ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક યમ-યમુના મંદિર
મ થુરાના વિખ્યાત વિશ્રામઘાટમાં એક અનોખું પૌરાણિક મંદિર છે. એ મંદિર ભાઈ-બહેનને સમર્પિત છે. સંભવત: ભાઈ-બહેનને જ સમર્પિત હોય એવું એ દેશનું પ્રથમ મંદિર છે. ભાઈ ધર્મરાજ એટલે કે યમરાજ અને બહેન યમુનાજી આ મંદિરમાં બિરાજે છે. મંદિરની ખાસિયત એ છે કે તેમાં બહેન-ભાઈની જોડીની સંયુક્ત પૂજા થાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં શ્રીરામ અને સીતાજી, શ્રીકૃષ્ણ અને રાધાજી, શ્રીકૃષ્ણ અને રૂકમણીજી, ભગવાન શિવ અને મા પાર્વતીની જોડી પૂજાતી હોય છે, પરંતુ આ મંદિરમાં ભાઈ-બહેનની જોડી બિરાજમાન છે અને દેશભરમાંથી મથુરા આવતા શ્રદ્ધાળુઓ આ મંદિરના દર્શન કરે છે. મંદિરને લગતી એક પૌરાણિક કથા પણ પ્રચલિત છે. યમુનાજીના આમંત્રણથી યમરાજ એક વખત મથુરા પધાર્યા હતા. એ વખતે યમુનાજીએ ભાવપૂર્વક યમરાજને ભોજન કરાવ્યું. પાછા ફરતી વખતે યમરાજે પ્રસન્ન થઈને યમુનાજીને વરદાન માગવા કહ્યું હતું. યમુનાજીએ વિનંતી કરી કે યમુનામાં સ્નાન કરનારાને યમલોક આવવું ન પડે એવું વરદાન આપો. એવું વરદાન આપવું મુશ્કેલ હતું, એટલે યમરાજે વરદાન આપ્યું હતું કે બહેનના ઘરે ભોજન કરીને યમુનામાં ભાવપૂર્વક સ્નાન કરશે તેને યમલોકમાંથી મુક્તિ મળશે. એટલું જ નહીં, જ્યાં આ ભાઈ-બહેન વચ્ચે સંવાદ થયો હતો ત્યાં નિર્મિત થયેલા મંદિરના દર્શન કરીને જે ભાઈ-બહેન યમુનાજીમાં ડૂબકી લગાવે છે તેને યમલોકમાં જવું પડતું નથી. આ માન્યતાના બળે રક્ષાબંધન અને ભાઈબીજના દિવસે દેશભરમાંથી અસંખ્ય ભાઈ-બહેનો ભાવપૂર્વક આ મંદિરના દર્શન કરે છે.
સિક્રેટ્સ દોસ્તો નહીં, ભાઈ કે બહેન જાણતા હોય છે
સામાન્ય રીતે એવી માન્યતા છે કે માણસના સિક્રેટ્સ દોસ્તો વધારે જાણે છે, પરંતુ એ ધારણાં ખોટી છે. જર્મનીની જેકબ યુનિવર્સિટીના મનોવિજ્ઞાાન વિભાગના સ્ટૂડન્ટ્સે હાથ ધરેલા સર્વેક્ષણમાં જણાયું હતું કે બીજા કોઈને જાણ ન હોય એવી બાબતો મોટાભાગે ભાઈ કે બહેનને જ ખબર હોય છે. સર્વેક્ષણમાં ભાગ લેનારા ૪૬૯ લોકો પાસેથી તેમની ખાસ બાબતોની નોંધ કરવામાં આવી હતી. એ લોકોએ પણ એવો મત વ્યક્ત કર્યો હતો કે આ વાત તેના સાવ નજીકના ફ્રેન્ડ્સ જ જાણે છે. એ પછી એ જ બાબત અંગે જે તે વ્યક્તિના બેસ્ટ ફ્રેન્ડ્સને પૂછવામાં આવ્યું હતું. ૨૮ ટકા કિસ્સામાં જ એ વાતની કે કિસ્સાની બેસ્ટ ફ્રેન્ડ્સને જાણ હતી. સેમ્પલના ૬૧ ટકા સિક્રેટ્સ ભાઈ-બહેનોએ કહી બતાવ્યા હતા. સામાન્ય રીતે એવું લાગે કે એ વાતો દોસ્તો જ જાણે છે, પરંતુ સંશોધકોએ એવી નોંધ કરી હતી કે વર્ષો સુધી સાથે રહેતા ભાઈ-બહેનને એક બીજાની અમુક વાતો કે કિસ્સા હંમેશા માટે યાદ રહી જાય છે.
