મનુષ્ય ઉત્ક્રાંતિ ગાથા : ભૂલ સુધારવાની નવી તક

Updated: Nov 14th, 2021


Google NewsGoogle News

- ફયુચર સાયન્સ કે.આર.ચૌધરી

મનુષ્ય ઉત્ક્રાંતિ ગાથા : ભૂલ સુધારવાની નવી તક 1 - imageભારતીય પ્રજા નવું વરસ નવા સંકલ્પો સાથે  શરૂ કરતી હોય છે.  નવા વર્ષે, ભૂતકાળમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય, અને ભૂલો સુધારી નવી શરૂઆત કરવાનું  આપણા સંસ્કારમાં છે.  આ સિદ્ધાંત વિજ્ઞાાનની દુનિયામાં પણ પ્રચલિત છે. ભૂતકાળમાં થયેલી ભૂલોને સુધારી લેવામાં ખરું  શાણપણ  રહેલું છે.  જ્યારે મનુષ્ય પોતાના મુળિયા એટલેકે  નૃવંશશા  અથવા  ઉત્ક્રાંતિ એટલેકે  હ્યુમન ઈવોલ્યુશનની વાત કરતા હોઈએ ત્યારે, આપણો ભૂતકાળ એટલો બધો ધૂંધળો કે કેટલાક નામ અને મળી આવેલ મનુષ્ય ઉત્ક્રાંતિના પુરાવાને ગોઠવીને, એક સળંગ ઇતિહાસ તૈયાર કરવો હોય તો વૈજ્ઞાાનિકોને મુશ્કેલી પડે તેમ છે.  આ કારણસર  સમગ્ર એક વર્ગના અશ્મિઓને આપેલ નામને બદલીને નવું નામ આપવાનો કેટલાંક વૈજ્ઞાાનિકો અનુરોધ કરી રહ્યા છે. આ દિશામાં વૈજ્ઞાાનિકોએ પહેલ કરીને,   કેટલાક ઉત્ક્રાંતિ દર્શાવતા માનવ અશ્મિઓને નવું નામ આપ્યું છે. જેના કારણે ઉત્ક્રાંતિના વિવિધ સમયગાળામાં,  વિવિધ ભૌમિતિક સ્થાનો ઉપર, ઉત્ક્રાંતિ પામેલ, વિવિધ મનુષ્ય પ્રજાતિનો ઇતિહાસ  અને ઉત્ક્રાંતિ સમજવામાં  સરળતા રહે તેમ છે. નવા નામકરણ કરીને મનુષ્યની અલગ અલગ પ્રજાતિઓને એક સૂત્રમાં બાંધીને ઉત્ક્રાંતિનો સાચો સમયકાળ સમજવાનો પ્રયત્ન વૈજ્ઞાાનિકો કરી રહ્યા છે. ગુજરાતીમાં કહેવત છે કે ભૂલ્યા ત્યાંથી ફરી વાર ગણીએ.  હ્યુમન ઈવોલ્યુશનને જરા ઊંડાણથી સમજી એ તો જ મનુષ્ય ઉત્ક્રાંતિ ગાથાનું આ રીતે વિહંગાવલોકન કરી શકાય.

