોકોનાં આંસુ લુછનારા આવા ધારાસભ્યનાં આંસુ લુછવાની કોઈને પડી નથી. મોટાભાગના રાજકારણીઓને તો ખબર પણ નહીં હોય કે આવો એક ગરીબ ધારાસભ્ય ગુજરાતમાં જીવે છે.