ફ્રાન્સની પબ્લિક રીસર્ચ સોરબોન યુનિવર્સિટીએ આવું જ એક રીસર્ચ કર્યું હતું. થોડા વર્ષો પહેલાં થયેલા એ રીસર્ચમાં ભાઈ-બહેનને તેમની ફેવરિટ ડિશ, ફેવરિટ ફિલ્મ, પુસ્તક, એક્ટર જેવા કોમન સવાલો પૂછાયા હતા. સર્વેક્ષણમાં ૧૭૮ ભાઈ-બહેન ભાગીદાર થયા હતા. એમાં વળી એ ૧૭૮ના બહુ જ નજીક ગણાતા હોય એવા એક એક સ્કૂલ-કોલેજ ફ્રેન્ડને પણ જોડવામાં આવ્યા હતા. ભાઈ-બહેનોની ૮૯ જોડીઓને એકબીજાની ફેવરિટ બાબતો વિશે પૂછવામાં આવ્યું હતું. એ જ સવાલો તેના ૧૭૮ ક્લોઝ ફ્રેન્ડ્સને પણ પૂછાયા હતા. સંશોધકોના આશ્વર્ય વચ્ચે દોસ્તોની સામે ભાઈ-બહેનોના જવાબો ભારે પડયા હતા. ૧૭૮માંથી ૧૪૨ ફ્રેન્ડ્સના ૧૦માંથી માત્ર ત્રણ કે ચાર જવાબો જ સાચા પડયા હતા. જ્યારે ૮૯ ભાઈ-બહેનોની જોડીમાંથી ૬૭ જોડીએ સરેરાશ સાતથી નવ સાચા જવાબો આપીને મેદાન માર્યું હતું. સંશોધકો એવા તારણ ઉપર આવ્યા હતા કે મોટાભાગના ભાઈ-બહેનોને એવું લાગતું હતું કે તેમની ફેવરિટ ડિશ, ફેવરિટ પુસ્તક, ફેવરિટ એક્ટર વગેરેની વાતો તેમના ભાઈ-બહેનને ખબર હોય એવી શક્યતા ઓછી નથી, પરંતુ એ વાતો તેમના ભાઈ-બહેનોએ ખૂબ જ સરળતાથી યાદ રાખી હતી. સંશોધકોએ એવીય નોંધ કરી હતી કે બહેનો ભાઈઓના ગમા-અણગમા વિશે જેટલું જાણે છે એટલું ભાઈઓ બહેનોની પસંદ-નાપસંદ વિશે જાણતા નથી. પોતાના ભાઈઓને સમજવાની બાબતમાં દુનિયાભરની બહેનો એકસરખી સ્માર્ટ છે - એમાં કોઈ શંકા નથી.
ઉચ્ચ અધિકારી બનેલા ભાઈ-બહેનો
ઉ ત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના લાલગંજમાં રહેતા યોગેશ, લોકેશ, ક્ષમા અને માધવીએ અનોખી સફળતા મેળવી છે. બે ભાઈઓ અને બે બહેનોએ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને અનોખો વિક્રમ બનાવ્યો હતો. લગભગ ત્રણ વર્ષના ગાળામાં ચારેય ભાઈ-બહેનો આઈએએસ અને આઈપીએસ બની ગયા હતા. ગ્રામીણ બેંકના મેનેજર અનિલ મિશ્રાએ તેના ચારેય સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો હતો. એ ચારેય ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. પરિવારમાં યોગેશ મિશ્રા સૌથી મોટા છે. સૌથી પહેલાં યોગેશ મિશ્રાએ ૨૦૧૪માં સિવિલ સર્વિસની પરીક્ષા ક્લિયર કરી હતી. એ પછી દિલ્હીમાં રહીને યુપીએસસીની તૈયારી કરી રહેલી તેમની બે નાની બહેનો ક્ષમા અને માધવી મિશ્રાએ એક પછી એક યુપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવી હતી. સૌથી છેલ્લે નાના ભાઈ લોકેશ મિશ્રા આઈએએસ બન્યા. ચાર ભાઈ બહેનોમાંથી યોગેશ, ક્ષમા અને લોકેશ આઈએએસ છે અને બીજા નંબરની બહેન માધવી કર્ણાટકમાં આઈપીએસ છે.
