દુનિયાની વસતિ 800 કરોડ : ધરતી કેટલાં માણસોનો ભાર ખમી શકશે?
- સાઈન-ઈન : હર્ષ મેસવાણિયા
- સંયુક્ત રાષ્ટ્રસંઘના કહેવા પ્રમાણે બે દિવસ પછી ૧૫મી નવેમ્બરે દુનિયાની વસતિ ૮૦૦ કરોડે પહોંચી જશે. છેલ્લાં ૧૨ વર્ષમાં ૧૦૦ કરોડ માથા ઉમેરાયા
વસતિવધારો. આ એક શબ્દમાં દુનિયાની મોટાભાગની સમસ્યાના મૂળિયા છે. બેરોજગારીથી લઈને ભૂખમરો, કુદરતી હોનારતોથી લઈને ક્લાઈમેટ ચેન્જ સુધીના પડકારો વિકરાળ મોં ફાડીને સામે ઊભા છે એની પાછળ દુનિયાની વસતિમાં સતત થઈ રહેલો વધારો સૌથી મોટું પરિબળ છે. વસતિને નિયંત્રિત કરવાના અનેક પ્રયાસો થયા છે છતાં વસતિમાં ઝડપભેર થઈ રહેલો વધારો ઘટવાનું નામ લેતો નથી.
સતત વસતિ વધારા વચ્ચે વધુ એક પડાવ આવી પહોંચ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના કહેવા પ્રમાણે ૧૫મી નવેમ્બરે દુનિયાની વસતિ ૮૦૦ કરોડે પહોંચી જશે. સંયુક્ત રાષ્ટ્રસંઘની વેબસાઈટમાં તો તેનું કાઉન્ટડાઉન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. પૃથ્વી પર દરરોજ સરેરાશ ૩,૮૫,૦૦૦ બાળકોનો જન્મ થાય છે. સુપર કમ્પ્યુટરની મદદથી દુનિયાભરમાં જન્મતા બાળકોના આંકડાંનો અભ્યાસ કરીને સંયુક્ત રાષ્ટ્રસંઘે આ અંદાજ બાંધ્યો છે. એમાં થોડા દિવસ વહેલાં-મોડું થઈ શકે છે, પરંતુ ૨૦૨૨ના અંતે કે ૨૦૨૩ની શરૂઆતમાં દુનિયાની વસતિ ૮૦૦ કરોડ હશે એમાં બે મત નથી.
* * *
દુનિયાની વસતિ ૧૮૦૪માં ૧૦૦ કરોડે પહોંચી હતી ને ૧૯૨૭માં ૨૦૦ કરોડના આંકડાંને સ્પર્શ થયો હતો. આનો કોઈ ચોક્કસ ડેટા અવેલેબલ નથી, પરંતુ અહેવાલો પ્રમાણે દુનિયાની વસતિને ૧૦૦થી ૨૦૦ કરોડ થતાં ૧૨૩ વર્ષનો સમય લાગ્યો હતો. એના ૩૩ વર્ષ પછી ૧૯૬૦માં વિશ્વની વસતિ ૩૦૦ કરોડે પહોંચી ગઈ હતી. દુનિયાભરના ચિંતકો અને પૉલિસી મેકર્સ હજુ કોઈ સ્ટ્રેટેજી બનાવે અને તેનો પ્રચાર કરે ત્યાં સુધીમાં વસતિ ઝડપભેર વધીને ૧૯૭૪માં ૪૦૦ કરોડને પાર થઈ ગઈ હતી. વસતિના વધારાને ૩૦૦થી ૪૦૦ કરોડ થતાં માત્ર ૧૪ વર્ષ લાગ્યા હતા.
