તારણહાર પ્રકરણ - 03 .
- પ્રફુલ્લ કાનાબાર
- 'સુધા, મને લાગે છે કે આ તોફાન ઓછું થાય ત્યાં સુધી આપણે અહીં હોટેલના રૂમમાં આશરો લઇ લઈએ'. સુધા ઠંડીથી ધ્રુજતી હતી.
અ તિશય રૂપાળા સુધા મેડમને પોતાના તરફ સતત તાકી રહેલાં જોઇને યુવાન વિનાયકે નજર નીચે ઢાળી દીધી હતી. એ જ દિવસે કાજલની નોકરી નક્કી થઇ ગઈ હતી. પગાર પણ કાજલે જેટલો કહ્યો એટલો મેડમે મંજૂર કરી દીધો હતો. થોડા દિવસો બાદ અચાનક કાજલની નોકરીમાં રુકાવટ ઉભી થાય તેવા સંજોગો ઉભા થયા. કાજલ સગર્ભા થઇ હતી. સુધા મેડમને જયારે એ બાબતની જાણ થઇ ત્યારે તેમણે કહ્યું હતું 'કાજલ, મને લાગે છે કે હવે તારે આરામ કરવાની જરૂર છે. છ આઠ મહિના સુધી કોઈને તારા બદલે મૂકતી જા.. પછી હું તને પાછી રાખી લઈશ'.
'મેડમ, બાળક થશે એટલે તેને મૂકીને હું કામ કરવા કઈ રીતે આવી શકીશ?' કાજલે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
'કાજલ, એનો પણ રસ્તો છે મારી પાસે'. મેડમે અણધાર્યો જવાબ આપ્યો હતો.
સમય વિતતો ગયો. કાજલ અને વિનાયકના જીવનમાં નાનકડા રાહુલનું આગમન થઇ ચૂક્યું હતું.રાહુલ છ મહિનાનો થઇ ગયો એટલે સુધા મેડમે કાજલને બોલાવીને ફરીથી કામે રાખી લીધી હતી. સુધા મેડમે રાહુલ માટે એક ઘોડિયાની વ્યવસ્થા પણ બંગલાના એક પેસેજમાં કરી દીધી હતી.
સુધા મેડમ જે રીતે કાજલનું અને નાનકડા રાહુલનું ધ્યાન રાખતા હતા તે જોઇને ઘણી વાર વિનાયક કહેતો 'કાજલ, આપણે ખરેખર નસીબદાર છીએ કે તને આટલાં માયાળુ શેઠાણી મળ્યા છે'. હાસ્તો વળી.. બાકી નોકરાણીના બાળકને કોઈ ઘોડિયાના અને મોંઘા ભાવના રમકડાંના લાડ થોડા લડાવે?'
'કાજલ, મને લાગે છે કે તું જયારે નોકરીમાં રહી ત્યારે જે પેલો બનાવ બન્યો હતો... કદાચ તેને કારણે જ મેડમ તારા પર ખુશ છે'
કાજલને એ દિવસ યાદ આવી ગયો. સુધા મેડમના બંગલે નોકરીમાં રહ્યાને હજુ બે દિવસ જ થયા હતા. મેડમ તે દિવસે ઓફિસે જતા પહેલાં બેંકના લોકરમાં દાગીનો મૂકવા જવાના હતા. તેઓ જયારે બેંકમાં પહોંચ્યા ત્યારે જ ખ્યાલ આવ્યો હતો કે ઉતાવળમાં ખુલ્લા રહી ગયેલા પર્સમાંથી દાગીનાનું પાઉચ ક્યાંક પડી ગયું છે. મેડમે બેંકના ભોયરામાં જ્યાં કાર પાર્ક કરી હતી ત્યાંથી શરુ કરીને બેંકના મુખ્ય દરવાજા સુધી દાગીનાનું એ પાઉચ શોધવાનો પ્રયાસ કર્યો હતો. એ પાઉચમાં સાચા ડાયમંડનો એક નેકલેસ હતો. મેડમનું પ્રેશર વધી ગયું હતું. ડ્રાઈવરે પૂછયું હતું 'મેડમ, અગર કમ્લેઇન લિખાની હો તો પુલીસ સ્ટેશન લે લું?'