કોરોનાકાળમાં બીજી એક ભાઈ-બહેનની જોડી ચર્ચામાં આવી હતી. કોરોનાના કેસ વધતા હતા ત્યારે ડોક્ટર્સ મળતા ન હતા. આવી પરિસ્થિતિમાં ઘણાં લોકો તેમના મેડિકલના નોલેજનો લાભ આપવા આગળ આવ્યા હતા. એમાંના બે હતા - અનિલ કુમાર શ્યોરાણ અને મંજૂ શ્યોરાણ. બંને સગા ભાઈ-બહેન છે. રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લાના વતની બંને ભાઈ-બહેને એમબીબીએસનો અભ્યાસ કર્યો હતો અને એ પછી સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. બહેન મંજૂ શ્યોરાણ ૨૦૧૬માં આઈએએસ બન્યા હતા. એ જ વર્ષે ભાઈ અનિલ કુમાર આઈપીએસ બન્યા હતા.
પેરેન્ટ્સના કજિયાથી ભાઈ-બહેન વચ્ચે પ્રેમ વધે છે!
વિ ચિત્ર લાગતી આ વાત સંશોધકોએ સાબિત કરી આપી છે. એડિનબર્ગ યુનિવર્સિટીના મનોવિજ્ઞાાનીઓએ નોંધ્યું હતું કે બાળપણમાં જે ભાઈ-બહેનોએ પેરેન્ટ્સ વચ્ચે સંઘર્ષ થતો જોયો હોય એવા ભાઈ-બહેન વચ્ચે સંબંધો વધુ મજબૂત બને છે. સમજણા થવાની વયે પેરેન્ટ્સમાં ઝઘડા થતા હોય ત્યારે મોટી બહેન ભાઈને સંભાળીને સાચી દોરવણી આપતી હોય છે. સર્વેક્ષણમાં સામેલ થયેલા ૨૭૩ ભાઈ-બહેનોમાંથી ૧૧૮ના કિસ્સામાં બહેન મોટી હતી. આવા ભાઈ-બહેનોના જોડકાંમાંથી ૮૬ ટકાએ સ્વીકાર્યું હતું કે મમ્મી-પપ્પાના ઝઘડા વખતે મોટી બહેને ભાઈની વધુ કાળજી લીધી હતી.
ભાઈના શૂઝથી પ્રેક્ટિસ કરનારી બહેને સિદ્ધિ મેળવી
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમે ઈતિહાસ રચ્યો હતો. એમાં વંદના કટારિયાએ અસરકારક રમત બતાવીને ચારેબાજુથી પ્રશંસા મેળવી હતી. વંદના હરિદ્વાર નજીકના રોશનાબાદ નામના ગામમાં રહે છે. ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતી વંદના પાસે એક સમયે શૂઝ લેવાના પૈસા પણ ન હતા. વંદનાના પિતાએ ત્રણ ભાઈ-બહેનો વચ્ચે એક જોડી સ્પોર્ટ્સ શૂઝ લઈ આપ્યા હતા. ત્રણેય ભાઈ-બહેનો એક પછી એક એ શૂઝ પહેરીને હોકીની પ્રેક્ટિસ કરતા હતા. વંદનાનો ભાઈ પંકજ કટારિયા પ્રેક્ટિસ કરી લેતો એ પછી વંદના પ્રેક્ટિસ કરતી. પરિવાર કોઈ એકને જ સ્પોર્ટ્સમાં આગળ વધારી શકે તેમ હતો. વંદના ત્રણેય ભાઈ-બહેનોમાં વધારે ટેલેન્ટેડ હોવાથી તેને તેના પિતા અને મોટાભાઈએ કરજ કરીને લખનઉ મોકલી. પંકજે રમત છોડી દીધી અને હવે તે રાજકારણમાં સક્રિય થયો છે. વંદનાની સિદ્ધિ જોઈને હવે પંકજને ગૌરવ થાય છે. હવે તેને લાગે છે કે પરિવારે વંદનાને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો તે યોગ્ય હતો. જો વંદનાને બદલે તેને તક મળી હોય તો કદાચ એ વંદના જેટલી અસરકારક રમત ન બતાવી શક્યો હોત.
