હિંમતનગરમાં દિવાળી પહેલાના દિવસોમાં બજારોમાં ખરીદી માટે લોકોનો ઘસારો
- કોરોના કાળની મંદી અને મોંઘવારી વચ્ચે
- ફટાકડા, બુટ-ચંપલ, રેડીમેડ કપડા,સહિતની વસ્તુના ભાવ વધતા એક દુકાનેથી બીજી દુકાને ખરીદી માટે લોકોની દોડધામ
હિંમતનગર તા. 1
સરકારી કર્મચારીઓને પગાર એરીયર્સ તથા વર્ગ-૪ના કર્મચારીઓને બોનસ
મળતા લોકો ખરીદી કરવા માટે ઉમટયા હતા. હિંમતનગર શહેરના ટાવર ચોક, ગાંધી રોડ, જુના બજાર, ખાડીયા, ન્યાય મંદિર, મહાવીર નગર, બસ સ્ટેશન રોડ વિસ્તારમાં
રોડ ઉપર ઠેર ઠેર મોટી સંખ્યામાં લારીઓ તથા સ્ટોલ ઉભા કરી ફટાકડા, બુટ-ચંપલ, રેડીમેડ કપડા, ગૃહ સજાવટના સાધનો, રંગોલી પુરવાના રંગો
તેમજ વિવિધ પ્રકારના ફરસાણ મીઠાઈઓની દુકાનોમાં સોમવારના દિવસે ખરીદી માટે લોકો ઉમટયા
હતા. જો કે દરેક ચીજવસ્તુઓના ભાવમાં ૧૦ થી ૨૦ ટકા સુધીનો વધારો હોવા છતાં લોકો દ્વારા
ખરીદી કરાઈ રહી છે.
અંધાર ઉપર ઉજાસના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હિંમતનગર સહિત જીલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારના બજારોમાં ખરીદી જામી છે. જો કે પ્રત્યેક ચીજવસ્તુઓના ભાવમાં આંશિક વધારો હોવા છતાં રહીશો ગૃહિણીઓ દ્વારા વસ્ત્રો, પગરખાં, મીઠાઈ-ફરસાણ, ફટાકડા, ખાદ્ય તેમજ ગૃહ સુશોભનની ચીજવસ્તુઓની ખરીદી જામી રહી છે. જો કે આવતી કાલથી ખરીદીમાં વધુ વેગ મળશે તેવો આશાવાદ વેપારીઓ વ્યકત કરી રહ્યા છે.
સાબરકાંઠા જીલ્લામાં દિવાળી પર્વની હાર માળાને લઈને સર્વત્ર
ધાર્મિકતાઓનોે માહોલ જામ્યો છે ત્યારે જીલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારના બજારોમાં
છેલ્લા બે દિવસથી ગ્રાહકોની ભીડ વર્તાઈ રહી છે.
જેમાં વસ્ત્રો, પગરખાંની દુકાનો, મીઠાઈ-ફરસાણ, બિસ્કીટ, જુદા જુદા પ્રકારના નાસ્તાની
દુકાનો, દારૃખાના, માટીના પાત્રો, કોડીયા-દિવા, લાઈટીંગ સીરીઝ માટે ઈલેકટ્રોનીક દુકાનો તેમજ ગૃહ સુશોભનની
ખરીદી માટે બજારોમાં ઘસારો વર્તાઈ રહ્યો છે. જો કે ગત વર્ષે કોરોના મહામારીના કારણે
દિવાળી પર્વની ઉજવણીમાં ઓછો ઉત્સાહ વર્તાયો હતો. જયારે ચાલુ વર્ષે કોરોના મહામારીની
અસર ઘટતા સરકારી તંત્ર દ્વારા છુટછાટો આપવામાં આવતા રહીશોનો ઉત્સાહ ખરીદીમાં જોવા મળી
રહ્યો છે.