વસતિ નિયંત્રણના ગ્લોબલ પ્રોગ્રામ્સ લોંચ થયા, ભારત-ચીન સહિતના દેશોએ વસતિ નિયંત્રણની પૉલિસી બનાવી. જે દેશોમાં સર્વાધિક વસતિ વધતી હતી એમાં યુએન સહિતના વૈશ્વિક સંગઠનોએ જાગૃતિ ઝુંબેશ ચલાવી. એક તરફ એકથી એક યોજનાઓ ઘડાતી હતી ને બીજી તરફ વસતિવધારાનું સ્કોરબોર્ડ અવિરત ફરતું હતું. પૉલિસી લાગુ થઈ રહી ત્યાં સુધીના ૧૨ વર્ષમાં પૃથ્વી પર વધુ ૧૦૦ કરોડ માથાં ઉમેરાઈ ગયાં. ૧૯૮૭માં ૫૦૦ કરોડે પહોંચેલી વસતિ એટલી જ ઝડપથી ૧૯૯૯માં ૬૦૦ કરોડના આંકડે જઈને ઊભી રહી.
૧૯મી સદીમાં દુનિયાની વસતિ એક કરોડ વધી હતી. ૨૦મી સદીમાં અભૂતપૂર્વ વસતિ વધારો થયો ને એક જ સદીમાં દુનિયાના પોપ્યુલેશનમાં ૪૦૦ કરોડનો ધરખમ ઉમેરો થઈ ચૂક્યો હતો. દુનિયાભરના પૉલિસી મેકર્સ કામે વળગી ગયા હતા. એ પૉલિસી મેકર્સની બીજી જનરેશન આવી ચૂકી હતી પણ વસતિનો વધારો નિયંત્રિત થતો ન હતો. ઓક્ટોબર-૨૦૧૧ સુધીમાં વધુ ૧૦૦ કરોડ માથાં ઉમેરાઈને આંકડો ૭૦૦ કરોડ થયો હતો.
વસતિવધારાનું આ એક એવું ચક્ર ચાલું થઈ ચૂક્યું હતું, જેને અંકુશમાં લાવવા માટે દાયકાઓનો સમય ઓછો પડે તેમ હતો. ૧૯૬૦માં માત્ર ૩૩ વર્ષમાં વસતિ ૧૦૦ કરોડ વધીને ૩૦૦ કરોડ થઈ ત્યારે તાકીદના પગલાં ભરવાના હતા, પરંતુ એ વખતે દુનિયાનું ફોકસ અન્ય દિશામાં કેન્દ્રિત થયું હતું. વસતિ નિયંત્રિત કરવા કરતાં શક્તિશાળી દેશો અમેરિકા-રશિયા વચ્ચે ચાલતા સ્પેસવૉર અને કોલ્ડવૉરમાં અટવાયેલા હતા. પેટ્રોલિયમ પોલિટિક્સથી લઈને નાના-નાના દેશોને પોતાની પાંખમાં લાવવાની કવાયતોમાં આ મહાસત્તાઓની શક્તિ વેડફાતી હતી.
ને નવા નવા આઝાદ થયેલા ભારત જેવા અસંખ્ય દેશો એ દિશામાં પગલાં ભરે ત્યાં સુધીમાં વસતિ ઝડપભેર વધી ગઈ હતી. આ દેશોમાં શિક્ષણ પહોંચે અને જાગૃતિ આવે એમાં દશકા વીતી જવાના હતા, ત્યાં સુધીમાં જે વસતિ ઉમેરાઈ જવાની હતી એ પણ ભવિષ્યના વસતિવધારામાં યોગદાન આપવાની હતી! દુનિયાની વસતિ ૪૫૦-૫૦૦ કરોડે પહોંચી ત્યારે પોપ્યુલેશનના ૪૦-૪૫ ટકાની વય ૨૦થી ૨૭ વર્ષ હતી. એ યુવાપેઢી પૉલિસીનું પાલન કરે તેમ છતાં એક એડલ્ટ દીઠ વસતિમાં એક બાળક ઉમેરાય તોય ૨૦મી સદીના અંત સુધીમાં કે ૨૧મી સદીના શરૂઆતના દશકામાં બીજાં ૨૦૦-૨૫૦ કરોડ માથા ઉમેરાય તે નક્કી હતું. ને એવું જ થયું. ૧૯૫૦માં ૨૫૦ કરોડની વસતિ હતી તે વધીને ૨૦૦૦માં ૬૦૦ કરોડને પાર થઈ ગઈ હતી. ૨૦૧૧માં વસતિ ૭૦૦ કરોડે પહોંચી ત્યારે જ અંદાજ બાંધવામાં આવેલો કે હવે ૨૦૨૨માં આંકડો ૮૦૦ કરોડ થશે. એ દિવસ નજીક આવી ગયો છે ત્યારે સવાલ એ છે કે ધરતી વધુમાં વધુ કેટલા માથાંનો બોજ ખમી શકશે?