બહેન હોય એવા યુવાનો છોકરીઓ સાથે વાત કરવામાં કુશળ હોય છે!
સં શોધકોએ છેલ્લાં વર્ષોમાં ભાઈ-બહેનના સંબંધો બાબતે ઘણાં સર્વેક્ષણો-સંશોધનો કર્યા છે. એમાં કેટલાક રોચક તથ્યો સામે આવ્યાં છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધનનું તારણ હતું : જે બહેનને ભાઈ હોય કે જે ભાઈને બહેન હોય તેની આંતરિક વ્યક્તિત્વનો વિકાસ વધારે થાય છે. સ્ટડી સિવાયના ક્ષેત્રોમાં પણ તે વિકસે છે. જેમ કે રમત-ગમત, ક્રિએટિવ એક્ટિવિટી વગેરેમાં ભાઈ-બહેનોના સહિયારા પ્રયાસો થતાં હોવાથી તેનામાં નવી ક્ષમતાઓને ધાર મળે છે. તે સિવાય જે ભાઈઓ બહેનો સાથે કે બહેન સાથે મોટા થાય છે તે પ્રમાણમાં ઓછા શરમાળ રહે છે. જેને બહેન ન હોય એવા ભાઈઓની સરખામણીએ એક કે વધુ બહેનો ધરાવતા ભાઈઓ મોટા થઈને અન્ય યુવતીઓ સાથે કોમ્યુનિકેશન કરવામાં વધુ કુશળ સાબિત થાય છે.
ભાઈ-બહેનોના લાંબાં આયુષ્યના રેકોર્ડ્સ
- બ્રિટનના લેઇસેસ્ટરમાં રહેતા રોવલેન્ડ ક્લિવર અને એમ્માના ૨૬ વર્ષના લગ્ન જીવન બાદ તેમને ૧૫ સંતાનો હતાં. ૧૫ પૈકી બે બહેનો ન્યુઝિલેન્ડમાં સ્થાઈ થઈ ગઈ છે. એ સિવાયના ૧૨ વતન લેઇસેસ્ટરમાં જ રહે છે એટલે વારે-તહેવારે મળતા રહે છે. આ ભાઈ-બહેનોનો પરિવાર ખૂબ વિશાળ છે. ૩૬ પુત્ર-પુત્રીઓ અને ૫૭ ગ્રાન્ડચિલ્ડ્રન્સ છે. મોટાભાઈ જેકનું દોઢ દશકા પહેલાં ૮૦ વર્ષે નિધન થયું છે. આ બધા ભાઈ-બહેનોની કુલ વયનો વિક્રમ ગિનેસ બુકમાં નોંધાયો હતો. વિક્રમ નોંધાયો ત્યારે ન્યુઝીલેન્ડમાં રહેતી માર્ગારેટની વય સૌથી વધુ ૯૦ વર્ષ હતી અને સૌથી નાના માઇકલની ઉંમર ૬૯ વર્ષ હતી. એક જ પરિવારના હયાત ભાઈ-બહેનોની કુલ ઉંમરનો સરવાળો ૧૦૯૨ વર્ષ થાય છે!
- અમેરિકાના ક્લાર્ક પરિવારના પાંચ ભાઈ-બહેનોની સરેરાશ વયે ૧૦૦ વર્ષે પહોંચી હોવાનો વિક્રમ પણ નોંધાઈ ચૂક્યો છે. જો ક્લાર્ક, ચાર્લ્સ, પેટ, જેમ્સ અને મેજ એમ ત્રણ ભાઈ અને બે બહેનોએ ૨૦૧૬માં એક પછી એક એક ૧૦૦ વર્ષ પૂરા કર્યા હતા. એ પાંચેયની કુલ વય ૫૦૭ હતી. પાંચ ભાઈ-બહેનોના જન્મ વચ્ચે એક-સવા વર્ષનું અંતર હતું. બધા જીવિત ભાઈ-બહેનોએ ૧૦૦નો આંકડો પાર કર્યો હોય એવો એ વિશ્વનો પહેલો નોંધાયેલો કિસ્સો હતો. એમ તો ઈટાલીના સાદનિયા નામના ટાપુના પરડાસડેફોગુ ગામના રહેવાસી ૯ ભાઈ-બહેનોના નામે થોડો અલગ વિક્રમ બોલતો હતો. એ બધાની ઉંમરનો સરવાળો ૨૦૧૨માં ૮૩૨ વર્ષ હતો. એટલે કે તેની સરેરાશ વય ૯૨ વર્ષ થતી હતી.
