બંને જિલ્લામાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 13 જળાશયોમાં પાણીનો જથ્થો ઓછો
- જિલ્લાના ડેમોમાં પાણી 610 એમસીએફટી ઓછું
- જિલ્લાના વાત્રક, માજુમ, વૈડી, ગુહાઈ, હાથમતિ સહિતના ડેમોમાં પાણીનો જથ્થો ઘટતા ઉનાળામાં વિકટ સમસ્યા સર્જાવાના એંધાણ
હિંમતનગર, તા.20
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં વીતેલા ચોમાસા પછી જિલ્લાના જળાશયોમાં
સંગ્રહિત જળજથ્થાએ ચિંતા જન્માવી છે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ૧૩ જળાશયોમાં ગયા વર્ષ
કરતાં કુલ જળ જથ્થો ૬૧૦.૦પ એમ.સી.એફ.ટી. ઓછો છે. જિલ્લાના જળાશયોમાં હાલ સંગ્રહિત પાણીના
કારણે શિયાળાના અંત સુધી પીવાના તેમજ સિંચાઈના પાણીની કોઈ મુશ્કેલી નથી પરંતુ આગામી
ઉનાળાના મધ્યાંતરમાં પાણીનું ચિત્ર ચિંતાજનક બનવાના અણસાર છે.
ચાલુ વર્ષે એકંદરે ખેતી માટે ચોમાસુ સારૂ રહ્યું પરંતુ જળાશયોમાં પાણીની સંતોષકારક થઈ ન હોવાથી શિયાળાના આરંભે અનેક જળાશયોમાંથી પાણી ઓસરવા લાગ્યાં છે. ગત અષાઢ મહિનામાં વરસાદની રહેલી ઘટ શ્રાવણ મહિના પછી પુર્ણ થઈ છતાં જળાશયો છલકાયા વગર અધુરા રહ્યા માત્ર ખેતી અને પીવાના પાણીની જરૂરીયાત સંતોષાય તેટલું પાણી સંગ્રહિત થયું છે. શિયાળાના આરંભે આ વખતે નબળા ચોમાસાના કારણે ચેકડેમ તેમજ, તળાવો માંથી પાણી ઓસરવા લાગ્યું છે. ગ્રામ્ય વિસ્તારના તળાવો તળીયાઝાટક થવા લાગ્યા છે ત્યાં હવે જિલ્લાના જળાશયોમાં સંગ્રહિત જળ જથ્થાએ ચિંતા જન્માવી છે. ગત વર્ષે ચોમાસામાં તમામ જળાશયોમાં પાણીની ભરપૂર આવક રહી હતી જેના કારણે નવેમ્બર મહિના સુધી ૧૩ જળાશયોમાં કુલ ૧ર૮૦.પ૭ એમ.સી.એફ.ટી. જળજથ્થો સંગ્રહિત હતો. તાજેતરમાં વીતેલા ચોમાસા પછી હાલની સ્થિતિએ જળાશયોમાં માત્ર ૬૭૦.પર એમ.સી.એફ.ટી. જળજથ્થો સચવાયેલો છે જેના કારણે ઉનાળાના મધ્યાંતરમાં જળાશયોના તળીયા દેખાય તેવી શક્યતા છે. જિલ્લામાં રવી સીઝનના આરંભ સાથે જળાશયોમાંથી સિંચાઈ માટે તબક્કાવાર કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યા છે પરંતુ આરક્ષિત જળજથ્થો જોતાં ઉનાળામાં સિંચાઈ અને પીવાના પાણીનું સંકટ ઘેરાઈ શકે છે. જિલ્લાના વાત્રક, માજુમ, વૈડી, ગુહાઈ, હાથમતિ, લાંક, જવાનપુરા, હરણાવ, મેશ્વો, ખેડવા, વરાંસી, ગોરઠીયા અને ધરોઈ સહિતના જળાશયોમાં ગતવર્ષની તુલનાએ આ વખતે કુલ જળજથ્થો ૬૧૦ એમ.સી.એફ.ટી. ઓછો હોવાનું ડેમસુત્રોએ જણાવ્યું છે.