વોયેજરઃ પંથી હૂઁ મૈં ઉસ પથ કા, અંત નહીં જિસકા
- એકનજરઆતરફ : હર્ષલપુષ્કર્ણા
- અવકાશમાં છેલ્લાં ૪પ વર્ષથી વણઅટકી સફર ખેડી રહેલા નાસાના દૂર કા રાહી વોયેજર અંતરિક્ષયાનોની કલ-આજ-કલ
આ વાંચી રહ્યા છો ત્યારે અમેરિકાની સ્પેસ રિસર્ચ સંસ્થા NASA/ નાસાનાં વોયેજર-1 તથા વોયેજર-2 અવકાશયાનો પૃથ્વીથી અનુક્રમે ૨૩.૪૯ અબજ અને ૧૯.પ૧ અબજ કિલોમીટર દૂર અંતરિક્ષના શૂન્યાવકાશમાં પ્રવાસ ખેડી રહ્યા છે. બેઉની ઝડપ કલાકના અનુક્રમે ૬૧,૦૦૦ અને પપ,૩૦૦ કિલોમીટર જેટલી છે. આથી પ્રત્યેક વીતતી સેકન્ડે બન્ને યાનો આપણાથી વધુને વધુ દૂર સરકતાં જાય છે. દરેક સફરનો વહેલો કે મોડો ક્યારેક તો અંત આવે, પણ વોયેજરની યાત્રા અનંત છે. સફર ક્યારે અને ક્યાં પૂરી થશે એ કોને ખબર! આથી ‘દૂર કા રાહી’ના પેલા ગીતની પંક્તિ ‘પંથી હૂઁ મૈં ઉસ પથ કા, અંત નહીં જિસકા...’ તેમની સફરને સચોટ રીતે બંધબેસતી જણાય છે. બહુ દૂરના ભવિષ્યમાં પૃથ્વીનો અંત આવી જાય અને સૂર્ય નામનો દીપક બુઝાઈ જાય તો પણ વોયેજરની યાત્રાનો અંત આવવાનો નથી.
દૂર કા રાહી વોયેજર-1 તથા વોયેજર-2 જોડે નાસાનો રેડિઓ સંપર્ક હવે રહ્યો નથી. પ્રત્યેક યાનમાં ફિટ કરેલાં લગભગ ૬પ,૦૦૦ પૈકી ઘણાં ઉપકરણો આઉટ ઓફ ઓર્ડર બન્યાં છે. બેટરીની બચતના નામે કેટલાંક ઉપકરણોને વર્ષો પહેલાં સ્વિચ-ઓફ કરી દેવાયાં છે. આથી એક રીતે જોતાં વોયેજર યાનો હવે ધાતુનાં શુષ્ક માળખાં પૂરતાં સીમિત રહી ગયાં છે. પરંતુ તેનાથી બન્ને યાનોનું મહત્ત્વ ઘટી જતું નથી. કારણ કે, રિટાયર્મેન્ટ લેતા પહેલાં તેમણે અવકાશી સંશોધનમાં જે અભૂતપૂર્વ યોગદાન આપ્યું તે ભૂલ્યું ભૂલાય તેમ નથી. વોયેજર યાનોના ૪પમા જન્મદિન નિમિત્તે ચાલો, એક નજર તેમની ગઈકાલ અને આવતી કાલ પર કરીએ.
■■■
કોઈ પણ મહાન કાર્યની શરૂઆત ઘણી વાર સાવ મામૂલી જણાતા વિચારમાંથી થતી હોય છે. નાસાની લેબોરેટરીમાં વોયેજરનાં જોડિયાં પારણાં બંધાયાં તે માટે એક સામાન્ય વિચારબીજ જવાબદાર હતું. જુલાઈ, ૧૯૬પની વાત છે. નાસાના ગેરી આર્નોલ્ડ ફ્લેન્ડ્રો નામના વિજ્ઞાની તે વર્ષે સૂર્યમાળાના ગેસ જાયન્ટ ગ્રહો ગુરુ, શનિ, પ્રજાપતિ અને વરુણનો અભ્યાસ કરી રહ્યા હતા. એક દિવસ તેમણે મેથેમેટિકલ ગણતરીઓ કરીને શોધી કાઢ્યું કે ૧૯૭૯-૮૦માં ચારેય ગેસ જાયન્ટ ગ્રહો એકમેકની સીધમાં આવવાના હતા. સૂર્યમાળાના ગ્રહો જુદી જુદી ભ્રમણકક્ષામાં અલગ અલગ રફતારે ચક્કર કાપ્યા કરે છે. આથી તેમની વચ્ચે કદમથી કદમ મિલાવવાનો તાલમેળ જળવાતો નથી. ગુરુ, શનિ, પ્રજાપતિ અને વરુણ એ ચાર ગ્રહો સીધમાં આવે તેવો યોગાનુયોગ દર ૧૭૬ વર્ષે બનતો હોય છે, માટે ચારેય ગ્રહોના અભ્યાસ માટે કોઈ અવકાશ યાન મોકલવું હોય તો ૧૯૭૯-૮૦નો સમયગાળો આદર્શ સમય હતો.
