તારણહાર પ્રકરણ - 01 .

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
તારણહાર પ્રકરણ - 01               . 1 - image


- પ્રફુલ્લ કાનાબાર

- 'બા, લગ્ન કરવાનો અર્થ જો બંને મોટા ભાઈઓની જેમ તમને છોડીને અલગ રહેવા જ જવાનું હોય તો એવા  લગ્ન મને મંજૂર નથી'.

- 'કહું છું આ વિનાયક પણ સરસ ચિત્રો દોરે છે. આ મારું ચિત્ર તેની પાસે જ સરખું કરાવી લઈએ તો ?' અલકાબેને પતિની સામે જોઈને કહ્યું. 

કો ર્ટરૂમમાં જજસાહેબ આવ્યા. કોર્ટમાં હાજર રહેલા તમામ લોકો  ઉભા થઇ ગયા. જજસાહેબે સ્થાન ગ્રહણ કર્યું એટલે બધા સીટ પર બેસી ગયા. છ માસથી વિનાયક પર ચાલી રહેલા ખૂન કેસનો આજે ચુકાદો હતો. આરોપીના કઠેડામાં ગરીબ અને સોહામણો વિનાયક વધેલી દાઢી સાથે ઉભો હતો. સરકારી વકીલોની દલીલ પૂરી થઇ ચૂકી હતી.  વિનાયકની આંખમાં કાયમ દેખાતી ચમક અને ખુમારી આજે પણ અકબંધ હતી. વિનાયકનો સાત વર્ષનો દીકરો રાહુલ સજળનેત્રે તેની માતાનો હાથ પકડીને સામે બેઠો હતો. માતા વારંવાર ગળામાં પહેરેલાં કાળા દોરાને હાથમાં લઇને પેન્ડલના ગણપતિના ફોટાને બંને આંખે અડાડતી હતી. નાનકડા રાહુલની દુનિયા માતાથી શરુ થઇને પિતા પર પૂરી થઇ જતી હતી.તેની નિર્દોષ આંખોમાં વારંવાર આંસુ છલકાતા હતાં. પપ્પાને જેલની સજા થશે તો મમ્મી નિરાધાર થઇ જશે એટલી સમજણ તો રાહુલમાં હતી. એની માતાના લલાટે ભાવિ સંઘર્ષ લખાઈ ચૂક્યો હતો. ભગવાન પણ ક્યારેક નાના અને ગરીબ માણસની વધારે પડતી કસોટી કરતો હોય છે! 

કોર્ટ રૂમમાં પીનડ્રોપ સાયલેન્સ પથરાઈ ગયું હતું. જજ સાહેબની બરોબર પાછળની દીવાલે  લોલકવાળી ઘડિયાળનો ટીક ટીક અવાજ સંભળાઈ રહ્યો હતો. અચાનક વિનાયકનું ધ્યાન ઘડિયાળમાં ડાબેથી જમણે જઈ રહેલા લોલક પર સ્થિર થઇ ગયું. ઘડિયાળના કાંટા જાણે કે ઉંધા ફરીને વિનાયકને અતીતમાં લઇ જવા માટે મજબૂર કરી રહ્યા હતા! કોઈ પણ વ્યક્તિનો ભૂતકાળ ભલે ભવ્ય ન હોય પણ એ ખુદની જિવાઈ ગયેલી જિંદગીનો એક ટૂકડો તો જરૂર હોય જ છે! વિનાયકની આંખ સમક્ષ તેનું બાળપણ તરવરી રહ્યું .. તદ્દન જૂના અને સાંધેલા કપડા પહેરેલો એક નાનકડો બાળક પિતા સાથે ગણપતિની મૂર્તિ બનાવી રહ્યો હતો. 