* * *
થોમસ મેથ્યૂસ નામના અમેરિકન અર્થશાસ્ત્રી અને ફિલોસોફરે ૧૮મી સદીના છેલ્લાં દશકામાં પહેલી વખત વસતિવધારાના કારણે આવી પડનારા સંભવિત પડકારોના નિબંધમાં લખ્યું હતુંઃ 'ભવિષ્યમાં વસતિ એટલી વધી જશે કે માનવજાતના નિર્વાહ માટે અનિવાર્ય ચીજવસ્તુઓ પૃથ્વી પૂરી પાડી શકશે નહીં. તેનાથી કોઈને કોઈ કારણે અપમૃત્યુનું પ્રમાણ વધી જશે'.
૧૯મી સદીમાં થોમસ મેથ્યૂસના આ શબ્દો તરફ ભાગ્યે જ કોઈએ ધ્યાન આપ્યું, પરંતુ ૨૦મી સદીના બીજા હાફમાં આ શબ્દો દુનિયાભરના વિજ્ઞાાનિકો-વિચારકોને સાચા લાગ્યાં. વસતિવધારા પછી દુનિયામાં એક પછી સમસ્યા વિકરાળ બનતી જતી જોઈને વિજ્ઞાાનિકોને એક મહત્ત્વનો સવાલ થયોઃ પૃથ્વી વધુમાં વધુ કેટલા મનુષ્યોનો ભાર વેંઢારી શકશે?
હાર્વર્ડ યુનિવર્સિટીના સોશિયો-બાયોલોજિસ્ટ એડવર્ડ વિલ્સને ૨૦૦૨માં આ ચર્ચા છેડી હતી. પૃથ્વીમાં ઉપલબ્ધ સંસાધનોના જથ્થાનો અભ્યાસ કરીને એ કેટલા લોકોનો નિભાવ કરી શકે તેમ છે? એ સવાલનો જવાબ એડવર્ડ વિલ્સને 'ધ ફ્યૂચર ઓફ લાઈફ' નામના પુસ્તકમાં શોધવાની કોશિશ કરી હતી. પાણીનો જથ્થો, પૃથ્વીની અનાજ ઉત્પાદન ક્ષમતા, પક્ષી-પ્રાણી અને જંગલ માટે ફાળવેલા હિસ્સા પછી માણસને રહેવા માટે મળતો ભૂભાગ, રોજગારીની તકો, માનવ ઉત્સર્જિત કાર્બન વગેરેનો અભ્યાસ કરીને તેમણે તારણ રજૂ કરતા કહ્યું હતુંઃ વસતિ ૧૦૦૦ કરોડને પાર થઈ જશે પછી પૃથ્વી માનવીની જરૂરિયાત પૂરી કરી શકશે નહીં.
કેનેડિયન - અમેરિકન ઈકોલોજિસ્ટ રોબર્ટ મેકઆર્થરનું ૧૯૭૨માં અવસાન થઈ ગયું હતું, પરંતુ તે પહેલાં વસતિવધારાની સ્થિતિ જોઈને તેમણે કહ્યું હતું કે પૃથ્વી ૭૦૦-૮૦૦ કરોડ લોકોનો નિભાવ કરી શકે તેમ છે અને એ સમય ૨૧મી સદીના મધ્યભાગમાં આવી જશે. હકીકત એ છે કે ૨૧મી સદીના પ્રથમ દશકામાં જ દુનિયાની વસતિ ૭૦૦ કરોડે પહોંચી ગઈ હતી. એ રીતે મેકઆર્થરે નક્કી કરેલી લિમિટ ક્રોસ થઈ ગઈ છે.
