નચિકેતાને એના પિતાએ કહ્યું, હું તને યમને દાનમાં આપીશ
- જાણ્યું છતાં અજાણ્યું : મુનીન્દ્ર
- સામાન્ય રીતે વ્યક્તિનું સ્થૂળ શરીર નષ્ટ થયા પછી એ યમ પાસે આવતો હોય છે, પણ અહીં નચિકેતા એ સ્થૂળ શરીર સહિત યમરાજના દ્વાર પર પહોંચી ગયો...
ઉપનિષદોની અધ્યાત્મપૂર્ણ સૃષ્ટિમાં પ્રવેશ કરીએ, ત્યારે રામાયણ કે મહાભારત જેવાં મહાકાવ્યો કરતાં તદ્દન ભિન્ન પ્રકારનો અનુભવ થાય છે.
રામાયણ કે મહાભારતની કથા કે ઉપનિષદમાં આવતી કથાઓ વચ્ચે એક મૂળભૂત ભેદ છે. રામાયણમાં મહાકવિ વાલ્મિકીએ રામના જીવનની સમગ્ર ઘટનાઓ નીરખ્યા પછી એ કૃર્તિની રચના કરી છે. એ જ રીતે મહાભારતમાં પણ પાંડવો અને કૌરવોની ઘટના પછી એ કથા લખાઈ છે. આ રીતે એક ઘટના બની ગયા પછી એની કથા કે એનાં ચરિત્રો આમાં આલેખાયાં છે.
આ સંદર્ભમાં ઉપનિષદોની વિશેષતા વિશે ચિંતન કરતાં કુમારપાળ દેસાઈ કહે છે કે ઉપનિષદમાં આવતી કેટલીક કથાઓમાં જેનાં ચરિત્રોના આલેખન થયાં છે, તેઓ એનાં લેખનપૂર્વે થઈ ગયા હોવાનું નિશ્ચિત નથી. આનું કારણ એ છે કે વેદ અને ઉપનિષદ એ અનાદિ છે અને અનાદિ હોવાથી એ કોઈ સર્જકનું સર્જન નથી. આથી એમાં આવતી કથાઓ તે એના ગહન વિષયને પ્રગટ કરવા માટે રચાયેલી છે, આથી આ કથાઓ કાલ્પનિક છે.
ઉપનિષદની આવી કથાઓમાં કઠોપનિષદ્નું નચિકેતાનું પાત્ર સદૈવ આકર્ષતુ રહ્યું છે. આ નચિકેતાની કથા એ છે કે એ વાજશ્રવસ નામના ઋષિનો એ પુત્ર હતો અને એ ઋષિએ વિશ્વજિત યજ્ઞા કર્યો હતો. આ યજ્ઞા કાર્ય કરનારાઓ (ઋત્વિજો) ને દક્ષિણામાં ગાયો દાન રૂપે આપવામાં આવતી હતી. યજ્ઞાનું પ્રધાન અંગ દક્ષિણા ગણાય છે અને જો ઉચિત રૂપે દક્ષિણા આપવામાં આવે નહીં, તો યજ્ઞાનું યોગ્ય ફળ પ્રાપ્ત થતું નથી.
બન્યું એવું કે વાજશ્રવસ ઋષિ બ્રાહ્મણોને દક્ષિણામાં ગાયોનું દાન આપતાં હતા, પરંતુ એ ગાયો એવી હતી કે જે મૃત્યુને આરે ઉભેલી હતી. એવી ગાયો હતી કે જેમનું બધું જ દૂધ દોહવાઈ ગયું હતું અને સાવ કૃશ થઈ ગઈ હતી, કેટલીક ગાયોએ તો છેલ્લીવાર પાણી પીધું હતું.
ઋષિ પિતાની આવી મનોવૃત્તિ જોઈને બાળક નચિકેતાને અકળામણ થાય છે. નચિકેતા વિચારે છે કે આવા પ્રકારની દાન-દક્ષિણા યોગ્ય ગણાય નહીં. પોતાને ઉપયોગી નથી એવી ગાયો બીજાને આપી દેવી, તેમાં દક્ષિણાની ભાવનાનું ખંડન થાય છે.