આ રજૂઆત ગેરી આર્નોલ્ડ ફ્લેન્ડ્રોએ નાસા સમક્ષ કરી ત્યારે આવો સોનેરી મોકો ચૂકવા ન માગતા વિજ્ઞાનીઓએ તાબડતોબ પ્રસ્તાવ સ્વીકારી લીધો. અમેરિકી સંસદે મોટું બજેટ ફાળવી આપ્યું, એટલે નાસાએ ગુરુ, શનિ, પ્રજાપતિ અને વરુણનો નજદીકી અભ્યાસ કરવા માટે એક નહિ, પણ બે અવકાશયાનો તૈયાર કરાવ્યાં. નામ આપ્યુંઃ વોયેજર-1 અને વોયેજર-2.
આ બન્ને રોબોટિક બંધુઓ માઇક્રોચિપ, સરકીટ, કેમેરા, સ્પેક્ટ્રોમીટર, એન્ટેના, રેડિઓ ટ્રાન્સમીટર વગેરે જેવા ૬પ,૦૦૦ સ્પેર-પાર્ટ્સથી બન્યાં હતાં. ગેસ જાયન્ટ ગ્રહોના બારીક અવલોકન માટે તથા પૃથ્વીવાસી ખગોળવિદ્દો જોડે આંધળોપાટો ખેલતા છૂપે રૂસ્તમ ઉપગ્રહોને શોધવા માટે નાસાના વિજ્ઞાનીઓએ વોયેજર યાનોને કેમેરારૂપી આંખો પણ આપી. આંખોનું વળી તેજ એટલું કે ૧ કિલોમીટર દૂર રાખેલા અખબારની હેડલાઇન્સ વાંચવી વોયેજર માટે સામાન્ય વાત હતી. એ વાત જુદી કે આવી વેધક નજર વડે તેમણે હેડલાઇન્સ વાંચવાની નહોતી, બલકે અખબારોની હેડલાઇન્સમાં પોતાનાં નામ ચમકે તેવાં અવકાશી સંશોધનો કરી બતાવવાનાં હતાં.
■■■
વર્ષ ૧૯૭૭ની વીસમી ઓગસ્ટે વોયેજર-1 અને પાંચમી સપ્ટેમ્બરે વોયેજર-2 બે જુદા રોકેટમાં સવાર થઈને અંતરિક્ષની રોમાંચક યાત્રા માટે નીકળ્યા. પ્રવાસની દિશા ગેસ જાયન્ટ ગુરુ તરફની હતી. લગભગ દોઢેક વર્ષની સફર પશ્ચાત્ વોયેજર-1 અને તેનું હમસફર વોયેજર-2 ગુરુની નજીક પહોંચ્યા. સપાટીથી અંતર લગભગ ૬,૪પ,૦૦૦ કિલોમીટર જેટલું હતું, છતાં એટલે દૂરથી પણ કેમેરાની આંખે તેમને ગુરુનાં જે દર્શન થયાં તે અદ્ભુત હતાં. શું તેનું વિરાટ કદ અને શી તેની ભવ્યતા! સપાટી પર બદામી, કેસરી, રાતા અને આછા પીળા રંગનાં વાદળોનો ઘટ્ટ જમાવડો થયેલો હતો. સ્પેક્ટ્રોમીટર યંત્ર વડે વોયેજર યાનોએ જાણી લીધું કે તે વાદળો હાઇડ્રોજન, હિલિયમ, મિથેન તથા મહદઅંશે એમોનિયા વાયુનાં છે. ઉપલા વાતાવરણમાં કલાકના લગભગ ૪૦૦ કિલોમીટરની ઝડપે ફૂંકાતાં વાવાઝોડાં સાથે વાદળો આમથી તેમ ઘૂમરી ખાતાં હતાં, જેને કારણે આખા ગ્રહ પર તેમની સતત અવનવી ડિઝાઇન્સ રચાતી હતી. આમાં ગ્રેટ રેડ સ્પોટ નામનું એક જબરજસ્ત ચકામું સૌથી વિશેષ હતું. વોયેજરે સૂક્ષ્મગ્રાહી યંત્રો વડે તેનું કદ માપ્યું તો વ્યાસ ૪૦,૦૦૦ કિલોમીટરનો નીકળ્યો. અડોઅડ ગોઠવેલી ૩ પૃથ્વી આસાનીથી સમાઈ જાય એટલો!