'નહી ભૈયા, પુલીસ સ્ટેશન જાનેસે કોઈ ફાયદા નહી હોગા, ક્યોંકી જીસકો વોહ પાઉચ મિલા હોગા વોહ વાપસ કરેગા નહિ. ઘર પર હી લે લો. વૈસે ભી આજ મૈ રેસ્ટ કરના ચાહતી હું'. નિરાશામાં ગરકાવ થઇ ગયેલા મેડમે તે દિવસે ઓફિસે જવાનું પણ માંડી વાળ્યું હતું. મેડમ ઘરે પરત આવ્યા કે તરત જ કાજલે તેમના હાથમાં પાઉચ આપતાં કહ્યું હતું 'મેડમ, તમે નીકળ્યા પછી થોડી વાર બાદ ફળીયામાંથી જ આ પાઉચ મને મળ્યું હતું'.
મેડમને તરત ખ્યાલ આવી ગયો કે ઘરેથી નીકળતી વખતે તેઓ જયારે કારમાં બેસી રહ્યા હતા ત્યારે સેલફોનમાં વાત કરવામાં વ્યસ્ત હતા. એ સમયે જ ખુલ્લા રહી ગયેલા પર્સમાંથી પેલું દાગીનાનું પાઉચ નીચે પડી ગયું હોવું જોઈએ.
'કાજલ, તને ખબર હતી કે આમાં કીમતી ડાયમંડનો નેકલેસ છે?'
'હા, એ તો મેં ખોલીને જોયું ત્યારે જ સમજી ગઈ હતી કે આ ખૂબ જ મોંઘો દાગીનો છે. સોરી મેડમ, તમારો મોબાઈલ નંબર મારી પાસે નહોતો તેથી હું તમને જાણ ન કરી શકી'.
મેડમની આંખમાં હર્ષના આંસુ ઉભરાયા હતા. એમણે નાનકડા પાઉચની ચેઈન ખોલીને એ સાચા ડાયમંડના નેક્લેસને ચૂમી લીધો હતો. મેડમ પોતાનું સ્ટેટસ ભૂલીને વીસ વર્ષની કાજલને પ્રેમથી વળગી પડયા હતા. 'કાજલ, આ નેકલેસ તો મને મારા જીવ કરતાં પણ વધારે વ્હાલો છે.' કાજલ વિસ્ફારિત નેત્રે મેડમને તાકી રહી હતી.
રાત્રે સુધા મેડમ એકલા પડયા ત્યારે કબાટમાં મૂકેલો પેલો નેકલેસ બહાર કાઢયો હતો. ક્યાંય સુધી તેઓ નેકલેસને તાકી રહ્યા.. તેમની નજર સમક્ષ બે દાયકા પહેલાંનો અતીત સળવળીને બેઠો થઇ રહ્યો હતો. આમ પણ વિનાયકને જોયો હતો ત્યારથી આલોકની અનહદ યાદ આવતી હતી. વિનાયક અદ્દલ આલોકની જ પ્રતિકૃતિ હતો એ ખરેખર તો કુદરતનો કરિશ્મા જ હતો! સુધા મેડમે આંખ બંધ કરી દીધી. એના માનસપટલ પર મસૂરીના આહ્લાદક દ્રશ્યો ઉપસવા લાગ્યા. થોડી જ વારમાં બેતાલીસ વર્ષના સુધા મેડમ બાવીસ વર્ષની સુધા બની ગયા હતા. મસૂરીના નૈસર્ગિક સૌન્દર્ય અને દૂર દેખાતા બર્ફીલા પહાડોની વચ્ચે સુધાનું માથું હેન્ડસમ યુવાન આલોકના ખોળામાં હતું. આલોક સુધાના કપાળ પર ફેલાયેલા રેશમી વાળની લટોને જમણા હાથ વડે પસવારી રહ્યો હતો. આલોક દહેરાદૂનમાં રહેતો હતો. દર રવિવારે તે સુધાને મળવા માટે જ ખાસ મસૂરી આવતો. બંને પ્રેમી પંખીડાનું મળવાનું કાયમી સ્થળ એટલે મસૂરીનું પ્રખ્યાત ગાર્ડન કમ એમ્યુઝમેન્ટ પાર્ક..જ્યાં પાછળના ભાગમાં માણસોની અવર જવર નહિવત રહેતી. સુધા આલોક પાછળ પાગલ હતી. કરોડપતિ પિતાના એક માત્ર સંતાન આલોક પણ સુધા સાથે જ લગ્ન કરવા માટે પ્રતિબદ્ધ હતો.