અહીં સંકેત એ છે કે દાન એવી વસ્તુનું આપવું જોઈએ કે જેનું સ્વયં દાન આપનારના જીવનમાં મૂલ્ય હોય. એ દાન એ વ્યક્તિને ઉપયોગી બની શકે તેવું હોય. પોતાને ઉપયોગી હોય તેવી સંપત્તિનું દાન આપવું તે જ દાન ગણાય. નચિકેતાએ વાજશ્રવસ ઋષિ વિચાર્યું કે સાચા દાનથી વ્યક્તિને સુખ અને આનંદ પ્રાપ્ત થાય છે, પણ જો દાનની ભાવના સાચી ન હોય તો એના હૃદયમાં આવી દાન-દક્ષિણાથી કોઈ આનંદ પ્રગટતો નથી. વળી, બીજી વાત એ છે કે જ્યારે યજ્ઞા કરીને દાન આપવામાં આવે, ત્યારે એનો મહિમા ઘણો વિશેષ છે. સામાન્ય રીતે અપાતું દાન અને યજ્ઞા પછી અપાતું દાન એ બન્ને વચ્ચે ઘણો તફાવત છે, ત્યારે યજ્ઞા બાદ અપાતા દાનનો વિશેષ મહિમા કરવામાં આવ્યો છે.
વળી બાળક નચિકેતાએ વિચાર કર્યો કે મારા પિતાશ્રીએ આવો વિશ્વજિત યજ્ઞા કર્યો , પરંતુ તેમના અપૂર્ણ ત્યાગને કારણે પિતાને કોઈ અનિષ્ટ પરિણામ ભોગવવું તો નહીં પડે ને ? અહીં બાળક નચિકેતાની પ્રબળ પિતૃભક્તિ પ્રગટ થાય છે અને એ પોતાની જાતને અર્પણ કરીને ભવિષ્યના આવા અમંગલને દૂર કરવા પ્રયાસ કરે છે.
એ જાણે છે કે આવી ગાયો આપવાથી તો એના પિતાને સ્વર્ગલોક તો નહીં મળે અને એને બદલે સુખ અને આનંદરહિત નરકલોક મળશે. હું પુત્ર છું. એવા ભાવથી નચિકેતાએ એના પિતા પુ નામનું નરક પામે નહી, એ માટે એમની રક્ષા કરવાના હેતુથી પિતાને સાચી વાત કહી. પિતા પાસે જઈને નચિકેતાએ દાનના મર્મને પ્રગટ કર્યો. દાનનો અંતિમ હેતુ એ છે કે જેનાથી ધર્મ પેદા થાય. જો દાન આપવાથી ધર્મ પેદા થતો ન હોય, એનો કશોય અર્થ નથી. એણે કહ્યું કે અન્યને સહેજે ઉપયોગી બને નહીં એવું દાન આપવાથી ધર્મ પેદા થયો નથી, બલકે અધર્મ થાય છે. જે દાન લેનારને દુઃખનો હેતુ બને, તે દાન આપનારને માટે દુઃખદાયી બને છે.
નચિકેતાના વક્તવ્યમાં દાન અને ધર્મ વિશેની સમજ ઉપરાંત પિતૃભક્તિ દષ્ટિગોચર થાય છે અને એથી જ એણે પિતાને આવી હિન ભાવનાથી થતાં હીન કક્ષાના દાનથી રોકવા માટે અદ્ભુત પ્રશ્ન કર્યો. આ પ્રશ્ન એ નચિકેતાના ચરિત્રની ભવ્યતા ઉજાગર કરે છે. એ એના પિતાને કહે છે : હે પિતા ! મને કોને દક્ષિણામાં આપશો ? એનો અર્થ એ હતો કે જો હું મારા શરીરનું દાન કરાવું, તો મારું પુત્રપણુ સાર્થક બને. આની પાછળ પ્રચ્છન્ન રીતે નચિકેતાએ સાર્થક દાનનો મહિમા પ્રગટ કરી આપ્યો. આમ બાળક નચિકેતાના દાન અને શ્રદ્ધા બન્ને અહીં પ્રગટ થયાં, પરંતુ નચિકેતાના પિતા વાજશ્રવસ ઋષિએ પુત્રના આવા પ્રશ્નનો કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં.
એમણે માન્યું કે એક તો આ બાળક છે અને વળી સાવ મુર્ખ જેવો પ્રશ્ન કરે છે. આથી એને ઉત્તર આપવા કરતાં એની અવગણના કરવી જ યોગ્ય ગણાય. નચિકેતાએ ફરી બીજી વાર પિતાને પ્રશ્ન કર્યો અને પિતાએ પુનઃ એની અવજ્ઞાા કરી. ત્યારબાદ ત્રીજી વાર બાળક નચિકેતાએ ઋષિને પૂછયું, ત્યારે ઋષિના ગુસ્સાનો પાર ન રહ્યો. એમણે વિચાર્યુ કે આ બાળક કેવો વિચિત્ર પ્રશ્ન કરે છે. યજ્ઞામાં બ્રાહ્મણોને ગાયો અર્પણ કરનાર હોય, પણ પોતાના પુત્રને કોઈ અર્પણ કરે ખરો ? અને છતાં નચિકેતા વારંવાર મને કોને અર્પણ કરશો ? એમ પૂછે છે.