બ્રિટિશ ઈકોલોજિસ્ટ જ્યોર્જ એવલિન હટ્ચીસને એવું તારણ રજૂ કર્યું હતું કે પૃથ્વી વધુમાં વધુ ૧૧૦૦થી ૧૨૦૦ કરોડ લોકોનો ભાર વહન કરી શકશે. વિશાળ વસતિના કારણે પૃથ્વીના રિસોર્સ ખૂટી પડશે અને તેનાથી હોનારતોનું પ્રમાણ અણધાર્યું વધી જશે. ૨૦મી સદીના અંતે અને ૨૧મી સદીની શરૂઆતમાં આ વિષય પર ઘણી ચર્ચા થઈ, ઘણાં અહેવાલો અને તારણો રજૂ થયા. એમાંથી મોટાભાગના અહેવાલોમાં કહેવાયું છે કે પૃથ્વી ૧૦૦૦ કરોડથી વધુમાં વધુ ૧૬૦૦ કરોડની વસતિનો ભાર ખમી શકશે.
વેલ, એ દિવસો દૂર નથી જ્યારે પૃથ્વી પર ૧૦૦૦ માથાં વિહરતા હશે! ૨૦૨૨માં આંકડો ૮૦૦ કરોડને પાર પહોંચ્યા બાદ ૨૦૩૭માં દુનિયાની વસતિ ૯૦૦ કરોડ થવાનો અંદાજ છે ને તેના ૨૧ વર્ષ પછી ૨૦૫૮માં વસતિ ૧૦૦૦ કરોડ થશે. ૨૧૦૦ના વર્ષમાં વિશ્વની વસતિ અભૂતપૂર્વ ૧૧૦૦ કરોડની સપાટીએ હશે. ટૂંકમાં, માણસનો ભાર વેંઢારવાની પૃથ્વીની મેક્સિમમ ક્ષમતાની લિમિટ આવી ચૂકી છે. આજની તારીખે માણસને બધી સુવિધા વ્યવસ્થિત મળે એ માટે પૃથ્વી ઉપરાંત બીજા એક ગ્રહની જરૂરિયાત છે. ક્લાઈમેટ ચેન્જ સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવો હશે તો વસતિ નિયંત્રિત કરવાની તીવ્ર જરૂરિયાત છે એ સ્પષ્ટ છે.
ગાંધીજીએ કહ્યું છે એમ કુદરત પાસે બધા માનવીઓની જરૂરિયાત સંતોષવાની ક્ષમતા છે, પરંતુ માનવીની લાલસા સંતોષવાની ક્ષમતા નથી. કદાચ હજુય સેંકડો માનવીઓનાં પેટ ભરવાની ક્ષમતા મા વસુંધરામાં છે, પણ આપણે પૃથ્વીના સ્રોતનો બેફામ ઉપયોગ કરીએ છીએ એ જોતાં પૃથ્વી આપણો ભાર તો ખમી જશે આપણા લોભનો ભાર ખમી શકશે નહીં.
શહેરીકરણ : વસતિવધારા જેટલી જ મોટી સમસ્યા
વિશ્વની વસતિ ૧૯૫૦માં ૨૫૦ કરોડ હતી ત્યારે ૭૭થી કરોડ લોકો શહેરોમાં રહેતા હતા. દુનિયાના લગભગ ૧૭૦થી ૧૭૫ કરોડ લોકો ગામડાંમાં રહેતા હતા. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું પછી અનેક ક્ષેત્રોમાં પરિવર્તનનો પવન ફૂંકાયો. સાયન્સ-ટેકનોલોજીનો વિકાસ ઝડપભેર થયો. ઉદ્યોગો વધ્યા. વાહન વ્યવહારની સગવડ વધી. વર્ક કલ્ચર બદલાયું. શહેરોમાં મલ્ટિસ્ટોરી બિલ્ડિંગ્સમાં ખાનગી-સરકારી ઓફિસીસ ધમધમવા લાગી. તેની સીધી અસર શહેરોને થઈ. ૧૯૬૦માં વિશ્વની વસતિ ૩૦૦ કરોડ થઈ હતી ને શહેરી વસતિ ૧૦૧ કરોડને પાર પહોંચી ગઈ હતી. ૧૯૭૦માં ૧૩૪ કરોડ લોકો શહેરોમાં રહેતા હતા. ૧૯૮૦માં એ આંકડો વધીને ૧૭૪ કરોડ થયો. ૧૯૮૫-૮૬માં વિશ્વની શહેરી વસતિ ઐતિહાસિક ૨૦૦ કરોડે પહોંચી ગઈ અને ૧૯૯૦ સુધીમાં શહેરીકરણની સંખ્યા ૨૨૭ કરોડ થઈ ગઈ.