વાયરલ કિસ્સો : બહેનને બચાવવા ભાઈએ મગરનો સામનો કર્યો!
ફિલિપાઈન્સનો એક કિસ્સો ૨૦૧૯માં ભારે વાયરલ થયો હતો. આખી વાત કંઈક આવી હતી : ફિલિપાઈન્સના પાલાવાનમાં ૧૨ વર્ષની હાઈના લીઝા જો હાબી નદી પાર કરતી હતી. તેનો ૧૫ વર્ષનો ભાઈ હાશિમ પણ સાથે હતો. જેવા બંને નદીકિનારે પહોંચ્યા ને નદીમાં પગ મૂક્યો કે મગરમચ્છે હાબીનો પગ પકડી લીધો. અણધારી સ્થિતિથી પહેલા તો બંને ડરી ગયા. થોડીક પળો તો શું કરવું ને શું ન કરવું એ વિચારવામાં વીતી ગઈ. હાબી રડવા લાગી. બહેનથી ત્રણ વર્ષ મોટા હાશિમે હિંમત એકઠી કરીને મગરમચ્છ ઉપર પથ્થરોનો વરસાદ વરસાવ્યો. મગરમચ્છની એકદમ નજીક આવીને હાશિમે તેનું ધ્યાન બહેન પરથી હટાવ્યું. વિશાળકાય મગરે હાશિમ ઉપર હુમલાની પેરવી કરી એ લાગ જોઈને હાસિમે બહેન હાબીનો પગ મગરના જડબામાંથી છોડાવી લીધો. હાશિમે તુરંત બહેનને નજીકની હોસ્પિટલમાં પહોંચાડી. હાબીના પગમાં ઘણી ઈજા થઈ હતી, પરંતુ સમયસર સારવાર મળી હોવાથી તે બચી ગઈ. હાશિમની આ હિંમતની ભારે પ્રશંસા થઈ હતી. ફિલિપાઈન્સની સ્થાનિક સરકારી બોડીએ હાશિમનું સમ્માન કર્યું હતું.
ભાઈ-બહેન વચ્ચે ઝઘડો થવાનું કારણ પ્રોપર્ટી નહીં, પણ પ્રાઈવસી!
કોલંબિયા યુનિવર્સિટીના સોશિયલ સાયન્સ વિભાગે ભાઈ-બહેનો વચ્ચે ઝઘડો કયા કારણોથી થાય છે તે તપાસ્યું હતું. ભારત સહિતના દેશોમાં સંશોધકોએ ઓનલાઈન સર્વેક્ષણ કર્યું હતું, એમાં જણાયું હતું કે મોટાભાગના ભાઈ-બહેન પ્રોપર્ટી માટે ઝઘડતા નથી એટલા પ્રાઈવસીના મુદ્દે ઝઘડે છે. સોશિયલ મીડિયાના યુગમાં બહેન ભાઈની પ્રાઈવસીમાં કે ભાઈ બહેનની પ્રાઈવસીમાં ઘૂસી જાય ત્યારે મોટા ઝઘડા થાય છે. ભાઈને ગમતી હોય એવી બીજી વસ્તુ આપી દેવા તૈયાર બહેન ભાઈને સ્માર્ટફોનનો પાસવર્ડ આપવાનું ટાળે છે.
યુનિવર્સિટીના સંશોધકોએ ત્રણ વર્ષથી ૧૦ વર્ષની વયના ભાઈ-બહેનો ઉપર પણ રીસર્ચ કર્યું હતું. એમાં જણાયું હતું કે એ ઉંમરે સૌથી વધુ ઝઘડો રમકડાંની બાબતે થાય છે. ખાવા-પીવાની બાબતે કે કપડાં, સ્કૂલ બેગ, શૂઝ સહિતની ચીજવસ્તુઓ બાબતે બહુ ચડસાચડસી થતી નથી. પરંતુ એકબીજાના રમકડાં લેવા મુદ્દે સાત-આઠ વર્ષના ભાઈ-બહેનો વચ્ચે રીતસર યુદ્ધ જામી પડે છે.