હા એ બાળક એટલે વિનાયક... અમદાવાદનો ગુલબાઈ ટેકરા વિસ્તાર. સ્વતંત્ર બંગલાઓની લગોલગ ઉભી થયેલી ઝુંપડપટ્ટી અને ચાલીઓમાં રહેતાં ગરીબ પરિવારોમાં એક પરિવાર વિનાયકનો પણ હતો. બાપદાદાનો ગણપતિની વિશાળ મૂર્તિઓ બનાવવાનો વ્યવસાય વિનાયકે પણ બાળપણથી જ અપનાવી લીધો હતો. માત્ર પાંચ ચોપડી ભણેલા વિનાયકનો હાથ ગણપતિની મૂર્તિ બનાવવામાં એકદમ બેસી ગયો હતો. ભગવાનના ચહેરાની એક એક લકીર પર બ્રશ ફેરવતી વખતે તે મૂર્તિ સાથે જાણે કે એકાકાર થઇ જતો. વિનાયકના મોટા બંને ભાઈઓ રીક્ષા ચલાવતા. વિનાયક કિશોરાવસ્થામાં પ્રવેશ્યો ત્યારે બંને ભાઈઓ લગ્ન કરીને અલગ રહેવા જતા રહ્યા હતા. માતા પિતાનો એક માત્ર સાચો સહારો હવે નાનો દીકરો વિનાયક જ હતો. એવામાં માતાને કેન્સર થયું. પિતાને તો તે પહેલાં જ ક્ષયનો રોગ લાગુ પડી ગયો હતો. સરકારી દવાખાનાના ધક્કાના એ દિવસોમાં જ માતાએ પિતાને કહ્યું હતું  'આપણે ગયા જન્મમાં જરૂર કોઈ સારા કામ કર્યા હશે કે ભગવાને આપણને શ્રવણ જેવો વિનાયક આપ્યો છે. બસ હવે તો એક જ ઈચ્છા છે. ..મારી હાજરીમાં જ વિનાયકના લગ્ન થઇ જાય એટલે ગંગા નાહ્યા.' 

'હા..શારદા, મારી પણ એવી જ ઈચ્છા છે. કોઈ સારી છોકરી મળી જાય તો વિનાયકના  લગ્ન કરાવી દઈએ'. માતા પિતાની વાત સાંભળીને વિનાયક બોલી ઉઠયો હતો 'બાપુજી, મારે લગ્ન કરવા જ નથી.આજીવન તમારી અને બાની સેવા જ કરવી છે'. 

'અરે ગાંડા, ઉમરલાયક થઈએ એટલે સંસાર તો માંડવો જ પડે ને ?' બા બોલી ઉઠી હતી.

'બા, લગ્ન કરવાનો અર્થ જો બંને મોટા ભાઈઓની જેમ તમને છોડીને અલગ રહેવા જ જવાનું હોય તો એવા  લગ્ન મને મંજૂર નથી'.  

'દીકરા, અમે તો ખર્યું પાન કહેવાઈએ. તારી સામે તો આખી જિંદગી પડી છે. સાવ એકલા જિંદગી થોડી કાઢવાની હોય ?'

'બાપુજી, હું ક્યાં એકલો છું ? મારી સાથે તો મારા ગણપતિદાદા છે'. મૂર્તિ બનાવી રહેલાં વિનાયકે ગણપતિની સુંઢને બંને હાથ વડે યોગ્ય ઘાટ આપતાં કહ્યું હતું. 

મૂર્તિ બનાવવામાં તલ્લીન વિનાયકને  માતા પિતા અમી નજરે  નીરખી રહ્યા. મોટા બંને ભાઈઓ પ્રત્યે નાના દીકરા વિનાયકનો આક્રોશ સાવ કાઢી નાખવા જેવો પણ નહોતો. બંને ભાઈઓ પગભર થયા કે તરત પરણી ગયા હતા. સરકારે ગરીબો માટે બનાવેલાં ઔડાના રૂમ રસોડાના પાકા મકાનમાં બંને ભાઈઓ રાતોરાત અલગ થઇ ગયા હતા. બેમાંથી એકેયની પત્નીએ સમ ખાવા પૂરતો પણ એવો વિવેક નહોતો કર્યો કે તમે બધા આ ચાલી છોડીને અમારી સાથે ચાલો. મા બાપને તો બધા દીકરા સરખા જ વહાલાં જ હોય છે. આ કિસ્સામાં પણ માબાપે તો એમ જ મન મનાવ્યું હતું કે બંને દીકરા સ્વતંત્ર રહીને પણ તેમના સંસારમાં સુખી થાય એટલે ભયો ભયો.. આપણી પાસે તો નાનો દીકરો વિનાયક છે જ ને ?

