તલોદ શહેરમાં તા. 26 નવેમ્બરથી ચાર દિવસ બજારો બંધ રાખવા પાલિકાની તાકીદ
- કોરોનાનું સંક્રમણ નાથવા પ્રયાસો
- માર્કેટ યાર્ડ પણ બંધ રાખવા તૈયારી દર્શાવી પાલિકા અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ
તલોદ, તા. 23 નવેમ્બર,
2020, સોમવાર
તલોદ પંથકમાં જીવલેણ
બનીને ફેલાઈ રહેલા કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા તલોદ નગરપાલિકા એક્શન મૉડમાં
આવી છે. આજે મોડી સાંજે પાલિકાએ તલોદ વિસ્તારના તમામ વેપારી એસોસીએશનોને પત્ર
પાઠવીને તા. ૨૬થી ચાર દિવસ ધંધા- રોજગાર બંધ રાખીને સહકાર આપી, કરોનાથી નગર અને તાલુકાના પ્રજાજનોને
બચાવવા સંદર્ભની અપીલ કરી છે.
તલોદમાં વ્યાપકપણે
ફાલેલા કોરોના વાયરસે રોકેટ ગતિએ ફેલાઈ રહ્યો છે. આ પ્રવર્તમાન મહામારીમાંથી યોગ્ય
માર્ગ મેળવવા આજે તલોદ ન.પા.ના ચીફ ઓફિસર સંજયકુમારએ વેપારી સંગઠનોના હોદેદારોની
એક મિટિંગનું આયોજન કર્યું હતું. જો કે કેટલાક વેપારી સંગઠનોના હોદ્દેદારો આ
મિટિંમાં ઉપસ્થિત રહ્યા જ ન હતા. જે હાજર હતા તેઓએ તલોદના વેપાર- ધંધા ત્રણ ચાર
દિવસ બંધ રાખવાની વિચારસરણીને સમર્થન આપ્યું હતું.
ન.પા.ના પ્રમુખ, ઉપપ્રમુખ અને માર્કેટ સમિતિના ચેરમેન તથા
અન્ય કોર્પોરેટર્સની હાજરીમાં મળેલી આ મિટિંગમાં કોરોનામાંથી જીનજીવનને બચાવવા સતત
ધમધમતા તલોદના માર્કેટ યાર્ડને પણ ત્રણેક દિવસ બંધ રાખવાની તૈયારી યાર્ડ સમિતિના
ચેરમેન ક્લ્પેશભાઈ પટેલે દર્શાવી હતી. ચીફ ઓફિસરે માસ્ક- સોશ્યલ ડિસ્ટન્સ વગેરે
બાબતે વેપારી અને આવનાર ગ્રાહકો બાબતે પણ જાગૃતિ અનિવાર્ય હોવા પર ભાર મૂક્યો હતો.
પાલિકાએ કરેલી વિનંતી
અન્વયે તલોદ પંથકના બજારો ગુરૂ- શુક્ર- શનિ અને રવિવારે બંધ રહેશે દૂધ- દવા- જેવી
આવશ્યક ચીજોની દુકાનો રાબેતા મુજબ ચાલુ રહેશે.