૨૦૦૦ના વર્ષમાં દુનિયાના ૨૮૫ કરોડ લોકો શહેરોમાં રહેતા હતા. ૨૦૨૦-૨૧ પ્રમાણે દુનિયાભરના શહેરોમાં લગભગ ૪,૩૫,૨૨,૩૨,૪૨૯ લોકો રહે છે. દર વર્ષે સરેરાશ બેથી અઢી ટકાના દરે અર્બન પોપ્યુલેશન વધી રહ્યું છે. વિશ્વની વસતિ ૨૦૫૦માં ૯૮૦ કરોડ હશે ત્યારે શહેરી વસતિમાં વધુ ૨૨૦ કરોડ લોકો ઉમેરાશે. ૨૦૫૦માં કુલ શહેરી વસતિ ૬૭૦ કરોડ હશે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ પ્રમાણે ૨૧મી સદીમાં શહેરીકરણનો આ ટ્રેન્ડ અદ્વિતીય ઊંચાઈએ પહોંચશે. તે એટલે સુધી કે ૨૧૦૦માં વિશ્વની વસતિ ૧૧ અબજ જેટલી થઈ જશે અને એમાંથી ૮૫ ટકા લોકો શહેરોમાં રહેતા હશે. દુનિયાની વસતિના માત્ર ૧૫ ટકા લોકો એટલે કે માંડ ૧૭૦થી ૨૦૦ કરોડ લોકો ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા હશે.
એશિયા અને આફ્રિકામાં આગામી અઢી દશકામાં સૌથી વધુ શહેરીકરણ થશે. અમેરિકા-યુરોપમાં શહેરીકરણનો ટ્રેન્ડ બહુ પહેલાં શરૂ થયો હતો એટલે હવે ત્યાં શહેરીકરણ ઘણું કરીને સ્ટેબલ થઈ ચૂક્યું છે. તેની સરખામણીમાં એશિયન-આફ્રિકન દેશોમાં ઔદ્યોગિક વિકાસનો પવન હવે ફૂંકાયો હોવાથી શહેરીકરણનો ટ્રેન્ડ એશિયા-આફ્રિકામાં વધ્યો છે. ૨૦૩૫ સુધીમાં એશિયાના ૩૦૦ કરોડ લોકો શહેરોમાં રહેતા હશે. સંયુક્ત રાષ્ટ્રસંઘના શહેરી વસતિ-૨૦૨૨ના અહેવાલમાં ભારતની શહેરી વસતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતમાં ૨૦૨૦માં ૪૮ કરોડ લોકો શહેરોમાં રહેતા હતા. ૨૦૨૫માં ૫૪ કરોડ લોકો શહેરોમાં રહેતા હશે. આ આંકડો તેના એક દશકા પછી ૨૦૩૫માં ૬૭.૫ કરોડે પહોંચી જશે. નિષ્ણાતોના મતે ગ્રામ્યજીવનની સરખામણીએ આજનું શહેરીજીવન ટકાઉ નથી. ગામડાંઓમાં પ્રકૃતિને પ્રાધાન્ય આપીને જીવનશૈલી બનાવાતી હતી. શહેરોમાં એ શક્ય બનતું ન હોવાથી વાતાવરણ પર તેની ઘેરી અસર પડે છે. શહેરીકરણના કારણે આગામી દાયકાઓમાં નવા નવા પડકારો સર્જાશે.