ઈડરમાં ખજાનો શોધવાની લ્હાયમાં ઐતિહાસિક ધરોહરનું ધનોતપનોત, રાજપૂત સમાજ લાલઘૂમ
Dowlat Villas Palace damaged by anti-social elements : ઈડરિયા ગઢ પર આવેલા ઐતિહાસિક રાજમહેલમાં કોઈ અસામાજિક તત્ત્વોએ ભારે તોડફોડ કરી લોખંડની વજનદાર ગડર ઉઠાવી ગયાનું ધ્યાને આવતાં રાજપૂત સમાજ સહિત પુરાતત્ત્વવિદોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. આ તત્ત્વોએ મહેલની જમીનમાંથી હીરા-ઝવેરાત કે કોઈ મોટો દલ્લો મળવાની આશાએ ખોદકામ કરી ભોંયતળિયાને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે. ઐતિહાસિક ધરોહરની ગરિમાને આ પ્રકારે નુકસાન પહોંચાડનાર લુખ્ખા તત્ત્વો સામે આકરી કાર્યવાહીની જિલ્લાભરમાંથી માગ ઊભી થઈ છે.
ઈડરની આન-બાન અને સાન સમા ગઢ પર આવેલો ઐતિહાસિક દોલત વિલાસ પેલેસ હંમેશાથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. પેલેસને જોવા આવતાં પ્રવાસીઓની સંખ્યા વધવાની સાથે જ અહીં અસામાજિક અને લુખ્ખા તત્ત્વોની અવરજવર પણ વધી હતી. આ તત્ત્વો ઘણીવાર એકલદોકલ પ્રવાસીઓને હેરાન-પરેશાન કરતાં હોવાની બૂમ પણ સમયાંતરે ઊભી થતી રહે છે. ચોરી-લૂંટના બનાવો પણ સામે આવ્યા હોવા છતાં તંત્રની ચૂપકિદીથી આવા તત્ત્વોની હિંમત ખુલી ગઈ છે.
આ પણ વાંચોઃ લોકલડતના શ્રીગણેશ : ઈકો સેન્સિટિવ ઝોનનો કાળો કાયદો રદ કરવા છેલ્લા શ્વાસ સુધી લડીશું
દીવાલને કાળા કોલસાથી ગંદી કરી
અગાઉ પેલેસના બારી બારણાં ચોરાતાં અને કેટલીક ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાની ગંધ રાજપૂત સમાજને આવી જતા દરવાજા બંધ કરી દેવાયા હતા. તેમ છતાં ધરોહરની ગરિમાને લાંછન લગાવનારા તત્ત્વોએ અન્ય રસ્તો શોધી કાઢી પેલેસમાં અવરજવર વધારી દીધી હતી. અહીં પેલેસની દીવાલોને પણ કાળા કોલસાથી પ્રેમલા-પ્રેમલીના ચિતરામણ થકી ગંદી કરી મૂકી છે.
ખજાનાની શોધમાં કર્યુ નુકસાન
આ દરમિયાન ફરી એકવાર કોઈ અસામાજિક અને લુખ્ખા તત્ત્વોએ પેલેસને નિશાન બનાવતાં રાજપૂત સમાજ સહિત જિલ્લાની પ્રજામાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આ તત્ત્વોએ પેલેસની છતની દીવાલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું છે. ઉપરાંત ખજાનાની શોધમાં ભોંયતળિયામાં ખોદકામ કરી તળિયાને પણ નુકસાન પહોંચાડ્યું છે. સાથે જ લોખંડની વજનદાર ગડર પણ ઉઠાવી ગયાનું ધ્યાને આવ્યું છે. ઐતિહાસિક ધરોહર સમા મહેલને નુકસાન થયાની બાબત સામે આવ્યા બાદ ક્ષત્રિય હિતકારિણી સભાના આગેવાનોએ મહેલમાં જઈ તપાસ હાથ ધરવા સાથે પોલીસ ફરિયાદ માટે પણ તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ વડોદરાની યુવતીને ગરબાનો પાસ રૂ. 1 લાખમાં પડ્યો, એડ્રેસ અપડેટ કરતાં જ દાવ થઇ ગયો
ગઢ પર અસામાજિક તત્ત્વોનો અડ્ડો : આગેવાન
ઈડરિયા ગઢ પર પોલીસ પોઇન્ટ મૂકવાની માગ સાથે રાજપૂત સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે, અહીં આખો દિવસ અસામાજિક અને લુખ્ખા તત્ત્વોની અવરજવર રહે છે. આવા તત્ત્વો એકલદોકલ પ્રવાસી કે કપલને હેરાન પરેશાન કરતા હોય છે. સાંજે છ વાગ્યા બાદ અહીં ચરસ-ગાંજો વેચનારા અને બંધાણીઓની પણ મહેફિલો જામે છે. ગઢની તળેટીમાં ખુલ્લેઆમ કોઈ રોકટોક વિના જુગાર રમવાની પ્રવૃત્તિ પણ ચાલે છે.
મહેલને મોટું નુકસાન પહોંચાડ્યું છે : ઇન્દ્રજીતસિંહ
રાજમહેલમાં ચોરી અને નુકસાનની બાબત સામે આવ્યા બાદ રાજપૂત સમાજના રણવિજયસિંહ ગોપીબાપુ, કિરીટસિંહ અને રાજુ ગુજર સહિતના આગેવાનો ગઢ પર દોડી ગયા હતા. જેમાં ઇન્દ્રજીતસિંહે જણાવ્યું હતું કે, લુખ્ખા તત્ત્વોએ મહેલની છત અને ભોંયતળિયાને મોટું નુકસાન પહોંચાડ્યું છે. વજનદાર ગડરો પણ ચોરી ગયા છે. પોલીસે સત્વરે ગઢની ગરીમાને નુકસાન પહોંચાડનારા તત્ત્વોને શોધી આકરી કાર્યવાહી કરવી જોઈએ.