મનુષ્ય ઉત્ક્રાંન્તિઃ એક ટૂંકી વાર્તા

ઉત્ક્રાંતિની વાર્તાની શરૂઆત વૈજ્ઞાાનિકો અલગ અલગ રીતે કરે પરંતુ, વાર્તાનું શિર્ષક એક જ હોય, મનુષ્યની ઉત્ક્રાંતિ આફ્રીકામાંથી શરૂ થઈ છે. જેને 'આઉટ ઓફ આફ્રીકા' થિયરી કહે છે. વૈજ્ઞાાનિકોનાં સર્વમાન્ય મત પ્રમાણે, હોમો-ઈરેકટસ એટલે બે પગે ઉભો રહેનાર મનુષ્ય, આફ્રીકામાં આજથી ૨૦ લાખ વર્ષ પહેલાં પેદા થયો હતો. આજથી ૬ લાખ વર્ષ પહેલાં તેમનામાંથી નવી પ્રજાતી હોમો-હેઈડેલબર્જેનસીસ પેદા થઈ હતી. જેનાં અવશેષો ઈથોપિઆમાંથી મળી આવ્યા હતાં. ચાર લાખ વર્ષ પહેલાં, હોમો-હેઈડેનબર્જેનસીસ આફ્રીકા ખંડ છોડીને બહાર નિકળ્યો. જેમાંથી બે ફાટાં પડયા. એક પ્રજાતી મધ્ય પુર્વ તરફ ગઈ. જ્યારે બીજી પ્રજાતી યુરોપ ખંડ તરફ ગઈ. આ બે ફાંટાની મનુષ્ય પ્રજાતી નિએન્ડર થાલ તરીકે ઉત્ક્રાંન્તિ પામ્યા. હોમો-હેઈડેલબર્જેનસીસનાં સભ્યો, પુર્વનાં દેશો તરફ ગયા. જે 'ડેનીસોવેન્સ'માં રૂપાંતર પામ્યા હતો. જેના અવશેષો ૨૦૧૦માં સાઈબીરીયામાંથી મળ્યા હતાં. હવે આફ્રીકામાં જે હોમો-હેઈડેલબર્જેનસીસનાં સભ્યો બાકી રહ્યાં, તેઓ બે લાખ વર્ષ પહેલાં હોમો-સેપીઅન નામનાં આજનાં મોર્ડન ''મેધાવી માનવી''માં રૂપાંતર પામ્યા હતાં. આફ્રીકામાંથી હોમો-સેપીઅન્સ ૬૦ હજાર વર્ષ પહેલાં યુરોપ-એશીયા ખંડમાં ફેલાઈ ગયા હતાં. અહીંની સ્થાનીક મનુષ્ય પ્રજાતી સાથે (નિએન્ડર થાલ અને ડેનીસોવેન્સ) અલ્પ પ્રમાણમાં આંતર-કુળ સંબંધો બંધાયા હતાં. મનુષ્ય ઉત્ક્રાંન્તિની આટલી ટુંકી વાર્તા છે. 

આધુનિક વિજ્ઞાાન પ્રમાણે આજના મોર્ડન મનુષ્ય, નિએન્ડરથાલ અને ડેનીસોવીન્સનાં મુખ્ય પુર્વજ તરીકે 'હોમો-હેઈડેલબર્જેન્સીસ' માનવામાં આવે છે. હોમો-હેઈડેલબર્જેનસીસનાં દાંત આજનાં મનુષ્ય માફક નાના હતાં. 'મગજ' સમાવવા માટે ખોપરીમાં જગ્યા વધારે હતી. આ કારણે નિષ્ણાંતો હોમો- હેઈડેલબર્જેનસીસને એચ. ઈરેક્ટસ અને એચ. સેપીઅન (એચ-હોમો) વચ્ચેનો ઉત્ક્રાન્તિકાળ માને છે. યુરોપમાં આ સમયગાળા દરમિયાન નિએન્ડરથલ્સનો ઉદભવ થયો, જ્યારે વધુ પૂર્વ એશિયામાં તેમના બહેન જૂથ ડેનિસોવન્સનો પણ વિકાસ થયો. દક્ષિણ આફ્રિકામાં હોમો નાલેડી હતી. છેવટે મધ્ય પ્લેઇસ્ટોસીનથી લગભગ અડધા માર્ગે, આધુનિક માનવીઓ (હોમો સેપિયન્સ) લગભગ ૩૦૦,૦૦૦ વર્ષ પહેલાં આફ્રિકામાં ઉભરી આવ્યા હતા. પ્રજાતિઓની આ ગૂંચવણને ધમધ્ય પ્લેઇસ્ટોસીનની ગૂંચવણ તરીકે ઓળખવામાં આવે છે. 

