કાગળની એક ચબરખીમાં બસેં પાડા
- સરદાર @ 150-હસિત મહેતા
- વલ્લભભાઈ 'સરદાર' બની ગયા પછી વડોદરાની શાળાના હેડમાસ્તર નરવણે સાહેબ ગર્વથી કહેતા 'વલ્લભભાઈ મારા હાથ નીચે ભણતા હતા'
- મને બીજું કંઈક લખવાનું કહ્યું હોત તો ઠીક હતું, પણ આંક લખવાની શિક્ષા તો મને હલકો પાડવા માટે જ છે. એ લખતો જોઈને મને સૌ મૂરખ જ ગણે.'
અં ગ્રેજીમાં પાવરધા થવા માટે સરદાર મેટ્રિકનો અભ્યાસ કરવા નડિયાદ છોડીને વડોદરાની હાઈસ્કૂલમાં ગયા તો ખરાં, પરંતુ ત્યાં (વડોદરે) કોઈ માસ્તરને ભણાવતાં જ આવડતું નથી' એવું કહીને ગણત્રીના દિવસોમાં તેઓ પાછા નડિયાદની હાઈસ્કૂલમાં પરત ફર્યા હતા. નડિયાદમાં મામા ડુંગરભાઈ દેસાઈએ એમને વારે-વારે શાળાની આવી અદલાબદલી કરવા માટે ટોક્યાં ય ખરાં, પરંતુ દ્રઢ પ્રકૃતિવાળા સરદાર બીજાની વાત કે સલાહ માને તેવા ક્યાં હતા? વળી મામા ડુંગરભાઈ સાથે રીસામણાં-મનામણાં તો એમના કાયમી જ હતા. એકવાર કોઈક કારણથી તેમને મામા ઉપર આકરી રીસ ચઢેલી. હશે કોઈ નાની વાતનો અણગમો, પરંતુ વલ્લભભાઈ તો પહેલેથી જ આકરાં અને ધાર્યા નિર્ણયો કરનારા હતા. વિદ્યાર્થીકાળે જ તેમની આવી પ્રકૃતિએ અનેક પરચાઓ બતાવ્યાં જ હતા. તેમાંથી મામા ડુંગરભાઈને પણ બાકાત નહોતા રાખ્યાં.
બન્યું હતું એવું કે એવી કોઈક રીસને કારણે વલ્લભભાઈએ મામા બહારગામ ગયાની તક જોઈને તેમનાં ખેડૂતને બોલાવ્યો, અને ફરમાન કર્યું કે 'મામાનો કાગળ આવ્યો છે, પેલી દોઢ વીઘું તમાકુ કાપી લેવાની છે.' અબૂધ ખેડૂતને તો આ મામા-ભાણાની ભાંજગડનો ક્યાંથી ખ્યાલ હોય? એણે તો પેલા દોઢ વીઘાં ખેતરની મહામૂલી તમાકુ પ્રિમેચ્યોર જ કાપી નાંખી. તમાકુનું એવું કે એક વખત ખોટા સમયે કપાઈ જાય પછી તે કશા કામમાં આવે નહીં. પેલા મામાને તેથી મોટું નુકશાન થયું, પરંતુ ભાણાભાઈને રીસ ઉતાર્યાનો સંતોષ થયો.
વડોદરાની સ્કૂલ છોડીને કેમ પાછા આવ્યાં, એવા સવાલોથી અકળાયેલા સરદારની અકળામણ પણ સાચી જ હતી, કારણ કે ત્યાંના માસ્તર છોટાલાલ નરભેરામ ભટ્ટે અને પછી ગણિતના બીજા એક શિક્ષકે સાવ શૂલ્લક કારણથી વિદ્યાર્થી વલ્લભભાઈને જે સજાઓ ફરમાવી હતી, એ કાંઈ ઓછી નહોતી.
