Get The App

તલોદમાં બે રેલ્વે ક્રોસિંગ લોકો માટે જોખમી: અકસ્માતની ભીતિ

- મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર બાદ

- રેલ્વે ક્રોસિંગનો રોડ ઢોળાવવાળો હોવાથી લોકો પરેશાન રેલ્વે ક્રોસિંગની આસપાસ મસમોટા ખાડાથી પરેશાની

Updated: Oct 20th, 2019


Google NewsGoogle News
તલોદમાં બે રેલ્વે ક્રોસિંગ લોકો માટે જોખમી: અકસ્માતની ભીતિ 1 - image

તલોદતા.19 ઓકટબર 2019, શનિવાર

તલોદ નગરમાંથી પસાર થતી નવી બ્રોડગેજ રેલ્વે લાઇન ઉપર હાલ પૂરતી ડેમુ ટ્રેન ચાલુ થવાથી આમ પ્રજા અને મુસાફર જનતામાં આનંદની લાગણી ઉદ્ભવી છે. પરંતુ, તલોદ રેલવે સ્ટેશનને સાંકળતા બંને રેલવે ક્રોસિંગ (ફાટક) આમ જનતા, મુસાફર જનતા, રાહદારીઓ અને વાહનચાલકો માટે પણ અસહ્ય આપદારૃપ પુરવાર થઈ રહ્યા છે. કોઈ પણ જાતની સુઝબુઝ કે ધારાધોરણ આ બંને ફાટકના માર્ગમાં ઉપયોગમાં લેવામાં નહીં આવે અને આ રોડમાં ઢોળાવ હોવાથી જોખમી બન્યો છે.

એ.પી. રેલ્વેની મીટરગેજ રેલવે લાઇનનું બ્રોડગેજ રેલવે લાઇનમાં રૃપાંતર થતા તાજેતરમાં જ આ લાઇન ઉપરથી અસારવાથી હિંમતનગર (વાયા તલોદ) ડેમુ ટ્રેન દોડતી થઈ છે. આ લાઇનના ગેજ પરિવર્તનની કામગીરીને કારણે લાઇન 2 વર્ષ 9 માસ અને ૧૪ દિવસ બંધ રહેવા પામી હતી. આ લાઇન ઉપર ટ્રેનવ્યવહાર ચાલુ થાય તેવી અને તલોદના બંને દિશાના રેલ્વે ફાટક યોગ્ય બને તેવી તાલુકાની પ્રજાની પ્રચંડ માંગ ઉઠી હતી. જે અન્વયે હાલતો ડેમુ ટ્રેન રેલ મંત્રાલયે ચાલુ કરેલ છે. પરંતુ તાલુકા મથક તલોદ નગરના બંને રેલવે ફાટકવાળો માર્ગ મુસાફર જનતા અને વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે અતિ ભારે ત્રાહિમામ બન્યો છે.

તલોદ નગરના મોડાસાથી ગાંધીનગર (ને. હા. નં.-8)ને સાંકળતા માર્કેટ યાર્ડ- બસ સ્ટેન્ડ માર્ગ ઉપરના ફાટકની જગ્યાએ અંડરગ્રાઉન્ડ કે ઓવરબ્રિજ માર્ગ બનાવવાની ભારે માંગ હતી અને આજે પણ છે જ. અહીં તેવો માર્ગ બનાવવાની વાત તો અભરાઈ ઉપર ચઢાવી દેવામાં આવી છે ઉલટાનો હાલનો ફાટકવાળો માર્ગ ખાડા-ખડિયાવાળો જોખમી બન્યો છે. જેમાં રોજબરોજ અકસ્માતો થતા હોવાનું ચર્ચામાં રહ્યું છે. અહીંથી પસાર થતા વાહનો, વાહનચાલકો અને વિદ્યાર્થી સહિતના રાહદારીઓની હાલત ભારે કફોડી બની છે. જ્યાં પ્રજાના જાનમાલને તંત્રના વાંકે નુકસાન પહોંચ્યું છે.

આવી જ રીતે કપરી સ્થિતિ અને કફોડી હાલત તલોદ મહિયલને જોડતા તલોદ કોલજ નજીકના રેલ્વે ફાટકના માર્ગની બની છે. આ ફાટક આસપાસનો ઢાળવાળો માર્ગ ભારે જોખમી ભાસી રહ્યો છે અત્યંત વધારે ઢોળાવવાળા આ માર્ગ ઉપર અને આસપાસ પડેલા ખાડા અતિભારે જોખમી પુરવાર થયા છે. જે ખાડાવાળા માર્ગનું યોગ્ય મરામત નહી કરવામાં આવે તો અહીં જીવલેણ અકસ્માત થશે તેવી દહેશત પંથકમાં વ્યાપક બની છે. અહીંથી આવનજાવન કરતા વાહનચાલકો, મુસાફરો, મહિલા તથા વિદ્યાર્થીઓ સહિતના રાહદારીઓ ભારે હાડમારી અને અસહ્ય આપદાનો ભોગ બની રહ્યા છે.


Google NewsGoogle News