''મધ્ય પ્લેઇસ્ટોસીનની ગૂંચવણ''

મનુષ્ય ઉત્ક્રાંતિ ગાથા : ભૂલ સુધારવાની નવી તક 2 - imageસમસ્યા એ છે કે કયા અવશેષો કઈ પ્રજાતિના છે? અને આ દરેક પ્રજાતિ કેટલી વ્યાપક અને લાંબા સમય સુધી કયા ભૌગોલિક વિસ્તારમાં જીવીત હતી?  આ બધી બાબતો ઉત્ક્રાંતિ અને સમજવા માટે ખૂબ જ મહત્વની છે. જેના કારણે કઇ પ્રજાતિએ,  કઇ પ્રજાતિને જન્મ આપ્યો, તે શોધવાનો મુદ્દો પણ ખુબ જ  અગત્યતા  ધરાવે છે. સામા પક્ષે માનવ નૃવંશશાનાં કરમની કઠણાઈ એ છે કે આ સમયગાળાનાં ફોસીલ અવશેષોની સંખ્યા ખુબજ ઓછી અને ગુચવી નાખે તેવી છે. આ ગુંચવણમાં ચીનમાંથી મળેલાં અવશેષો ફરી પાછો વધારો કરે છે. હોમો-ઈરેક્ટસથી હોમો-સેપીઅન વચ્ચેનો સીધી લાઈનનો સંબંધ, નવ લાખ વર્ષથી સવા લાખ વર્ષ પહેલાંનો છે.  છતાં આઠ લાખ વર્ષોનો ઈતિહાસ બતાવે તેવાં અવશેષો અલ્પ સખ્યામાં છે. જેના કારણે આધુનિક હોમો-સેપિયન લક્ષણો ધરાવતાં ફોસીલ્સને, કોઈ એક પ્રજાતી વર્ગમાં વર્ગીકરણ કરવાનું કામ  મુશ્કેલ બનાવે છે. ઉદાહરણ તરીકે, એવું માનવામાં આવતું હતું કે એચ. હીડેલબર્ગેન્સિસ નિએન્ડરથલ્સના પૂર્વજ હતા. જો કે, આ વાત સાચી ન હોઈ શકે, કારણ કે જિનેટિક્સ જણાવે છેકે નિએન્ડરથલ્સ, મધ્ય પ્લેઇસ્ટોસીનની શરૂઆતમાં ઉભરી આવ્યા હતા. 

સંભવતઃ નિએન્ડરથલ્સ  મનુષ્ય  પ્રજાપતિનો  જન્મ, મળી આવેલ સૌથી જૂના એચ. હાઇડેલબર્ગેનસિસ અવશેષોના સમય પહેલા થયેલો હતો. ૪૩૦,૦૦૦ વર્ષ પહેલાં, ઉત્તરી સ્પેનમાં નિએન્ડરથલ્સ રહેતા હતા. છેલ્લાં પાંચ વર્ષોમાં, અગાઉ એચ. હીડેલબર્ગેન્સિસ તરીકે વર્ણવવામાં આવેલા ઘણા યુરોપીયન નમુનાઓને પ્રારંભિક નિએન્ડરથલ્સ તરીકે ફરીથી વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ રીતે વિવિધ  મનુષ્ય પ્રજાતિની ઉત્ક્રાન્તિને સમજીને,  મનુષ્ય ઉત્ક્રાન્તિનો ભૌગોલિક સ્થાનને લક્ષમાં લઈને અભ્યાસ કરવો ખૂબ જ મુશ્કેલ કામ છે. આવી જ એક લુપ્ત થઈ ગયેલી માનવીની એક નવી પ્રજાતિને નામ આપવામાં આવ્યું છેઃ હોમો બોડોએન્સિસ. આ નામ તેને નવા અવશેષોના આધારે નહિ, પરંતુ જૂના અવશેષોનું પુનઃપરીક્ષણ કરીને વૈજ્ઞાાનિકોએ 'હોમો બોડોએન્સિસ' જેવું નવુ  નામ આપ્યું છે. શા માટે સંશોધકોને લાગે છે કે  'હોમો બોડોએન્સિસ' મનુષ્યની બીજી પ્રજાતિ છે? 