સુધાના વિધુર પપ્પા જશવંતરાય દેસાઈ રીટાયર્ડ કર્નલ હતા. મૂળ વલસાડના હતા. છેલ્લા દસકાથી મસૂરીમાં જ સેટ થયા હતા. ખાધે પીધે સુખી હતા. જશવંતરાય બંગલાની બહાર નીકળતા ત્યારે માથા પર ફ્લેટ કેપ, હાથમાં વોકિંગ સ્ટીક તથા ખભા પર લાયસન્સ વાળી રાયફલ હમેશા સાથે જ રાખતાં. એક માત્ર દીકરી સુધા જશવંતરાયનું સ્વાભિમાન હતી...ગુરુર હતી. સુધા અતિશય સુંદર હતી. તે બહાર નીકળતી ત્યારે ઘણા યુવાનો તેને તાકી રહેતાં. જોકે જશવંતરાયની ધાકને કારણે મસૂરીના એક પણ યુવાનની સુધાની નજીક ફરકવાની હિંમત નહોતી.
આલોક સાથે સુધાની મુલાકાત અનાયાસે જ થઇ હતી.આલોક દહેરાદૂનથી કોલેજના મિત્રો સાથે પહેલી વાર મસૂરી આવ્યો હતો. એક મોલમાં આલોક અને તેના મિત્રો ખરીદી કરવામાં વ્યસ્ત હતા ત્યારે અચાનક સુધા મોલમાં પ્રવેશી હતી. આલોક નવા ટીશર્ટની ટ્રાયલ લઇ રહ્યો હતો. સામે રાખવામાં આવેલા ફૂલ સાઈઝ અરીસામાં આલોકને ગુલાબી ડ્રેેસ પહેરેલી સુધા દેખાઈ હતી. બંનેની નજર માત્ર આયનાના પ્રતિબિંબમાં જ ટકરાઈ હતી. સુધા આલોકના વ્યક્તિત્વથી એટલી બધી આકર્ષિત થઇ ગઈ હતી કે અનાયાસે જ તેણે જમણા હાથનો અંગુઠો ઉંચો કરીને આલોકે પહેરેલાં ટીશર્ટને મંજુરી આપી દીધી હતી. આલોક ચમક્યો હતો. તેણે પાછા ફરીને જોયું હતું. સુધા શરમાઈ ગઈ હતી. આલોકે ટીશર્ટ કાઢીને સેલ્સમેનને તે પેક કરવા જણાવ્યું હતું. આલોક તેનું શર્ટ પહેરી રહ્યો હતો ત્યારે સુધા તેના સ્નાયુબદ્ધ શરીર પરથી નજર હટાવી શકી નહોતી. બીજી બાજુ આલોકની પણ એ જ દશા હતી. તે પણ શર્ટના બટન બંધ કરતી વખતે સુધા સામે જ તાકી રહ્યો હતો. આલોકે જોયું કે અન્ય મિત્રો હજુ ખરીદીમાં જ પડયા છે. આલોક એ તકનો લાભ લઈને સુધા પાસે પહોંચી ગયો હતો. 'હાય, આઈ એમ આલોક ચોકસી ફ્રોમ સુરત.. હાલાકી આજ તો દહેરાદૂનસે આ રહા હું'
સુધા આલોકની સ્ટાઇલ પર ફિદા થઇ ગઈ હતી. વળી અજાણ્યો હેન્ડસમ છોકરો ગુજરાતનો છે તે જાણીને તેની ખુશી બેવડાઈ હતી. સુધાનું બાળપણ વલસાડમાં જ વીત્યું હતું. સુધાએ હસીને ગુજરાતીમાં જ કહ્યું હતું 'મારું નામ સુધા છે. હું ગુજરાતી જ છું.'
'વાહ, મસૂરીમાં ગુજરાતી વ્યક્તિ મળે એટલે કેટલો બધો આનંદ થાય, નહી ? આમ પણ દહેરાદૂનની આખી કોલેજમાં હું એકલો જ ગુજરાતી છું'.
'દહેરાદૂનની કઈ કોલેજમાં?'