જોકે એ સમયે કિશોર વયનો વિનાયક  સમસમી ગયો હતો. માતા પિતાની જવાબદારીમાંથી છટકીને અલગ રહેવા જતાં રહેલાં બંને મોટાભાઈઓ માત્ર પત્નીને જ ખુશ રાખવાની  ફિરાકમાં મા બાપને અન્યાય કરી રહ્યા હતા તેવું વિનાયકને સતત લાગી રહ્યું હતું. કદાચ તેથી જ તેણે મનોમન લગ્ન ન કરવાનું જ નક્કી કરી લીધું હતું! વિનાયક ભલે ખાસ ભણ્યો નહોતો પણ એટલી તો તેને સમજ હતી જ કે જે માતા પિતા પેટે પાટા બાંધીને  સંતાનને મોટું કરે છે. તેમના પણ કેટલાક અરમાનો હોય છે. બંને મોટા ભાઈઓનું વર્તન જોઇને વિનાયકના મનમાં લગ્નપ્રથા સામે જ આક્રોશ ઉભો થઇ ગયો હતો. લગ્નની વેદીમાં અગ્નિના સ્થાને જો માતા પિતાના અરમાનોની ચિતા સળગતી હોય તો તે લગ્ન પવિત્ર કઈ રીતે કહેવાય ? માતા પિતાના અરમાનોની લાશ પર થઈને લગ્નના ફૂલોની સેજ પર ચાલવાનું હોય તો તે વિનાયકને મંજૂર નહોતું.

થોડા દિવસો બાદ માને કેન્સર હોસ્પિટલમાં દાખલ કરવી પડી. બંને ભાઈઓ અને ભાભીઓ કોઈક ત્રાહિત વ્યક્તિની ખબર જોવા આવતા હોય તેમ હોસ્પિટલના જનરલ વોર્ડમાં થોડી વાર માટે આવીને જતા રહેતા. કહેવાય છે કે માણસને દુઃખમાં જ દુનિયાનો સાચો પરિચય થતો હોય છે. વીસ વર્ષના વિનાયકને પણ દુનિયાદારીનું જ્ઞાન બરોબર મળી ચૂક્યું હતું. તે જ વર્ષે કેન્સરથી પીડાતી મા અને ટીબીમાં કણસતા બાપે વિદાય લીધી હતી. વિનાયક માટે હવે તેની કલા જ તેનો સહારો હતી. કોઈની પણ જિંદગીમાં એકધારું દુઃખ કાયમ માટે ટકતું નથી. દુખની પાછળ સુખ હમેશા સંતાઈને ઉભું જ હોય છે! વિનાયક પણ હવે જવાબદારીથી મુક્ત થઇ ગયો હતો. અલબત્ત માતા પિતાની એક જ વર્ષમાં વસમી  વિદાયને કારણે તે એકલો જરૂર પડી ગયો હતો. હવે તેણે ખુદની એકલતાને કળામાં તબદીલ કરવાનું બીડું ઝડપ્યું હતું!  કહેવાય છે કે પીડામાંથી જ ઉત્કૃષ્ટ સર્જન થતું હોય છે! વિનાયક પણ તેની કળામાં પાવરધો થઇ ગયો હતો અને એકથી એક ચઢિયાતી મૂર્તિઓ બનાવવા લાગ્યો હતો. 

