Get The App

ધનસુરા તાલુકાની દેવીપૂજક વર્ગ શાળાના દરવાજા કાયમી બંધ કર્યા

- જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગનો નિર્ણય

- દેવીપૂજક વર્ગ બંધ કરવા મુદ્દે ટી.પી.ઓ. અને મુખ્ય શિક્ષકને તેડું : 32 બાળકોનું ઘરઆંગણાનું શિક્ષણ છીનવાયું

Updated: Nov 25th, 2021


Google News
Google News
ધનસુરા તાલુકાની દેવીપૂજક વર્ગ શાળાના દરવાજા કાયમી બંધ કર્યા 1 - image

હિંમતનગર, તા.25

ધનસુરાના જાલમપુરા ગામ નજીકનો દેવીપૂજક વર્ગ બંધ કરાતાં ગરીબ પરિવારના ૩ર બાળકોનું ઘરઆંગણાનું શિક્ષણ છીનવાયું છે. એસ.એમ.સી. કમિટીએ પણ આ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાયા પછી હરકતમાં આવેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ દેવીપૂજક વર્ગ અંગે રૂબરૂ સુનાવણી માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બે શાળાઓના મુખ્ય શિક્ષકોને રેકર્ડ સાથે હાજર રહેવા તેડું મોકલતાં હલચલ મચી છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના એક અધિકારીના ઈશારે કિન્નાખોરીથી વર્ગ બંધ કરાયાના આરોપ સાથે સરકાર અને શિક્ષણ મંત્રી સુધી રજૂઆત થઈ છે.

ધનસુરાના અંતરીયાળ નાંણા-જાલમપુરા વિસ્તારમાં નદી કિનારા વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ પરિવારોના બાળકોને ઘરઆંગણે શિક્ષણ મળે તે માટે દેવીપૂજક વર્ગ શાળા શરૂ કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી ગરીબ બાળકો ખુલ્લામાં બેસીને અભ્યાસ કરતા હોવાના અહેવાલ પછી હરકતમાં આવેલા તંત્રએ પોતાની ભૂલનો સ્વીકાર કરવાના બદલે તાબડતોબ વર્ગ બંધ કરી નજીકની શાળામાં મર્જ કરવા આદેશ કર્યો હતો. જ્યારે ચાલીને પણ અન્ય શાળામાં ન જઈ શકાય તેવી ભૌગોલિક સ્થિતિને નજરઅંદાજ કરી દેવીપૂજક વર્ગ બંધ કરવાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના એક તરફી નિર્ણય સામે એસ.એમ.સી. કમીટીએ બાંયો ચઢાવી છે અને આ મુદ્દે ઠરાવ કરી ગરીબ બાળકોના હક્ક, હિત અને શિક્ષણ માટે ન્યાય નહીં મળે તો કાયદાકીય તમામ પ્રકારની લડત આપવાના ઈરાદા સાથે ઠરાવ કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિને મોકલવામાં આવ્યો હતો. એસ.એમ.સી. કમીટીની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર મનમાની રીતે દેવીપૂજક વર્ગ બંધ કરવાના નિર્ણય સામે વ્યાપેલો રોષ ગાંધીનગર સુધી પહોંચ્યો છે ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ દેવીપૂજક વર્ગ અંતર્ગત રૂપરૂ સુનાવણી માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી-ધનસુરા તેમજ જાલમપુરા અને દેવીપૂજક વર્ગના મુખ્ય શિક્ષકને જરૂરી રેકર્ડ સાથે તા.ર૬ નવેમ્બરે સાંજે ૪-૦૦ કલાકે જિલ્લા શિક્ષણ સમિતિ સમક્ષ હાજર રહેવા તેડું મોકલ્યું છે. 

Tags :
dhansura-taluka

Google News
Google News