ગુરુનું કદ, આંતરિક બંધારણ, ૯૦૦ કિલોમીટર જાડું વાતાવરણ, અંતરિક્ષમાં ફેલાયેલું તેનું પાવરફુલ ચુંબકીય ક્ષેત્ર વગેરે વિશે બન્ને અવકાશયાનોએ જેટલું પણ જોયું-જાણ્યું તે બધું તસવીરો તેમજ ડેટા સ્વરૂપે નાસાના ભૂમિ મથકને મોકલી આપ્યું. વિજ્ઞાનીઓએ તે ડેટાની મદદથી દૂર બેઠા ગુરુની ખગોળીય કુંડળી કાઢી લીધી. વર્ષોથી સસ્પેન્સના પટારામાં બંધ ગુરુનાં અનેક રહસ્યોને ખોલી આપ્યા બાદ બન્ને યાનોની સફર આગળ ચાલી. હવે વારો ગુરુના ચાર મુખ્ય ઉપગ્રહો ગેનિમિડ, કેલિસ્તો, આઇઅો અને યુરોપાના અભ્યાસનો હતો.
આઇઅો નજીકથી પસાર થતી વેળા વોયેજર-1ના કેમેરાએ જોયું તો સપાટી પર તાંડવ મચ્યાં હતાં. અહીં તહીં જ્વાળામુખી વિસ્ફોટો થતા હતા. પૃથ્વી પર કોઈ જ્વાળામુખી ફાટે તો તેમાંથી ધૂળ-રાખ અને લાવારસનું ઉત્સર્જન થાય, જ્યારે આઇઓ પર સલ્ફર ડાયોક્સાઇડના સક્રિય જ્વાળામુખી હોવાનું વોયેજર-1ના કાબેલ વીજાણું ઉપકરણોએ શોધી બતાવ્યું. માઉન્ટ એવરેસ્ટ કરતાં આશરે ૩૦ ગણો ઊંચો એક જ્વાળામુખી તો પોતાના ૩૨૦ કિલોમીટર પહોળા મુખ વાટે પ્રચંડ વેગે સલ્ફર ડાયોક્સાઇડ ઓકતો હતો. બળબળતા લબકારામાંથી પેદા થતાં ગરમીનાં વાદળો આઇઓના આકાશમાં આશરે ૨૭૦ કિલોમીટર ઊંચે ચડતાં હતાં. આ ડેટા નાસાને મોકલવામાં આવ્યો ત્યારે ખગોળવિદ્દોને પહેલી વાર જાણવા મળ્યું કે પૃથ્વી ઉપરાંત સૂર્યમાળાના અન્ય અવકાશી ગોળા પર પણ જ્વાળામુખો છે. અજ્ઞાનનો વધુ કેટલોક અંધકાર વોયેજર દ્વારા દૂર થયો.
■■■
ગુરુની ફ્લાઇંગ વિઝિટ વખતે કુલ સાત નવા ઉપગ્રહો શોધીને આગળ વધેલાં વોયેજર અવકાશયાનોનો વલયધારી ગ્રહ શનિ જોડે ભેટો નવેમ્બર-ડિસેમ્બર ૧૯૮૦ દરમ્યાન થયો. આ જાજરમાન ગ્રહને પૃથ્વી પરથી ટેલિસ્કોપ વડે જોનાર સંશોધકો ૧૯૮૦ સુધી એમ માનતા હતા કે શનિના ગોળા ફરતે ફક્ત ચાર વલયો (રિંગ) છે. સંશોધકોનું એ અજ્ઞાન વોયેજરે દૂર કર્યું. યાનના કેમેરાએ લીધેલી શનિના વલયોની હાઈ રિઝોલ્યૂશન તસવીરોમાં જણાયું તેમ શનિના મુખ્ય ચાર વલયો હકીકતમાં ખડકો-રજકણોના બનેલા હજારો વલયોનું જૂથ હતું. આ તસવીરોના આધારે ખગોળવિદ્દો શનિના (કુલ ૪૦,૦૦૦ પૈકી) ૧૦,૦૦૦ વલયોને ઓળખી શક્યા. શનિના પાંચ મુખ્ય ચંદ્રોની પણ પહેલવહેલી ક્લોઝ-અપ તસવીરો તેમને જોવા મળી. વોયેજરના સ્પેક્ટ્રોમીટરે શનિના ઉપગ્રહ ટાઇટન પર નાઇટ્રોજનનું બનેલું પાંખું વાતાવરણ હોવાની જાણકારી આપી એટલું જ નહિ, પણ સપાટી પર પ્રવાહી મિથેનનો દરિયો ઘૂઘવતો હોવાનું જણાવી નાસાના વિજ્ઞાનીઓને આશ્ચર્યનો વધુ એક સુખદ આંચકો આપ્યો.