ગણપતિની મૂર્તિઓ બનાવતા બનાવતાં વિનાયક હવે દીવાલ પર સુંદર ચિત્રો પણ બનાવવા લાગ્યો હતો.એક વાર જે ફૂટપાથ પર વિનાયક મૂર્તિઓ લઈને બેસતો હતો ત્યાં એક મોંઘી કાર આવીને ઉભી રહી. વિનાયક પાછળની દીવાલ પર ભગવાન રામની મૂર્તિ દોરવામાં વ્યસ્ત હતો. ભગવાન રામની આંખોને ફાઇનલ ટચ આપવામાં વિનાયક દુનિયા ભૂલીને તલ્લીન થઇ ગયો હતો. કાર ચાલકે હોર્ન માર્યું. હોર્નના અવાજથી ચમકીને વિનાયકે પાછળ જોયું. એક કપલ મોંઘી કારમાંથી ઉતર્યું. પચાસ આસપાસના ટાલ વાળા પુરુષની સાથે ચાલીસેક વર્ષની તેની રૂપાળી પત્ની હતી.વિનાયક આ કજોડાંને નીરખી રહ્યો. ફૂટપાથ પર રાખેલી વિવિધ મૂર્તિઓમાંથી એ શ્રીમંત યુગલે ગણપતિની એક મૂર્તિ પસંદ કરી. બિલકુલ ભાવતાલ કર્યા વગર એ યુગલ એક નાની મૂત ખરીદીને રવાના થઇ ગયું.

દીવાલ પરનું ચિત્ર પૂરું કરીને વિનાયકે કપાળ પર  બાઝેલો પરસેવો લૂછીને આગળ આવી ગયેલા લાંબા વાળ બંને હાથ વડે ઊંચા કર્યા. બાજૂની લારીમાંથી ચા વાળો છોકરો ચા  લઈને આવી પહોંચ્યો હતો. વિનાયકે નીચે બેસીને ચાની ચૂસ્કી લગાવી ત્યાં જ તેનું ધ્યાન એક પર્સ પર પડયું. વિનાયક ચમક્યો...આ પર્સ તો પેલા શેઠાણીનું જ હોવું જોઈએ. વિનાયકે આજુબાજુ જોયું. રસ્તા પરનો ટ્રાફિક યથાવત હતો. વિનાયકે પર્સ ખોલ્યું. અંદર સો રૂપિયાના બે બંડલ તથા થોડાક બીલો અને કાગળિયાં હતા. જોગાનુજોગ અંદર એક વીઝીટીંગ કાર્ડ પણ હતું.વિનાયકે વાંચ્યું..સુમન જોશી ..નામની નીચે બોપલનું સરનામું હતું. પર્સમાં આ એક જ કાર્ડ હતું તેથી ચોક્કસ તેમનું જ હોવું જોઈએ તેવું વિચારીને વિનાયકે આકાશ સામે જોયું. સૂર્યાસ્ત થઇ ગયો હતો. આમ પણ હવે ધંધો બંધ કરીને ઘરે જવાનો સમય થઇ જ ગયો હતો. પર્સમાં લગભગ વીસ હજાર રૂપિયા હતા. આટલી મોટી રકમ વિનાયકે  જિંદગીમાં ક્યારેય જોઈ નહોતી. કોઈ પણ જાતનાં આડા અવળા વિચારો કર્યા વગર વિનાયકે ખભે પર્સ લટકાવીને સાયકલ ફૂટપાથ પરથી નીચે ઉતારી. સાયકલ પર બેસીને પેડલ મારતાં પહેલાં વિનાયકનું ધ્યાન દીવાલ પર દોરેલ ભગવાન રામની મૂત પર પડયું. ભગવાનની કરુણાસભર આંખો પણ જાણે કે વિનાયકની પ્રમાણિકતા જોઇને એને   આશીર્વાદ આપી રહી હતી ! લગભગ પોણો કલાક સાયકલ ચલાવીને  વિનાયક કાર્ડમાં લખેલા બોપલના સરનામે પહોંચી ગયો. બેઠા ઘાટના સ્વતંત્ર બંગલાના મુખ્ય દરવાજાની બહાર  'સુમન જોશી'નું નામ વાંચીને વિનાયકે રાહતનો દમ લીધો. બંગલાનો ઝાંપો અધખુલ્લો હતો. વિનાયક અંદર પ્રવેશ્યો. બંગલાના નાનકડા પ્રાંગણમાં વ્યવસ્થિત રીતે લેન્ડસ્કેપ કરેલી લોન વચ્ચેથી પગદંડી પસાર થઇને આગળ જતી હતી. બંને બાજુએ કુંડા ગોઠવેલા હતા જેમાં વિવિધ છોડ રોપવામાં આવેલા હતા. હજુ વિનાયક આગળ વધે તે પહેલાં જ સામેથી અઢાર ઓગણીસ વર્ષની એક સુંદર છોકરી બહાર આવી. તદ્દન સાદા ગુલાબી કલરના સલવાર કમીઝ પહેરેલી એ છોકરી સામેથી વિનાયક નજર હટાવી ન શક્યો. વિનાયકના આશ્ચર્ય વચ્ચે એ છોકરી પણ વિનાયક સામેથી નજર હટાવી ન શકી. થોડીક ક્ષણો પસાર થઇ ત્યાં અંદરથી શેઠાણીનો મોટેથી અવાજ આવ્યો 'કાજલ..કાજલ..આ થેલી તું ભૂલી ગઈ?'

