અરવલ્લીમાં ગૌવંશ હત્યાની હેરાફેરીમાં પકડાયેલા આઠ વાહનો સરકાર હસ્તક
- નવા કાયદા અનુસાર વાહનો ખાલસા
- વાહન માલિકોને વારંવારની નોટિસ છતાં છોડાવવા માટે આવ્યા જ નહીં : નવા કાયદાથી ગૌવેશની હેરાફેરી પર અંકુશ આવશે
હિંમતનગર,
તા. 29
અરવલ્લી પોલીસે વિવિધ
પોલીસ સ્ટેશનની હદમાં ગૌવંશમાં પકડાયેલા ૮ જેટલા વાહનો છોડાવી જવા માટે વાહન માલિકોને
વારંવાર તાકીદ છતાં ન આવતાં સરકારના નવીન કાયદા અનુસાર આવા વાહનો ખાલસા કરી સરકાર હસ્તક
કરાતાં હલચલ મચી ગઈ છે. સરકારના નવા કાયદાથી ગેરકાયદે ગૌવંશની હેરાફેરી ઉપર અંકુશ આવી
શકશે.
જિલ્લાના મોડાસા, માલપુર અને શામળાજી
પોલીસ સ્ટેશનની હદમાં ગેરકાયદે ગૌવંશને કતલખાને ધકેલાય તે રીતે વાહનોમાં ઠસોઠસ ભરેલું
ગૌવંશ મળી આવતાં પોલીસ દ્વારા ગૌ વંશને પાંજરાપોળમાં મોકલી વાહન જપ્ત લઈ ધોરણસરની કાર્યવાહી
હાથ ધરી હતી. ગૌવંશની ગેરકાયદે હેરાફેરીમાં પકડાયેલા અનેક વાહનો છોડાવવા માટે વાહન
માલિકો આવતા ન હોવાથી પોલીસ અને ગૃહ વિભાગની મુશ્કેલી વધી હતી છેવટે ગુજરાત સરકાર દ્વારા
ગુજરાત પશુ સંરક્ષણ(સુધારો) અધિનિયમ-ર૦૧૭ તથા પશુ સંરક્ષણ (સુધારા) નિયમો (ર૦૧૭)ના
નિયમ-૪-ઈ. મુજબ ગૌ વંશમાં પકડાયેલા વાહનો ખાલસા કરવાની સત્તા નાયબ પોલીસ અધિક્ષકના
દરજ્જાના અધિકારીને સોંપવામાં આવી હતી. જે અન્વયે અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક
ભરત બસીયાએ પોતાને મળેલી સત્તાની રૃએ પ પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલા વાહનો ખાલસા
કરી સરકાર હસ્તક કરવાનો નિર્ણય કર્યો છે.