કાર અને ટેમ્પો ટકરાતાં બે સગા ભાઈ સહિત ચારનાં મોત : એક વ્યક્તિની હાલત ગંભીર

- દિવાળીના સપરમાં દિવસે ધનસુરાના રહીયોલ ગામ પાસે ગોઝારો અકસ્માત

- કપડવંજના અંતિસરનો પરિવાર રાજસ્થાનથી પરત આવતો હતો ત્યારે અકસ્માત નડયો

Updated: Nov 5th, 2021


Google NewsGoogle News
કાર અને ટેમ્પો ટકરાતાં  બે સગા ભાઈ સહિત ચારનાં મોત : એક વ્યક્તિની હાલત ગંભીર 1 - image

હિંમતનગર,મોડાસા, તા. 4

ધનસુરા તાલુકાના રહીયોલ પાટીયા નજીક દિવાળીના દિવસે સવારે ટેમ્પો અને કાર ધડાકાભેર ટકરાઈ પડતાં કારમાં બેઠેલા પ પૈકી ૪ જણનાં ગંભીર ઈજાથી મોત નિપજ્યા હતા. ૧ની હાલત વધુ ગંભીર હોવાથી મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકો કપડવંજ તાલુકાના અંતિસર ગામના હોવાનું જાણવા મળ્યું છે જેમાં મૃતકોમાં ર સગા ભાઈ હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. દુર્ઘટનાની જાણ થતાં ધનસુરા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી.

જિલ્લામાં તહેવારો સમયે માર્ગો રક્તરંજીત બની રહ્યા છે. બેફામ દોડતા વાહનો ઉપર અંકુશ ન આવતાં રોજ માનવ જીંદગીઓ માર્ગો ઉપર દમ તોડી રહી છે.

જાણવા મળ્યા મુજબ કપડવંજ તાલુકાના અંતિસરનો પટેલ પરિવાર રાજસ્થાનથી પરત વતન તરફ કારમાં આવી રહ્યો હતો ત્યારે ધનસુરા તાલુકાના રહીયોલ નજીક યમદૂત બનીને આવેલા ટેમ્પાએ કારને ટક્કર મારતાં કારનો કડૂચલો વળી ગયો અને કારમાં સવાર પ પૈકી ૪ જણનાં કમકમાટી ભર્યાં મોત નિપજ્યાં હતાં. અકસ્માત સર્જાતાં અનેક લોકો બચાવ માટે આવ્યા પરંતુ કારનો કડુચલો વળ્યો હોવાથી ક્રેઈનની મદદથી ઈજાગ્રસ્ત અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાય વર્ષોથી રહીયોલ નજીકનો માર્ગ અકસ્માત ઝોન બન્યો હોવા છતાં અકસ્માત ઝોન જાહેર કરાયો નથી જેના કારણે અનેક નિર્દોષ જીંદગીઓ મોતના મુખમાં ધકેલાઈ રહી છે. અકસ્માત સર્જી ટેમ્પા ચાલક ફરાર થઈ ગયો હતો.

ધનસુરા-મોડાસા હાઈવે માર્ગ ઉપર રહીયોલ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં વાહનોની લાંબી કતારો લાગી હતી. ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાતાં ધનસુરા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી.


Google NewsGoogle News