કાજલ ચમકી. તેણે વિનાયકના ચહેરા પરથી નજર હટાવીને આંખો પટપટાવી. વિનાયક તો હજુ એ નિર્દોષ આંખોમાં જ ખોવાયેલો હતો.કાજલ એકદમ પાછળ ફરીને દોડી ગઈ. વિનાયક જાણે કે કોઈ સુંદર સ્વપ્ન જોઇને બહાર આવ્યો હોય તેમ અનાયાસે જ બોલી ઉઠયો.. 'કાજલ.' વિનાયકને જીવનમાં પહેલી વાર એ અજાણી છોકરી તરફ આકર્ષણ થયું હતું. હજુ ગયા વર્ષ સુધી લગ્ન કરાય જ નહી તેવું દ્રઢપણે માનનાર વિનાયકને એ છોકરીને કાયમ માટે પોતાની કરી લેવાની ઈચ્છા થઇ આવી હતી. કદાચ એ ઉમરનો તકાજો હતો.  વિનાયક હાથમાં પર્સ સાથે વીસેક ડગલાં ચાલીને બંગલાના મુખ્ય દરવાજા પાસે પહોંચ્યો. બે કલાક પહેલા તેની હાટડીમાંથી ગણપતિની મૂર્તિ લઇ ગયેલા શેઠાણી રસોડામાંથી ડ્રોઈંગ હોલમાં આવ્યા.

'અરે.. ભાઈ તું અહીં ?' વિનાયકના હાથમાં પર્સ જોઇને શેઠાણી સમજી ગયા કે આ છોકરો પર્સ પરત આપવા આવ્યો છે. તે તરત બોલી ઉઠયા... 'અમે ઘરે પહોંચ્યા કે તરત ખ્યાલ આવ્યો કે પર્સ ત્યાં જ રહી ગયું છે. સાહેબ  મને બહાર ઉતારીને તરત જ તારે ત્યાં જ આવવા નીકળ્યા છે'.

'બેન, મારે વસ્તી કરવાનો સમય થયો ત્યારે જ મારું ધ્યાન આ પર્સ પર પડયું. પર્સમાં એડ્રેસ વાળું કાર્ડ જોયું એટલે તરત અહીં આપવા દોડી આવ્યો'. વિનાયકે એકદમ શાલીનતાથી  કહ્યું.

કાજલ બંનેની વાત સાંભળી રહી હતી. શેઠાણીએ તરત પર્સ ખાલી કર્યું અને તેમાંથી સો રૂપિયાની નોટના બે બંડલ કાઢયા. શેઠાણીની બાજુમાં જ ઉભેલી  કાજલ વિસ્ફારિત નેત્રે વિનાયકની સામે તાકી રહી. કાજલ વિનાયકની પ્રમાણિકતાથી પ્રભાવિત થઇ ગઈ હતી. 