'એરફોર્સ ટ્રેનીંગ કોલેજમાં' આલોકે વધારે નજીક આવીને સુધાની આંખમાં આંખ પરોવીને કહ્યું હતું. એ દિવસે મોલમાં જ આલોકે અને સુધાએ એક બીજાના સેલફોન નંબરની આપ લે કરી હતી. સુધાથી છૂટા પડયા બાદ આલોક મિત્રો સાથે દહેરાદૂન પરત જવા નીકળી ગયો હતો. વળાંક વાળા રસ્તેથી પસાર થઇ રહેલી ખુલ્લી જીપમાંથી દેખાતું કુદરતનું ભરપૂર સૌન્દર્ય અને થોડા થોડા અંતરે પહાડોમાંથી પડી રહેલા પાણીના ફોલ્સ નિહાળતો યુવાન આલોક આખા રસ્તે સુધાના વિચારોમાં જ ખોવાયેલો રહ્યો હતો. આજે તેને પહેલીવાર લાગી રહ્યું હતું કે નિયતિ જ તેને સૂરતથી આટલે દૂર એરફોર્સની ટ્રેનિંીંગમાં દહેરાદૂન લઇ આવી હતી અને કદાચ તેને કારણે જ મસૂરી સુધી આવવાનું થયું...નહી તો સુધા જેવી અતિશય સુંદર અને સ્વરૂપવાન ગુજરાતી છોકરીનો પરિચય ક્યાંથી થાત?
અચાનક આલોકને એ દિવસનો પિતા સાથેનો સંવાદ યાદ આવી ગયો.
'પપ્પા, દહેરાદૂનની નેશનલ ડીફેન્સ એકેડેમીની એરફોર્સ વિંગની ટ્રેનિંગ માટે મારી પસંદગી થઇ છે. આટલી અઘરી પરીક્ષા મેં એક જ ટ્રાયલે પાસ કરી છે'.
'આલોક, તારી જીદને કારણે જ મેં તને તેમાં પ્રયાસ કરવાની છૂટ આપી હતી. મને એમ કે તું પાસ નહી થાય એટલે આ વાત ત્યાં જ પૂરી થઇ જશે'.
'પપ્પા, તમે મારી સફળતાથી ખુશ નથી ?'
'બેટા, દુનિયાનો કોઈ બાપ એવો નહી હોય જે પોતાના દીકરાની પ્રગતિથી ખુશ ન થાય પણ આપણે રહ્યા ગુજરાતી બિઝનેસમેન. આજે આખા શહેરમાં આપણી ગણના ટોપ થ્રી જવેલર્સમાં થાય છે. શા માટે તારે એવી જોખમી નોકરી સ્વીકારવી જ જોઈએ ? તને આપણા બિઝનેસમાં રસ ન હોય તો તારે જે કોઈ બિઝનેસમાં ઝંપલાવવું હશે તેના માટે તું કહીશ એટલા પૈસા રોકવા હું તૈયાર છું. એક બે કરોડ તો આપણા માટે સામાન્ય રકમ છે'
એકનો એક દીકરો આલોક એરફોર્સમાં કરિયર બનાવે તે મા તરીકે સુવર્ણાબેનને પણ પસંદ નહોતું. તેમણે પણ આલોકને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પણ આલોક ટસનો મસ નહોતો થયો. બાળપણથી જ ખુલ્લી આંખે જોયેલું સ્વપ્ન જયારે સાકાર થવા જઈ રહ્યું હતું ત્યારે આલોક તેમાં કોઈ પણ વિઘ્નને ચલાવી લેવા બિલકુલ તૈયાર નહોતો. આખરે આલોકની જીદ સામે મમ્મી પપ્પાએ નમતું જોખ્યું હતું. આલોક સુરતથી દહેરાદૂન આવવા માટે નીકળ્યો ત્યારે મમ્મી પપ્પાએ ભીની આંખે તેને આશીર્વાદ આપ્યા હતા.
દહેરાદૂન આવ્યાના અઢી વર્ષ બાદ આજે પહેલી જ વાર આલોક મિત્રો સાથે મસૂરી આવ્યો હતો. જ્યાં અનાયાસે જ સુધાનો પરિચય થયો હતો.
સમય વિતતો ગયો. સુધા એમબીએનો પોસ્ટલ કોર્સ કરી રહી હતી. દર રવિવારે આલોકને મળવા જવા માટે કડક સ્વભાવના કર્નલ પિતા પાસે સુધા પાસે એક જ બહાનું રહેતું. 'પપ્પા, હું શ્રુતિની ઘરે ભણવા માટે જાઉં છું. શ્રુતિ સુધાની સાથે જ એમબીએનું ભણતી હતી. શ્રુતિની ઘરે નોટ મૂકીને સુધા અલોકને મળવા ગાર્ડનમાં ઉપડી જતી. છ મહિના સુધી આ ક્રમ અવિરત ચાલુ રહ્યો હતો .
એક વાર શ્રુતિએ કહ્યું હતું 'સુધા, ક્યાં સુધી તારા પ્રેમને આમ છુપાવતી ફરીશ? ક્યારેક તો તારે અંકલને કહેવું જ પડશેને?'