■■■
આટલે સુધી વોયેજર બેલડીની અવકાશી સફર લગોલગ રહી. પરંતુ ત્યાર પછી રસ્તા ફંટાયા. વોયેજર-2 સૂર્યમાળાના વધુ બે ગ્રહો પ્રજાપતિ અને વરુણ તરફ વળ્યું. નાસાની યોજના પ્રમાણે વોયેજર-1 અવકાશયાને ગુરુ, શનિ તથા તેમના ચંદ્રોનો અભ્યાસ કરવાનો હતો. આ જવાબદારી પાંચેક વર્ષમાં પૂરી થાય ત્યાર બાદ વોયેજર-1નાં ઓન-બોર્ડ યંત્રોને હંમેશ માટે સ્વિચ ઓફ કરી દેવાનાં હતાં. પરંતુ વોયેજરે અવકાશી સંશોધનના ક્ષેત્રે જે અભૂતપૂર્વ કામગીરી બજાવી તે જોતાં નાસાએ મિશનને લંબાવ્યું. વોયેજર-1ને દૂરના બ્રહ્માંડનો પ્રવાસ ખેડવા મોકલી આપ્યું.
આ તરફ વોયેજર-2 શનિનો વૈજ્ઞાનિક રિપોર્ટ કાઢ્યા પછી આગળ ધપતું લગભગ સાડા ચાર વર્ષે સાતમા ગ્રહ પ્રજાપતિને ‘હેલ્લો!’ કરવા પહોંચ્યું. કાળા અંતરિક્ષમાં નીલા-ભૂરા રંગે ઊઠી આવતા પ્રજાપતિના દસ ઉપગ્રહો તેણે શોધી કાઢ્યા. પ્રજાપતિના વાતાવરણમાં મિથેનના ઘટ્ટ વાદળો જોયાં અને લગભગ ૮૦૦ કિલોમીટર જાડા તે ધાબળા નીચે પાણી તથા પ્રવાહી એમોનિયાનો વિશાળ દરિયો બેસુમાર ગરમી હેઠળ ખદખદતો હોવાનું પણ નાસાના સંશોધકોને જણાવ્યું.
આવો જ સમુદ્ર આઠમા ગ્રહ વરુણ પર પણ હોવાનું વોયેજર-2ને ૧૯૮૯માં જાણવા મળ્યું. વરુણના ઉપલા વાતાવરણમાં મિથેનયુક્ત વાદળો સતત આમથી તેમ ઘૂમરી ખાતાં હતાં. તોફાની દરિયાનું પાણી સતત ઉપરતળે થતું હોય તેમ મિથેનનાં વાદળો અતિશય પવનને કારણે વલોવાતાં હતાં. વોયેજર-2નાં સેન્સર યંત્રોએ સપાટી પર ફૂંકાતા પવનનો વેગ માપ્યોઃ ૧,૯૦૦થી ૨,૦૦૦ કિલોમીટર પ્રતિકલાક! નાસાના વિજ્ઞાનીઅોને ફરી વખત સરપ્રાઇઝ મળ્યું. પૃથ્વી પરથી ટેલિસ્કોપ વડે જોતાં શાંત પ્રકૃતિનો જણાતો વરુણ આટલો તોફાની મિજાજનો હશે એ તેમણે કદાપિ ધાર્યું નહોતું. સંશોધકોના ધાર્યા બહારની બીજી વાતઃ સપાટીએ ફૂંકાતા પ્રચંડ વાવાઝોડાંએ વરુણના વિષુવવૃત્ત નજીક લંબગોળ ચકામું પાડી દીધું હતું, જેમાં કલાકના ૨,૧પ૦ કિલોમીટરની (આપણા સ્વદેશી લડાકુ વિમાન ‘તેજસ’ની સ્પીડ જેટલી) બેસુમાર ઝડપે પવન ફૂંકાતા હતા. આ ચકામું પૃથ્વીવાસી માનવજાત માટે સદીઓ સુધી અજાણ્યું રહ્યું. પરંતુ વોયેજર-2ની કેમેરારૂપી આંખે તેને શોધી કાઢી ખગોળજગતને જ્ઞાનની હજી એક દેણ આપી. આ ઉપરાંત વરુણના અડધો ડઝન ચંદ્રો શોધી આપ્યા તે વધારાનું બોનસ!