'શું નામ છે તારું ભાઈ ?' શેઠાણીએ પૂછયું 

'વિનાયક'

'વાહ, ગણપતિની મૂતઓ બનાવે છે અને નામ પણ એમનું જ રાખ્યું છે ને કાંઇ?'

'બેન, નામ તો  ફૈબાએ પાડયું હોય ને?' વિનાયકે હસીને કહ્યું.

'કાજલ, પાણી લઈ આવ અને સાંભળ ..ફ્રીઝમાં શરબતનો બાટલો છે ..વિનાયક માટે શરબત પણ લેતી આવજે'. વિનાયકને તાકી રહેલી કાજલ શેઠાણીનો આદેશ થયો એટલે તરત અંદર દોડી ગઈ. ત્યાં જ લેન્ડલાઈન ફોનની રીંગ વાગી. શેઠાણી ફોન પર વાતોએ વળગ્યા. વિનાયક વિશાળ ડ્રોઈંગ હોલ અને તેમાં ગોઠવેલા મોંઘા ફર્નિચરનું નિરીક્ષણ કરી રહ્યો. વિનાયકનું ધ્યાન તેની પાછળની દીવાલને ટેકે રાખવામાં આવેલા મોટા પેઈન્ટીંગ પર પડયું. તે ઉભો થઇને પાટ્રેેટનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવા લાગ્યો.

શેઠાણીની ફોન પર વાત પૂરી થઇ એટલે તે બોલ્યા 'વિનાયક. આ મારું ચિત્ર છે. જો ને પેઇન્ટરે  કેવી વેઠ ઉતારી છે?'

'બેન..હું પણ એ જ જોઉં છું કે બહુ ઉતાવળે દોર્યું હોય તેવું લાગે છે'

'હા તેને ગામડે જવાની ઉતાવળ હતી'.એના કામથી મને કે તારા સાહેબને બિલકુલ સંતોષ થયો નથી. એટલે તો અમે હજુ તે ચિત્ર દીવાલ પર પણ લગાવ્યું નથી'. 

એકાએક શેઠાણીને યાદ આવ્યું એટલે તરત બોલી ઉઠયા.. 'તું તો સરસ ચિત્રો દોરી શકે છે. આજે જ ત્યાં દીવાલ પર ભગવાન રામનું ચિત્ર દોરતાં તને જોયો હતો'.

'હા એ મારો  શોખ છે. જોકે અમારો મૂળ ધંધો તો ગણપતિની મૂર્તિઓ બનવવાનો જ છે'. 

ત્યાં જ કાજલ ટ્રેમાં શરબતનો ગ્લાસ લઈને આવી પહોંચી. વિનાયકે કપાળ પર આવી ગયેલા તેના લાંબા વાળ ઊંચા કરીને શરબતનો ગ્લાસ હાથમાં લીધો. શરબત પીતાં પીતાં  વિનાયકે  ઉભા ઉભા  પોટ્રેેટનું નિરીક્ષણ ચાલુ જ રાખ્યું.

અચાનક બહાર કારનું હોર્ન વાગ્યું. કાજલ બોલી ઉઠી 'બેન, સાહેબ આવ્યા લાગે છે'.

થોડી જ ક્ષણોમાં સુમનભાઈ અંદર આવી પહોંચ્યા. વિનાયકને સોફા પર બેઠેલો જોઇને તે પરિસ્થિતિ પામી ગયા. તેમને જોઇને વિનાયક ઉભો થઇ ગયો. 'બેસ ભાઈ બેસ, હું તારે ત્યાં જ ગયો હતો આજુ બાજુમાં તપાસ કરી તો ચા વાળાએ મને કહ્યું કે તું સાયકલ લઈને બહાર ગયો છે. મેં થોડી વાર તારી રાહ જોઈ. આખરે મેં ચા વાળા છોકરાને પર્સ ભૂલી ગયાની વાત કરી તો એ ચા વાળાએ મને કહ્યું 'સાહેબ કોઈ ચિંતા ન કરતા જો ખરેખર અહીં જ પર્સ રહી ગયું હશે તો ક્યાંય જશે નહી'.   એ ધરપતના આધારે જ હું ઘરે પરત આવ્યો.