'પપ્પાને કહેવાની જ છું પણ યોગ્ય તકની રાહ જોઉં છું'.
'સુધા, તમે બંને પુખ્ત છો. ખોટું ડીલે કરો છો'.
'શ્રુતિ, આલોકની દહેરાદૂનની ટ્રેનિંગ મહિના બાદ પૂરી થશે. ત્યાર બાદ તેને એક વર્ષની પ્રેક્ટીકલ ટ્રેનિંગ બાકી રહેશે.આલોકની ઈચ્છા છે કે એ ટ્રેનિંગ પૂરી થઇ જાય અને પોસ્ટીંગ આવી જાય પછી જ તેના અને મારા ઘરે આ વાતની જાણ કરવી. આમ પણ મારા પપ્પા જુનવાણી છે. અત્યારે જાહેર કરું તો અલોક સાથે મારા હરવા ફરવામાં રોક લગાવી દે'
'હા, તારી એ વાત એકદમ સાચી છે. અંકલ ખૂબ જ કડક છે'. શ્રુતિએ પણ સુધાની માન્યતાને સમર્થન આપ્યું હતું.
એક રવિવારે ગાર્ડનમાં નિયત જગ્યાએ સુધા આલોક પાસે બેઠી હતી. આલોકે કહ્યું હતું 'ડાર્લિંગ, નેક્સ્ટ સન્ડે આપણે નહી મળી શકીએ'.
'કેમ?'
'હું સુરત જાઉં છું. છેલ્લા એક વર્ષથી ગયો જ નથી. મમ્મીની બહુ ઈચ્છા છે કે ભલે બે દિવસ માટે પણ વિકએન્ડમાં એક વાર તો અહીં આવ.. શનિવારની ફ્લાઈટમાં જઈને સોમવારે સવારે પાછો'. આલોકે જમણા હાથ વડે પ્લેન ઉડાડતો હોય તેમ એક્શન કરીને સીટી મારી હતી.
એ બે વીક સુધાએ આલોકના વિયોગમાં માંડ કાઢયા હતા. આલોક સુરતથી પરત આવ્યો પછીના રવિવારે બંને પ્રેમીઓ એકદમ ઉત્કટતાથી મળ્યા હતા. આલોકે ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની કોથળીમાંથી સાચા ડાયમંડનો નેકલેસ કાઢયો હતો.
'આ તો બહુ મોંઘો લાગે છે' સુધાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ હતી.
'સુધા, તારાથી મોંઘો નથી. આમ પણ આની કીમત તો ત્યારે વધશે જયારે તું એને પહેરીશ'. આલોકે અનહદ મોંઘો નેકલેસ સુધાની નાજૂક ડોકમાં પહેરાવતાં કહ્યું હતું.
બંને પ્રેમીઓ રોપ વેમાં બેસીને પરત થઇ રહ્યા હતા ત્યારે આલોકની આંખમાં રોમાન્સનો દરિયો ઉછળતો હતો. તેના હાથમાં સુધાનો હાથ હતો. વાદળછાયું વાતાવરણ આલોકને વધારે રોમેન્ટિક બનાવી રહ્યું હતું. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.હળવી બરફની વર્ષા ચાલુ થઇ ગઈ હતી. બંને પ્રેમીઓ રોપ વેમાંથી ઉતર્યા ત્યારે સ્નોફોલ બંધ થઇ ગયો પરંતુ ગાજવીજ સાથે એકદમ ધોધમાર વરસાદ ચાલુ થઇ ગયો હતો. છ ફૂટ દૂરનું પણ જોઈ શકાતું નહોતું. આલોક અને સુધા એક બીજાના સહારે પલળતા પલળતા દોડીને એક હોટેલના શેડ નીચે ઉભા રહ્યા હતા.'સુધા, મને લાગે છે કે આ તોફાન ઓછું થાય ત્યાં સુધી આપણે અહીં હોટેલના રૂમમાં આશરો લઇ લઈએ'. સુધા ઠંડીથી ધ્રુજતી હતી.