મનુષ્ય તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી

એચ. બોડોએનસિસ સમગ્ર આફ્રિકામાં સેંકડો-હજારો વર્ષો લોકો સુધી વ્યાપકપણે રહેતા હતા. તેઓ સૂચવે છે કે આ પ્રજાતિના અન્ય નમુનાઓમાં કાબવે ૧-ઝામ્બિયા, તાંઝાનિયાનાં કંકાલ, ન્દુટુ અને ન્ગાલોબા,  અને  સાલ્દાન્હા ક્રેનિયમ, જે દક્ષિણ આફ્રિકામાં એલેન્ડફોન્ટેનમાંથી મળી આવેલ છે. તેે બધા જ નમૂનાનો સમાવેશ 'એચ. બોડોએનસિસ' તરીકે થાય છે. સંશોધકો માને છે કે આ પ્રજાતિ  પૂર્વીય ભૂમધ્ય વિસ્તારમાં પણ  વિહરતી હતી. એચ. હીડેલબર્ગેનસિસનું નામ, જર્મનીના મૌરમાં મળી આવેલા ૬૦૯,૦૦૦ વર્ષ જૂના જડબાના હાડકા માટે આપવામાં આવ્યું છે.  જ્યારે  યુરોપ અને આફ્રિકામાંથી આજ સમય કાળમાં  વસવાટ કરનાર મનુષ્યના  મળી આવેલ મધ્ય પ્લેઇસ્ટોસીન કાળના સંખ્યાબંધ સમાન હાડકાં પણ હોમો- હીડેલબર્ગેનસિસ નામે જાણીતા છે. પરંતુ સંશોધકો તે બધા નમુના તે અને શારીરિક લક્ષણોને ધ્યાનમાં લઈએ તો હોમો- હીડેલબર્ગેનસિસ છે કે કેમ તે અંગે તીવ્ર મતભેદ ચાલે છે.

એજ રીતે, કબાવે-૧ ખોપરીનું વર્ણન કરવા માટે સૌપ્રથમ એચ. રોડેસિએન્સિસ નામ આપવામાં આવ્યું હતું. આ અસ્થિ ૧૯૨૧માં ઉત્તરી રહોડેશિયા, જે હવે ઝામ્બિયા કહેવામાં આવે છે, ત્યાંથી મળી આવ્યા હતા. તે સમયે ઉત્તરી રહોડેશિયા. વિસ્તાર બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા નિયંત્રિત હતો. રોડેસિયા નામનો જન્મ, બ્રિટિશ માઇનિંગ મેગ્નેટ અને રાજકારણી સેસિલ રોડ્સ ઉપરથી થયેલો છે. સેસિલ રોડ્સ નામના ઇતિહાસ સાથે જોડાયેલ અંશતઃ જોડાણને કારણે, એચ. રોડેસિએન્સિસ નામનો ઉપયોગ વૈજ્ઞાાનિકો અને સંશોધકો ભાગ્યે જ  કરે છે. ભૂતકાળમાં તેમના નમૂનાઓને વિવિધ જાતિના નામ આપીને ઓળખવામાં આવતા હતા. જેનો ઉપયોગ ઘણીવાર વિરોધાભાસી રીતે થતો હતો. ઉદાહરણ તરીકે, તમે કયા અભ્યાસ-સંશોધન વાંચો છો તેના આધારે, બોડો ક્રેનિયમ (હોમો બોડોએન્સિસ) ને વિવિધ રીતે હોમો હીડેલબર્ગેન્સિસ અથવા હોમો રોડેસિએન્સિસ નામે ઓળખવામાં આવતા હતા. બંને જાતિઓનું  સંશોધન અને પૃથ્થકરણ કરીને અલગ તારવવાની પ્રક્રિયા  વૈજ્ઞાાનિકો માટે પણ  મુશ્કેલી ઉભી કરે છે. આ સમસ્યાના ઉકેલ રૂપે વૈજ્ઞાાનિકો અલગ નામ સુચવી રહ્યા છે. પરંતુ નામ સ્વીકાર કરનાર આંતરરાષ્ટ્રીય સંસ્થાના નિયમો ખુબજ કડક છે. 