'સાહેબ તેમાં એક કાર્ડ હતું તે આધારે હું અહીં પહોંચી ગયો..જો કાર્ડમાં ફોન નંબર લખેલો હોત તો પહેલાં તમને ફોનથી જ જાણ કરી દેત'.

સુમનભાઈ એ વોલેટમાંથી પાંચસોની ચાર નોટ કાઢીને વિનાયક તરફ લંબાવીને કહ્યું 'લે દોસ્ત આ રાખ..તારી પ્રમાણિકતાનો બદલો'. 

'ના સાહેબ, એ મારાથી ન લેવાય'. વિનાયક બે ડગલાં પાછળ હટી ગયો.  

'બેન. હું ફ્રૂટ લેતી આવું'. કાજલ થેલી લઈને બહાર નીકળી ગઈ.

'કહું છું આ વિનાયક પણ સરસ ચિત્રો દોરે છે. આ મારું ચિત્ર તેની પાસે જ સરખું કરાવી લઈએ તો ?' અલકાબેને પતિની સામે જોઈને કહ્યું. 

 સુમનભાઈએ વિનાયકની સામે જોયું.

'સાહેબ, હવે તેમાં ખાસ ફેરફાર ન થાય. નવું જ ચિત્ર બનાવવું પડે'.

'વિનાયક, તું બનાવી શકે ?'

'સાહેબ, હજુ સુધી મેં માત્ર ભગવાનનાં જ ચિત્રો દોર્યા છે.' વિનાયકે નિખાલસતાપૂર્વક કહ્યું. 'તો શું થયું ?  આજે અમે તારું ત્યાંની દીવાલ પરનું કામ તો જોયું જ છે.. પ્રયત્ન કરીશ તો અલકાનું ચિત્ર જરૂર બનાવી શકીશ'. સુમનભાઈ બોલી ઉઠયા. 

'સાહેબ વિચારીને કહું. મને તમારો અહીંનો ફોન નંબર આપી રાખો' સુમનભાઈએ ટીપોય કોર્નર પર રાખેલા સ્ટેન્ડમાંથી ઘરના ફોન નંબરવાળું એક વીઝીટીંગ કાર્ડ કાઢીને વિનાયકને આપ્યું.  

થોડી વાર બાદ વિનાયક શેઠની રજા લઈને સાયકલ પર ઘરે જવા નીકળ્યો. બંગલાથી થોડે દૂર કાજલ હાથમાં થેલી લઈને ચહલ પહલ વગરના સાવ સૂના રસ્તા પર ચાલીને એકલી જઈ રહી હતી.  

વિનાયકે સાયકલ ઉભી રાખી. 'કાજલ, આવા રસ્તે અંધારામાં એકલા જતાં ડર નથી લાગતો?' 

'મારું નામ પણ યાદ રાખી લીધું?' કાજલે હસીને કહ્યું. 'આ તો મારો રોજનો રસ્તો છે.આગળ જે ચાર રસ્તા આવશે ત્યાં ફ્રૂટની દુકાન છે.ત્યાં સુધી જ જવાનું છે'. 

વિનાયક સાયકલ પરથી નીચે ઉતરીને સાયકલ દોરતો દોરતો કાજલની સાથે જ ચાલવા લાગ્યો.  'તમે કેમ ઉતરી ગયા?'

'તારા સંગાથ માટે' વિનાયકે હિંમત કરીને કહી જ દીધું.

બંને એક સ્ટ્રીટ લાઈટ નીચેથી પસાર થઇ રહ્યા હતા ત્યાં જ  પાછળથી કોઈક માણસનો પડછાયો આવતો દેખાયો. જેમ જેમ પડછાયો નજીક આવતો ગયો તેમ તેમ મોટો થતો ગયો.  કાજલ અને વિનાયકના દિલના ધબકારા વધી ગયા.    

(ક્રમશઃ)

Ravi-Purti

Google NewsGoogle News