સ્ટેનફર્ડ યુનિવર્સિટીની ટીમના ૨૦૧૨માં થયેલા એક સ્ટડી પ્રમાણે જો ભાઈ-બહેન વચ્ચે ઝઘડો થાય છે તો એ સ્વાભાવિક બાબત છે. ૭થી ૧૫ વર્ષ સુધીના ૫૦૦ ભાઈ-બહેનોનું સર્વેક્ષણ કરીને તારણ કાઢવામાં આવ્યું હતું કે તેમની વચ્ચે ૩૧ કલાક દરમિયાન સરેરાશ બે વખત ઝઘડો થતો હતો. આવા ઝઘડા પછીય તેમના સંબંધો પૂર્વવત થઈ જતા હતા.
રક્ષાબંધનનો દેશી-વિદેશી સંદર્ભ
ર ક્ષણ માટે રાખડી બાંધવાની પરંપરા પ્રાચીન છે. એનો સંદર્ભ ભવિષ્ય પુરાણમાં મળે છે. ૧૮ પુરાણો પૈકીના એક એવા ભવિષ્ય પુરાણમાં દેવ-દાનવોના યુદ્ધની કથા છે. યુદ્ધમાં દેવતાઓની પીછેહઠ થતી જોઈને ઈન્દ્રદેવ ભય પામ્યા અને ગુરૂ બૃહસ્પતિ પાસે સલાહ લેવા ગયા. પતિને ગભરાયેલા જોઈને ઈન્દ્રાણીએ તેના રક્ષણ માટે રેશમનો દોરો બાંધી આપ્યો હતો. પછીથી રક્ષણની એ પરંપરા ભાઈ-બહેન સાથે જોડાઈ ગઈ હતી.
સ્કંધ પુરાણ, પદ્મપુરાણ અને શ્રીમદ ભાગવતમાં વામન અવતારની કથામાં રક્ષાબંધનનો પ્રસંગ આવે છે. બલિરાજાએ પોતાના પરાક્રમથી આખું બ્રહ્માંડ કબજે કરી લીધું હતું. બ્રહ્માંડને તેનાથી મુક્ત કરાવવા ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધર્યું હતું. બ્રાહ્મણના રૂપમાં ભગવાને બલિ રાજા પાસે ત્રણ પગલા જેટલી જગ્યાની યાચના કરી હતી. બલિરાજાએ દક્ષિણ સ્વરૂપે ભગવાનની એ માગણી માન્ય રાખી હતી. એ પછી વામન ભગવાને ધરતી, આકાશ અને પાતાળ ત્રણ ડગલામાં પામી લીધા હતા. એ પછી બલિએ તેની ભક્તિના બળથી ભગવાન પાસે રાત-દિવસ હાજર રહેવાનું માગી લીધું હતું. ભગવાન વચનથી બંધાઈ ગયા હતા એટલે તેમને મુક્ત કરાવવા નારદમૂનિની સલાહથી લક્ષ્મીએ બલિરાજાને રાખડી બાંધી હતી. રાખડી બાંધ્યા પછી બહેન ભાઈને વરદાન આપે છે. એ પરંપરાના ભાગરૂપે બલિએ લક્ષ્મીને કંઈક માગવા કહ્યું હતું. એમાં લક્ષ્મીજીએ ભગવાનને મુક્ત કરવાનું માગ્યું હતું. એ તિથિ શ્રાવણ માસની પૂનમ હોવાથી ત્યારથી દેવલોક અને પૃથ્વીલોકમાં શ્રાવણી પૂનમના દિવસ રક્ષાબંધન ઉજવાય છે.
આ પૌરાણિક સંદર્ભો ઉપરાંત રક્ષાબંધનના અન્ય ભાષામાં પણ સંદર્ભો મળે છે. અંગ્રેજ અધિકારી અને ઈતિહાસલેખક જેમ્સ ટોડે ૧૮૨૯માં પહેલી વખત રક્ષાબંધનનો ઉલ્લેખ કર્યો હતો. ધ ફેસ્ટિવલ ઓફ ધ બ્રેસલેટ ઈઝ ઈન સ્પ્રિંગ એવા વાક્યમાં ટોડે રક્ષાબંધનના તહેવાર વિશે વિગતવાર અહેવાલ આપ્યો હતો.