શાળામાં ત્રીજા દિવસે માસ્તર છોટાલાલ ભટ્ટે સરદારને 'બોલો, (વલ્લભ) પાડા લખી લાવ્યાં કે નહીં' એમ કરડાઈથી પૂછયું, અને સરદારે નનૈયો ભણ્યો. પેલા કોપાયમાન શિક્ષકે તેમને બેવડી સજા ફટકારી. વલ્લભભાઈ જેનું નામ, તે છેલ્લી પાટલીએ આખો દિવસ ખડે ઊભા પગે તો રહ્યાં, પરંતુ બસો પાડા તો લખી લાવ્યા જ નહીં. બીજી સવારે આ રોષે ભરાયેલી બાબત ચરમસીમાએ પહોંચી. થયું એમ કે સરદારે એક નાનકડી ચબરખીમાં મોટા અક્ષરે લખી નાખ્યું કે 'બસેં પાડા'. પછી જેવું શિક્ષકે આ સજાલેસન માંગ્યું કે તુરત જ એમણે આ ચબરખી પેલા શિક્ષકના મોઢા સામે ધરતાં કહ્યું કે 'લો, આ લખ્યું, બસેં પાડા'. પોતાના માટે આ ઘોર અપમાન સમજીને છોટાલાલે વલ્લભભાઈને હેડમાસ્તર નરવણે સાહેબની ઓફિસમાં રજૂ કર્યા. ત્યાં પહોંચીને હેડમાસ્તર કોઈ ખુલાસો પૂછે એ પહેલાં સરદાર પટેલે સામેથી જ એમને કહેવા માંડયું કે 'સાહેબ, તોછડાઈ માટે મને શિક્ષા થઈ તે મેં માની લીધી અને બાંકડા ઉપર ઊભો રહ્યો. મેં બીજું કશું કર્યું નથી, તેથી વધારાની શિક્ષા ગેરવ્યાજબી છે. વળી હું છઠ્ઠી અંગ્રેજી ધોરણનો વિદ્યાર્થી છું. છ સાત વરસનાં છોકરાઓ (તે વખતે સરદારની ઉંમર ૧૮ વર્ષ ઉપરની હતી) લખે તેવા આંકના પાડા લખવાની શિક્ષા થાય તે મને મારું અપમાન લાગે છે. મને બીજું કંઈક લખવાનું કહ્યું હોત તો ઠીક હતું, પણ આંક લખવાની શિક્ષા તો મને હલકો પાડવા માટે જ છે. એ લખતો જોઈને મને સૌ મૂરખ જ ગણે.'
હેડમાસ્તર નરવણેએ સરદારની આ ધારદાર દલીલો શાંતિથી સાંભળી, તેમણે વળતો જવાબ શું આપ્યો તે ક્યાંય નોંધાયું નથી. પરંતુ એ વાત નક્કી છે કે તેમણે સરદારને શિક્ષકની આમન્યા રાખવા સમજાવ્યાં અને ફરીવખત આવી ઉદ્ધતાઈ થાય તો કાઢી મૂકવાની ધમકી આપી, પરંતુ છોટાલાલ માસ્તરે ફટકારેલી સજામાંથી તો વલ્લભભાઈને મુક્તિ જ આપી.
સરદારના અવતારકાર્ય સમા જીવનમાં ખેડા સત્યાગ્રહ હોય, દાંડીકૂચ હોય, બારડોલી હોય, બંધારણ સભા હોય કે રાજ્યોના એકત્રિકરણની કપરી કામગીરી હોય, દરેકમાં પોતાની ધારદાર રજૂઆત અને સત્યનિષ્ઠ અભિગમને અંતે સફળતા કે વિજય મળવાની સિદ્ધિની પછવાડે વડોદરા સ્કૂલનો આ નાનકડો પ્રસંગ બીજરૂપ છે, એમ જરૂર આપણે સમજી શકે.
એ સ્કૂલમાં બસે પાડાના આ કડવા અનુભવનાં પડઘમ હજુ તો શાંત નહોતા પડયાં ત્યાં બીજા એક ગણિતના શિક્ષક જોડે પણ સરદારને માથાકૂટ થયેલી. બીજગણિતનાં એક દાખલામાં શિક્ષક અટવાયાં ત્યારે સરદારે ક્લાસમાં જ એમને ટકોર્યા હતા. તેથી પેલા શિક્ષકે રોષે ભરાઈને કહેલું કે 'તું ગણી આપ અને મારા બદલે માસ્તર થઈ જા.' સરદારે આ ચેલેન્જ સ્વીકારીને પેલો દાખલો સાચી રીતે ગણી બતાવેલો અને થોડો વખત માસ્તરની ખુરશી ઉપર પણ બેઠા હતા. ફરીથી હેડમાસ્તર નરવણે આગળ રજૂ કરાયેલા વિદ્યાર્થી વલ્લભભાઈએ સચોટ દલીલ કરી કે 'મેં તો મારા શિક્ષકના કહેવા મુજબ જ બધુ કર્યું છે.' ફરીથી તેમને વર્તન ના સુધરે તો કાઢી મૂકવાની ચેતવણી મળેલી. પરંતુ વડોદરાની એ સ્કૂલથી કંટાળેલા સરદારે જ સામે ચાલીને તેને છોડી દીધી અને નડિયાદની ગર્વમેન્ટ હાઈસ્કૂલમાં પોતાનો મેટ્રિક અભ્યાસ શરૂ કરવા પાછા વળી ગયા.
પાછલી અવસ્થાએ વડોદરાના એ છોટાલાલ નરભેરામ માસ્તર તો પોતાના આ વિદ્યાર્થીને મહાપુરુષ તરીકે જોવા ઝાઝું રોકાયાં નથી, પરંતુ હેડમાસ્તર નરવણે તો અનેક વખત ગર્વથી કહેલું છે કે 'વલ્લભભાઈ મારા હાથ નીચે ભણતાં હતા.'