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૧૯૭૭માં પૃથ્વી પરથી અંતરિક્ષની અનંત યાત્રાએ નીકળ્યા પછી વોયેજર બંધુએ સૂર્યમાળાના ગુરુ, શનિ, પ્રજાપતિ, વરુણ ગ્રહો તથા તેમના ઉપગ્રહો વિશે માનવજાતના અજ્ઞાનનો અંધકાર દૂર કરી જ્ઞાનક્ષિતિજ અનેકગણી વધારી આપી છે. આ અવકાશી પિંડો વિશે જે થોકબંધ સંકીર્ણ ડેટાની જ્ઞાનગંગા પૃથ્વીને પહોંચાડી તેને શબ્દો-ચિત્રો સ્વરૂપે સમાવવા માટે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાની સાઇઝનાં કમ સે કમ ૧,૦૦,૦૦૦ પુસ્તકો જોઈએ! બાય ધ વે, બ્રિટાનિકાનું દરેક વોલ્યુમ (ગ્રંથ) હજારેક પાનાંનું હોય છે. માહિતીનો આટલો જંગી જેકપોટ આપીને બન્ને અવકાશયાનો આપણી સૂર્યમાળાને છોડીને અત્યારે બાહ્યાવકાશ તરફ ધસી રહ્યા છે. શરૂઆતમાં નોંધ્યું તેમ કલાકના હજારો કિલોમીટરની ગતિએ આપણાથી દૂર જઈ રહ્યા છે. બન્ને યાનમાં નાસાના સંશોધકોએ મૂકેલી પ્લૂટોનિયમની અણુભઠ્ઠી હજી કાર્યરત છે, જેની ઊર્જા વડે યાનનાં કેટલાંક વીજાણું યંત્રો શ્વાસ લઈ રહ્યાં છે.
■■■
આ છે વોયેજર યાનોની કલ ઔર આજ! લેખનું સમાપન કરતા પહેલાં તેમની આવતી કાલ કેવી હશે તે પણ જાણી લઈએ? લગભગ ૩૦૦ વર્ષ પછી બન્ને અવકાશી પંથીઓ ધૂમકેતુઅોના પડાવ ગણાતા ઊર્ટના વાદળમાં પ્રવેશ કરશે. બ્રહ્માંડમાં એ વાદળનો સાથરો એટલો બધો ફેલાયેલો છે કે કલાકના હજારો કિલોમીટરની સ્પીડે પણ તેને પાર કરતાં ૩૦,૦૦૦ વર્ષ નીકળી જવાનાં છે. આ લાંબી યાત્રા પછી બીજાં ૧૦,૦૦૦ વર્ષે વોયેજર-1ની મુલાકાત Gliess445 નામના તારા જોડે થવાની છે, જ્યારે વોયેજર-2નો ભેટો Ross 248 તરીકે ઓળખાતા તારા સાથે થશે. પૃથ્વી પરથી જોવા મળતા સૌથી તેજસ્વી અવકાશી તારામાં Sirius/ વ્યાધનું નામ મોખરે છે. વોયેજર-2 આજથી ૨,૯૬,૦૦૦ વર્ષ પછી વ્યાધ નજીકથી પસાર થવાનું છે. આ બન્ને અવકાશયાનો દૂધગગામાં અંતે ક્યાં જાય તે કોણ જાણે, પણ એટલું જાણી લો કે માનવજાતનું અસ્તિત્વ નાબૂદ થયા પછીયે વોયેજરની સફર ચાલુ રહેવાની છે. કારણ કે અફાટ અવકાશનો પથ ખૂટ્યો ખૂટવાનો નથી. આ છે બ્રહ્માંડની વિશાળતા, જેની સામે આપણી સૂર્યમાળા ટાંકણીના ટોપકા બરાબર પણ નથી. પૃથ્વીનો ગોળો રજકણ બરાબર પણ નથી. તો કાળા માથાના માનવીની તો બ્રહ્માંડમાં શી વિસાત?