૧૮૫૧માં મોનિયર વિલિયમ્સ : એ સંસ્કૃત-ઈંગ્લિશ ડિક્ષનરી પ્રસિદ્ધ થઈ હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એશિયન ભાષાના પ્રોફેસર સર મોનિયર વિલિયમ્સે આ ડિક્ષનરી તૈયાર કરી હતી. એમાં તેમણે લખ્યું હતું: ભારતમાં દર વર્ષે શ્રાવણ માસના પૂર્ણચંદ્રની રાતે એકબીજા પ્રત્યે સમ્માન દાખવવા અને એકબીજાના રક્ષણની કામના કરવા માટે ભાઈઓ-બહેનો રક્ષાનો તહેવાર મનાવે છે. એ તહેવારમાં ભાઈઓના કાંડા ઉપર બહેનો એક ખાસ પ્રકારનો સૂતરનો તાંતણો વીંટે છે.
યુરોપિયન વિદ્વાન ડંકન ફોર્બ્સે ૧૮૫૭માં એક શબ્દકોશ તૈયાર કર્યો હતો. ફોર્બ્સ : ડિક્ષનરી ઓફ હિન્દુસ્તાની એન્ડ ઈંગ્લિશ. એમાં તેણે શ્રાવણ માસમાં પૂર્ણચંદ્રના દિવસે રાખીનો તહેવાર ભારતમાં યોજાતો હોવાનું લખ્યું હતું. ડંકને ૧૮૨૩ પછીના થોડાંક વર્ષો ભારતમાં ગાળ્યા હતા અને તેના આધારે તેણે ઉર્દુ, ફારસી, અરેબિક શબ્દોના અર્થ આપતો કોશ તૈયાર કર્યો હતો.
બ્રિટનના જ્હોન થોમ્પસન પ્લેટ્સે ૧૮૮૪માં પ્લેટ્સ: ડિક્ષનરી ઓફ ઉર્દુ, ક્લાસિકલ હિન્દી એન્ડ ઈંગ્લિશ નામના પુસ્તકમાં રાખી શબ્દનો અર્થ સમજાવ્યો હતો. એમાં થોમ્પસને લખ્યું હતું કે ભારતમાં બહેનો એક રેશમની દોરી ભાઈના કાંડે બાંધે છે અને ભાઈ તેના બદલામાં બહેનને પુરસ્કાર આપે છે. ભાઈ-બહેનના સંબંધોની આવી અનોખી પરંપરા ભારતમાં દર વર્ષે શ્રાવણ માસની પૂનમે ઉજવાય છે અને તેને ભારતમાં રક્ષાબંધન કહેવાય છે.
૧૯૯૩ના વર્ષની એડિશનમાં ઓક્સફર્ડ ડિક્ષનરીમાં રક્ષાબંધનને પહેલી વખત સ્થાન મળ્યું હતું. એટલે કે રક્ષાબંધન શબ્દ સત્તાવાર રીતે અંગ્રેજીમાં ૧૯૯૩ના વર્ષમાં માન્ય રખાયો હતો. ઓક્સફર્ડ ડિક્ષનરીમાં રક્ષાબંધનને સ્થાન આપતી વખતે નોંધ કરવામાં આવી હતી: રક્ષાબંધન શ્રાવણ માસની પૂર્ણિમાના રોજ ઉજવાતો એવો તહેવાર છે, જે દિવસે બહેન ભાઈને રાખી બાંધે છે અને ભાઈ તેના સમ્માનમાં રોકડ રકમની ગિફ્ટ આપે છે.
ભારતમાં તો અસંખ્ય ગ્રંથોમાં રક્ષાબંધનના સંખ્યાબંધ સંદર્ભો મળે છે. રક્ષાબંધનના તહેવારની ગરિમા સ્થાપિત કરતી કેટલીય પૌરાણિક અને ઐતિહાસિક કથાઓ આપણે સાંભળતા આવ્યાં છીએ, પરંતુ વિદેશીઓ ભારતના સંપર્કમાં આવ્યા પછી તેમણે પણ આ અદ્વિતીય તહેવારની પરંપરાના ગુણગાન કર્યા હતા.