તેણે પહેરેલાં તમામ કપડાં પલળી ગયા હતા. આલોકની પણ એ જ દશા હતી.આખરે બંનેએ નાછૂટકે એ જ હોટેલની એક રૂમમાં આશરો લીધો હતો. ટોવેલ વડે બંનેએ ભીનું શરીર કોરું કર્યું હતું. મસૂરીની ભીની મોસમના માદક વાતાવરણ વચ્ચે બે યુવાન હૈયા ઘણા પ્રયત્નો કરવા છતાં યુવાનીના આવેગને રોકી શક્યા નહોતા. લગભગ કલાક બાદ વરસાદ બંધ થઇ ગયો હતો. આલોકનો હાથ સુધાના રેશમી વાળમાં ફરી રહ્યો હતો. સુધા રડી રહી હતી.
'સુધા, તને મારા પર વિશ્વાસ નથી?'
'ના ..એવું નથી. દુ:ખ એક જ વાતનું છે કે પપ્પાએ મારા પર મૂકેલા વિશ્વાસનું હું પાલન કરી શકી નથી. એમને તો એ પણ ખ્યાલ નથી કે શ્રુતિના ઘરે જવાના બહાને દર રવિવારે હું તને મળું છું'.
'કમ ઓન ડાર્લિંગ, તું કહીશ તો આવતા રવિવારે જ હું તારા ઘરે આવીશ. આપણે સૌથી પહેલાં તારા પપ્પા સમક્ષ જ આપણો પ્રેમ જાહેર કરી દઈશું.. બસ?'
આખરે સુધાએ આંખમાં ઉમટેલા આંસુ લૂછી નાખ્યા હતા અને થોડીક સ્વસ્થ થઇ હતી.
એ દિવસે શનિવાર હતો. ઘણા દિવસ બાદ વરસાદ અટક્યો હતો. વાદળ વગરના ખુલ્લા આકાશમાં થયેલો સૂર્યોદય મસૂરીની ભેજવાળી મોસમને વધારે આહલાદક બનાવી રહ્યો હતો. પહાડી વિસ્તારની ચારે તરફ ફેલાયેલી લીલોતરીની ઉપર વેરાયેલો છૂટો છવાયો બરફ અને તેના પર પડી રહેલાં સૂર્યના સોનેરી કિરણો જાણે કે મસૂરીની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. કર્નલ સાહેબનો બંગલો થોડી ઉંચાઈ પર હતો. કર્નલ સાહેબ બંગલાના પ્રાંગણમાં ઇઝી ચેરમાં બેસીને ચિરૂટ પી રહ્યા હતા.થોડી વાર બાદ ટ્રેમાં ચાના બે કપ લઈને સુધા બહાર આવી હતી. સુધાએ આજે મનોમન પપ્પાને આલોક વિશે જાણ કરી દેવાનું નક્કી કરી લીધું હતું. એ હજૂ તો વાત ક્યાંથી શરુ કરવી તેની ફિરાકમાં જ હતી ત્યાં જ અચાનક કર્નલ સાહેબે પૂછયું હતું 'સુધા, તારું એમ. બી. એ. ક્યારે પૂરું થશે?'
'કેમ પપ્પા?' સુધાએ ટ્રેમાંથી ચાનો કપ કર્નલ સાહેબના હાથમાં આપતા પૂછયું હતું.
'બેટા, તારા લગ્નનો વિચાર કરવો પડશે ને? હું તો વિચારું છું થોડા દિવસો માટે આપણા વલસાડના ઘરે શિફ્ટ થઈએ તો ત્યાં કોઈ સારો મૂરતિયો પણ મળી જાય. અહીં આવ્યા બાદ આપણા સમાજ સાથેનો સંપર્ક તો જાણે કે તૂટી જ ગયો છે'.
સુધા જાણતી હતી કે પપ્પાનું મીલીટરી માઈન્ડ છે, પણ અંદરથી ખૂબ જ ઋજુ સ્વભાવના છે. એ પોતાની જાત કરતાં પણ વધારે એમની આ એકની એક દીકરીને ચાહે છે.
'પપ્પા, છોકરો આપણી નાતનો ન હોય પણ ગુજરાતી હોય તો ચાલે?'
પપ્પાનો સારો મૂડ જોઇને સુધાએ આખરે હિંમત કરી જ નાખી.
જમાનો જોઈ ચૂકેલા કર્નલ સાહેબ તરત સમજી ગયા કે દીકરીના ધ્યાનમાં કોઈક ગુજરાતી છોકરો છે.. 'ચોક્કસ ચાલે. સારા ફેમીલી બેકગ્રાઉન્ડ વાળો અને સારું ભણેલો હોવો જોઈએ. આર્મીમેન હોય તો પણ ચાલે'
'પપ્પા, એરફોર્સ વાળો ચાલે?'
(ક્રમશ:)