ગુસ્સે ભરાયેલા પિતાએ નચિકેતાને કહ્યું, ઊંરૂેપ્શ્નય ેશ્ન્ ્ઊંફેં।ળ (હું તને યમને દાનમાં આપીશ). પિતાના આ શબ્દોએ નચિકેતાને વિચારમાં ડુબાડી દીધો.
એની પિતૃભક્તિ એમ કહેતી હતી કે કોઈપણ સંજોગોમાં એ પિતાનું વચન ઉથાપશે નહીં અને એમણે કહ્યું તે પ્રમાણે દાનમાં યમરાજને એ આહૂતિ રૂપે અપાયો છે. પોતાના પૂર્વના પુણ્ય અને તપશ્ચર્યાથી તેમજ ભક્તિબળના પ્રભાવથી નચિકેતા યમ દ્વાર પાસે પહોંચી ગયો.
સામાન્ય રીતે વ્યક્તિનું સ્થૂળ શરીર નષ્ટ થયા પછી એ યમ પાસે આવતો હોય છે, પણ અહીં નચિકેતા એ સ્થૂળ શરીર સહિત યમરાજના દ્વાર પર પહોંચી ગયો. પિતાના વચનમાં શ્રદ્ધા રાખનાર નચિકેતા જ્યારે યમરાજના દ્વાર પર પહોચ્યો, ત્યારે યમરાજ પોતે પોતાના ઘેર નહોતા. પિતાના શબ્દો સાર્થક કરવા માટે નચિકેતા યમરાજ ઘેર નથી એમ વિચારીને ઘરે પાછો ફર્યો નહી, પરંતુ પ્રતીક્ષા કરવા લાગ્યો. અહીં ભોજન તો ક્યાંથી મળે ? આથી ભૂખ્યો-તરસ્યો નચિકેતા ત્રણ-ત્રણ દિવસ સુધી યમરાજના બારણે ઉભો રહ્યો. એ પછી ત્રીજે દિવસે જ્યારે યમરાજ પોતાના ઘેર પાછા આવ્યા, ત્યારે એમના પત્ની અને મંત્રીઓએ કહ્યું કે અગ્નિરૂપી અતિથિ ત્રણ દિવસથી આપણા દરવાજે ભૂખ્યો ઉભો છે. તેથી સૌપ્રથમ એની શાંતિ કરો. એના પાદપ્રક્ષાલન માટે જળ લાવો. અતિથિનો આદર સદૈવ કરવો જોઈએ અને અતિથિનો અનાદર એ શુભ કર્મોનો નાશક છે, આથી અતિથિ સત્કાર માટે યમરાજ તૈયાર થાય છે.
તેઓ નચિકેતા પાસે ગયા અને એમને કહ્યું કે મારે ત્યાં તમે ત્રણ રાત્રિ સુધી ભોજન વિના ભૂખ્યા રહ્યા, એ દોષનું મારે કોઈપણ સંજોગોમાં નિવારણ કરવું જોઈએે. આને માટે તમે ત્રણ વરદાન માગી લો.
ઉત્કૃષ્ટ ધર્મભાવના ધરાવતા બાળક નચિકેતાની પિતૃભક્તિ દ્રષ્ટાંત-રૂપ છે અને આથી એણે આ ત્રણ વરદાન માગતી વખતે પહેલું વરદાન એ માગ્યું કે એના પિતાનો ગુસ્સો ઉતરી જાય અને પૂર્વે જેવો સ્નેહ દાખવતા હતા એવો જ સ્નેહ દાખવે. એના પિતા શાંત સંકલ્પવાળા બને અને નચિકેતા પર એમનો સહેજે ક્રોધ રહે નહીં, એટલું જ નહીં, પણ યમલોકમાં પાછા ફર્યા બાદ એમની સાથે પહેલા જેવું પ્રસન્નતાભર્યું વર્તન કરતાં હતા એવી જ પ્રસન્નતા પોતાના પ્રત્યે દાખવે, પરંતુ આની સાથે નચિકેતાએ એક બીજી માગણી કરી અને તે એ કે એના પિતા જે યજ્ઞા કરે છે, તે યજ્ઞાનું ફળ એટલે કે સ્વર્ગ એમને મળે.
આમ, નચિકેતાએ માગેલા ત્રણ વરદાનમાં પહેલું વરદાન એ એની ઉત્કૃષ્ટ પિતૃભક્તિ દર્શાવે છે અને એથીય વધારે આ યજ્ઞા દ્વારા પોતાના પિતાને સ્વર્ગ પ્રાપ્ત થાય એટલે કે સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત થાય એ ભાવના પ્રગટ થાય છે. પછી નચિકેતા બીજું વરદાન માગે છે. (ક્રમશઃ)