'હોમો બોડોએન્સિસ': નવું નામકરણ 

મનુષ્ય ઉત્ક્રાંતિ ગાથા : ભૂલ સુધારવાની નવી તક 3 - imageમનુષ્યને દર્શાવતા  'હોમો' શબ્દના મૂળિયા લેટિન ભાષામાંથી આવે છે.  જેનો અર્થ થાય મનુષ્ય.  ત્યારબાદ  નામની આગળ ઉત્ક્રાંતિના નમૂના જે સ્થળે તે મળી આવ્યા હોય, તે સ્થળને મૂકવામાં આવે છે.  જે મુજબ જુના હોમો હીડેલબર્ગેન્સીસને  તાજેતરમાં  વૈજ્ઞાાનિકોના એક  મહિલા ગુ્રપ દ્વારા  નવું નામ 'હોમો-બોડોએન્સિસ' આપવામાં આવ્યું છે. પ્રાચીન અવશેષોનું પુનઃવિશ્લેષણ કરનારા સંશોધકો કહે છે કે 'હોમો-બોડોએન્સિસ' હોમિનિન્સના નવા જૂથમાંથી આવે છે. મનુષ્યનું આ જૂથના સભ્યો લગભગ ૬૦૦,૦૦૦ વર્ષ પહેલાં આફ્રિકામાં રહેતા હતા. તેમના શારીરિક લક્ષણો અન્ય પ્રજાતિ કરતા અલગ જોવા મળે છે જેના કારણે  તેઓ નવી પ્રજાતિના નામને લાયક છે. 

૧૯૭૬ જોન કાલ્બના નેતૃત્વમાં એક સંશોધન જૂથને  મનુષ્યની  ખોપરીનો કેટલોક ભાગ, ઇથોપિયાના એક સ્થળ બોડો ડી'આર માથી મળી આવ્યો હતો. નજીકમાં સુકાઈ ગયેલી બોડો નદી આવેલી છે. ૧૯૭૮માં વૈજ્ઞાાનિકોને ખોપરીના લક્ષણો હોમો ઇરેક્ટસ અને હોમો સેપિયન્સ જેવા લાગ્યા. ૧૯૯૬માં ફિલિપ રાઇટમારે તેની પુષ્ટિ કરી અને  ઉત્ક્રાંતિના માનવ નમુના 'હોમો હીડેલબર્ગેન્સીસ' નામ પામ્યાં. આ નામ એકજ સમયકાળમાં મળી આવેલ મનુષ્ય અશ્મિઓને  તેની શારીરિક લાક્ષણિકતાઓ ધ્યાનમાં રાખીને આપવામાં આવેલ હતું. હોમો હીડેલબર્ગેન્સીસની લાક્ષણિકતામાં, વૈજ્ઞાાનિકોને મનુષ્યની એક અન્ય પ્રજાતિ નિએન્ડરથલના લક્ષણો પણ જોવા મળ્યા. એટલુજ નહિ આવા જ નમુના માત્ર આફ્રિકામાં જ નહિ, જર્મનીમાંથી પણ મળી  આવ્યા હતા. જેનો સમયકાળ મધ્ય પ્લેઇસ્ટોસીન યુગ (લગભગ ૭૫૦,૦૦૦ થી ૧૩૦,૦૦૦ વર્ષ પહેલા)નો હતો. 

હોમો બોડોએન્સિસએ આફ્રિકામાં રહેતા હોમિનિન્સના જૂથના અવશેષોનું સૂચિત નામ છે. સામાન્ય રીતે મધ્ય પ્લેઇસ્ટોસીન તરીકે ઓળખાતા સમયગાળાને  ટેકનિકલ શબ્દોમાં 'ચિબનિયન કાળ'તરીકે ઓળખવામાં આવે છે. ૭,૭૦,૦૦૦ અને ૧,૨૬,૦૦૦ વર્ષ પહેલાના સમયકાળને  ચિબનિયનકાળ કહે છે. કેનેડામાં વિનીપેગ યુનિવર્સિટીમાં મિર્જાના રોકસાન્ડિક અને તેના સાથીદારો પ્રાચીન અવશેષોનું પુનઃપરીક્ષણ કરીને નવું નામ 'હોમો-બોડોએન્સિસ' સૂચવ્યું છે. જે આ પહેલાં હોમો- હીડેલબર્ગેનસિસ અથવા હોમો-રોડેસિએન્સિસ તરીકે ઓળખાતા હતાં.


Google NewsGoogle News